સહજપણે સચવાય તે સાચો સંબંધ

- તુષાર જોષી Wednesday 23rd September 2026 05:36 EDT
 
 

‘જો જો મને ભુલી ન જતા હો પાછા...’ એક બહેને મસ્તી કરવા મને આમ કહ્યું અને જવાબ હતો કે ‘તમને જ નહીં, તમારા પૂરા પરિવારને અમે પ્રેમ કર્યો છે, આજથી જ નહીં, પાંચ-પાંચ દાયકાથી કર્યો છે, તમને તે કાંઈ એમ ભુલાતા હશે?’

એ બહેન સાથે મારે કોલેજકાળના સંબંધો. હું ફર્સ્ટ યરમાં દાખલ થયો ત્યારે તેઓ થર્ડ યરમાં અભ્યાસ કરતાં હતાં. એ પછી સંબંધો બહેનપણીના અને બહેન-ભાઈના થયા. આજે પાંચ દાયકા થયા અમે પારિવારિક સ્વજન તરીકે આટલો સમય સાથે રહ્યા. મારા સંતાનો પણ એમને બુઆ તરીકે એટલો જ સ્નેહ આપે એનો આનંદ પણ છે ને ગૌરવ પણ છે. એક સ્વજને કિસ્સો કહ્યો અને ઉમેર્યું માણસ પાસે આવા સંબંધો હોય જેના મૂળમાં ક્યાંયે ગણિત ના હોય ત્યારે એ સંબંધોને જીવવાનો આનંદ અનોખો જ હોય છે.
મને પણ આવા સંબંધોની અનુભૂતિ છે. વાચકોને પણ આવા પ્રેમાળ સંબંધો જીવ્યાનો આનંદ હશે જ.
Human Relationshipsને વધુ દ્રઢ, મજબૂત બનાવવા માટે બે વ્યક્તિઓ વચ્ચે કેટલીક પાયાની સ્વભાવગત સહજ લાક્ષણિકતા હોવી જરૂરી છે. બેમાંથી એકમાં હશે તો સંબંધો કદાચ ટકી જશે પણ એમાં ગહનતાનો-પ્રસન્નતાનો અનુભવ નહીં થાય. એક છોડને બરાબર રીતે સમયે સમયે ખાતર, પાણી, તડકો, માવજત અને સંભાળ મળે અને બીજા છોડને ક્યારેક મળે.. આ બેમાં જે ફરક છે એવો જ ફરક બે માણસો વચ્ચેના સંબંધોમાં કાળજીનો - જતનનો પણ પ્રભાવ હોય છે.

સંબંધોને સાર્થક બનાવવા કેટલીક ખાસ બાબતો એવી હોય છે જેના કારણે બંને પાત્રો રોજેરોજ એકબીજાની વધુ નિકટ આવે છે. આવી જ એક સંવેદના અથવા આદત, ખુલીને વાત કરવાની છે, પોતાના હૃદયના ભાવોને ખુલ્લા મનથી, સાફ હૃદયથી સામેના માણસ સુધી પહોંચાડીએ તો એ પ્રામાણિક સંવાદના કારણે સંબંધોમાં પારદર્શકતા આવે છે ને સંબંધો વધુ બળકટ બને છે.

એક પરિવારમાં દીકરી થોડી વધુ સ્વતંત્ર હતી, એનો વ્યવસાય સારો ચાલતો હતો. પોતે ખૂબ સારું નામ ને સન્માન ધરાવતી હતી એટલે રાત્રે મોડી ઘરે આવે, પાર્ટી કે પિકનિક ચાલ્યા કરે. ઘરમાં ઓછો સમય રહે, સંવાદ ઓછો કરે. આ બધું કરવા પાછળ કોઈ ઈરાદો નહીં, માત્ર એની લાઈફસ્ટાઈલ એવી બની ગઈ હતી કે એના પિતાજી સાથે કારણ વિના એક અંતર થઈ ગયું. બંને એ અંતરને અનુભવે પણ કોઈ એ બાબતે વાત ન કરે. આખરે એ પિતાના કઝીન ચિત્રમાં આવ્યા. બન્ને વચ્ચે સંવાદ સહજપણે કરાવ્યો અને ગેરસમજની દિવાલ તૂટી.
વાત એટલી જ કે પૂરા વિવેક સાથે ખુલીને વાત કરવાથી સંબંધો ટકે છે. આપણે બોલચાલની ભાષામાં ઘણીવાર નથી કહેતા, ‘અરે ભલા માણસ, એકવાર વાત કરી લેને.’ આ વાત કરવાથી વ્હાલનો સેતુ બને છે એ પૂર્ણપણે સાચી વાત છે, ને એનો અનુભવ પણ છે.
એવી જ મહત્વની સંવેદના તે સામેના માણસનું સન્માન જાળવવાની છે. આપણે જેમની સાથે દાયકા જૂનો પરિચય હોય તે વ્યક્તિ આજે ઊંચા હોદ્દા કે પદ પર હોય તો એની સાથે એનું સન્માન જળવાય એમ જ જાહેરજીવનમાં વાત કરવી જોઈએ. એકલા મળો, અંતરંગ વર્તુળમાં મળો ત્યારની વાત જુદી છે.
એ જ રીતે માનવીય સંબંધોને ટકાવવામાં ભરોસો, વિશ્વાસ સૌથી વધુ ધ્યાન આપનારી બાબત બની જાય છે. એમાં પણ સ્ત્રી-પુરુષના સંબંધો દોસ્તી કે મૈત્રીમાં તો એ એકમાત્ર કારણ હોય છે જેના જોરે જીવનમાં ઉત્તમ સંબંધોની યાત્રા થતી અનુભવી છે. સંબંધોને ટકાવવામાં વિશ્વાસ જ મુખ્ય સંવેદના છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં પાંચ-સાત દાયકા જુના સંબંધો પેઢી - દર પેઢી પણ સચવાયા છે.
સંબંધોને જાળવવા પડે, સાચવવા પડે ત્યાં જ કશુંક ખૂટે છે એ વાતનો અહેસાસ થાય છે. જ્યાં બિલ્કુલ સહજ રીતે પ્રેમ – પ્રાર્થના ને પ્રસન્નતાને વહેંચાતી હોય – જ્યાં સહનશીલતા અને ક્ષમાથી સંબંધો જીવાતા હોય, જ્યાં સુખ-દુઃખમાં સહુ સાથે મળીને રહેતા હોય, જ્યાં એકબીજાને કારણ વિના મળતા રહેવાનું મન થતું હોય ત્યા સંબંધોના સ્વર્ણિમ પૃષ્ઠોનું પુસ્તક આકાર ધરે છે અને એમાંથી સંબંધોની ગરિમાનું અજવાળું રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter