સૂરીલા દંપતીનો સુગંધી સથવારો કેમ વિસરાય રે...

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 25th May 2021 06:20 EDT
 

‘તમે સરસ સંચાલન કર્યુ, હવે આપણે નિયમિત મળતા રહીશું...’ મારી શ્રી રાજેશ વૈષ્ણવ સાથેની પહેલી મુલાકાત સમયે તેઓએ મને આ વાક્ય કહ્યું હતું. ૧૯૯૦ના દાયકાના આરંભે ભાવનગર મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં હું સંચાલનમાં હતો, તેઓ વ્યવસ્થામાં હતાં. પારિવારિક વડીલ, અમારા માટે પિતાસમાન અને બહેન દિપ્તિ તથા પ્રીતિ દેસાઈના પિતા શ્રી સુરેન્દ્રભાઈ દેસાઈના માધ્યમથી થયેલો રાજેશભાઇનો પરિચય ત્રણ દાયકાનો રહ્યો. સૂર-શબ્દના માધ્યમથી અને પારિવારિકતાથી અમે જોડાયેલા રહ્યા. નાના ભાઈની જેમ મારા પર એમણે અપાર પ્રેમ અને વાત્સલ્ય વરસાવ્યું.

શ્રીમતી માધુરી વૈષ્ણવ અને શ્રી રાજેશ વૈષ્ણવની જોડી ભાવનગરમાં અને બહારગામના સંગીત પ્રેમીઓમાં ‘કેવા રે મળેલા મનના મેળ...’ ગીતની વાસ્તવિક છબી બની રહી. એથી જ આંગળીના વેઢે ગણાય એટલા દિવસો પહેલા ફાનિ દુનિયા છોડી જનાર માધુરીબહેનની પાછળ રાજેશભાઈએ પણ કદાચ અંનતની વાટ પકડી. આ બંને આજે આપણી વચ્ચે શરીરથી ભલે નથી, સ્મરણોથી - સૂરથી - શબ્દોથી - ઓડિયો-વીડિયો આલ્બમોથી, તસવીરોથી અને ‘સુરીલી સાંજ’ના માધ્યમથી હંમેશાં જીવંત રહેશે. આપણી આસપાસ જ રહેશે.
એમના પરિચિતો કહે છે, સ્મરણ કરે છે એ મુજબ કોલેજના સમયથી સંગીતમાં ગાયનમાં અને મુકેશજીના ગીતો ગાવા ખૂબ જ ગમે. રાજેશભાઈને, ભાવનગર મહાનગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે જોડાયા પછી લાંબો સમય સંગીતમાં માત્ર શ્રોતા રહ્યા.
૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં રાજેશ બારોટ, નરેન્દ્ર ચાવડા, અતુલ દવે અને મેં મિત્રો સાથે મળી ‘માધુરી ગૃપ’ના કાર્યક્રમો કર્યા ત્યારથી અને દોસ્ત જયેશ દવે સાથે અમે ભાવનગરમાં ‘ગ્રામોફોન કલબ’ શરૂ કરી ત્યારથી તેઓની બીજી ઇનિંગ સંગીત ક્ષેત્ર શરૂ થઈ. અખિલ ભારત ગઝલ ગાયન સ્પર્ધામાં દીપ્તિ દેસાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યારે મુંબઈમાં એના પ્રથમ સોલો પરફોર્મન્સ સમયે પણ રાજેશભાઈ વાત્સલ્યભાવ સાથે સંગીતમાં સાથે રહ્યાં. મુરબ્બી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના આયોજન અને પ્રેરણા હેઠળ દીપ્તિ દેસાઈ તથા પાર્થિવ ગોહિલના સંગીત કાર્યક્રમો સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદરમાં નવરાત્રીમાં થયા ત્યારે પણ રાજેશભાઈ સંગીત સંચાલનમાં સાથે રહ્યા. ભાવનગર બહાર વલસાડ (તીથલ) ૧૯૯૬માં અને કચ્છ (ગઢશીશા)માં પણ રાજેશભાઈ - માધુરીબહેન ૧૯૯૭માં કલાકાર તરીકે અમારી સાથે પ્રસ્તૃતિ માટે આવ્યા એ મીઠા સંભારણા હજુ પણ અકબંધ છે.
સીધુંસાદું વ્યક્તિત્વ. ઓછું બોલે, મધુર હાસ્ય વધુ કરતા રહે. ઘરમાં સહુને આવકારે - જમાડે... ભાવનગરના કલાકારો માટે તો તેઓ બંને જાણે વાત્સલ્યની અમૃતધારા જ હતા.
કી બોર્ડ પ્લેયર દેવેન્દ્ર મહેતા માટે ૧૯૯૭-૯૮માં મુંબઈસ્થિત દાતાના સૌજન્યથી રૂ. ૫૦,૦૦૦નું કી બોર્ડ તેઓએ અપાવ્યું હતું. ગુરુ - ગાર્ડીયન - પિતા સમાન હતા રાજેશભાઈ એમના માટે... સ્વાતિ પાઠક પણ કહે છે કે જૂની હિંદી ફિલ્મોના ગીતો એમના કારણે શીખી. દરેક કાર્યક્રમમાં માઈક બેલેન્સીંગમાં સ્વાતિ પાસે રાજેશભાઈ એક જ ગીત ગવડાવે ‘રહે ના રહે હમ, મહેકા કરેંગે.... શું એ પણ ગર્ભિત સંદેશ હશે?
સૂરીલી સાંજ સાથે ૩૭મા કાર્યક્રમથી જોડાયેલા ગાયક હરિત ધોળકિયા કહે છે કે એમણે સહુને દીકરા-દીકરીની જેમ સાચવ્યા છે. સૂરીલી સાંજ એક ગ્રૂપ નહીં ફેમિલી હતું.
માધુરીબહેનને ‘મમ્મા’ તરીકે સંબોધતી સુરભી પરમાર પણ સ્વીકારે છે કે આજે હું જ્યાં પણ પહોંચી છું એમાં રાજેશભાઈ-માધુરીબહેન મારા માટે માતાપિતા અને ગુરુ સમાન રહ્યા છે.
તમામ કલાકારો કહે છે કે કોરોનાકાળમાં કલાકારોની સ્થિતિ ખરાબ હતી અને હજુ છે તેવા સમયે કોઈ જાહેરાત વિના રાજેશભાઈએ કેટલાય કલાકારોને ખૂબ આર્થિક મદદ કરી છે.
સહુના માટે આદરણીય અને અત્યંત લાગણીશીલ કલાકાર શ્રી કમલેશ આવસ્થીએ લખ્યું છે ‘અત્યંત સૂરીલા, સંન્નિષ્ઠ અને સાલસ સ્વભાવ ધરાવતા રાજેશભાઈ અમર રહેશે.’
કલાકારોના પ્રેમી અને સંગીતના ચાહક મુરબ્બી યજ્ઞેશ આચાર્ય લખે છે કે આ બંનેનો ખાલીપો સદેહ અનુભવાશે પણ તેમના સ્વરાત્માથી ભાવનગરનો કલાપથ મહેકતો રહેશે.
એ જ રીતે કલાકાર - પત્રકાર જયેશ દવે પણ કહે છે કે ‘રાજેશભાઈ તમારા વિના તો સાંજ સૂરીલી કેમ બને?’
ભાવનગરના સાહિત્યપ્રેમી અને જાણીતા કોન્ટ્રાક્ટર શ્રી ભરતભાઈ કોટિલાએ યજ્ઞેશભાઈને કહ્યું કે ‘હું રાજેશભાઈને ૧૯૮૦થી ઓળખું છું, અદભુત નિખાલસ, નિષ્કલંક અને નિઃસ્વાર્થ વ્યક્તિત્વ હતા તેઓ...’ થિઓસોફિકલ સોસાયટીના શ્રી સહદેવભાઈ, સિદ્ધાર્થભાઈ અને લગભગ પ્રત્યેક સંગીતપ્રેમીના હૃદયમાં રાજેશભાઈ જીવંત છે. રાજેશભાઈ-માધુરીબહેનના પુત્રો સુરીલ અને હીરેન, પુત્રવધુઓ દીપ્તિ અને શિવાની તથા પૌત્ર ચિન્મય અને પૌત્રી વૃષ્ટિને પણ રાજેશભાઈ-માધુરીબહેન વિનાનું ઘર જાણે ભેંકાર હોય એવું લાગે છે.
મારા ત્રણ દાયકાના સંબંધમાં રાજેશભાઈને અત્યંત હર્ષના પ્રસંગે અને અત્યંત વ્યથિત હોય તેવા પ્રસંગે ભીની આંખે પરિસ્થિતિનો સ્વીકાર કરતા જોયા છે. મૌન થતાં જોયા છે. આપણી પાસે પણ એમની અનંત તરફની યાત્રાને સ્વીકાર્યા વિના શું ઉપાય છે? હા, એમની ઈચ્છા હતી કે સૂરલી સાંજના ૩૦૦ શો પૂરા કરવા છે, અત્યારે ૨૭૪ થયા છે. સહુ સાથે મળીને એમનું એ સપનું યોગ્ય સમયે પૂરું કરીશું તો આપણી આસપાસ એમની ઉપસ્થિતિ સતત અનુભવાશે અને સાચી સ્વરાંજલિના અજવાળાં રેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter