આપણે ગાંધીજી અને સરદારના વારસો

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 26th April 2017 06:38 EDT
 
 

ગુજરાતે એમને લગભગ વીસારે પાડ્યા છે. ભણતર માત્ર છ ચોપડી, પોતીકી સંપત્તિમાં લોકોના પ્રેમ સિવાય કશું જ નહીં, છ ફૂટિયા છતાં ટૂંટિયું વાળીને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. સમાજસેવાનો ભેખ ધર્યો, પણ સેવા કરવાની ગાજવીજથી મેવાપ્રાપ્તિ વિના જ સો વર્ષનું આયખું ભોગવીને ૧૯૮૪માં એ જ આ ફાની દુનિયા છોડી ગયો.

ગુજરાત રાજ્યનું ૧ મે ૧૯૬૦ના રોજ આવા ઓલિયા માણસે ઉદઘાટન કર્યું. મનની વાત શબ્દછળ વિના પ્રજા સમક્ષ અને પ્રજાની સેવાના કોન્ટ્રાક્ટરો સામે મૂકી. રાજ્યનું ઉદઘાટન થયાના ૨૪ વર્ષે એ સ્વર્ગે સિધાવ્યા, પણ કોઈને વિશે ફરિયાદ કરવા કરતાં આત્મનિરીક્ષણની શીખ આપનાર આ ત્યાગી પુરુષ એટલે રવિશંકર મહારાજ. મૂળ તો રવિશંકર વ્યાસ પણ રજવાડા વગરના ય મહારાજ. એમણે ગુજરાતીઓને ગાંધીજી અને સરદારના વારસદારો કહ્યા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્ર બેઉ રાજ્ય રક્તરંજિત ઘટનાક્રમમાંથી આકાર પામ્યાં. ગુજરાતના સુબા લેખાતા મોરારજી રણછોડજી દેસાઈની અક્કડાઈ અને ધાર્યું કરાવવાની જીદે મહાગુજરાત ચળવળથી લઈને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ સુધી લંબાયેલી હિંસા, ઘૃણા, ગોળીબાર અને હત્યાઓનું નિમિત્ત બનવાનું પસંદ કર્યું. મોરારજી વડા પ્રધાન બન્યા, ૧૯૯૫માં મૃત્યુ પામ્યા ત્યાં લગી એમને હત્યારા-નરાધમ-નરપિશાચની પદવી આપવામાં શિવ સેના પ્રમુખ બાળ ઠાકરે અગ્રેસર હતા.

હિંસક અથડામણો પછી મહારાષ્ટ્ર અને ગુજરાત

૧૯૫૨થી ૫૬ દરમિયાન સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનને કચડવા માટે મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન મોરારજીએ આપેલા આદેશથી થયેલા પોલીસ ગોળીબારમાં ૧૦૫ હુતાત્માની લાશો ઢળી હોવાનો રોષ ઠાકરેના દિમાગમાં ભભૂકતો હતો. મુંબઈમાં હુતાત્મા ચોકનું સ્મારક એનું સ્મરણ કરાવે છે. મરાઠી ભાષિકોના મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષિકોના ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવાને બદલે મોરારજીના કહેવાથી તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ત્રિ-રાજ્ય ફોર્મ્યુલા જાહેર કરી હતી. મરાઠી પ્રદેશનું મહારાષ્ટ્ર, ગુજરાતી પ્રદેશનું ગુજરાત અને મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ. ‘ખલનાયક’ મોરારજી દેસાઈ પ્રખર ગાંધીવાદી, પણ ના તો મહારાષ્ટ્રના આગ્રહીઓમાં એ લોકપ્રિય કે ના ગુજરાતના આગ્રહીઓમાં.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આંદોલન, પોલીસ ગોળીબારમાં મૃત્યુ અને છેવટે સમાધાનના પહેલા તબક્કામાં ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ દ્વિભાષિક મુંબઈ રાજ્ય અને ૧ મે ૧૯૬૦ના રોજ મરાઠી ભાષી મહારાષ્ટ્ર મુંબઈ સહિતનું અને ગુજરાતી ભાષીઓનું ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ સહિતનું અસ્તિત્વમાં આવ્યું.

રવિશંકર મહારાજનો ઘા રૂઝવવાનો મલમ

૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યનું સાબરમતી આશ્રમમાં નેહરુ સરકારના ગૃહ પ્રધાન મોરારજી દેસાઈની ઉપસ્થિતિમાં મૂકસેવક રવિશંકર મહારાજે ઉદઘાટન કર્યું. ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાએ શપથ લીધા. એ તબક્કે મહારાજે કરેલા ભાષણને વાસ્તવમાં સરકાર માટેના મેગ્નાકાર્ટા તરીકે મઢાવીને રાખવા જેવું છે. વાસ્તવમાં જ્યાં દાદાને જ ભૂલાવી દેવાયા હોય, ત્યાં એમનાં સુવર્ણવચનોનું તો સ્મરણ જ કોણ કરે? આજેય એમના એ ભાષણના અમુક શબ્દોનું સ્મરણ રાખવા જેવું છે.

‘ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં, પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશનાં વાસીઓ છીએ. સર્વ પ્રાંતોના લોકો આપણા દેશબંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઊન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ એ વાત કદી ન ભૂલીએ.’

દાદાના બોધના આત્મસાત્ કરવા જેવા મુદ્દા

રવિશંકરદાદાએ આદિવાસી કોમની ઉન્નતિ માટે લક્ષ્ય આપવાનું ભારપૂર્વક જણાવ્યું. આંખ ઠરે તેવું ગોધન, દારૂબંધી, ગોસંવર્ધન અને ગોસેવા, ગોવધબંધી, સ્વભાષામાં વહીવટ, અસ્પૃશ્યતા નિવારણ માટે પ્રજામાનસને કેળવવા સહિતની વાતો કરી હતી. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી શરૂ કરવાને એમણે આગ્રહ સેવ્યો હતો. ખાસ કરીને ‘આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે’ની શીખ ગૂંજે બંધાવીને ગ્રામ પંચાયતોમાં પક્ષોનું પેસે એનો આગ્રહ સેવીને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરીને એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારી પ્રજાને સાચી લોકશાહીની કેળવણી આપવા પર ભાર મૂક્યો હતો.

અત્યારે સત્તા પક્ષ અને વિપક્ષોએ એકમેક પર દોષારોપણ કરવાને બદલે દાદાની વાતને પોતે કેટલી આત્મસાત્ કરી એનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

વેશપલટો કરીને વિક્રમરાજાની જેમ નગરચર્યા

ગુજરાતના ઉદઘાટક ત્યાગીપુરુષે રાજકીય શાસકો અને સરકારી અધિકારીઓને પ્રજાનાં સુખ-દુઃખ જાણીને તત્કાળ એનો નિવેડો લાવવા અને તુમારો સર્જાય નહીં એવો આગ્રહ કર્યો હતો. એમણે કહ્યું હતુંઃ ‘વિક્રમ રાજાની માફક આપણા પ્રધાનો કે અધિકારીઓ ભલે વેશપલટો કરીને નગરચર્યા જોવા ન નીકળે, પરંતુ કોઈ પણ ખાતાની ઓફિસ ઉપર કે ચાલુ કામ ઉપર કોઈ પણ જાતની હોહા કે જાહેરાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો શિરસ્તો પાડશે તો એમને ઘણું જાણવા મળશે, અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી અને સુંદર રીતે પાર પાડવાની ચાનક ચઢશે.

અન્ય તબક્કે તેમણે અમલદારોને સંબોધ્યા હતાઃ ‘સરકારી નોકરો એ પ્રજાના સેવકો છે. રાજ્ય ચલાવવા સરકારે કેટલાક કાયદા ઘડ્યા છે. એ કાયદાઓનો આશ્રય લેવાની જરૂર પડે તો ભલે લો, પણ એ ન ભૂલશો કે કાયદો જડ છે અને આપણે ચેતન છીએ. આપણે માનવતાને લક્ષમાં રાખી કાયદાનો ઉપયોગ કરવો જોઈએ. સરકારે તમને કાયદાની સોટી આપી રાખી છે પણ એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ તમારે સમજવું જોઈએ.’

‘તમે પ્રજાના સેવક થજો, અમલદાર નહીં. પ્રજા એના પગ પર ઊભી રહે એવું કરો ત્યારે સમજજો કે તમે સેવા કરી. તમે બધા ભાઈઓ સેવા માટે જશો. સેવા શબ્દ ખાસ યાદ રાખજો. સેવા ને નોકરીના અર્થ જુદા છે.’

અન્યોને માત્ર ઉપદેશ નહીં, આચરણનો મહિમા

‘લોકોને સુધારવાને બદલે પહેલાં આપણે સુધરવાનું છે.’ એ મૂળભૂત મંત્ર સાથે રવિશંકર મહારાજ જેવા જનસેવકોએ મૂકસેવક તરીકે આખું આયખું ઘસી નાંખ્યું. પોતે જ આદર્શો આચરણમાં મૂક્યા એ જ અન્યોને પ્રબોધ્યા. એમના શબ્દો વર્તમાન શાસકો માટે પણ એટલા જ પ્રેરણા સ્વરૂપ છે. ‘પરોપદેશે પાંડિત્યં સર્વેષાં સુકુરં નૃણામ્’ની જેમ માત્ર અન્યોને ઉપદેશ કરવાને બદલે સારા વિચારો અને આદર્શોના આચરણથી સમાજને શીખ આપી શકે એવા ટકોરાબંધ માણસોનો આજે ખપ છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter