ઈશાન ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’માં મોદીનો જાદુ છવાઈ ગયો

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Monday 05th February 2018 12:22 EST
 
 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલેશીભર્યા વિજય અને રાજસ્થાનની બંને લોકસભા બેઠકો તથા એક વિધાનસભા બેઠક પર ભાજપના કરુણ પરાજ્ય પછી ઘાયલ વાઘની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમનો પક્ષ બમણા જોરથી ઈશાન ભારતનાં ત્રણેય રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયને ભાજપના નેતૃત્વવાળા એનડીએની ઝોળીમાં અંકે કરી લેવા કૃતસંકલ્પ છે.

ત્રણેય રાજ્યો ભલે ખોબલા જેવડાં હોય, પણ આવતા દિવસોમાં કોંગ્રેસ કનેથી કર્ણાટક છીનવીને બેંગલૂરુમાં ભાજપની યેડિયુરપ્પા સરકાર સ્થાપવા માટે આ ત્રણ રાજ્યોને કોઈ પણ ભોગે જીતી લેવાં અનિવાર્ય છે. ઈશાનના આઠ રાજ્યોમાં મોદી જાદુ છવાયો છે. માત્ર ભાજપ જ નહીં, સમગ્રપણે સંઘ પરિવાર એ સંકલ્પને સાકાર કરવા મેદાને પડ્યો છે. ઈશાન ભારતનાં સિક્કિમ સહિતનાં આઠ રાજ્યોમાંથી આ ત્રણ રાજ્યો પર ભાજપ અને મિત્રપક્ષોનો કબજો થતાં એકમાત્ર મિઝોરમના કોંગ્રેસી ગઢને ખેરવવાનો રહે છે. એ પણ આવતા વર્ષ દરમિયાન રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ સાથે સર કરવાના વ્યૂહ ઘડાયા છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકારોનાં પરાજ્યની ગણતરી ખરી. જોકે, લોકસભાની ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૮માં કરી લઈને પક્ષ અને કેન્દ્ર સરકારની કથળતી જતી સ્થિતિ વચ્ચે ફરીને નરેન્દ્ર મોદીના સત્તારોહણનાં આયોજન ખરાં. ઉત્તર ભારતનાં રાજ્યોમાં મે ૨૦૧૪માં ભાજપને મળેલી બેઠકોમાં સંભવિત ઘટાડો તમિળનાડુમાં દ્રમુક સાથેના જોડાણ થકી સરભર કરી લેવા માટે વડા પ્રધાન એકાએક કરુણાનિધિના ખબરઅંતર પૂછવા ગયા અને એ પછી કરુણાનિધિના પક્ષના એ. રાજા તથા કરુણાનિધિ-પુત્રી કળિમોળી ટુ-જી કૌભાંડમાં નિર્દોષ છૂટી ગયાના વાવડ આવ્યા. અત્યાર લગી ભારે ઊધામા છતાં કેરળ અને તમિળનાડુમાં ભાજપને વિધાનસભા તથા લોકસભામાં માંડ સમ ખાવા પૂરતી એકાદ બેઠક મળતી રહી છે.

૨૦૧૯માં નિર્ધારિત લોકસભાની ચૂંટણીને છ મહિના વહેલી યોજવાનો જુગાર નરેન્દ્ર મોદી - અમિત શાહની જોડી ખેલી લેવામાં ૨૦૦૪ના ‘ઈન્ડિયા શાઈનિંગ’નું વરવું પુનરાવર્તન કરીને ભાજપની સ્થિતિ કફોડી ના કરે, એ માટે છાસ પણ ફૂંકીને પીવાનું મોદી-શાહની જોડી પસંદ કરે છે. આવતા દિવસો એમના નેતૃત્વ માટે તલવારની ધાર પર ચાલવાના સંજોગોનાં એંધાણ આપે છે, છતાં વિપક્ષની એકતાનો સંકલ્પ સાકાર થાય એ પહેલાં જ રાહુલબાબાના ગઢમાં પડાય એટલાં ગાબડાં પાડીને વધુ પાંચ વર્ષ માટે કેન્દ્રમાં શાસનને અંકે કરી લેવા મોદી ઉતાવળા છે.

વિપક્ષી એકતાના ખરતા કાંગરા

વિપક્ષી એકતામાં એક સાંધવા જતાં તેર તૂટવાના સંજોગો છે. વડા પ્રધાનપદના વિપક્ષી ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી સર્વમાન્ય નથી. રૂસણે બેસતા ભાજપી મિત્રો શિવસેના, તેલુગુ દેશમ્ અને પીડીપીની ચોટલી અંતે તો કેન્દ્ર સરકારના હાથમાં છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી)નો દંડૂકો કે પોપટ સાઉથ બ્લોક (વડા પ્રધાન કાર્યાલય) અને નોર્થ બ્લોક (ગૃહ મંત્રાલય) ઈચ્છે તે રીતે ગતિ કરવા માટે જાણીતો છે. આવા સંજોગોમાં વિપક્ષી એકતાનો સંઘ કાશીએ એટલે કે સાઉથ બ્લોકની આસપાસ પહોંચવા થાય એ પહેલાં જ એની એકતાને છિન્નભિન્ન કરી દેવાના વ્યૂહ ૧૧ અશોક રોડ (ભાજપી મુખ્યાલય)માં ઘડાઈ ચૂક્યા હોય છે. આવી સ્થિતિમાં કશું કાચું કપાય નહીં એની તકેદારી સ્વયં વડા પ્રધાન મોદી રાખે એ સ્વાભાવિક છે. સત્તામાં આવ્યા છતાં વિપક્ષની આંદોલનાત્મક છબિ ભાજપની નેતાગીરીએ બરકરાર રાખી છે. મોદી વ્યૂહનો કોંગ્રેસને અણસાર આવે એ પહેલાં તો અમલ થઈ ચૂક્યો હોય છે.

ઈશાન ભારતનાં ત્રણ રાજ્યોમાં ૧૮ અને ૨૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલાં ભાજપશાસિત આસામમાં રોકાણકારોની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાય, અંબાણી અને ટાટા ટ્રસ્ટ એમાં ઈશાન ભારતમાં ભારે મૂડીરોકાણની જાહેરાત કરે અને હજારોને રોજગારી આપવાની ખાતરી અપાય છે. સાથે જ વડા પ્રધાન મોદી ઈશાન ભારતનાં આ આઠ રાજ્યોને ‘અષ્ટલક્ષ્મી’ જાહેર કરીને એમને ભારતના વિકાસયંત્ર માટે ચાવીરૂપ લેખાવે છે. અગાઉનાં વર્ષોમાં કોંગ્રેસી શાસકોએ કરેલી ભૂલે કે જેમને દુભવ્યા છે બધાને ભાજપી પારસમણિથી પવિત્ર કરીને પોતાની સાથે જોડીને મોદીનો અશ્વમેધ આગળ વધી રહ્યો છે, એ વાત તો એમનાં વિરોધીઓએ પણ કબૂલ રાખવી પડશે.

મોદીથકી ભાજપી સરકારો સ્થાપવામાં કોઈ પણ પક્ષના નેતાઓનો સાથ કોઈ પણ છોછ વિના લેવામાં જરાય છોછ રાખવામાં આવતો નથી. એક વાર રાજ્યમાં સત્તા મેળવ્યા પછી જે તે આયાતી નેતાઓ પર રિમોટ તો મોદી-સેનાનો ચાલે એ સ્પષ્ટ છે. એટલે ક્યારેક મોદીના સાથીદાર રહેલા વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયા ભલે કહેતા હોય કે આસામમાં દસમાંથી નવ પ્રધાન કોંગ્રેસ અને અહોમ ગણ પરિષદ (એજીપી)માંથી આવ્યા છે. સત્તા મેળવ્યા પછી એમને યોગ્ય નર્તન કરાવવું જરૂરી છે.

માર્કસવાદી ત્રિપુરા અને વિપક્ષી એકતા

છેલ્લાં વીસ વર્ષથી ત્રિપુરામાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના સાદગીથી જીવતા નેતા માણિક સરકાર મુખ્ય પ્રધાન તરીકે શાસન કરે છે. છેક ૧૯૯૩થી આ રાજ્યમાં કોંગ્રેસ વિપક્ષમાં છે. ત્રિપુરાના ‘મહારાજા’ પણ કોંગ્રેસમાં હોવા છતાં કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો પણ વાયા તૃણમૂલ કોંગ્રેસ ભાજપ સાથે ઘર માંડતા થયા છે. ‘મહારાજા’ને મુખ્ય પ્રધાનપદના ભાજપી ઉમેદવાર તરીકે આગળ કરીને માર્કસવાદી શાસનનો અંત આણવા સહિતની વ્યૂહરચનાઓ ભાજપ-સંઘ થકી વિચારાઈ છે. જોકે, અહીં માર્ક્સવાદી મુખ્ય પ્રધાન સરકારનાં વખાણ કરનારા સંઘના ‘અધિકારીઓ’ હવે એમને ઘરભેગા કરવા મેદાને પડ્યા છે. આ વખતે ભાજપની સરકાર અગરતલામાં સ્થપાય એવાં એંધાણ જરૂર મળી રહ્યાં છે.

કેરળમાં માર્ક્સવાદી મોરચાની સરકાર આવતાં વડા પ્રધાન મોદી આડા હાથ દઈ શક્યા છે. પશ્ચિમ બંગાળમાં છેક ૧૯૭૭થી રાજ કરતા માર્કસવાદી મોરચાને ‘બંગાળની વાઘણ’ ગણાતાં મમતા બેનરજીએ ૨૦૧૧માં પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી. અહીં મમતા દીદીને પછાડવા ભાજપ થકી ભારે ઉધામા મારવામાં આવ્યા, અનેક કૌભાંડોના ખટલાઓમાં તૃણમૂલના નેતાઓને ગિરફ્તાર કરવામાં આવ્યાં, છતાં ભાજપને રાઈટર્સ બિલ્ડિંગ પર કબજો મેળવવામાં સફળતા મળી નથી. હવે માર્ક્સવાદી મોરચાના ત્રિપુરા ગઢને તોડ્યા પછી કેરળનો ગઢ ધ્વસ્ત કરવાની ભાજપી યોજના છે.

વિપક્ષી એકતામાં મમતા બેનરજી, નવીન પટનાયક, અરવિંદ કેજરીવાલ, અને રાહુલબાબા વચ્ચે સમજૂતી સધાય નહીં એ માટેની સુરંગો ભાજપી સેના મૂકતી જાય છે. મોદી-સેના જાગતી સેના છે. જોકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં એને અપેક્ષિત સફળતા મળી નહીં હોવા ઉપરાંત વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને બીજા રાહુલ-બ્રિગેડના કોંગ્રેસી નેતાઓએ રૂપાણી સરકારને ભીંસમાં લેવાનું ચાલુ કર્યું છે. આવું પ્રત્યેક રાજ્યમાં કોંગ્રેસ અને વિપક્ષ કરે, એવા સંજોગોનો મુકાબલો કરવા માટે પણ ભાજપની નેતાગીરીએ કમર કસવાની છે.

રાજભવનમાં સંઘનિષ્ઠોઃ સત્તા માટે જોડાણો

ઈશાન ભારતનાં રાજ્યોમાં રાજ્યપાલની નિયુક્તિઓ તો કેન્દ્રમાં મોદી સરકાર થકી કરાયેલી છે. ત્રિપુરામાં રાજ્યપાલ તરીકે પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ રહેલા સંઘનિષ્ઠ તથાગત રાય છે. નાગાલેન્ડમાં રાજ્યપાલપદે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી અને ઈશાન ભારતમાં વર્ષોથી કાર્યરત રહેલા મુંબઈકર પદ્મનાભ આચાર્ય છે. મેઘાલયમાં નાગપુરના હિતવાદ અખબાર સમૂહના મોભી અને અગાઉ કોંગ્રેસી અને પછીથી ભાજપી સાંસદ રહેલા સંઘના લાડકા બનવારી લાલ પુરોહિત છે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની બેઠકો ૬૦-૬૦ છે. ત્રિપુરા હિંદુબહુલ છે, પણ મેઘાલય અને નાગાલેન્ડ ખ્રિસ્તીબહુલ છે. જોકે, ભાજપ જેવો દેશ તેવો વેશ કરવામાં નિષ્ણાત છે. ભારતમાં અન્યત્ર ગોમાંસ વિરોધી ઝુંબેશ ચલાવનાર ભાજપને અહીં ગોમાંસ ભક્ષણ સામે વાંધો નથી.

નાગાલેન્ડમાં મુખ્ય પ્રધાન ટી. આર. ઝેલિયાંગના નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ) સાથે છેલ્લાં ૧૫ વર્ષથી ભાજપનું જોડાણ હતું. જોકે, આ વખતે એ તોડીને નાગાલેન્ડના મુખ્ય પ્રધાન અને સાંસદ રહેલા નેઈફ રિઓના વડપણવાળા પક્ષ નેશનલ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી (એનડીપીપી) સાથે ભાજપે ઘર માંડ્યું છે. ૨૭ ફેબ્રુઆરીએ અહીં ચૂંટણી યોજાવાની છે. ૪૦ બેઠકો એનડીપીપી અને ૨૦ બેઠકો ભાજપ લડે છે. મેઘાલયમાં કોંગ્રેસી મુખ્ય પ્રધાન મુકુલ સંગમાને ઘર ભેગા કરવા માટે કોનરાડ સંગમાની એનપીપી સાથે ભાજપ ચૂંટણી લડે છે.

અણ્ણા હજારેનું આંદોલન

અગાઉ રામલીલા મેદાન પર આંદોલન કરીને કોંગ્રેસની ડો. મનમોહન સિંહની સરકારને ઘરભેગી કરવાનું વાતાવરણ તૈયાર કરનાર મહારાષ્ટ્રના સમાજસેવી અણ્ણા હજારે હવે નરેન્દ્ર મોદી સરકારને ઘરભેગી કરવાના સંકલ્પ સાથે આગામી ૨૩ માર્ચથી રામલીલા મેદાન પર ફરીને રાજકીય લીલા આદરવાના છે. જોકે, આ વખતે એમને કેટલો અને કેવો પ્રતિસાદ મળશે એ વિશે શંકાકુશંકાઓ અત્યારથી સેવાઈ રહી છે. ક્યારેક મહારાષ્ટ્રમાં પોતાના ગામ રાળેગણસિદ્ધિને આદર્શ ગામ બનાવવામાં સફળ રહેલા અણ્ણા હજારેના શિષ્યોમાં પાછળથી ઘણાં તડાં પડ્યાં હતાં. અરવિંદ કેજરીવાલ થકી ‘આપ’ની સ્થાપના કરાઈ અને દિલ્હીના મુખ્ય પ્રધાનપદ સુધીની મજલ કાપવામાં આવી એ જ આંદોલનમાંથી નીકળેલા કિરણ બેદી ભાજપમાં જોડાયાં. ચૂંટણીલક્ષી રાજકારણમાં પરાસ્ત થયાં. હવે નાયબ રાજ્યપાલ છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter