આપબળે બિહાર કબજે કરવાના ‘ચાણક્ય અને ચંદ્રગુપ્ત’ મોદીના વ્યૂહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 29th July 2015 08:19 EDT
 
 

બિહારમાં મોદી-આંધી ફૂંકાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના ‘હનુમાન’ અમિત અનિલચંદ્ર શાહે એસ્કોર્ટ તરીકે બિહારના રાજકીય ચિત્રનો અહેવાલ આપ્યા પછી જ વડા પ્રધાનનો પટણા સહિત બિહારનો ઝંઝાવાતી પ્રવાસ યોજાયો. મંચ પર વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે જોવા મળ્યા, પણ બેઉની જુગલબંધી બિહારની જનતાને આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને સંબોધવાની હતી. મોદીની આંધી કે વા-વંટોળે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને એમના જનતા પરિવારના આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ તથા જમીન ખોઈ બેઠેલી કોંગ્રેસના નેતાઓ માટે મોદી ‘કાલીનાગ’ અને પોતે કાલિયામર્દન કરનાર કૃષ્ણના યાદવ અવતાર હોવાના દાવા ખૂબ થયા.

આવતા બે મહિનામાં બિહારની યાત્રાઓ થશે અને વિવિધ પક્ષોમાં પડનાર ગાબડાં પછી ઓક્ટોબરની ચૂંટણી લગી કેવું ચિત્ર ઉપસશે એ કહેવું અત્યારે વહેલું ગણાશે, પણ એક વાત નિશ્ચિત છે કે બિહાર કબજે કરવાના ‘ચાણક્ય’ મોદીના વ્યૂહ એમને ‘ચંદ્રગુપ્ત’ અવતારમાં સ્થાપિત કરીને નંદવંશના નાશ માટે જનતા પરિવારની યાદવાસ્થળીના પ્રતાપે સફળતા જરૂર અપાવશે.

ચૂંટણી ટાણે જ મોદી જાગે એવું નથી. એ તો ચોવીસ કલાકના જાગતા નેતા તરીકે ગઈ લોકસભા ચૂંટણી વખતે જ ઓક્ટોબર ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી જીતી લેવાના આયોજનમાં વ્યસ્ત હતા. વાજપેયીયુગમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના ૨૪ પક્ષોમાંથી કોણ ક્યારે ઠેકડો મારીને સામેની છાવણીમાં જશે એની ચિંતા રહેતી હતી. મોદીયુગમાં મોદીના જ કહ્યા મુજબ પક્ષ જ નહીં, સમગ્ર મોરચાએ ચાલવાનું છે. કેન્દ્રમાં સરકાર રચી ત્યારે બિહારના ઢગલાબંધ પ્રધાન લેવા પાછળનું મોદીનું ગણિત પણ એ જ હતું કે કોઈ પણ ભોગે ‘દગાબાજ’ નીતીશ કુમારને પાઠ ભણાવવો અને બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકોમાંથી ભાજપ માટે ‘મિશન ૨૦૦ પ્લસ’ સાથે આગળ વધવું.

વર્ષ ૨૦૧૦ની ચૂંટણીમાં નીતીશ-શરદ યાદવની જનતા દળ (યુનાઈટેડ) સાથે મળીને ભાજપે સંયુક્ત મોરચો રચીને ૨૪૩માંથી ૨૦૬ બેઠકો મેળવી હતી. જેડી (યુ)ના નીતીશ મુખ્ય પ્રધાન અને ભાજપના સુશીલ મોદી નાયબ મુખ્ય પ્રધાન તરીકે બિહારમાં લાલુ પ્રસાદના જંગલરાજને બદલે વિકાસના રસ્તે આગળ વધ્યા હતા. જોકે વડા પ્રધાનપદના મહત્ત્વાકાંક્ષી નીતીશ કુમારને ભાજપ થકી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ ધરવામાં આવતાં બેઉ પક્ષોનું જોડાણ તૂટ્યું. નીતીશે જંગલરાજવાળા લાલુ અને જે.પી.વિરોધી કોંગ્રેસ સાથે જોડાણ કરીને સરકાર ટકાવી.

કહ્યાગરા મુખ્ય પ્રધાન તરીકે અતિપછાત મહાદલિત વર્ગના જ જીતનરામ માંઝીને મુખ્ય પ્રધાનની ખુરશી આપી જોઈ, પણ મોદીબ્રાન્ડ વ્યૂહમાં જીતનરામ નીતીશવિરોધી બન્યા એટલે ફરીને નીતીશ ગાદીએ ચડી બેઠા. હવે ગાદી ટકાવવાનું એમનું લક્ષ્ય તોડવા માટે જીતનરામ પણ ભાજપી મંચ પર દેખા દેવા માંડ્યા છે. પક્ષપલટા કરવા માટે જાણીતા રામ વિલાસ પાસવાન પણ મોદીના ‘હનુમાન’ છે. દિલ્હીમાં જે સત્તામાં હોય એની સાથે ગોઠવી લેવાનું પાસવાનને સારું ફાવે છે. મનમોહન સરકારમાં પણ એ પ્રધાન હતા અને મોદી સરકારમાં પણ પ્રધાન છે. લાલુ પ્રસાદ અબજોના ચારા કૌભાંડના ખટલામાં દોષિત સાબિત થયા પછી છ વર્ષ ચૂંટણી લડવા માટે લાયક રહ્યા નથી એટલે એમનાં પત્ની રાબડી દેવી કે પુત્રો એમના રાજકીય વારસ થશે.

નીતીશને નાછૂટકે એમના મોરચાના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, પણ હજુ મોદી ક્યારે કયા પક્ષના કયા નેતાનો શિકાર કરશે કે લલચાવીને ભાજપમાં લઈ જશે એનો લાલુને ફડકો છે. બિહારને દાયકાઓ સુધી શાસન આપનાર કોંગ્રેસ વિધાનસભામાં લગભગ નામશેષ છે. એટલે ક્યારેક લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વના બિહાર આંદોલનના બે સમર્થ કાર્યકરો લાલુ અને નીતીશની સાથે એણે જોડાણ કરવું પડે છે. ડાબેરી મોરચો કોની સાથે જશે એ કહેવાય નહીં. એ એકલે હાથે લડે અથવા તો જનતા પરિવાર સાથે જાય, પણ એનડીએનું બગાડવાની સ્થિતિમાં નથી.

જાતિગત સમીકરણોથી ગ્રસ્ત બિહારની રાજનીતિમાં મોદીએ ગણિત બરાબર માંડેલાં છે. કેન્દ્ર સરકારમાં પ્રધાનો પસંદ કરતાં લાલુ પ્રસાદના એક વેળાના અત્યંત વિશ્વાસુ રામકૃપાલ યાદવને તથા રામવિલાસ પાસવાનને લઈ યાદવ તથા દલિત વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. રવિશંકર પ્રસાદ, રાજીવપ્રતાપ રુડી, ગિરિરાજ સિંહ, ઉપેન્દ્ર કુશવાહા જ નહીં, રાધામોહન સિંહને પણ મોદી સરકારમાં સ્થાન આપીને બિહાર વિધાનસભા જીતવા આગોતરી કવાયત આદરવામાં આવી હતી. હજુ તો આવતા દિવસોમાં અમિત શાહના નેતૃત્વમાં ચાર-ચાર રથયાત્રાઓનું આયોજન થશે. સાથી પક્ષોના નેતાઓ સાથે મળીને જનસભાઓ અને સરકારી આયોજનો થતાં રહેશે.

નીતીશ કુમાર ૧૪મા નાણાપંચ સમક્ષ ૩૦૭૫ કરોડ રૂપિયા બિહાર માટે માંગે છે, પણ વડા પ્રધાન બિહારીઓને કઈ રીતે ખુશ રાખવા એનાં આયોજન પોતાની રીતે કરશે. ભાજપના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાને ભાજપનાં પ્રદેશ કક્ષાનાં આયોજનોમાંથી બાકાત કરી દેવાયા છે ત્યારે એ નીતીશ કુમારને મળીને સંકેત આપવાની કોશિશ કરે છે. શત્રુઘ્ન પોતે પક્ષના શત્રુ થાય કે પછી ક્યારેક બિહારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પ્રભાવ પાથરનાર સંઘના વરિષ્ઠ પ્રચારક કે. એન. ગોવિંદાચાર્ય સામે પાટલે બેસે તો પણ પક્ષમાં પ્રવેશવા માટે બીજા અનેક નેતા-કાર્યકર્તા બારણે ટકોરા મારી રહ્યા હોવાના સંકેત વડા પ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ આપી રહ્યા છે.

બિહારની ચૂંટણી જીતવી ભાજપ માટે અનિવાર્ય છે કારણ એ પછી પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકારો સ્થાપવાની છે. જે પાણીએ મગ ચડે એ કરવા મોદી કૃતસંકલ્પ છે. માત્ર સિદ્ધાંતોના મંજીરા વગાડવાને બદલે સામ, દામ, દંડ અને ભેદ થકી સત્તાપ્રાપ્તિને જ લક્ષ્ય બનાવાયું છે.

બિહારની ૧૦.૫ કરોડની વસ્તીમાં ૫૧ ટકા યાદવ, ૧૪ ટકા કુર્મી અને ૧૦ ટકા મહદલિત, ૬ ટકા દલિત, ૧૬.૫ ટકા મુસ્લિમ ઉપરાંત ૧૫ ટકા ઉજળિયાતમાં ૬ ટકા ભૂમિહાર, ૫ ટકા બ્રાહ્મણ, ૩ ટકા રાજપૂત અને ૧ ટકો કાયસ્થ, ૧.૩ ટકા આદિવાસી અને બાકીના ૧ ટકામાં ખ્રિસ્તી, શીખ અને જૈન છે. ભાજપની નેતાગીરી પ્રત્યેક વર્ગમાં પોતાનો પ્રભાવ પાથરી રહી છે. વિરોધી પક્ષના પ્રભાવી નેતાઓને પોતાની સાથે જોડી રહી છે. આ બધી કવાયત પાછળનો હેતુ એક જ છે કે ઓક્ટોબર ૨૦૧૫માં પટણા-પાટલીપુત્ર કબજે કરવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter