સ્વચ્છતાઃ માત્ર વાતો નહીં, અમલ પણ આવશ્યક

તુષાર જોશી Tuesday 24th May 2016 15:04 EDT
 

‘સર, આપકી બાત સચ્ચી હૈ, મગર જબ સહી જગા મિલેગી તબ હી મેં ગાડી રોકુંગા.’ ભાંગીતૂટી હિન્દીમાં કેરાલીયન ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર શફીકે કહ્યું ત્યારે મુસાફરોને થોડો સમય એના પર ગુસ્સો આવ્યો. પરંતુ શફીકે આવું કેમ કહ્યું તે વાત જાણવી પણ એટલી જ રસપ્રદ છે.
અમદાવાદમાં વર્ષોથી સ્થાયી થયેલા પરિવારની ગૃહિણી મનીષા પતિ-બાળકો સાથે લાંબા સમયથી પ્રવાસમાં ગઈ ન હતી. એવામાં એની બહેન દર્શનાનો ફોન આવ્યો અને દર્શનાએ જીજાજી સાથે ફોનમાં વાત કરી. એમાંથી આકાર લીધો પારિવારિક પ્રવાસે. દર્શના અને તેના પતિ મનીષે સંપૂર્ણપણે ભરોસો મૂક્યો મનીષાના પતિ પર. ‘તમે નક્કી કરો તે સ્થળ - સમય અને રૂપિયા ખર્ચીને આપણે સાથે પ્રવાસે જઈએ.’
અમદાવાદના જ એક પારિવારિક મિત્ર અને ટ્રાવેલ એજન્ટની સલાહ-માર્ગદર્શન સાથે નક્કી થયું કે મે મહિનામાં કેરળના પ્રવાસે જવું. મનીષાની દીકરી ધ્વનિએ પ્રવાસ આયોજન માટેનું પ્લાનિંગ, ટિકિટ, સ્થળ, હોટેલ તથા વાહન પસંદગી બધું જ કર્યું અને સૌ પહોંચ્યા કોચી (અર્નાકુલમ).
God's own country તરીકે ઓળખાતા કેરળમાં પગ મૂકતાં જ સમુદ્રના મોજાંના ઘુઘવાટથી વાતાવરણમાં નાદનો અનુભવ થયો. જ્યાં જ્યાં નજર પડે ત્યાં લીલીછમ હરિયાળી. માણસોમાં રહેલી સરળ અને સાહજિકતા હૃદયને સ્પર્શી ગઈ. માત્ર સોલર એનર્જીથી સંચાલિત કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ જોઈને બધા પ્રભાવિત થયા, મંદિરોની શિલ્પકલા અને પૂજાવિધિએ અધ્યાત્મજગત સાથે નાતો જોડ્યો. પેરિયાર નદીની આસપાસ વિસ્તરેલા નાના-નાના આઈલેન્ડ અને બેકવોટરે અનોખી ભાવસમૃદ્ધિ આપી.
તેજાનાઓ ને ચાના બગીચાની સુગંધે અસ્તિત્વને તરબતર કર્યું. પહાડો, વહેતાં ધોધ, ૫૦-૫૦ ફૂટ ઊંચા વૃક્ષોથી છવાયેલા જંગલો અને મે મહિનામાં આવેલા પહેલાં વરસાદે સહુને આનંદ વર્ષામાં ભીંજવ્યા. મુન્નારના જંગલોમાં નિવાસ સમયે વહેલી સવારે પાવા જેવી વ્હિસલ વગાડતા કુકુ નામના પક્ષીનો મધુર અવાજ સહુને આનંદવિભોર કરી ગયો. સમૃદ્ધિ અને શુકનના પ્રતિક ગજરાજ સાથેના કલાકો બાળકોને જ નહીં, મોટાઓને પણ આનંદિત કરી ગયા.
એવામાં એક રાત્રીએ દર્શનાના દીકરા દેવાર્થના પેટમાં ગરબડ થઈ. ઝાડા થયા. દવાઓ લીધી. બીજા દિવસે પ્રવાસ આગળ વધ્યો અને ૧૨-૧૩ વર્ષના એ બાળકને ફરી ટોઈલેટ જવાના સંજોગો આવ્યા. ડ્રાઈવર શફીકને બે-ત્રણ વાર કહ્યું કે આવા સંજોગો છે. ગાડી ઊભી રાખવી જ પડશે તો એણે જી સર, જી સર... કહ્યા કર્યું. આખરે જરા પ્રેશરપૂર્વક એને કહેવાયું ત્યારે એણે અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં કહ્યું કે, ‘સર, યે હમારી કેરાલા કી ભૂમિ હૈ, Why you come here? ક્યું કી યહાં પ્રકૃતિ કા સૌંદર્ય હૈ. ઈસ સૌંદર્ય પે ગંદકી ફૈલા કે ના હમ ઈસે ગંદા કરેંગે ના આપકો ભી ઈસે ગંદા કરના ચાહેંગે.’ આખરે થોડાક અંતરે સુલભ શૌચાલય આવ્યું ત્યાં વાહન રોકાયું. આરંભે તમામ મુસાફરોને આકરો લાગેલો નિર્ણય ડ્રાઈવરની માતૃ-ભૂમિ માટેની લાગણીના આદર માટે હતો તેની પ્રતીતિ થતાં એને અભિનંદન આપ્યા ને પ્રવાસ આગળ વધ્યો.

•••

સાવ સામાન્ય લાગતી ઘટનામાં કેરળની ભૂમિ માટેની એક સામાન્ય માણસની લાગણી સમાયેલી છે. તેને આ કાર્ય માટે કોઈ એવોર્ડ મળવાનો ન હતો છતાં એણે એની ધરતીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ તો પાર પાડ્યો જ. સ્વચ્છતા માટેનો એનો આગ્રહ સહુના માટે એક પોઝિટિવ ઊર્જાનું સ્થાન બની ગયો. સ્વચ્છતાની વાતો કરવી, નારા લગાવવા, ફોટા પડાવવા - સૂત્રો બોલવા ને જીવનમાં પ્રત્યેક તબક્કે સ્વચ્છતાના ગુણોને આત્મસાત કરવા એ અલગ બાબતો છે. ઈશ્વરદત્ત પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી ને તેનું સંવર્ધન એ પ્રત્યેક વ્યક્તિની સામાજિક જવાબદારી છે. ઘરઆંગણાથી લઈને જાહેર સ્થળોની સ્વચ્છતાની આપણે જાળવણી કરીએ ત્યારે શુભ અજવાળું રેલાય છે.

લાઈટ હાઉસ

Everyone must be his own scavenger.

- Mahatma Gandhi


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter