સામૂહિક અને સાંસ્કૃતિક આનંદનું પ્રતીક છે બેઠા ગરબા

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 13th October 2021 05:45 EDT
 

‘માની કૃપા થઈ તે ફરી આપણે સહુ ગરબે ઘૂમતા થયા...’ હમણાં આ વાક્ય આપણે રોજ સાંભળીએ છીએ. ગત વર્ષે નવરાત્રિમાં કોરોનાની જેટલી તીવ્ર અસર હતી એટલે આ વર્ષે નથી અને એટલે કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પણ આદ્યશક્તિના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દર્શને જાય છે અને પોળ-સોસાયટી-શેરીમાં ગરબા પણ રમાય છે. ગુજરાતની ઓળખ ગરબો છે અને નવરાત્રિ હવે વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ પ્રસંગે જાણીતો ઉત્સવ છે.

ગરબો એટલે શું? જુદા જુદા ઉત્તરો જુદા જુદા સમયે મળે છે. માતાજીના સ્થાપન સામે ગીત-સંગીત-નૃત્યનો ત્રિવેણી સંગમ તે ગરબો, કાણાંવાળી માટલીમાં દીવડો પ્રગટાવી સ્થાપન કરાય તે ગરબો, ગરબો ગવાય, ગરબો લેવાય, ગરબો ઝીલાય. નવરાત્રિમાં ઘરે ઘરે અખંડ જ્યોત સાથે માટીના બનેલાં ગેરુ રંગ્યા છીદ્રોવાળા ગરબાનું સ્થાપન થાય. આઠમના દિવસે હવન થાય અને નોમના દિવસે નૈવેદ્ય ધરાવાય. નવરાત્રિમાં મોડી સાંજથી મોડી રાત્રિ સુધી ઘરના સભ્યો, સગાં-વ્હાલાં-પાડોશીઓ ભક્તિભાવથી બેઠાં ગરબાનું ગાન કરે. લય અને તાલ સાથે મા જગદંબાની સ્તુતિ, સ્ત્રોત, પરંપરાગત લોકગીતો, કાવ્યસંગીત વગેરે થકી માનું મહિમા ગાન થાય અને દિવ્ય વાતાવરણ ઊભું થાય. સમય જતાં ગાનાર અને સાંભળનાર ભાવાવેશમાં આવી નર્તન કરવા માંડે, રમવા માંડે. એમને મન તો એ સ્થાન જ ચાચર ચોક બની જાય.
નોરતાના દીવડાના અજવાળાં રેલાય ને ગુજરાતની સ્ત્રીઓ જાણે આદ્યશક્તિનું સાક્ષાત સ્વરૂપ હોય એમ ગરબે ઘૂમે. ગરબાના અભ્યાસીઓ નોંધે છે એમ, અનેક પ્રકારના ગરબા છે એમાંનો એક પ્રાચીન પ્રકાર તે બેઠા ગરબા. જ્યારે ઘરની બહેનો-દીરીઓ ગરબે રમવા ખુલ્લા ચોકમાં નહીં આવી શકતી હોય ત્યારે ઘરમાં બેસીને ગવાતાં આ બેઠા ગરબાનો આરંભ થયો હશે એમ મનાય છે.
તાજેતરમાં જેનો વિમોચન સમારોહ ભાવનગરમાં યોજાયો હતો એ પુસ્તક ‘પગેરું બેઠા ગરબાનું’માં લેખક-સંશોધક શ્રી જગદીશ પંડ્યા લખે છે કે ‘બેઠા ગરબા રાસ-લોકનૃત્ય ગુજરાતનું અમૂલ્ય સાંસ્કૃતિક ઘરેણું છે.’ આ પુસ્તકમાં યજ્ઞેશ આચાર્ય નોંધે છે એમ ૮૦-૯૦ વર્ષો પહેલાં ભાવનગરના નાગરોના ઘરમાં નવરાત્રિમાં માતાજીનું સ્થાપન થતું, એ સમયે માતાજી તેડ્યા એમ કહેવાતું.
જૂનાગઢમાં લગભગ સો વર્ષ જુની પરંપરા છે બેઠા ગરબા ગાવાની. ગુજરાતના અનેક શહેરોમાં અને મુંબઈમાં ખાસ કરીને વિલેપાર્લે-સાંતાક્રુઝ અને અંધેરીમાં આજે પણ બેઠા ગરબા ઘર-ઘરમાં ગવાય છે. સુંદર અને મધુર કંઠ, શુદ્ધ ઉચ્ચારો સાથે બેઠા ગરબાનું સંવર્ધન કરવામાં નાગરોનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે.
બેઠા ગરબા હવે તો સોસાયટી ઉપરાંત મંદિરોમાં ને સ્ટેજ પર કે ટીવીના પડદે પણ ગવાય છે. એક સ્ત્રી ગાય અને બાકીના ઝીલે. ઈતિહાસ સાથે જોડાયેલી એક ઘટનાનો સંદર્ભ ટાંકીને યજ્ઞેશ આચાર્ય લખે છે કે જૂનાગઢમાં બેઠા ગરબામાં માત્ર પુરુષો જ ભાગ લે એવું પણ બન્યું છે. બેઠા ગરબા પારંપરિક ગરબા, લોકગીત અને શાસ્ત્રીય સંગીત પર આધારિત હોય છે. બેઠા ગરબાની પરંપરાનું સંવર્ધન થતું રહ્યું છે ને એનો વ્યાપ વધતો ગયો છે એ ખૂબ જ આનંદની વાત છે.
બેઠાં ગરબા સાંસ્કૃતિક અને સામાજિક રીતે અણમોલ ધરોહર છે. બેઠા ગરબા સાવ સાહજિકરૂપે ગવાય છે ને ઝીલાય છે. તૈયારી વિનાની તૈયારી સાથે એ ગવાય છે. એના ગાયન સમયે માઈક સિસ્ટમ કે વાજિંત્રોની જરૂર નથી. કેવળ કંઠનો ઉપયોગ તાળી, ચપટી ને ઠેસ, લયબદ્ધ, તાલબદ્ધ ગાયન ને નર્તન એક અર્થમાં પરંપરાગતરૂપે ગવાતા આ બેઠા ગરબા એ સામૂહિક અને સાંસ્કૃતિક આનંદનું પ્રતીક છે.
આ વર્ષે માઈમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. ગુજરાત ટુરિઝમ દ્વારા પણ વિવિધ પવિત્ર યાત્રાધામોમાં મહાઆરતી મહોત્સવના આયોજન થયા. માની કૃપાના અજવાળાં રેલાયા છે અને એ અજવાળાં આપણને હવે આરોગ્યપ્રદ જીવન આપશે એવી પૂર્ણ શ્રદ્ધા સહુને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter