‘છેલ્લા દાયકામાં ગુજરાતમાં કલા દસ્તાવેજીકરણના ક્ષેત્રમાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે તે શ્રી રમણિકભાઈ ઝાપડિયાની અથાક મહેનત અને દૂરંદેશીતાને કારણ છે.’ આ શબ્દો લખ્યા છે વલ્લભ વિદ્યાનગરસ્થિત મારા વર્ષોજૂના સ્વજન કલાના ઉપાસક શ્રી કનુભાઈ પટેલે. કલાતીર્થ ટ્રસ્ટ-સુરતના શ્રી રમણિકભાઈ ઝાપડિયા ‘કલાની સમજ આપી શકે એવાં માધ્યમો વર્તમાન સમયમાં ખૂબ જ ઓછાં છે, આવી સમજ દ્રઢ થતાં મેં કલાનું કલાવિષયક ઉત્તમ સાહિત્ય લોકો સુધી વ્યાપક પ્રમાણમાં પહોંચે એવી પ્રવૃત્તિનાં શ્રી ગણેશ કર્યાં.’ આ પ્રવૃત્તિ એટલે કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા કરાતી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ. પછી તો આ પ્રવૃત્તિમાં દાતાઓ-શ્રેષ્ઠીઓ-સરસ્વતી આરાધકો સહયોગી બનતા ગયા અને કલાના ક્ષેત્રે એક મેઘધનુષી વાતાવરણ સર્જાયું.
આપણી પ્રાચીન કલા-કસબ, સાંસ્કૃતિક વારસો માત્ર આપણી સાંસ્કૃતિક ઓળખ છે એવું નથી, આપણી જીવનશૈલીનો એક ભાગ છે અને માણસના વ્યક્તિગત કે સામૂહિક વિકાસમાં પણ એની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.
લોકકલાના, કલાના વિવિધ સ્વરૂપો સાંસ્કૃતિક ઓળખનું સંરક્ષણ કરે છે, સામાજિક સંબંધોને પ્રગાઢ બનાવે છે, સ્વરોજગારીના નિર્માણમાં મજબૂત ફાળો આપે છે અને સમાજમાં એ કલાના ધારકને માન-સન્માન અપાવે છે.
કલા મનોરંજન આપે એટલું જ પૂરતું નથી, કલા પ્રસન્નતાનો વિસ્તાર કરે છે અને ચિત્તને શુદ્ધ ઝંકૃત કરે છે અને ચિત્તને શુદ્ધ કરે છે. પથ્થર યુગના માણસથી લઈને આજના માણસ સુધીનો અભ્યાસ કરીએ તો માનવ મનની લાગણીઓની અભિવ્યક્તિ કલાના માધ્યમથી પ્રગટતી રહી છે. માણસના ઘડતરનું બહુમૂલ્ય કામ કરે છે કલા.
કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા કલાવિષયક પ્રવૃત્તિઓની નૂતન દિશાઓ વિસ્તરી રહી છે. કોઈપણ પ્રકારના વળતરની અપેક્ષા વિના માત્ર ને માત્ર કલા સંવર્ધનની ભાવનાથી તેની પ્રવૃત્તિઓ થઈ રહી છે. કલા, કસબ અને સાંસ્કૃતિક ગતિવિધિ અંગે કલાગંગોત્રી શ્રેણી અંતર્ગત 7338 પાનાંઓમાં સમાવિષ્ટ 27 ગ્રંથોનું પ્રકાશન થયું છે અને હમણાં 28મું પ્રકાશન ‘કચ્છના આહીરોનું ભરતકામ’ પ્રસિદ્ધ કરાયું છે. એક અર્થમાં અદભૂત એવું દસ્તાવેજીકરણ આ પુસ્તકના માધ્યમથી કલાચાહકો સુધી પહોંચ્યું છે.
કલાતીર્થ દ્વારા કલાપ્રદર્શનોને, કલાના ક્ષેત્રે સંશોધન કરનારને, આર્થિક સહયોગ અપાય છે. કલાકારો, ઈતિહાસવિદો, પુરાતત્વવિદો અને પરંપરાગત કલાનું જતન-સંવર્ધન કરનારા કલાકારોને ‘સંસ્કૃતિ સંવર્ધક સન્માન’થી સન્માનિત કરાય છે. કલાતીર્થની કલાગંગોત્રી જ્યાં જ્યાં પહોંચી છે, કલાજગતનું સિંચન કર્યું છે. આ પ્રવૃત્તિનો પ્રારંભ થયો ત્યારથી એમની કલાચાહના નિહાળી છે, વ્યાપારી હેતુ વિના પ્રકાશિત પુસ્તકો એમણે મોકલ્યા છે, મેં એને રસપૂર્વક વાંચ્યા છે, એમાં પ્રકાશિત વાતોને મારા કાર્યક્રમો દ્વારા - લેખન દ્વારા કલાચાહકો સુધી વહેંચી છે.
આનંદ અને ગૌરવની અનુભૂતિ કરાવે એવી ઘટના એ છે કે આ પુસ્તકો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં અને વિદેશોમાં પણ સંશોધન-સંદર્ભ ગ્રંથ તરીકે કલાચાહકોને ઉપયોગી થઈ રહ્યા છે. શ્રી રમણિકભાઈના આ કાર્યને કલાતીર્થ ટ્રસ્ટના ગુણીજન એવા તમામ પરામર્શકોનો ઉમદા સાથ મળી રહ્યો છે અને આ કાર્ય આગળ વધી રહ્યું છે. કલાજગતના કલાકારોને એક તાંતણે પરોવવાના, સંસ્કૃતિનું જતન કનારા, કલાસાધકો માટે ઉત્તમ સંદર્ભ અને સંશોધનનું કેન્દ્ર બની રહેનારા કલાતીર્થના અજવાળાં સતત વિસ્તરતા રહે એવી મંગલપ્રાર્થના અને શુભકામનાઓ.