અજાણ્યાનો આધારઃ સુધીર અને જ્યોતિ પુરોહિત

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 08th February 2020 05:19 EST
 

બાઈબલના જૂના કરારમાં ઉલ્લેખ છે, ‘એક દિવસ તું આ ભૂમિ પર અજાણ્યો હતો’. મતલબ તમે જ્યારે અજાણ્યા હો ત્યારે કોઈકની મદદ મળી જ હોય. તો બીજા અજાણ્યાનો આધાર બનવાની તમારી પણ ફરજ છે. આપણી સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવઃ’ની વાત અજાણી નથી. આ સંસ્કાર વારસો હવે માત્ર ભારતમાં ય શબ્દોમાં સચવાયેલો જોવા મળે છે ત્યારે જર્મનીમાં વસતા એક બ્રાહ્મણ દંપતી જર્મનીમાં એ વારસો સુપેરે જાળવી રહ્યા છે. આ દંપતી છે સુધીર અને જ્યોતિ પુરોહિત.

સુધીરભાઈ રસ્તે જતાને ય જમવા પકડી લાવે એવો તેમનો સ્વભાવ. જર્મનીમાં ભણવાનું ખર્ચ ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા કરતાં ઘણું ઓછું આવે. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની શિક્ષણ ફી નથી. રહેવા-જમવા અને શિક્ષણ સાહિત્ય માટે વિદ્યાર્થીએ ખર્ચ કરવું પડે. આને કારણે તાજેતરમાં જર્મનીમાં ભણવા આવનાર ગુજરાતી વિદ્યાર્થીઓ વધ્યાં છે. આવા સંખ્યાબંધ અજાણ્યા ગુજરાતી વિદ્યાર્થીઓને તેમણે રોટલો અને ઓટલો પૂરાં પાડવાનું કામ વિના સ્વાર્થે, પરોપકાર વૃત્તિથી પ્રેરાઈને કર્યું છે. આ ઉપરાંત અન્ય ગુજરાતીઓને રહેવાનું ઠેકાણું ના હોય ત્યારે એની કાયદેસરની મુશ્કેલી દૂર થાય ત્યાં સુધી રાખવાનું કામ એમણે કર્યું છે.
એમને ત્યાં રાખેલી વ્યક્તિને સારી નોકરી મળે અને શહેર છોડે અને અન્યત્ર જાય ત્યારે જ્યોતિબહેન એવાને જમવા બોલાવે. નાળિયેર આપે અને કુમકુમ તિલક કરીને વિદાય આપે. પશ્ચિમી જગતમાં સંખ્યાબંધ ગોરાં યુવક-યુવતી પરણતાં પહેલાં જ નક્કી કરતાં હોય છે કે ભવિષ્યમાં છૂટાં પડવાનું થાય ત્યારે સંતાનોને કોણ રાખશે અને રાખનારને શું મળશે? વળી ક્યારે છૂટા પડવું પડે એ નક્કી ના હોવાથી ઘરખર્ચ પણ અડધું અડધું હોય તેવા સ્વકેન્દ્રી સમાજમાં આ દંપતી ભારતીય સંસ્કાર અને આતિથ્ય માટે નમૂનારૂપ છે.
સુધીરભાઈમાં આ સંસ્કારવારસો એમના પરિવારની દેણ છે. પાદરા પાસેના દશપુરાના વતની સુધીરભાઈના વડદાદા હરિશંકર ૨૫૦ વીઘાના જમીનદાર. ઘેર ઢોરઢાંખર અને નોકરચાકરનો રસાલો. દશપુરા અને પાદરા નજીક નજીક. પાદરાની ગાયકવાડી રાજમાં જાહોજલાલી. પાદરા બજારનું મથક. અહીં સુધીરભાઈના દાદા રમણલાલનું લાકડાનું પીઠું અને વેપાર. રમણલાલ અતિથિ વત્સલ. ગામડેથી પાદરા હટાણે આવેલો કોઈક દેખાય તો આગ્રહ કરીને ઘરે જમવા લઈ આવે. રોજ બે-ચાર માણસ આમ જમે. આ બધું નાનપણમાં બાળ સુધીર જુએ. આ સંસ્કાર હૈયામાં ભરીને તે મોટી વયે જર્મની આવ્યા.
સુધીરભાઈ પાદરામાં હાઈસ્કૂલમાં ભણીને કોલેજમાં દાખલ થયા. એકાદ વર્ષ પછી પિતાની ઈચ્છા છતાં ભણવાનું છોડ્યું. માને કે ‘દાદા, પિતા વગેરે ઓછું ભણીને ધંધા કરતા તો હું ય કરી શકું.’ પછીના જમાનામાં જમીનદારી ગઈ અને પરિવારમાં જમીનો વહેંચાતાં, પિતા ઠાકોરભાઈની આર્થિક અટવામણો જોઈને, પોતે કમાઈને પિતાનો બોજ ઘટાડવાનો પણ વિચાર હતો. આ વિચારથી ગામના જ વતની શશીકાંત પટેલની વલ્લભ વિદ્યાનગરની ફેક્ટરીમાં નોકરીએ વળગ્યા. કામની ધગશ, ચીવટ અને નિષ્ઠાથી શશીકાંતભાઈ ખુશ. એમના નાના ભાઈ અરવિંદભાઈ જર્મની જવાના તે જાણ્યું અને તેમણે ય અરવિંદભાઈ સાથે જર્મનીની વાટ પકડી.
જર્મનીમાં આરંભમાં કેટલાંક વર્ષ અજાણી ભૂમિમાં ટકવા માટે જે કામ મળ્યું તે કર્યું. ૧૯૮૨માં શશીકાંતભાઈના સંબંધે ઈંગ્લેન્ડના લેસ્ટરમાં વસતાં મહેન્દ્રભાઈ વ્યાસની બહેન જ્યોતિ વ્યાસ સાથે લગ્ન ગોઠવાયું. જ્યોતિબહેન સુશિક્ષિત. પરિવારને તેવો જ સંસ્કારી યુવક જોઈતો હતો અને ગોઠવાયું. બ્રિટિશ નાગરિક હોવાથી જ્યોતિબહેન યુરોપિયન યુનિયનના કોઈ પણ દેશમાં રહી શકે. જ્યોતિબહેન જર્મની આવ્યાં. તેમના પતિ સુધીરભાઈને પણ લગ્નથી હક્ક મળતાં પ્રશ્ન ના રહ્યો.
જ્યોતિબહેન યુએસ આર્મીના જર્મન સેક્ટરમાં એકાઉન્ટમાં કામ કરે છે. ઘરથી સવાસો કિલોમીટર દૂરની ઓફિસમાં ટ્રેનો બદલીને અઢી કલાકે પહોંચે. રોજ જવા-આવવામાં પાંચ કલાકથી વધુ સમય કાઢે. સુધીરભાઈને પણ નોકરી હોય. આવા જીવન વચ્ચે પણ સુધીરભાઈ મહેમાન પકડી લાવે અને જ્યોતિબહેન હોંશથી મહેમાનને રાખે, જમાડે. સુધીરભાઈ મહેમાન લાવતાં ના થાકે તો જ્યોતિબહેન નોકરીની હાડમારી વચ્ચે પણ સસ્મિત અતિથિને આવકારે.
પુત્ર વિકેશ એમબીએ છે. પુત્રી મિનલ કોર્પોરેટ લોયર છે. બંને ઈંગ્લેન્ડમાં સ્થાયી છે, છતાં બાળકો નાનાં હતાં, ભણતાં હતાં ત્યારે પણ નોકરી, બાળકોનો ઉછેર વગેરે છતાં આ દંપતીની આતિથ્ય પ્રવૃત્તિ અતૂટ રહી છે. માને છે કે જીવનમાં આપણને ઘણાંએ થોડી-વધારે મદદ કરી છે તો આપણે તે પરંપરા ચાલુ રાખવી જોઈએ. વિના સ્વાર્થે, સમય, પૈસા અને શરીર ઘસીને આવું કરનાર દંપતી વિરલ હોય. બંને સેવામાં એકબીજાનાં હરીફ અને એકબીજા માટે સર્જાયાં હોય તેવાં છે. યશની કે બદલાની ઈચ્છા વિના આવું આતિથ્ય દુર્લભ છે. પોતાના વિશે લખાય કે ફોટો મૂકાય તે પણ તેમને ગમતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter