પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા એ પોતીકી માલિકીનું ઘર ખાલી કરીને હવે નજીકના વિસ્તારમાં જ વધુ સારા-મોટા અને લેટેસ્ટ સુવિધાઓવાળા ઘરમાં જવાનું હતું.
આપણે બધાં કોઈપણ દેશમાં રહેતા હોઈએ, ક્યારેક તો જૂનું ઘર ખાલી કરવાનો આવો પ્રસંગ જરૂર અનુભવ્યો હોય છે. આવા પ્રસંગે એ ઘરમાં વીતાવેલા વર્ષોના સંભારણા, સુખદુઃખના પ્રસંગો, આસપાસના સાથીઓ સાથે કેળવેલા સંબંધો, લાગણીભીના પ્રસંગો અને ઉષ્માપૂર્ણ ચહેરાઓ... કેટકેટલું છૂટતું હોય છે.
કવિશ્રી બાલમુકુંદ દવેની ખૂબ જાણીતી કવિતા ‘જૂનું ઘર ખાલી કરતાં...’માં મધ્યમ વર્ગની ઘરબદલીનો આવો પ્રસંગ અદભૂત રીતે ઝીલાયો છે. નાની-મોટી વસ્તુઓ આપણે સાથે લઈ જઈએ છીએ કે પછી કોઈને ભેટ આપી દઈએ છીએ. એમાં એ વસ્તુની આર્થિક કિંમત મહત્ત્વની નથી પરંતુ એ વસ્તુ સાથેની માયા-લાગણી જોડાયેલી છે. એક સ્ત્રી પરણીને આવે ત્યારે જે તે સમયના રિવાજ મુજબ એટલે સ્ટીલનો તિજોરીવાળો કબાટ અપાતો હતો. હવે 35 વર્ષ પછી નવા ઘરના ફર્નિચરમાં એ સેટ થાય એમ નથી એટલે એ સ્ત્રી એ કબાટ કોઈને આપી તો દે છે પણ એ પળે એનું કંઈક છૂટી રહ્યું છે એની અનુભૂતિ એને જરૂર કોરી ખાય છે. એક સમયે ઘરના બાળકોને કે યુવાનોને જેના વિના ચાલતું ન હતું એવી અનેક વસ્તુઓ – રમકડાંઓ હવે નકામા થઈ જાય છે. પુસ્તકો ને સંદર્ભ સાહિત્ય પણ એ જ રીતે બિનઉપયોગી થઈ જાય છે અને પછી એ યોગ્ય જગ્યાએ આપીને સંતોષ માનવો પડે છે.
હા, એક આનંદ જરૂર છે, આજે આપણે જે ઉપયોગી નથી તે વસ્તુઓ આજે જેમને ઉપયોગી છે એમને આપવાનો આનંદ. સોસાયટીના સિક્યુરિટી, હાઉસકિપિંગ સ્ટાફ તથા અન્ય કામ કરનારાઓને પ્રેમથી-સન્માનથી ભોજન કરાવવાનો આનંદ. આસપાસના પાડોશીઓ સાથે જતાં જતાં હળવા-મળવાનો કે પ્રસાદ આરોગવાનો, મંદિરમાં શુભ વિધિવિધાન કરવાનો આનંદ.
એક સ્થળ, જેની સાથે લાંબા વર્ષોથી માયા હોય છે એ છોડીને કોઈ નવી જગ્યાએ જવું દુઃખદ પણ છે અને સુખદ પણ છે. અલબત્ત, નવી જગ્યાએ જવાનો હેતુ શુભ હોય, વિકાસની દિશામાં હોય, એક નવી ઊડાન તરફ હોય તો એમાં સુખની, આનંદની અનુભૂતિ વધુ હોય છે. કારણ કે શુભ અને લાભ સાથેની એ ગતિ હોય છે.
ઊંમરના છ દાયકા વીતાવ્યા એમાં ચોથીવાર આ રીતે શુભત્વ સાથે ઘર બદલવાનો અનુભવ કરી રહ્યો છું. સ્વાભાવિક છે કે બાળપણથી લઈને આજ સુધીના એ તમામ પરિવર્તનો સ્વેચ્છાએ-સ્વીકારીને જ થયા છે, એનાથી સારી અને સાચી દિશામાં જ ગતિ થઈ છે.
પ્રકૃતિનો નિયમ છે કે પરિવર્તન અફર છે, એનો સ્વીકાર કરીને જો જીવીએ તો એમાંથી આનંદ અને પ્રસન્નતા જરૂર અનુભવાય છે, હૃદયમાં ભજન અને ભરોસો વધે છે.
મકાન ઈંટ-ચુનો-પથ્થર કે લાકડાથી બને છે, એમાં રહેનારા લોકોની સંવેદનાથી એ ઘર બનતું હોય છે. આ ઘર જે હાશ આપે, આ ઘર જે તીર્થ બની રહે, આ ઘર જ્યાંથી પ્રેમનો પ્રસાદ વહેંચાય એવા ઘરમાં રહેનારાના વાણી, વર્તન, વ્યવહારમાં એ ઘરની ઊર્જાના અજવાળાં પ્રગટતાં રહે છે.