‘ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ’

અજવાળું અજવાળું

તુષાર જોષી Friday 25th September 2020 07:01 EDT
 
 

‘મેં આ પ્રયત્નને સત્યના પ્રયોગો એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે, પણ મારે મન સત્ય જ સર્વોપરી છે. આ સત્ય તે સ્થૂલ - વાચાનું સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તો આપણે કલ્પેલું સત્ય જ નહીં, પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય, એટલે કે પરમેશ્વર જ.’

મોહનદાસ કરમચંદ ગાંધી, જેમને સમગ્ર વિશ્વ બાપુ, મહાત્માના નામે ઓળખે છે એમણે તેમની આત્મકથા આરંભે પ્રસ્તાવનામાં આમ લખ્યું છે. આગળ જતાં તેઓ લખે છે, ‘ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.’
સત્ય - પ્રેમના આ સંસ્કારો આટલા તીવ્ર કેમ અને ક્યાંથી થયા? બાળપણથી નિશાળમાં ભણતા ત્યારે બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં ન આવડ્યું, ‘હરિશચંદ્ર’ નાટક જોયું એમ જ નહીં, મનમાં અનેકવાર ભજવ્યું. થાય કે બધા હરિશચંદ્ર જેવા સત્યવાદી કેમ ન થાય? સમજાયું કે વિપત્તિઓ ભોગવીને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય.
એક સાવ સૂકલકડી માણસ, લોકભાગીદારી સાથે અંગ્રેજ સરકારને ભારત છોડવા મજબૂર કરી શકે એવી હિંમત એમનામાં ક્યાંથી આવી હશે? જવાબ એમના બાળપણની ઘટનાઓમાંથી મળે છે. ગાંધીજી ભૂત-પ્રેતથી ડરતા હતા, તેમની દાઈ રંભાએ સમજાવ્યું કે ડરનું ઔષધ રામનામ છે, રામનામનો જપ ભલે લાંબો સમય ના કર્યો પણ રામનામથી અભય થવાય એ બીજ બાળપણમાં રોપાયું ને રામનામ જીવનના છેલ્લા શ્વાસ સુધી ગાંધીજી માટે અમોઘ શક્તિ બની રહ્યું. તેમણે રામરક્ષા સ્ત્રોતના થોડોક સમય પાઠ પણ કર્યાં અને પોરબંદરના લાધા મહારાજ પાસેથી રામાયણ પણ સાંભળ્યું. ગાંધીજીએ લખ્યું છે, ‘હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.’ શ્રીમદ્ ભગવદ્ ગીતાએ એમના નિરાશાના સમયે અમૂલ્ય સહાય કરી છે.
ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો કોણ હશે? ગાંધીજીએ જ એમની આત્મકથામાં જવાબ આપ્યો છે અને એ મુજબ રાયચંદભાઈએ એમના જીવન સંસર્ગથી, ટોલ્સટોયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ પુસ્તકથી અને રસ્કિને ‘અન ટુ ધ લાસ્ટ- સર્વોદય’ નામના પુસ્તકથી એમના પર અસર કરી હતી.
અન્યાય અને અપમાન સહન કરવાની અસમર્થતા જાહેર કરીને ગાંધીજીએ મનોમન અંગ્રેજ હકુમત સામે જંગની તૈયારી કરી એનો ટર્નિંગ પોઈન્ટ સમાન પ્રસંગ એટલે દક્ષિણ આફ્રિકામાં ડર્બનથી શરૂ થયેલી ટ્રેન યાત્રા. મોરિત્સબર્ગ સ્ટેશને પહેલા વર્ગના ડબ્બામાં જ્યાં ગાંધીજી બેઠાં હતા ત્યાં એક ઉતારુ આવ્યો. ગાંધીજી સામે જોયું. બહાર જઈને બીજા બે અમલદારોને લઈને આવ્યો. અને છેલ્લા ડબ્બામાં જવા કહેવાયું. ગાંધીજીએ દલીલો કરી, આખરે ના કહી. સિપાઈ આવ્યો. તેમને ધક્કો મારી નીચે ઉતાર્યા - ટ્રેન રવાના થઈ ગઈ. એમણે નક્કી કર્યું કે રંગદ્વેષના આ રોગને નાબૂદ કરવો. આખરે અનેક પ્રયાસો અને સંપર્કો પછી ગાંધીજી બીજી ટ્રેનમાં ગયાં.
આજકાલ ‘સેવા’ શબ્દ સમાજજીવનમાં જે રીતે પ્રયોજાય છે અને આપણે જે દ્રશ્યો જોઈએ છીએ એ જરા ચિંતા કરાવે. સેવા આવી હોય? એવો પ્રશ્ન કરાવે છે ત્યારે ગાંધીજીને મન સેવા એટલે શું? ગાંધીજી માનતા હતા કે જે સેવામાં આનંદ નથી મળતો તે નથી સેવકને ફળતી, નથી સેવ્યને ભાવતી. જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ એશઆરામ કે ધનોપાર્જન ઈત્યાદિ પ્રવૃત્તિ તુચ્છ લાગે છે.
સત્યાગ્રહ આશ્રમની સ્થાપના અમદાવાદમાં કેમ થઈ? ગાંધીજી લખે છે તે મુજબ અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધુ સારું થઈ શકશે એમ લાગતું હતું. અમદાવાદ ધનાઢ્ય લોકોનું ગામ હતું એટલે આર્થિક મદદ મળી રહેશે એ પણ ગણતરી હતી. શ્રી જીવણલાલ બારિસ્ટરનું કોચરબમાં આવેલું મકાન ભાડે લીધું ને આશ્રમ શરૂ કર્યો. સમય જતાં મરકીનો રોગ કોચરબ ગામમાં ફેલાવાથી જગ્યા બદલવાનું નક્કી થયું. હાલ જે જગ્યા છે તે સ્થાનેથી જેલ પણ નજીક પડે એ વળી પ્રલોભન હતું ગાંધીજીને મન... જમીન પર એક પણ મકાન ત્યારે ન હતું. તંબુમાં રહ્યા હતા. એમાંથી આજે જે આશ્રમ આપણે જોઈએ છીએ બન્યો... ને ગાંધીજીના જીવનના અનેક સંભારણા અહીં સચવાયા.

•••

આઝાદીની મુક્ત હવામાં જ જન્મ લેનાર મારા જેવા કરોડો નાગરિકો ઉપર ગાંધીજીના અનેક વિચારો પ્રેરણા આપનાર ચાલકબળ બની રહ્યા છે. ગાંધીજીની આત્મકથા ઉપરાંત એમના પુસ્તકો જેમ કે, ‘ગામડાંની પુર્નરચના’, ‘આશ્રમજીવન’, ‘ગ્રામ સ્વરાજ’, ‘સર્વોદય દર્શન’, ‘પ્રેમપંથ’ વગેરે વાંચવાથી એમના વિરાટ વ્યક્તિત્વના અનેક સબળ પાસાંઓનો - સદગુણોનો આપણને પરિચય થાય છે અને મહાત્માના અનેક વિચારો થકી આજના આપણા જીવનમાં પણ સમજણના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter