અનામત પ્રથાની સમયમર્યાદાનું નિર્ધારણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 30th September 2015 07:43 EDT
 
 

ભારતની આઝાદીને દાયકાઓ વીત્યા છતાં અનામત પ્રથા એવી તે જામી પડી છે કે એને દૂર કરવાની તો શું, સમીક્ષા કરવાની વાત થાય કે રાષ્ટ્રીયસ્તરે ઉહાપોહ મચી જાય છે. હમણાં રાષ્ટ્રીયસ્તરે અને અનેક રાજ્યોમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સુપ્રીમો ડો. મોહનજી ભાગવતે સંઘનાં સાપ્તાહિક ‘પાંચજન્ય’ અને ‘ઓર્ગનાઈઝર’ને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ના વિચારવિષયક મુલાકાતમાં અનામત વિશે ટિપ્પણી કરી અને જનવિસ્ફોટ થઈ ગયો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતે એક સમિતિ બનાવીને કેટલા સમય માટે, કેટલા લોકોને અનામતની જરૂર પડશે એ નક્કી કરવાની વાત છેડી હતી. વાતનું વતેસર થઈ ગયું. બિહારમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ ભાગવત-વાણી પ્રગટ્યાનાં કટુફળ ભાજપના નેતૃત્વવાળા મોરચાએ ભોગવવાં ના પડે એટલે ભાજપની નેતાગીરીએ પણ પિતાતુલ્ય સંઘસુપ્રીમોની વાતને નકારી કાઢવી પડી.

હકીકતમાં ડો. ભાગવતની વાતમાં કોઈ નવી ઘોષણા તો હતી નહીં. મુશ્કેલી એ છે કે રાજનેતા અને મીડિયા આવી વાતનો વિવાદ ચગાવે છે ત્યારે અગાઉના દસ્તાવેજોનો અભ્યાસ કરવાનું ભાગ્યે જ પસંદ કરે છે. સંઘ માટે અનામતની વાત આવે ત્યારે એનું નિમિત્ત મહદ્‌અંશે ગુજરાતનાં અનામતવિરોધી આંદોલન જ રહ્યાં છે. આ વેળા થોડો ફરક એ પડ્યો છે કે અગાઉ અનામત વિરોધી ભૂમિકા લેનારા ગુજરાતના પટેલો પોતાને અન્ય પછાત વર્ગો(ઓબીસી)માં સામેલ કરાવવા માટે જંગે ચડ્યા ત્યારે એમની ભૂમિકા એ હતી કે ‘કાં અનામત પ્રથા દૂર કરો અથવા અમનેય ઓબીસીમાં સમાવીને અનામતના લાભ અપાવો.’ આંદોલન દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગને પણ અનામતના લાભ અપાવવાની વાત ખૂબ ગાજી. ગુજરાતમાં માસ-હિસ્ટિરિયાનો માહોલ હોય ત્યારે તર્ક કે તથ્યોને કાન દેવાનું ભાગ્યે જ કોઈને ફાવે છે. ગુજરાતી પ્રજા ભાવાવેશમાં ખૂબ આવી જાય છે, એ પછી હિંદુત્વનો મુદ્દો હોય કે અનામતનો.

આરએસએસના સત્તાવાર દસ્તાવેજો અને પ્રકાશનોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થઈ ગયું છે કે સંઘની નીતિ અનામતપ્રથા કાયમી ધોરણે અમલમાં રાખવાની નથી. અનામતની કાખઘોડીને શક્ય એટલી જલદી ફગાવી દેવાની આરએસએસની નીતિ હોવા છતાં એણે નાછૂટકે અનામત પ્રથા ચાલુ રાખવા સંમતિ આપવી પડે છે. ગુજરાતમાં ૧૯૮૧ અને ૧૯૮પમાં અનામતવિરોધી આંદોલનો થયાં ત્યારે તેમાં પટેલોની અનામતવિરોધી ભૂમિકા ખૂબ જ સક્રિય અને આક્રમક હતી. એ વેળા સંઘની સુપ્રીમ બોડી કે સંસદ એટલે કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં થયેલા ઠરાવ અને તત્કાલીન સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસ(બાળાસાહેબ)નાં ભાષણ કે મુલાકાતોના શબ્દો અને વર્તમાન સરસંઘચાલકનાં વક્તવ્ય કે મુલાકાતના શબ્દોમાં કોઈ જ ફેરફાર નથી.

૧૯૮૧માં પ્રતિનિધિ સભા નાગપુરમાં મળી હતી. એ વેળા વડાં પ્રધાન ઈંદિરા ગાંધી હતાં. પ્રતિનિધિ સભાના ઠરાવમાં વડાં પ્રધાનના મતનો ટેકો લેવામાં આવ્યો છે અને કહેવાયું છે કે અનામત કાયમી વ્યવસ્થાનો ભાગ ના હોઈ શકે અને જેટલી જલદી આ કાખઘોડીને ફગાવી દેવાય એટલું સારું. સંઘ મેરિટ અને એફિશિયન્સીનો આગ્રહ રાખે છે. વળી, આર્થિક ધોરણે અનામત થકી પછાત વર્ગોના વિકાસનો સમર્થક છે. હિંદુ એકતા પર સંઘ ભાર મૂકે એ સ્વાભાવિક છે. સાથે જ અનામત પ્રથાને ચાલુ રાખવાનો આગ્રહ સેવવાની સાથે જ ‘તટસ્થ સામાજિક વિચારકોની સમિતિ રચીને અનામતના પ્રતાપે પેદા થતાં પ્રશ્નો તેમ જ હરિજનો અને આદિવાસીઓના ઉત્થાન માટેના ઉપાયોની ભલામણ’ કરવાનો આગ્રહ સેવે છે.

નાગપુરમાં પ્રતિનિધિ સભાની એ બેઠક પછી દિલ્હી ગયેલા સરસંઘચાલક બાળાસાહેબે ‘ગુજરાતમાં હિંદુઓ વચ્ચેની લડાઈથી બેચેની અને પીડા’ થતી હોવાનું અનુભવતાં ૧ર એપ્રિલ, ૧૯૮૧ના રોજ પ્રતિપદાઉત્સવના ભાષણમાં કહ્યું હતુંઃ ‘પ્રતિનિધિ સભામાં એટલું જ કહ્યું હતું કે આપ લોકો ચર્ચા કરતી વખતે આપ સૌ હરિજન છો એવું માનીને ચર્ચા કરશો તો કદાચ યોગ્ય દૃષ્ટિકોણ રજૂ કરી શકશો.’

ત્રીસ વર્ષ સુધી અનામત પ્રથાના અમલ પછી પણ સમસ્યા ઉકેલાય નહીં અને સમાજનું વિઘટન થતું હોય એ વિશે બાળાસાહેબે ચિંતા વ્યક્ત કર્યાનું ‘હિન્દુ સંગઠન ઔર સત્તાવાદી રાજનીતિ’માં નોંધાયું છે. દિલ્હીના ભાષણમાં એમણે કહ્યું હતું : ‘અનામત નક્કી જરૂરી છે, પરંતુ એને કેટલા સમય માટે અમલમાં રાખવી એ ચર્ચાનો વિષય થઈ શકે છે. અનામતનાં લાભદાયક પરિણામ મળવાં જોઈએ; એનાથી વિપરીત અનામતના નામે સંઘર્ષ નિર્માણ થઈ રહ્યો છે.’

૧૯૮પની બીજી ઓક્ટોબરે દિલ્હીના રામલીલા મેદાન પર હિંદુ સંગમમાં ભાષણ કરતાં સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે અનામતની તરફેણ તો કરી હતી, પરંતુ એના મૂલ્યાંકનથી એના પ્રતાપે કેટલો લાભ થયો એની સમીક્ષાનો આગ્રહ પણ સેવ્યો હતો. અનુસૂચિત જાતિ અને જનજાતિને માટે વધુ ૧૦ વર્ષ અનામત ચાલુ રાખવા ઠરાવ કર્યાનું કહ્યું હતું. ‘રાષ્ટ્રધર્મ’ માસિકને ઓક્ટોબર ૧૯૮પમાં આપેલી મુલાકાતમાં સરસંઘચાલક બાળાસાહેબે સ્પષ્ટ કહી દીધું હતું: ‘અનામત અંગે આદર્શ સ્થિતિ તો એ ગણાય કે કોઈ પણ પ્રકારની અનામતની જરૂર જ ના રહે. પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિમાં અનામત જરૂરી છે.’ ‘કેટલીક હદ સુધી અનામત અનિવાર્ય હોવી જોઈએ, અન્યથા એ નિહિત સ્વાર્થનું સ્વરૂપ ધારણ કરી લે છે.... જોકે જાતિનો વિચાર છોડીને આર્થિક પછાતપણાના આધારે અનામતની વ્યવસ્થા કરવી પડશે.’ કોંગ્રેસની ૧૯૯૧-’૯પની નરસિંહરાવ સરકારે આપેલી આર્થિક આધારવાળી ૧૦ ટકા અનામતને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠરાવી રદ કરી છે એ જરા જાણ સારુ.

આરએસએસના નેજા હેઠળ દલિતોને સમાજની મુખ્ય ધારામાં લાવવા સંદર્ભે ચલાવાતો ‘સામાજિક સમરસતા મંચ’ વાસ્તવમાં સંઘની શાખામાં આવતા સ્વયંસેવકોમાં ‘બધા હિંદુ જ છે’ એવી માન્યતાનો ભાંગીને ભુક્કો કરે છે. ૧૯૩૪માં મહાત્મા ગાંધી જમનાલાલ બજાજની બજાજવાડીમાં ચાલતા સંઘ શિક્ષાવર્ગની મુલાકાતે ગયા ત્યારે બધા જ સ્વયંસેવકોએ પોતાને હિંદુ જ ગણાવ્યા હતા. સંઘમાં દલિત-સવર્ણોના ભેદ નહીં હોવા વિશે મહાત્મા પ્રસન્ન થયા હતા. ૧૯રપમાં આરએસએસની સ્થાપના કરનાર ડો. કેશવ બલિરામ હેડગેવાર છેક ૧૯૩૭ લગી કોંગ્રેસી રહ્યા હતા. હિંદુ ઐક્ય માટે સમર્પિત સંઘના રાજકીય ફરજંદ ભારતીય જનતા પક્ષમાં અત્યારે અનુસૂચિત જાતિ મોરચા જેવી શાખા હોય છે તેમ ‘સામાજિક સમરતા મંચ’ પણ દલિતો માટેનો મંચ છે. જોકે તેની જવાબદારી શ્રી રમેશ પતંગે કે શ્રી મૂળચંદ રાણા જેવા દલિત સ્વયંસેવકોની સાથે જ પ્રા. અનિરુદ્ધ દેશપાંડે જેવા પૂણેરી બ્રાહ્મણ સ્વયંસેવકોને અપાય છે એ સંઘની વિશેષતા છે. ‘હિંદુરાષ્ટ્ર’ની કલ્પના સાથે આગળ વધતા સંઘે ‘હિંદુરાષ્ટ્ર’ના વિરોધી ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ ૧૪ એપ્રિલ, ૧૯૮૩ના રોજ મહારાષ્ટ્રમાં સામાજિક સમરસતા મંચની સ્થાપના કરી હતી. એને ગુજરાતમાં આવતાં ૧૯૯૧ની સાલ થઈ ગઈ હતી.

વર્ષ ર૦૦૪માં ૩ અને ૪ જાન્યુઆરીએ મુંબઈના યશવંત ભુવન ખાતે ‘સામાજિક સમરસતા કાર્યશાળા’નું આયોજન થયું હતું. તત્કાલીન સરસંઘચાલક સુદર્શનજીએ એનું ઉદ્‌ઘાટન અને સરકાર્યવાહ (વર્તમાન સરસંઘચાલક) ડો.મોહનજી ભાગવતે સમારોહ બૌદ્ધિક આપ્યું હતું. ‘માત્ર ખાનગી વિતરણ માટે’ના શેરા સાથેના એના પ્રારૂપમાં જણાવાયું હતુંઃ ‘૧૯૮૧ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં જે પ્રસ્તાવ પસાર કરાયો હતો તે આજે પણ માર્ગદર્શક છે.’ ગુજરાતનાં અનામત આંદોલનોના પરિપ્રેક્ષ્યમાં ‘પછાતોને અન્ય સમાજને સમકક્ષ લાવવા માટે અનામત જરૂરી’ હોવાનું પ્રતિપાદિત કરતો એ ઠરાવ સંઘની અનામત વિશેની ચર્ચામાં કેન્દ્રસ્થાને છે. સંઘ આર્થિક આધારે અનામતનો સમર્થક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter