‘ઘસાઈને ઉજળા થઈએ, બીજાના ખપમાં આવીએ’ સૂત્રને ખરા અર્થમાં જીવી જાણનાર જયંતિલાલ બારોટ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 14th November 2022 07:09 EST
 
 

‘એમના આચાર-વિચારમાં રાષ્ટ્રપ્રેમ, પક્ષ અને સંગઠન ધબકતાં જણાય છે...’ ‘પ્રજા કલ્યાણના કાર્યો માટે એમણે જીવન સમર્પિત કર્યું છે...’ ‘સાદગી, પરિશ્રમ અને સંઘર્ષનો સમન્વય હતો એમના વ્યક્તિત્વમાં...’ આ અને આવા સહજ વાક્યો એમની સાથે કામ કરનારા લોકોએ અમને કહ્યા અથવા લખીને આપ્યા એમાં એ દિવંગત વ્યક્તિત્વ પ્રત્યેનું માન પ્રગટ થતું હતું. થોડાક સમય પહેલાં એક જીવનચરિત્ર લેખન નિમિત્તે જેમના વિચાર અને કાર્યોને સમજવાની કોશિષ કરી એ વ્યક્તિત્વની અહીં વાત કરવી છે. એ વ્યક્તિત્વ એટલે સ્વર્ગસ્થ શ્રી જયંતિલાલ બારોટ. સહુની જેમ જ સામાન્ય માણસ તરીકે જન્મ લઈને જયંતિલાલ બારોટે એમના જીવનમાં માણસ માત્રના ઉત્કર્ષ માટે, રાષ્ટ્રપ્રેમથી પ્રેરિત થઈને અસામાન્ય કાર્યો કર્યાં. એમના સુપુત્ર તરુણ બારોટ કહે છે કે, ‘ઘસાઈને ઉજળા થઈએ, બીજાના ખપમાં આવીએ’ આ વાક્ય તેમને બહુ ગમતું હતું અને જયંતિલાલ બારોટ જીવન આ વાક્યને બરાબર રીતે જીવ્યા હતા. ભારત સેવા કેન્દ્રના માધ્યમથી માનવ સેવાની આ મશાલ અમારે પણ પ્રજ્વલિત રાખવી છે.’
મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં લક્ષ્મીબહેન અને સીતારામભાઈના પરિવારમાં 24 ઓગસ્ટ 1942ના રોજ એમનો જન્મ થયો. 1960માં એમના લગ્ન થયા હંસાબહેન સાથે. પરિવારમાં ચાર સંતાનો થયા, જેઓ જયંતિભાઈના આદર્શોને સાચવીને જીવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે.
એમની યુવા અવસ્થામાં જ લીડરશીપના, સંગઠનના ગુણો પ્રગટવા માંડ્યા હતા. આથી ગામના યુવાનોનો સાથ લઈને તેઓએ લીંચ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, લીંચ પ્રગતિ યુવક મંડળ વગેરેની સ્થાપના કરવામાં ઊંડો રસ લીધો, અને જે તે સમયે ગ્રામ વિકાસના અનેક કાર્યો સફળતાથી પાર પાડ્યા હતા. લીંચ ગામના સરપંચ તરીકે સતત 13 વર્ષ અખંડ સેવા, ભાવના સાથે ગ્રામ વિકાસનું કામ કર્યું.
રાષ્ટ્રવાદની વિચારધારા સાથે કામ કરતા ભારતીય જનસંઘ રાજકીય પક્ષમાં તેઓ જોડાયા. 1971માં જનસંઘના મહેસાણા જિલ્લાના સંગઠન મંત્રી તરીકે કામગીરી સ્વીકારી ત્યારથી લઈને તેઓ એમના જીવનના અંત સુધી પછીથી ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાયેલા એ પક્ષની વિચારધારાને સમર્પિત રહ્યા. સંગઠનમાં અદભૂત અને પાયાનું કામ કર્યું. લોકોનો વિશ્વાસ સંપાદિત કરીને પક્ષ સાથે જોડ્યા.
11 મહિનાનો ‘મીસા’નો કારાવાસ, પંચાયતી રાજ ક્ષેત્રની કામગીરી, ખાદી બોર્ડ, રાજ્યસભાના સાંસદ, હાઉસિંગ બોર્ડ અને પછાત વર્ગ વિકાસ નિગમની કામગીરીમાં જીવ રેડીને જાણે તેઓએ કામ કર્યું. ‘કાકા’ના ઉપનામથી ઓળખાતા જયંતિલાલ બારોટે સતત કોઈ જ અપેક્ષા વિના સેવા કર્યા કરી. ‘સેવા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરતા શ્રી સીતારામ સેવા ટ્રસ્ટ-લીંચ દ્વારા આજે પણ માનવસેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે.
જયંતિલાલ બારોટ સાથેના સ્મરણો યાદ કરનારા મોટાભાગનાએ કહ્યું કે તેઓએ ઘર કે પરિવાર કરતા પક્ષ અને રાષ્ટ્રહિતને જ મહત્ત્વના ગણ્યા હતા. પક્ષના કાર્યકર્તાઓનું મજબૂત ઘડતર કર્યું. વિપરિત સ્થિતિમાં પણ પક્ષ પ્રત્યેની નિષ્ઠાથી જીવ્યા. બધાને મદદ કરી પણ હોદ્દાની રૂએ પોતાના પરિવારને ક્યારેય કોઈ લાભ ના મળે એની પૂરે તકેદારી રાખીને ઈમાનદારીથી જીવ્યા. આજે પણ એમનું નામ યાદ કરનારા કાર્યકરો ગુજરાતના ગામડે ગામડે મળી આવે છે, જે જયંતિલાલ બારોટે મેળવેલા જનવિશ્વાસની નિશાની છે. સામાન્ય માણસ પોતાના પ્રશ્નો લઈને એમની પાસે જાય તો એનો વિશ્વાસ હોય કે મારું કામ થશે જ!!! સતત પ્રવાસ કર્યો, સતત સંગઠનના કામ કર્યા, ક્યારેય થાક્યા નહીં, દંભ અને આડંબર વિના સાદગીથી જીવ્યા.
એમના પત્ની હંસાબહેન કહે છે કે ‘મારા પતિ જે જીવન જીવ્યા તેનું મને ગર્વ છે.’ સરળ, પ્રેમાળ વ્યક્તિત્વના સ્વામી, જયંતિલાલ બારોટે એમના સંતાનોને રાષ્ટ્રવાદ અને શિસ્તના સદગુણો વારસામાં આપ્યા છે. એમની સાથે કામ કરનારા શ્રી પુરુષોત્તમ રૂપાલા જયંતિલાલ બારોટેને ‘પાર્ટીના પેટવડિયા મજૂર’ તરીકે ઓળખાવે છે તો એવા જ જૂના સાથી શ્રી હરિન પાઠક એમને ‘નખશિખ ઈમાનદાર-પાર્ટીને વફાદાર વ્યક્તિત્વ’ તરીકે સહજન સ્મરણ કરે છે.
સામાન્ય માણસ અને પાર્ટીના સંગઠન માટે જ તેઓ જીવ્યા હતા. કોઈ એક જ્ઞાતિ કે પ્રદેશના નહીં, પૂરા ગુજરાતના સંગઠનના વાહક હતા જયંતિલાલ બારોટ એટલે ગુજરાતના કોઈ પણ ગામના કાર્યકરો સાથે તેઓને જીવંત સંપર્ક હતો. આખ્ખાયે ગુજરાતના ગામોના શેરી-ગલીના રસ્તાઓ એમના મનના જીપીએસમાં જાણે અંકિત હતા. જનસંઘ અને ભાજપાની મહત્ત્વપૂર્ણ યાત્રાઓના આયોજનમાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા હતા.
મહેસાણા જિલ્લામાં લીંચ ગામથી શરૂ થયેલી એમની સમાજસેવાની અને માનવસેવાની યાત્રાના મીઠા-મધુરાં સ્મરણો કર્મવીર જયંતિલાલ બારોટ ગ્રંથમાં સચવાયા છે. એમ કહોને કે પાને પાને એમના જીવનચરિત્રના સદગુણોના દીવડાંના અજવાળાં રેલાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter