‘ધાર્યું થાય તો હરિકૃપા અને ના થાય તો હરિઈચ્છા...’

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 30th January 2023 04:51 EST
 

‘આપણું ધાર્યું થાય તો હરિકૃપા અને ના થાય તો હરિઈચ્છા...’ આ વાક્ય પૂજ્ય મોરારિબાપુની કથાના શ્રોતા તરીકે છેલ્લા ચાર દાયકામાં મેં અનેક વાર સાંભળ્યું છે એવું સ્મરણમાં છે. શ્રવણનો મહિમા યથાર્થ ત્યારે થાય છે જ્યારે આપણે જે સાંભળીએ એના સૂત્ર – સારને આપણા જીવનમાં અનુભવીએ, આચરણમાં પણ મુકીએ. આ વાત અહીં સહજપણે લખાઈ ગઈ એનું કારણ તાજેતરમાં બનેલી એક ઘટના છે, જેમાં હરિઈચ્છાનો અનુભવ કર્યો.

મારી યુવા અવસ્થાથી મને પ્રવાસનો શોખ, પરંતુ કોઈને કોઈ કારણે લાંબા કે નિયમિત પ્રવાસો એટલા ન થાય. છેલ્લા દાયકામાં હરિકૃપાથી પરિવાર અને પ્રિયજનો સાથે ખુબ ફરવાનું થયું એનો આનંદ છે. લગભગ દર વર્ષે પ્લાન બનાવીએ કે જેસલમેર જઈએ... પણ ગોઠવાય નહીં. આ વખતે શિયાળામાં બે-ત્રણ મહિના બધા જ બુકીંગ કરાવ્યા અને 22 સભ્યો જેસલમેર જવાની ભરપૂર તૈયારી કરતા હતા. હવે થયું એવું કે એક પછી એક એમ સાવ સાચ્ચા કારણોસર ટિકિટો કેન્સલ થતી ગઈ અને અમે માત્ર પાંચ વ્યક્તિઓ જ જેસલમેર જઈ શકીએ એવી સ્થિતિ આવી ગઈ.
અહીં જ કથાના સૂત્રને આચરણમાં મૂકવાની અનુભૂતિ થઈ. લાંબા સમયથી એક મનોરથ હતો તે પૂરો નહીં થાય એની કોઈ એન્ઝાઈટી મનમાં ન આવી. સહજપણે એ વાતનો પણ સ્વીકાર કર્યો. ફરી ગોઠવીશું કહીને છેલ્લા પાંચ વ્યક્તિની ટિકિટો પણ કેન્સલ કરાવી. જેસલમેર ડેઝર્ટમાં જ્યાં રહેવા માટે બુકીંગ કરાવ્યા હતા એમને પરિસ્થિતિ સમજાવી તો એમણે પૈસા રિફંડ ન આપ્યા, પરંતુ કેરી ફોર્વડ કરવા સંમતિ આપી. અહીં હરિકૃપાનો પણ અનુભવ થયો જ કારણ કે નહીં તો એ પૈસા તો ગયા ખાતે જ ગણવાના હતા.
પછી જેસલમેર નહીં તો કચ્છના રણમાં જઈએ એમ ગોઠવીને અમે પાંચ ઉપરાંત બીજા ત્રણ એમ આઠ સભ્યો કચ્છના રણમાં - કચ્છમાં અને અન્ય સ્થળોના પ્રવાસે જઈ આવ્યા. પ્રવાસનો અનહદ આનંદ લીધો. જલસા કર્યાં.
મોટાભાગે આપણો અનુભવ રોજિંદા જીવનમાં હોય છે કે આપણા મનમાં ઈચ્છાઓ પ્રગટે, મનોરથો થાય, પ્લાનિંગ કરીએ. કેટલીક વાર બધું સીધું ઉતરે અને આપણે કહીએ કે, ‘હરિકૃપાથી આ બધું સારું ગોઠવાયું છે.’ પરંતુ જ્યારે જ્યારે એનાથી વિપરિત કશુંક થાય ત્યારે આપણે બેચેની અનુભવીએ, ઘાંઘા થઈએ, નિરાશ થઈએ, આવું આવું બનતું હોય છે. એના બદલે જો જે સૂત્રનું શ્રવણ કર્યું એને સમજીએ – પામીને જીવવાની કોશિશ કરીએ તો ઉદ્વેગ નથી થતો. પરિસ્થિતિનો સહજ સ્વીકાર થાય છે અને એમાંથી જ કોઈ બીજો માર્ગ શુભત્વ તરફ આપણને લઈ જાય છે.
સુખ અને દુઃખની વ્યાખ્યાઓ માણસે માણસે, સમયે - સમયે બદલાતી જ રહે છે પરંતુ એક સર્વ સામાન્ય વ્યાખ્યા એવી છે કે મનને અનુકૂળ પરિસ્થિતિ એટલે સુખ અને પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે દુઃખ. હવે દુઃખમાંથી પણ સુખ પ્રાપ્ત કરવાના આદર્શની ખોટી વાત કરવાનો એ સમયે અર્થ નથી હોતો, પરંતુ એ સ્થિતિનો પણ સ્વીકાર કરી લઈએ, મનને અને વિચારોને થોડા શાંત રાખીએ તો પછી આગળ જતાં એ દુઃખ હળવું પણ થઈ શકે છે. જે સ્થિતિ આવી એમાં કોઈ એક વ્યક્તિ કરતાં પરમ તત્વની જ ઈચ્છાને આપણે પામીએ તો મન શાંત થશે અને બીજો માર્ગ મળશે.
વર્ષ 2015માં અમે કોચી પહોંચ્યા ત્યાંથી ચાર દિવસ લક્ષદ્વિપ ક્રુઝમાં જવાનું હતું, આગલા દિવસે જ એ ક્રુઝ ખરાબ થયું, બીજું હતું નહીં. ક્રુઝનો આનંદ પહેલી વાર મળવાનો હતો. બધું પાણીમાં ગયું. દીકરીઓ અને ભત્રીજાઓ ડીસ્ટર્બ થયા પણ આખરે દરિયાકિનારે બેસીને જ નવેસરથી પ્લાનિંગ કર્યું તો પુવાર બીચ, કોવલમ બીચ, રામેશ્વર અને અન્ય સ્થળોનો પ્રવાસ કરીને પણ આખરે બધા રાજી તો થયા જ. એ સમયે પણ આ ઘટનાને હરિ ઈચ્છારૂપે સ્વીકારી હતી.
મારા - તમારા - સહુના જીવનમાં અનેક વાર આવી ઘટનાઓ બનતી જ હોય છે, એ ઘટનાઓ જ આપણને જીવનની પાઠશાળાના મહત્ત્વના લેશન આપે છે, સૂત્ર સમજાવે છે.
આપણે ત્યાં વાંચન–શ્રવણ અને મનનનો ખૂબ જ મહિમા છે, એને આત્મસાત્ કરવાનો પ્રયત્ન પણ આપણે કરીએ જ છીએ, પરંતુ આખરે એ બધામાંથી જે મેળવ્યું - જે અર્થ પામ્યા, જે અનુભૂતિ થઈ એને જીવી જવાનો વિશેષ મહિમા છે. શબ્દના અજવાળા સમજણના અજવાળારૂપે આપણા જીવનમાં જ્યારે પથરાય ત્યારે ત્યારે સહજ સ્વીકારના અને એમાંથી શુભત્વના અજવાળાં પણ અનુભવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter