આયખું આખું પિતાને સમર્પિત કરનાર મણિબહેન પટેલ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 05th June 2018 07:33 EDT
 
આણંદની અમુલ ડેરીની મુલાકાતે આવેલ વડા પ્રધાન પંડિત નેહરુ સાથે મણિબહેન અને ઇન્દિરા ગાંધી પણ છે.
 

બેરિસ્ટર તરીકેની ધીકતી પ્રેક્ટિસ હોય પછી દીકરી-દીકરાને ઇંગ્લેન્ડ ભણવા પાઠવવામાં કોઈ અવરોધ આવે જ ક્યાંથી? સરદાર વલ્લભભાઈ પટેલે દીકરી મણિબહેન અને દીકરા ડાહ્યાભાઈને મુંબઈમાં ક્વિન્સ મેરી સ્કૂલમાં મિસ વિલ્સનને ભળાવીને મિડલ ટેમ્પલમાંથી બેરિસ્ટર થઈ આવ્યા પછી અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર પસંદ કર્યું. મોટા ભાઈ બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. નમાયાં બેઉ સંતાનોને કોઈ વાતે ઓછું ના આવે એની સઘળી વ્યવસ્થા વલ્લભભાઈએ કરી હતી. હજુ પેલા ‘ઘઉંમાંથી કાંકરા વીણવાના’ ઉપદેશ થકી સ્વરાજપ્રાપ્તિના પાઠ ભણાવનારા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી સાથે વલ્લભભાઈનો ભેટો થયો નહોતો. દોમ દોમ સાહ્યબીમાં એ રમમાણ હતા. ૩૩ વર્ષની વયે વિધૂર બન્યા છતાં સંતાનોને અપરમાનું દુઃખ ના પડે એટલા માટે બીજી વાર લગ્ન કરવાનું ટાળીને વલ્લભભાઈએ વકીલાતની સાથે સાથે જનસેવામાં મન પરોવ્યું.

મણિબહેનની લગ્ન કરવાની અનિચ્છા

નવેમ્બર ૧૯૧૭માં મોટા ભાઈ વિઠ્ઠલભાઈએ મહાત્મા ગાંધી સાથે ગોધરામાં મળેલી ગુજરાત રાજકીય પરિષદમાં ‘આ આપણો વલ્લભ...’ કહીને ઓળખાણ કરાવી ત્યારથી ચંપારણ સત્યાગ્રહ હાથ ધરનાર ‘આ કોઈ નોખી માટીનો માણસ’ લાગતા ગાંધીજીના અનુયાયી થવાનું ગમવા માંડ્યું. સંતાનો ઘરમાં પણ એકમેકની સાથે અંગ્રેજીમાં વાત કરતાં હતાં અને ફ્રેંચ વિષય ભણતાં હતાં. ઇંગ્લેન્ડ ભણવા મોકલવાની અગાઉની હોંશ વિશે પુનર્વિચાર થવા માંડ્યો.

છેવટે દીકરી મણિબહેન ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી અને બંગાળી સાથે ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થઈ. વલ્લભભાઈને ગાંધીજીનો રંગ લાગ્યો. મણિબહેન અને ડાહ્યાભાઈ બેઉ ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયાં. ડાહ્યાભાઈનાં ફેબ્રુઆરી ૧૯૨૫માં ગાંધી આશ્રમમાં ગાંધીજીની હાજરીમાં યશોદા સાથે સાદાઈથી લગ્ન થયાં, પણ મણિબહેનના લગ્નનો વિચાર આગળ વધ્યો નહીં. એમ તો જાન્યુઆરી ૧૯૨૪માં જ મણિબહેનનાં લગ્નની વાત વલ્લભભાઈ સાથે છેડી, પણ વલ્લભભાઈને સંતાનો શું ભણે છે એનીય ખબર નહોતી, પછી લગ્નની વાતમાં રસ ક્યાંથી હોય? મણિબહેન સાથે ઝાઝી વાત થતી નહીં, પણ છેવટે મહાત્મા ગાંધી સાથે અમુક સપ્તાહ આશ્રમમાં રહેવા ગયેલાં મણિબહેને લગ્ન નહીં કરવાની ઈચ્છા વ્યક્ત કર્યાની જાણ વલ્લભભાઈને કરી. વલ્લભભાઈ તો જાહેરજીવન અને સત્યાગ્રહોમાં વ્યસ્ત હતા. ગાંધીજીએ મણિબહેનની ચિંતા નહીં કરવા જણાવ્યું છતાં આખરે બાપનું દિલ કાંઈ માયા થોડી છોડે? બંને વચ્ચે પત્રવ્યવહાર થતો, પણ મન મોકળાશથી વાત નહીં થતી હોવાની પારિવારિક પરંપરા વલ્લભભાઈ અને મણિબહેન વચ્ચે પણ ઝાઝી ચર્ચાને ટાળતી રહી. જોકે લગ્ન નહીં કરવાના એમના નિરધાર સાથે જ પિતાની સેવામાં દિલ પરોવીને એમના સચિવ તરીકેની સઘળી જવાબદારી મણિબહેને સ્વીકારવા માંડી. પિતાજીની જેમ સત્યાગ્રહોમાં ભાગ લેવા અને જેલ જવાનું પણ એમણે કબૂલ્યું.

સરદાર પટેલનો પડછાયો બની રહ્યાં

સરદાર પટેલ, એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ અને મણિબહેન - ત્રણેય બારડોલીના ખેડૂતોને ન્યાય અપાવવાના સત્યાગ્રહમાં સક્રિય રહ્યાં. મણિબહેન મહિલા કાર્યકરો સાથે સતત કાર્યરત રહ્યાં. પિતાજીની કાળજી લેવાને એ પોતાનો ધર્મ સમજવા માંડ્યા. ૧૯૨૮ના ઓગસ્ટમાં બારડોલી સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈનું વ્યક્તિત્વ રાષ્ટ્રીય સ્તરે વિસ્તરતું ગયું. કોંગ્રેસના સંગઠનાત્મક કામ અને આઝાદીની ચળવળમાં એ વધુને વધુ સક્રિય બનતાં રહ્યાં. બારડોલી સત્યાગ્રહ પછી દાંડી કૂચ અને એ પછી ૧૯૪૨ની સત્યાગ્રહ પછી ‘હિંદ છોડો’ ચળવળને પગલે અંગ્રેજ શાસનના પાયો હચમચી ગયો. જેમ બને તેમ જલદી ભારતમાંથી ઉચાળા ભરવા માટે અંગ્રેજ શાસકોએ નક્કી કરી દીધું.

સરદારની જવાબદારીઓ વધતી ચાલી. મણિબહેન એમના પ્રત્યેક કામમાં સાથ આપતાં રહ્યાં. સરદારના પ્રત્યેક મુલાકાતી વખતે એ હાજર રહે, મહેમાનોની કાળજી રાખે, સરદારની કાળજી રાખે અને નિયમિત ડાયરી રાખવાથી લઈને પત્રવ્યવહાર કરવા સહિતની બાબતોમાં એ સાથસહકાર આપતાં રહ્યાં. સરદાર પટેલ આઝાદીની ચળવળથી લઈને સરકારી હોદ્દે આવ્યા. ત્યાં લગી એમની ભૂમિકા સરદારનો પડછાયો બની રહેવાની રહી.

સરદારની તબિયત કથળી રહી હતી ત્યારે પણ એમની વિશેષ કાળજી લેવાની જવાબદારી મણિબહેનને શિરે આવી. દેશી-વિદેશી મહેમાનો અને મહાનુભાવો સાથેની મુલાકાતોમાં મણિબહેન સરદાર સાથે સતત રહ્યાં, પણ વચ્ચે કયારેય ડબડબ કરવાથી દૂર રહ્યાં. સરદાર નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન, માહિતી અને પ્રસારણ પ્રધાનની સાથે જ રિયાસતી ખાતાના પણ પ્રધાન રહ્યા એટલે એમને ત્યાં વાઈસરોયમાંથી ગવર્નર-જનરલ બનેલા લોર્ડ માઉન્ટબેટનથી લઈને દેશવિદેશી મહેમાનો સતત આવતા રહે. છતાં સાદગીથી જીવવા ટેવાયેલા સરદારના જ આદર્શોને આત્મસાત કરનાર મણિબહેન સાદગી અને અને ચીવટથી પ્રત્યેક કામ કરતાં રહ્યાં.

નેહરુને ૩૫ લાખ રૂપિયાની થેલી સુપરત કરી

૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર પટેલનું નિધન થયું. મણિબહેનને સરદારે આપેલી સૂચના મુજબ દિલ્હીમાં વડા પ્રધાન જવાહરલાલ નહેરુને મળવા એ ગયા. સાથે એક બેગ અને એક નોંધવહી લઈને ગયાં હતાં. એમણે એ વડા પ્રધાન નેહરુને સુપરત કર્યું. કહ્યું કે બાપુએ આપને કોંગ્રેસ પક્ષના આ ૩૫ લાખ રૂપિયા અને કોંગ્રેસના હિસાબોની વહી પહોંચાડવા કહ્યું હતું. નેહરુએ આભાર માનીને એ લઈ લીધું. પણ પોતાના જૂના સાથીની દીકરીને બીજું કાંઈ કહ્યું નથી.

મણિબહેન પણ મણિબહેન હતા. એ ત્યાંથી ચાલી નીકળ્યા. શ્વેતક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયને પોતાના પુસ્તકમાં આ પ્રસંગ નોંધીને સરદારના સત્તાધીશ સાથીઓ કેવા નગુણા હતા એવી ટીકા પણ કરી છે. જોકે ૮૬ વર્ષની વયે અમદાવાદમાં મણિબહેને અંતિમ શ્વાસ લીધા ત્યાં લગી એ ખુમારી અને ખુદ્દારીથી જીવ્યાં. ચાર ચાર વાર લોકસભામાં અને એક વાર રાજ્યસભામાં ચૂંટાઈને ગયાં, પણ છેલ્લા દિવસોમાંય એ રિક્ષા કે બસમાં મુસાફરી કરતાં હતાં. એમની પ્રકૃતિ આખરે સરદારની જ વારસ હતી.

•••

ઇન્ડિયા હાઉસમાં ઉજવાતા બારડોલી દિવસને સલામ

ભારતની આઝાદીની ચળવળમાં નિર્ણાયક વળાંક લાવનાર બારડોલી સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ શરૂ થયો અને ૬ ઓગસ્ટ ૧૯૨૮ના રોજ એની સફળતાનું એલાન થયું. બારડોલીના ૮૭ હજાર ખેડૂતો સાથે અંગ્રેજ સરકારના અન્યાયી વલણ સામેના આ જંગમાં સફળ થઈને વલ્લભભાઈ સરદાર તરીકે સમગ્ર ભારતમાં છવાઈ ગયા. એટલું જ નહીં, બ્રિટિસ સંસદમાં પણ એમના નામની ગાજવીજ જોવા મળી. સત્યાગ્રહના આયોજનને રાષ્ટ્રીય ફલક પર સુખ્યાત કરવા માટે મહાત્મા ગાંધીએ ૧૨ જૂન ૧૯૨૮ને ‘બારડોલી દિવસ’ તરીકે દેશભરમાં ઉજવવાની હાકલ કરી અને ભારતભરમાં એ ઉજવણીએ ચેતના જગાવી. બારડોલી સત્યાગ્રહને નૈતિક અને આર્થિક સમર્થન પણ પૂરું પાડ્યું.

બારડોલી સત્યાગ્રહને ૯૦ વર્ષ થઈ રહ્યાં છે, ત્યારે યુકેની સરદાર પટેલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસ મળીને ૧૨ જૂન ૨૦૧૮ના રોજ ‘બારડોલી દિવસ’ની ઉજવણી કરે છે, ત્યારે એ ઉજવણી માટે રામસેતુ બાંધવામાં ખિસકોલીના યોગદાનની જેમ એબીપીએલ ગ્રૂપના સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના પ્રકાશક-તંત્રી તથા સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુકેના અધ્યક્ષ સી. બી. પટેલ અને એમની ટીમે વાચકો અને ખાસ કરીને યુવા પેઢી સાથે બારડોલી સત્યાગ્રહની કહાણી અંગે વાત કરવાનો મંચ મને પૂરો પાડ્યો એ બદલ એમનો આભાર માનું છું. સાથે જ બારડોલી દિવસની ઉજવણીને શુભેચ્છા પાઠવું છું.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter