ઈંદિરા ગાંધીની ઈમર્જન્સીના તથ્યાધારિત ઈતિહાસની કશ્મકશ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 01st July 2015 12:14 EDT
 

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ હમણાં ૧૯૭૫-૭૭ની, તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની દેન સમી, ઈમર્જન્સી (કટોકટી, આપાતકાલ)નાં ૪૦ વર્ષની પૂર્ણાહુતિ ટાણે ‘ફરીને ઈમર્જન્સી લદાઈ શકે છે’ જેવું નિવેદન કરીને દેશ-વિદેશમાં સૌને ચોંકાવી દીધા. ઈમર્જન્સીમાં જેલવાસની યાતના ભોગવ્યા પછી જનતા પાર્ટીની મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન અને એના બે દાયકા બાદની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની વાજપેયી સરકારમાં ગૃહ પ્રધાન તથા નાયબ વડા પ્રધાન રહેલા અડવાણી છમકલાં કરીને ફેરવી તોળવા માટે જાણીતા છે.

ભાજપના માર્ગદર્શક મંડળના સભ્ય એટલે કે ‘કિક્ડ અપ’ હોવા સિવાય ગાંધીનગરના લોકસભાના સભ્ય અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા લાલજીનાં વળતાં પાણી છે. ડો. મુરલી મનોહર જોશી અને યશવંત સિંહાની જેમ મોદીયુગમાં અડવાણી પણ ‘બ્રેઈન-ડેડ’ નેતાઓની શ્રેણીમાં આવે છે. સામે પક્ષે ઈમર્જન્સીના ટેકેદાર કોંગ્રેસીઓથી ભાજપ ફાટફાટ થઈ રહ્યો છે. જેમાં ઈમર્જન્સીના મુખ્ય ખલનાયક સંજય ગાંધીનો પરિવાર મોદીનિષ્ઠ છે.

અડવાણીની ઈમર્જન્સીના પુનરાગમનની શક્યતા નિહાળતી ભવિષ્યવાણી પછી એમણે ફેરવી તોળવાની ઘણી મથામણ કરી. તેમ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ચલણવાળા ભાજપ થકી ઈંદિરા ગાંધીની ઈમર્જન્સીની ‘ભારતીય ઈતિહાસના કાલખંડની કાલિમા’ તરીકેની ઊજવણીના સમારંભનું નિમંત્રણ ના મળ્યું. ઈમર્જન્સી ફરીને લાદવાનું બંધારણીય જોગવાઈઓ મુજબ હવે વિકટ બનાવાયું હોવા છતાં કુલદીપ નાયર જેવા પત્રકાર શિરોમણિ જેમણે ઈમર્જન્સીમાં જેલવાસની યાતના સહી છે તેમનાથી લઈને વિશ્વવિખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહા જેવાઓએ ‘સંઘર્ષમાં ગુજરાત’માં પોતાને ઈમર્જન્સીવિરોધી ભૂગર્ભ પ્રવૃત્તિના નાયક ભૂમિકામાં રજૂ કરનાર વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ‘અઘોષિત ઈમર્જન્સી’ હોવાનું તારવ્યું છે.

ઈમર્જન્સીમાં સૌથી વધારે ઝીંક ઝીલનાર ઈન્ડિયન એક્સપ્રેસ જૂથના અંગ્રેજી દૈનિકે તો ઈમર્જન્સીનાં ૪૦ વર્ષની શ્રેણી પ્રકાશિત કરીને ગઈકાલ, આજકાલ અને આવતીકાલનાં વિશ્લેષણ નિષ્ણાત કલમો દ્વારા કરવાની કોશિશ કરી છે. એ શ્રેણીમાં સર્વપક્ષી રાજનેતા, પત્રકારો, લેખકો, ઈતિહાસકારો સહિત ઈમર્જન્સીનો પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ કરનારાઓને નિમંત્રીને એમને છણાવટ કરવાની મોકળાશ બક્ષી છે.

આવા જ ગાળામાં ૧૯૭૫ના જૂનની ૨૫-૨૬થી ૧૯ મહિના સુધી ઈંદિરા ગાંધી અને સંજય ગાંધીએ દેશના મોંઢે તાળાં માર્યાં અને લોકશાહી અધિકારો સમાપ્ત કરીને વિરોધીઓને જેલ ભેગા કર્યાં એના છૂટાંછવાયાં સંસ્મરણો તાજાં કરવામાં આવ્યાં. ઈંદિરાપુત્ર સંજય ગાંધીનાં મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન એવાં પત્ની મેનકા ગાંધી અને ભાજપી સાંસદ-પુત્ર ફિરોઝ વરુણ ગાંધીએ સંજયનાં ઈમર્જન્સીનાં કરતૂતને વખોડ્યાં કે વધાવ્યાં એ ઝાઝું જાણવા મળ્યું નથી. જોકે વડા પ્રધાન મોદીએ આ ગાળામાં ઈંદિરા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા એમના સાંસદ-પુત્ર રાહુલ ગાંધીને ઝપાટામાં જરૂર લીધાં છે.

વર્ષ ૧૯૭૩-૭૪ના નવનિર્માણના આંદોલન અને પછીના ઈમર્જન્સીવિરોધી સંઘર્ષમાં અમે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી હતા. એ વેળા ઝેવિયર્સના ઈકોનોમિક્સ વિભાગના વડા પ્રા. બબાભાઈ સોમાભાઈ પટેલે ઈમર્જન્સીનો વિરોધ કરવા બદલ ૧૯ મહિના જેલવાસ ભોગવ્યો કારણ એ કોઈ પક્ષ કે આરએસએસ જેવી સંસ્થા સાથે સંકળાયેલા નહોતા એટલે એમને પેરોલ પર છોડાવવાનું કે વહેલા છોડાવવાનું શક્ય નહોતું.

પ્રા. બબાભાઈને ઈમર્જન્સીના દિવસોમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં જઈને મળવાનું અને એમના પત્રો ‘સ્મગલ’ કરી આવીને ઝેવિયર્સના જ કોલેજના વિદ્યાર્થી સામાયિકના સંપાદક તરીકે બોર્ડ પર ડિસ્પ્લે કરવાનું થતું ત્યારે પ્રિ. ફાધર બ્રેગેન્ઝાનો ઠપકો પણ સાંભળવાનો થતો. એ ગાળામાં નરેન્દ્ર મોદી ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં એમ.એ. (રાજ્યનીતિશાસ્ત્ર પાર્ટ-૧)માં હતા એવું સરસંઘચાલક બાળાસાહેબ દેવરસ સાથે જેવીપીડી - મુંબઈ ખાતે રમેશ મહેતાના નિવાસસ્થાને પરિચય વેળા કહેલા શબ્દો થકી લાગે છેઃ ‘મૈં આપકો જાનતા હૂં... આપ ઝેવિયર્સ મેં થે ઔર મૈં સમાજવિદ્યા ભવન મેં.’

‘સાધના’ના ખમાસા પાસેના ભંડકિયામાં તંત્રી વિષ્ણુ પંડ્યાએ ચીંધેલું કામ કરવાનું થતું અને એમની ધરપકડ થયા પછી ભાઈ તરુણ દત્તાણી સાથે થોડુંઘણું કામ કરવાનું થતું. વિષ્ણુભાઈની ભલામણ ચિઠ્ઠીએ જ એમ.એ. કરવા મુંબઈ ગયેલા અમને સ્વ. સુધીર માંકડે બંબૈયા પત્રકારિતામાં જોતર્યા અને સ્વ. કનુ મહેતાના ઈશારે સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. રામશંકર અગ્નિહોત્રીએ હિંદુસ્થાન સમાચાર રાષ્ટ્રીય સમાચાર સંસ્થાના હિંદી વિભાગમાં કબ-રિપોર્ટર તરીકે પલોટ્યા. એ દિવસોમાં ‘સાધના’ માટે નાનાજી દેશમુખની મુંબઈથી વિસ્તૃત મુલાકાત મોકલી ત્યારે એ છપાઈ, પણ નામની ક્રેડિટ નહોતી મળી એ વાતે માઠુંય લાગેલું. મુંબઈમાં અમારા પત્રકારત્વનાં પ્રારંભિક વર્ષો ૧૯૭૭થી ’૮૧ (માર્ચ લગી) સંઘ પરિવારની હિંદુસ્થાન સમાચારમાં વીત્યાં. પછી ‘જન્મભૂમિ’ અને ઈન્ડિયન એક્સપ્રેસ જૂથમાં.

સેન્ટ ઝેવિયર્સમાંના ગુરુ પ્રા. બબાભાઈ પટેલનો અછડતો બે-ત્રણ વાર ઉલ્લેખ નરેન્દ્રભાઈએ ‘સંઘર્ષમાં ગુજરાત’માં કર્યો છે, પણ એ ૧૯ મહિના જેલમાં રહીને છૂટ્યા અને કે. એસ. શાસ્ત્રીવાળા અધ્યાપક મંડળ સામેના અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા એ વાત આજના સમયમાં તો સાવ જ વીસારે પડાઈ છે. સંયોગ તો જૂઓ કે જે જિદ્દુ (જે.) કૃષ્ણમૂર્તિના આગ્રહથી તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ જાન્યુઆરી ૧૯૭૭માં ઈમર્જન્સી ઊઠાવી લઈને માર્ચ ૧૯૭૭માં લોકસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી એ જ કૃષ્ણમૂર્તિના પટ્ટશિષ્ય પ્રા. બબાભાઈ એ દિવસોમાં જેલવાસમાંથી છૂટનારાઓમાં સૌથી છેલ્લે હતા!

હમણાં દિલ્હીથી જાણીતા ઈતિહાસલેખક અને રાજ્યનીતિશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક ડો. શમશુલ ઈસ્લામે ડો. સુબ્રમણિયન્ સ્વામી લિખિત લેખ ‘અનલર્ન્ટ લેસન્સ ઓફ ઈમર્જન્સી’ (‘ધ હિંદુ’ - ૧૩ જૂન ૨૦૦૦) અમને ઈ-મેઈલ પર પાઠવ્યો. સાથે જ સ્વામીલિખિત ‘બિટવિન સેશન્સ, ડેમોક્રસી હેઝ ઓલ્સો ડાઈડ’ (‘લાઈવ મિન્ટ’ - ૨૨ જૂન, ૨૦૧૫) વાંચવાનું થયું.

ઈમર્જન્સીમાં ડો. સુબ્રમણિયન્ સ્વામી જનસંઘના સાંસદ તરીકે રાજ્યસભામાં ચમત્કારિક હાજરી આપીને અલોપ થયાના મુદ્દે ‘હીરો’ હતા. સંઘના વરિષ્ઠ પ્રચારક માધવરાવ મૂળેના પ્રતાપે ડો. સ્વામી સંઘ-જનસંઘથી નજીક આવ્યા. સ્વભાવે ખૂબ ચંચળ. ક્યારેક ઈંદિરા ગાંધીની સાથે તો ક્યારેક સામે. ક્યારેક રાજીવ ગાંધીના મિત્ર તો ક્યારેક રાજકીય શત્રુ. એવું જ સોનિયા અમ્મા સાથે સંબંધમાં. ક્યારેક જયલલિતાને લઈને વાજપેયી સાથે જોડાણ કરાવવા ગયેલા તો ક્યારેક એ જ જયાઅમ્માને સોનિયાજી કને લઈ ગયેલા. એ જ જયલલિતા સામે સંપત્તિના મામલે અદાલતે જવામાંય એમને સંકોચ નહીં. વાજપેયી સાથેના ડો. સ્વામીના અણબનાવમાં મોરારજી દેસાઈ સાથેની મૈત્રી એમને જનતા પાર્ટીના સાંસદ તરીકે જાળવતી તો ક્યારેક કોંગ્રેસના ટેકે ચંદ્રશેખરની સરકારમાં એ કેબિનેટ પ્રધાનપદ ભોગવતા. પોતાની જનતા પાર્ટી અને એની વેબસાઈટ પર આ નિવેદનસૂર નેતાની ઉછળકૂદ જોવા મળે. આજે એ મોદીભક્ત ભાજપી નેતા છે.

વર્ષ ૨૦૦૦માં ભાજપ થકી ઈમર્જન્સીની રજતઊજવણીની જાહેરાત થતાં જ ડો. સ્વામીએ ‘ધ હિંદુ’માં લખ્યું હતુંઃ ‘પૂણેની યરવડા જેલમાંથી આરએસએસના વડા બાળાસાહેબ દેવરસે ઈંદિરા ગાંધીને કેટલાક ક્ષમાપ્રાર્થનાના પત્રો લખ્યાનું મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહીના રેકર્ડ પર નોંધાયેલું છે. આ પત્રોમાં જેપીના નેતૃત્વમાં ચલાવાતી ચળવળ સાથે આરએસએસનો નાતો તોડતાં બદનામ ૨૦-મુદ્દા કાર્યક્રમને માટે કામ કરવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે (ઈંદિરાજીએ) તેમના કોઈ પણ પત્રનો ઉત્તર વાળ્યો નહોતો. અટલ બિહારી વાજપેયીએ પણ ઈંદિરા ગાંધીને ક્ષમાપ્રાર્થના કરતા પત્રો લખ્યા હતા. તેમણે એમના પર ઉપકાર જરૂર કર્યો હતો. ઈમર્જન્સીના ૨૦ મહિનાના મોટા ભાગનો સમય સરકાર વિરુદ્ધના કોઈ કાર્યક્રમમાં સહભાગી નહીં થવાની લિખિત ખાતરીના સાટામાં વાજપેયીએ પેરોલમુક્તિ હેઠળ જ ગાળ્યો હતો.’

આ જ લેખમાં ડો. સ્વામીએ અકાલી નેતા સુરજિત સિંહ બરનાલાના પુસ્તકનો હવાલો આપ્યો છે અને જનસંઘના નેતાઓ કેવી રીતે પેરોલ પર છૂટી જતા હતા એના વર્ણન કર્યાં છે. મોરારજી દેસાઈને પેરોલમુક્તિની ઓફર કરાઈ ત્યારે ‘સારા વર્તન’ની શરત મૂકાઈ પણ મોરારજીએ જેલમાં મળવા આવેલા ઈંદિરા-દૂતને સુણાવ્યું હતું કે જેવોને હું છૂટીશ કે તુર્ત જ સરકાર સામે લડત આરંભીશ.

પુત્રવધૂ પદ્મા કાંતિલાલ દેસાઈએ પેરોલ સ્વીકારવાનો ‘બાપુજી’ને આગ્રહ કર્યો ત્યારે એમણે ‘આ ઉંમરે તો મૃત્યુ એ સારો વિકલ્પ છે’ એવું કહ્યું હતું. જોકે માર્ચ ૧૯૭૭ની ચૂંટણીના પરિણામોએ ‘તાનાશાહ’ ઈંદિરા ગાંધીને અને એમના પક્ષને ધૂળ ચટાડી અને મોરારજી ૮૨ વર્ષની વયે વડા પ્રધાન બન્યા હતા.

વર્ષ ૨૦૦૦માં ‘ભાજપ કયા મોંઢે લોકશાહીના બચાવ માટે સંઘર્ષની વાત કરે છે?’ એવો પ્રશ્ન કરનાર ડો. સ્વામી ૨૦૧૫માં મોદીભક્તિમાં લીન છે અને ઈમર્જન્સી વિશે લખતાં ‘ગુજરાતમાં એ દિવસોમાં મને લેવા આવનારાઓમાંના એક નરેન્દ્ર મોદી હતા. એ વેળા તેઓ પ્રચારક હતા અને ત્યારથી મારો એમની સાથે સંબંધ શરૂ થયો.’ ‘સંઘર્ષમાં ગુજરાત’માં મોદી ડો. સ્વામીને ભાવનગર લઈ ગયાની અને ગુજરાતમાં કેટલીક વ્યક્તિઓ સાથે મુલાકાતો કરાવ્યાનું નોંધે છે. એવું જ કાંઈક એ દિવસોમાં મુંબઈમાં વેદપ્રકાશ ગોયલના ઘરે નાસ્તો કર્યાંનું નોંધીને ડો. સ્વામી વર્તમાન કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સાથે નાતો તાજો કરી લે છે.

આરએસએસનો ઈમર્જન્સી સામેનો સંઘર્ષ પ્ર. ગ. સહસ્ત્રબુદ્ધે અને માણિકચન્દ્ર વાજપેયીએ સંપાદિત કરેલા ૭૦૦ પાનાંના ‘આપાતકાલીન સંઘર્ષ-ગાથા’ (સુરુચિ પ્રકાશન, કેશવકુંજ, નયી દિલ્લી - પ્રથમ સંસ્કરણ ૧૯૯૦)માં રાજ્યવાર નોંધાયો છે. એમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો નાયક તરીકેનો ઉલ્લેખ નજરે ચડતો નથી, પણ સંઘ તરફથી દેશમાં ઈંદિરા સરકાર સામે લડત અપાયાનું દસ્તાવેજીકરણ જોવા મળે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીને પૂણેની યરવડા જેલમાંથી ક્ષમાપ્રાર્થના કરતા પત્રો લખ્યાની ડો. સ્વામીની વાત અંગે સ્વયં બાળાસાહેબની ૧૧ એપ્રિલ, ૧૯૭૭ના રોજ દિલ્હીમાં પત્રકારવાર્તામાં શું કહ્યું હતું એ અત્રે ઉલ્લેખનીય છે.

જેલમુક્ત થયા પછી બાળાસાહેબ ૬ એપ્રિલ, ૧૯૭૭ના રોજ દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે લીધેલી પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર દેશનાં પ્રતિષ્ઠિત અખબારોના નામાંકિત પત્રકારો ઉપસ્થિત હતા. ‘હિંદુવાદી સંગઠન ઔર સત્તાવાદી રાજનીતિ’ નામક મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ)ના જાગૃતિ પ્રકાશન, નોઇડા દ્વારા ૧૯૯૭માં પ્રકાશિત હિંદી પુસ્તકમાં ઉપરોક્ત પત્રકારવાર્તા વિગતે પ્રગટ કરાઈ છે.

પ્રશ્નઃ વિનોબાજીએ ઈમર્જન્સીને અનુશાસન પર્વ કહ્યું છે અને સંઘ પણ એ જ અનુશાસનમાં વિશ્વાસ ધરાવે છે, તો ઈમર્જન્સીનો વિરોધ કેમ?

ઉત્તરઃ આ ઈમર્જન્સીનું અનુશાસન (શિસ્ત) એ કાંઈ અનુશાસન નથી. પાછળ દંડો છે એટલે માણસ ચૂપ બેઠો છે અને કાંઈ કરતો નથી એટલે આને અનુશાસન કહેવાય નહીં.

પ્રશ્નઃ શું આપે ભૂતપૂર્વ વડાં પ્રધાનને (ઈંદિરા ગાંધીને) એક પત્ર લખ્યો હતો કે આપ ૨૦ મુદ્દાના કાર્યક્રમને ટેકો આપો છો?

ઉત્તરઃ નહીં, નહીં. મેં ક્યારેય મારા પત્રમાં આવું લખ્યું નથી. ક્યારેય પાંચ સૂત્રી કાર્યક્રમ કે પચીસ સૂત્રી કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો નથી. મારા પત્રમાં મારો મૂળ વિષય એટલો જ હતો કે સંઘ ઉપર આપે જે આરોપ અને આક્ષેપ લગાવ્યા છે, તે ખોટા છે. જેટલા પણ આરોપ, આક્ષેપ રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘ પર લગાવવામાં આવ્યા તેનો એક-એકનો ઉત્તર આપતો રહ્યો. મારા પત્રનો સંદર્ભ આ જ હતો.... મેં ક્યારેય કોઈ પત્રમાં ૨૦ મુદ્દા કે પાંચ મુદ્દાના કાર્યક્રમનો ઉલ્લેખ પણ કર્યો નથી.’

બાળાસાહેબના ઉપરોક્ત પુસ્તકના પરિશિષ્ટમાં તેમણે યરવડા મધ્યવર્તી કારાગૃહમાંથી વડાં પ્રધાન ઈંદિરા ગાંધીને લખેલા ૨૨ ઓગસ્ટ, ૧૯૭૫ અને ૧૦ નવેમ્બર, ૧૯૭૫ના બંને પત્રો પૂરેપૂરા પ્રકાશિત કરાયાં છે. સંભવતઃ બાળાસાહેબે આચાર્ય વિનોબા ભાવેને મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના પ્રિઝન વોર્ડ નં. ૧૪માંથી લખેલા પત્રના અંતિમ અંશ થકી સંઘની ભૂમિકા વિશે ગેરસમજ ફેલાવાતી હોય.

‘અખબારોમાં આવ્યું છે કે માનનીય વડાં પ્રધાન આપને પવનાર આશ્રમમાં ૨૪મી તારીખે મળવાનાં છે. એ સમયે દેશની આજની પરિસ્થિતિ વિશે ચર્ચા થશે. મારી આપને વિનંતી છે કે આપ વડાં પ્રધાનની સંઘ વિશે ખોટી ધારણા છે એને દૂર કરવાનો પ્રયાસ કરશો અને એના પરિણામે સંઘના સ્વયંસેવક કારાગૃહમાંથી મુક્ત થાય, સંઘ પરનો પ્રતિબંધ ઊઠાવી લેવાય અને આજે દેશમાં વડાં પ્રધાનના નેતૃત્વમાં બધા વર્ગોની ઉન્નતિ માટે જે યોજનાઓ ચલાવાઈ રહી છે તેમાં સંઘ અને સંઘના સ્વયંસેવક પોતાનું યોગદાન કરી શકે એવી સ્થિતિ નિર્માણ થાય.’

ડો. સ્વામી ભાજપની બહાર હોય ને અંદર હોય ત્યારે સંઘ વિશે નોખી વાત કરતા હોય તો સાચો ઈતિહાસ લખાવાનો કઈ રીતે? વિચારવાનો મુદ્દો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter