સ્મરણયાત્રાઃ પ્રેમ સાથે આરંભાય છે અને પરમ સુધી લઈ જાય છે

અજવાળાં અજવાળાં

તુષાર જોષી Tuesday 19th September 2023 09:35 EDT
 
 

તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે... લો આ ગઈ ઊનકી યાદ વો નહિ આયે... પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા... બહાર વરસાદી વાદળો વરસી રહ્યા છે અને હૃદયમાં સ્મરણોનાં વાદળો વરસી રહ્યા છે. યાદ, સ્મૃતિ, સ્મરણ... વીતેલી ઘટનાનું વીતેલા સમયનું, આજે સાથે હોય અથવા ન હોય એવા પ્રિયજન સાથે વીતાવેલી સમયની સ્મૃતિ... ક્ષણોની સ્મૃતિ... સ્મરણ એટલે એક એવી અનુભૂતિ જેમાં પૂર્વમાં જોયેલી વસ્તુ, વ્યક્તિ - ઘટનાની યાદ તાજી થાય. સ્મરણ એટલે આજે વર્તમાનમાં કંઈક જોઈએ અને વીતેલા સમયનું એવું જ કશુંક યાદ આવી જાય.
અગુમ્બે (કર્ણાટક)માં સનસેટ નિહાળતા હોઈએ અને માઉન્ટ આબુનો સનસેટ યાદ આવે, ઊડુપીમાં ડેલ્ટા બીચ પર હો અને તીથલનો દરિયો યાદ આવે. સ્મૃતિ માત્ર અહીં જ નથી અટકતી, જે તે સમયે સાથે હોય તે પ્રિયજન – સ્વજન, એમની સાથેની ધમાલ–મસ્તી, સંવાદ, રિસામણા-મનામણાં... કેટકેટલું યાદ આવી જાય.
સ્મરણ કેમ થાય? કોનું થાય? ક્યારે થાય? કાલ્પનિક હોય કે સત્ય ઘટનાનું હોય? અનેક સવાલોના અનેક જવાબો છે. સ્મરણો આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. વીતેલા વર્ષોના સ્મરણો જેમની સાથેના છે એ આજે સાથે છે તો એમને વળગી પડીને આજે તું બહુ યાદ આવી એમ કહીએ છીએ અને સાથે નથી તો મનોમન જાણે એની સાથે સંવાદ કરીએ છીએ. એ ક્ષણો અવર્ણનીય હોય છે. ક્યારેક આ સ્મરણ પ્રેમ આપે ને ક્યારેક પીડા પણ આપે. સ્મરણો આપણા માટે સંજીવની બને છે, સ્મરણો આપણા માટે જીવવાનું એક કારણ બને છે. આટલું વાંચતાં વાંચતા તો વાચકના હૈયામાં પણ કોઈને કોઈ પાત્રની સ્મરણયાત્રાનો આરંભ થઈ ચુક્યો હશે. એ સ્મરણયાત્રા આપણી એવી યાત્રા છે જે પ્રેમ સાથે આરંભાય છે અને આખરે પરમ સુધી લઈ જાય છે. એક પાત્ર, એક વ્યક્તિ, એનો હસતો - ગાતો- કામ કરતો - પ્રકૃતિના ખોળે હસતો રમતો ચહેરો આપણને યાદ રહી જાય છે. એને યાદ કરવાની પ્રક્રિયામાંથી પસાર નથી થવું પડતું કારણ કે એનું સ્મરણ શ્વાસ બનીને જીવાડે છે. કેટલીક વાર તો એવું બને કે સ્વજન બહુ દૂર ના પણ હોય, પરંતુ કોઈ કારણસર એને વર્ષો સુધી મળવાનું ન થયું હોય, ‘આપણે મળીશું, હવે તો ચોક્કસ મળીએ, કેટલા વર્ષોની કેટલી બધી વાતો કરવી છે...’ આવું આવું શબ્દોમાં અભિવ્યક્ત થાય પણ મળવાનું ના થાય ને ક્યાંય વળી રૂબરૂ મુલાકાત જ ના થાય છતાં એના સમાચાર વહેતી હવા થકી જાણે મળ્યા કરે. આ સમયે સ્મરણની સુગંધથી આપણે તરબતર હોવાની અનુભૂતિ કરીએ છીએ. સ્મરણને ક્યાં કોઈની પરવાનગીની જરૂર છે?
ચિનુ મોદી લખે છે,
‘બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
નામ – સરનામા વગરના કાગળોની જેમ છે.’
આપણને જેનું સ્મરણ થાય એનો ચહેરો તો પ્રભુના વિગ્રહની જેમ આપણા હૈયામાં અંકિત થયેલો હોય, અનેકવાર મોબાઈલ પર એના નંબર ટાઈપ થઈ જાય, પ્રકૃતિના ખોળે જીવતા હોઈએ ત્યારે જાણે એ સાથે ચાલે છે એમ સંવાદ થઈ જાય. ક્યારેક કારમાં અમુક ગીતો વાગતા હોય ત્યારે બાજુમાં આવીને જાણે એ બેસી જાય. ક્યારેક નજર સામે આવીને મીઠું હસીને અલોપ થઈ જાય અને આપણે ઊભા રહી જઈએ બસ પ્રતિક્ષા કરતા... શયદા સાહેબે લખ્યું છે,
‘દિલની અને દીપકની, હાલત છે એક સરખી
એ પણ બળ્યા કરે છે, તે પણ બળ્યા કરે છે’
સ્મરણો વરદાન છે, ક્યારેક અભિશાપ પણ હશે, પરંતુ સ્મરણ માણસ માત્રને ગમે છે. કોઈ પાત્ર વિશે વિચારતા હોઈએ અને એનો ફોન આવે તો આપણે કહીએ છીએ, ‘તું સો વર્ષનો થઈશ, તને યાદ કર્યો અને તું આવ્યો...’ ક્યારેક આપણે પ્રિયજનનો ફોન આવે તો કહીએ છીએ, ‘અરે, પ્રવાસનું આયોજન કરતા હતા ને તારો ફોન આવ્યો...’
તમે પણ તમારા જીવનમાં આવા જ પ્રેમપૂર્ણ – અર્થપૂર્ણ સંબંધો જીવ્યા હશો. પ્રવાસોએ ગયા હશો. ભવિષ્યના આયોજનો કર્યા હશે. ગીત–સંગીત-નૃત્ય–નાટ્યના કાર્યક્રમો માણ્યા હશે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પછી એ શોખ હોય, વ્યવસાય હોય, નોકરી હોય કે અન્ય હોય... આપણને ગમતા માણસો સાથે વીતાવેલી ક્ષણો સ્મરણમાં રહી જાય છે. એ ક્ષણો - એ સ્મૃતિ આપણા જીવનમાં અજવાળાં પાથરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter