આધુનિક લડાખના નિર્માતા મહાપુરુષ બકુલાની શતાબ્દી

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 24th April 2018 08:07 EDT
 
 

પોતાનો ઈતિહાસ અને મહાપુરુષોને વીસારે પાડનારી પ્રજાનું પતન થવું સ્વાભાવિક છે. આ બોધવાક્યનું સ્મરણ હમણાં ગુજરાત યુનિવર્સિટી અને આરએસએસના સીમા જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે આધુનિક લડાખના નિર્માતા એવા બૌદ્ધ ધર્મગુરુ શ્રી કુશોક બકુલા રિમ્પોછેની જન્મશતાબ્દી વ્યાખ્યાન નિમિત્તે હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ ડો. કુલદીપ ચંદ અગ્નિહોત્રીએ પોતાના માહિતીસભર વ્યાખ્યાનમાં કરાવ્યું.

આ બૌદ્ધ ધર્મગુરુ બકુલા કોણ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. કારણ બહુ સ્પષ્ટ છે કે એમને ભાગ્યે જ યાદ કરવામાં આવે છે. હમણાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતે વિજ્યાદશમી પ્રસંગના પ્રગટભાષણમાં બકુલાજીની જન્મશતાબ્દીની ઊજવણી કરવાનો સંદેશ આપ્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભુજના હિંમતસિંહ વાસણ કે સાંતલપુરના જીવણભાઈ આહીર સહિતના મહાનુભાવો મચી પડ્યા અને દેશભરની જેમ ગુજરાતમાં પણ આ મહાપુરુષનું પુણ્યસ્મરણ કરીને દેશની સીમાઓની રક્ષા માટે માતાનાં વસ્ત્રોના જતનની જેમ કામે વળવાની રાષ્ટ્રભક્તિનો સંદેશ પ્રસરાવવાનાં આયોજન આદરવામાં આવ્યાં. એના ભાગરૂપે જ અમદાવાદમાં કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા અને એમનાં સાથી પ્રાચાર્યા ડો. નીરજા અરુણ ગુપ્તના યજમાનપદે બકુલા-સ્મરણ સંધ્યાનું આયોજન પણ થયું. ડો. અગ્નિહોત્રીએ એમનો વિશદ્ પરિચય આપ્યો તો ખરો, પણ ગહન પરિચય માટેની તૃષા અતૃપ્ત રહી એટલે એ માટેના ઉધામામાંથી આ મહાપુરુષનો જે પરિચય પ્રાપ્ત થયો એણે તો રીતસર ચોંકાવી દીધા.

પંડિત નેહરુના લાડકા બૌદ્ધ ધર્મગુરુ

સંઘ પરિવારની સંસ્થા જમ્મુ-કશ્મીર સ્ટડી સેન્ટરના ડો. ચંદ્ર પ્રકાશે બકુલાને દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના અત્યંત નિકટના સાથી તરીકે ઓળખાવ્યા છે, પણ ડો. અગ્નિહોત્રી કે તેમની સાથે જ આવેલા બીજા વક્તા અને વરિષ્ઠ સંઘપ્રચારક શ્રી મુરલીધરજીએ ભૂલથી પણ એકેય વાર નેહરુ સાથે બકુલાનો ઘરોબો હોવાનો ક્યાંય ઉલ્લેખ કર્યો નહીં. એમનો ભાર લડાખને પાકિસ્તાનના હાથમાં જતું અટકાવવા માટે આ મહાપુરુષે ૧૯૪૭ના ઓક્ટોબરના એ સંવેદનશીલ દિવસોમાં કરેલા ભગીરથ યોગદાન પર હતો.

જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલય અંગે સંઘ પરિવારની ભૂમિકામાં નેહરુ તથા શેખ અબ્દુલ્લા લગભગ હીટ લિસ્ટ પર રહ્યા છે. એની સાથે જ નેહરુને સરદારથી નોખા પાડીને સરદાર પટેલ અને બકુલાનાં ગુણગાન થાય એમાં ખોટું નથી, પણ નેહરુ-સરદાર ગાડાનાં બે પૈડાં હતાં એ રખે વીસરીએ.

બકુલા શેખ અને નેહરુની પાર્ટીના

લોકસભામાં લડાખ બેઠકના કોંગ્રેસી સભ્ય રહેલા ૧૯મા કુશોક બકુલા રિમ્પોછે શેખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સના નેતા હતા. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકારોમાં છેક ૧૯૫૧થી ’૬૭ લગી પ્રધાનપદે પણ રહ્યા હતા. ડો. ચંદ્રપ્રકાશે રજૂ કરેલા પરિચયમાં આ વાતનો અછડતો ઉલ્લેખ છે. ૧૯૬૭થી ૧૯૭૭ લગી બકુલા લોકસભાના સભ્ય રહ્યા અને એ વખતનાં વડાં પ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધી સાથે એમનો નિકટનો સંબંધ પણ રહ્યો. પંડિત નેહરુ અને શ્રીમતી ગાંધી સાથેની એમની નિકટતા અને મુલાકાતોની ડોક્યુમેન્ટરી અને તસવીરો પણ મળે છે.

જોકે, આ બંને પિતા-પુત્રીની કોંગ્રેસ પાર્ટી જ જ્યાં બકુલાની જન્મશતાબ્દી ઊજવવાનું વીસારે પાડે ત્યાં સંઘ પરિવાર એ તક ઝડપી લે એ સ્વાભાવિક છે. જે રીતે કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અને તમિળનાડુના કોંગ્રેસી મુખ્ય પ્રધાન રહેલા કે. કામરાજના જન્મદિવસની ઊજવણી કરવાનું તમિળનાડુ કોંગ્રેસ ભૂલી, પણ ભારતીય જનતા પાર્ટીને કામરાજની જન્મદિનની ઊજવણી કરવાનું સૂઝ્યું, એમાં વાંકદેખાઓ ભલે પોતપોતાની રીતે તારણો કાઢે, પણ જ્યારે સ્વજનો વીસરે ત્યારે પાડોશીઓ ઊજવણાં કરીને લાભ ખાટે તો એમાં માઠું લગાડવા જેવું હોતું નથી.

મોંગોલિયામાં દસ વર્ષ રાજદૂત

વર્ષ ૧૯૯૦માં બકુલાને કમ્યુનિસ્ટ મોંગોલિયામાં ભારતીય રાજદૂત તરીકે પાઠવવાનો ભારત સરકારે નિર્ણય કર્યો ત્યારે એ ભિખ્ખુના વેશમાં જ ગયા. મોંગોલિયામાં કમ્યુનિસ્ટ શાસન તૂટવામાં બકુલાનું યોગદાન મહત્ત્વનું ગણાય છે. એમને મન બીજા કોઈ હોદ્દા કરતાં બૌદ્ધ ભિક્ષુ હોવાનું ગર્વ વધુ રહ્યું છે. લડાખ પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજ્યનો સૌથી વિશાળ પ્રદેશ હોવા છતાં બચુકડા કાશ્મીર ખીણ પ્રદેશમાંથી જ રાજ્યનું તંત્ર ચાલતું રહ્યું છે. જમ્મુ હિંદુબહુલ છે. લડાખ બૌદ્ધબહુલ છે, પણ ધીરે ધીરે એનું ઈસ્લામીકરણ થઈ રહ્યું છે.

કાશ્મીર ખીણ પ્રદેશમાં મુસ્લિમ બહુમતી છે. રાજ્યની ૭૦ ટકા વસ્તી મુસ્લિમ છે અને હિંદુ તેમજ બૌદ્ધ લઘુમતીમાં હોવા છતાં એમને સત્તાવાર રીતે લઘુમતી જાહેર કરીને એમના વિશેષ લાભ અપાતા નથી. જોકે, છેલ્લાં ચાર વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સાથીપક્ષ પીડીપીના વડપણવાળી સરકાર છે અને ભાજપની નેતાગીરીએ ભારતીય બંધારણની કલમ ૩૭૦ને દૂર કરવાની પોતાની નીતિ અંગે મૌન સેવવાનું પસંદ કર્યું છે. મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી તો ‘જે ૩૭૦ની કલમ હટાવવાની વાત કરે એ દેશદ્રોહી છે’ એવું ખુલ્લેઆમ કહે છે. ભાજપને જમ્મુ-કાશ્મીરમાં સત્તારૂઢ રહેવા મૌન જાળવવાનું વ્યૂહાત્મક દૃષ્ટિએ યોગ્ય લાગતું હશે. આવું જ કાંઈક આરએસએસ થકી જમ્મુ અને કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો આપવા અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અંગે કુરુક્ષેત્રમાં ૨૦૦૨માં મળેલી પ્રતિનિધિ સભાના ઠરાવ અંગે બન્યું છે. વિશ્વ હિંદુ પરિષદ તો આ ત્રિભાજન ઉપરાંત કાશ્મીરમાંથી તગેડાયેલા લાખો કાશ્મીરી પંડિતોને વસાવવા માટે ચોથો હિસ્સો આરક્ષિત કરવાની માગણી કરતી રહી છે.

અવતારી પુરુષ બકુલાના અનુગામી

લડાખના મુખ્ય લામા અને ૧૯મા અવતાર લેખાતા ૧૯૮૬માં પદ્મભૂષણ મેળવનાર જન્મ ૧૯ મે ૧૯૧૭ના રોજ લડાખના શાહી પરિવારમાં થયો હતો. એમનું મૃત્યુ મોંગોલિયામાં ૪ નવેમ્બર ૨૦૦૩ના રોજ થયું અને અંતિમ સંસ્કાર નવી દિલ્હીમાં થયા હતા. એમના અનુગામી એટલે કે ૨૦મા કુશોક બકુલા રિમ્પોછેનો જન્મ ૨૩ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ થયાનું મનાય છે. અત્યારે ૧૩ વર્ષની વયના ૨૦મા અવતારને બૌદ્ધ પરંપરા અનુસાર શિક્ષિત કરવામાં આવી રહ્યા છે. દલાઈ લામાના પણ અવતાર હોય છે. અત્યારના દલાઈ લામા ૧૪મા છે. એમના પછી એમના સ્થાને કોણ આવશે એ અવતરી ચૂક્યા છે, પણ એમના સ્વર્ગારોહણ પછી એ હોદ્દો ગ્રહણ કરશે. જોકે, બૌદ્ધ ધર્મગુરુઓ ત્યાગી અને અપરિણીત હોવા છતાં સમાજના કલ્યાણ માટે અને વિશ્વશાંતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોવાથી સ્વાભાવિક છે કે એમની જન્મશતાબ્દીના સુઅવસરે એમની સેવાને વંદન કરવામાં આવે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter