એક આ સમઢિયાળા અને એક તે સમઢિયાળા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 27th July 2016 08:59 EDT
 
 

ક્યારેક ગોધરા-અનુગોધરા પ્રકરણથી દુનિયાભરમાં લજવાયેલું ગુજરાત આજકાલ દલિતો પરના અત્યાચારોના મોટા સમઢિયાળાકાંડને નામે દેશ અને દુનિયામાં ગાજી રહ્યું છે. જુલાઈ મહિનો ભાજપ જેવા સત્તાપક્ષ માટે ભારે ગણાઈ ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માંડ ૩૦૦૦ની વસ્તી ધરાવતા મોટા સમઢિયાળામાં મરેલા ઢોરના ચામડાંનો વ્યવસાય કરનાર દલિત સરવૈયા પરિવારને બે મરેલી ગાયનો નિકાલ કરવા જતાં ગોમૈયાનો હત્યારો ગણીને અમાનુષી માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, ગૌરક્ષા સમિતિને નામે ટ્રસ્ટ ચલાવનારાઓએ આ અમાનુષી અત્યાચારનો વીડિયો બનાવીને વાયરલ કરીને જાણે કે ઈડરિયો ગઢ જીતવા જેવું કામ કર્યું હોય એવાં ઢોલ પીટ્યાં. ગુજરાતની આનંદીબહેન પટેલની સરકારથી લઈને ભારતની નરેન્દ્ર મોદી સરકારને માથે કાળી ટીલી લગાડવા જેવું કામ કર્યું. ભાજપ અને સંઘ પરિવારના શાસનમાં દલિતો સુરક્ષિત નથી એવી ચર્ચા સંસદથી લઈને શેરી સુધી છવાઈ ગઈ. બબ્બે દાયકાથી જે દલિત પરિવાર સત્તારૂઢ ભાજપ સાથે જોડાયેલો હોય એની જ સાથે આવો દુર્વ્યવહાર થાય પછી ભાજપવિરોધી રાજકીય પક્ષો અને સંગઠનો એ તકનો લાભ ખાટવામાં મણા શાને રાખે?

આઈએએસ અધિકારીએ બિરદાવેલું ગામ

સમઢિયાળા ગામનું નામ આવ્યું એટલે અમને સ્મરણ થયું કે ગુજરાતનાં કર્મશીલ આઈએએસ અધિકારી ડો. જયંતી રવિએ થોડાંક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના આદર્શ ગામ તરીકે જે સમઢિયાળાને છેક એમના વતન રાજ્ય તમિળનાડુની રાજધાની ચેન્નઈ (મદ્રાસ)થી પ્રકાશિત થતા પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિક (ફ્રંટલાઈન)માં તેમણે લખેલી કોલમનું એ ગામ આવું કેમ થઈ ગયું એ પ્રશ્ન થયો. શ્રીમતી રવિને પૂછ્યું તો એમણે ફોડ પાડ્યો કે તેમણે જે આદર્શ ગામ વિશે ૨૦૦૩માં લખ્યું હતું એ રાજકોટ જિલ્લાનું રાજ સમઢિયાળા અને અત્યારે ચર્ચામાં છે તે ગીર સોમનાથ જિલ્લાનું મોટા સમઢિયાળા.

દુનિયાભરમાં બદનામીનું નિમિત્ત બનેલું ગામ

મોટા સમઢિયાળા ઉનાથી ૨૦ કિલોમીટરને અંતરે આવેલું ગામ છે. ગ્રામ પંચાયત ધરાવે છે. એના સરપંચ તરીકે પ્રફુલ્લભાઈ કોરાટ છે. એ લેઉઆ પટેલ છે. પીડિત સરવૈયા પરિવારને વારંવાર ધમકી અને નોટિસો આપવા સહિતનાં કારણો આગળ ધરીને એમને દલિતવિરોધના ઉકળતા ચરુના દિવસોમાં તાલુકા વિકાસ અધિકારીએ હોદ્દેથી દૂર કર્યા છે.

છેલ્લા કેટલાક સમયગાળામાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલથી માંડીને કેન્દ્રના નવનિયુક્ત રાજ્યપ્રધાન પરસોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના મહાનુભાવો મોટા સમઢિયાળા પહોંચીને દલિત પરિવાર સાથે પોતાના પક્ષ અને સરકારની ભાવનાને જોડવાની કોશિશ કરતાં રહ્યાં છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન મોટા સમઢિયાળાની મુલાકાતે આવીને ગયાં ત્યારે એમના ધ્યાને આવ્યું કે વિકાસનાં કામોથી ગામ વંચિત છે. સરકારનાં નાણા ફાળવવામાં આવ્યા પછી પણ અહીં દારૂણ ગરીબી અને સામાજિક ભેદભાવમાં ગામ સબડે છે. એમના નિર્દેશો પછી રાજકીય કાર્યકરો અને સરકારી અધિકારી દોડતા થઈ ગયા છે.

મૃત ગાયોના ગૌભક્ત રક્ષકોનું દુષ્કૃત્ય

૧૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ મૃત ગાયોનું ચામડું ઉતરડતા વશરામ સરવૈયા, રમેશ સરવૈયા, બેચર સરવૈયા અને અશોક સરવૈયા પર ગૌરક્ષકોએ અમાનુષી અત્યાચાર આદર્યો અને પોલીસ મૂકપ્રેક્ષક બની રહ્યા. વાત ખૂબ ચગી એટલે સરકારી તંત્રના આદેશોને પગલે કાર્યવાહી અને તપાસ આરંભાઈ. સમગ્ર રાજ્યનો જ નહીં, દેશનો દલિત સમાજ ઊકળી ઊઠ્યો.

દલિત અધિકાર મંચનું એક તપાસ પંચ ડો. નીતિન ગુર્જર અને બીજા આઠ જણા સાથે ૧૬ જુલાઈ, ૨૦૧૬ના રોજ તપાસ માટે મોટા સમઢિયાળા પહોંચ્યું અને એનો અહેવાલ વાંચતાં બાબત કેટલી ગંભીર હતી એ સમજતાં વાર ના લાગી. ૩૦૦૦ની વસ્તીવાળા મોટા સમઢિયાળામાં ૨૫૦ ઘર પટેલોનાં છે. ૨૫ કોળીનાં, ૧૬ વાળંદનાં, ૨ દરબારનાં, ૨ આહીરનાં અને ૨૫ ઘર દલિતનાં છે. દલિતો ગરીબીમાં સબડે છે, છતાં ગરીબી રેખા નીચેના કાર્ડ એમને અપાયાં નથી. એમના કોઈ ઘરમાં શૌચાલય નથી. હવાઉજાસ નથી.

સામે પક્ષે સરપંચ તરફથી એવું જણાવાય છે કે તેમણે વિકાસનાં કામો માટે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કર્યા છતાં ફંડ ફાળવાતાં નથી. ગામમાં દલિતોની સાથે આભડછેટ રખાય છે. એમને મંદિર પ્રવેશ નથી. અલગ સ્મશાન છે. દારૂણ ગરીબી છે. કેટલાક દલિતોના ઘરને બારીબારણાં નથી કે નથી લાઈટની સુવિધા.

વડી અદાલતના ન્યાયમૂર્તિ તપાસ કરે

ડો. નીતિન ગુર્જર તપાસ પંચના અહેવાલમાં ૧૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ જ પોલીસે પ્રથમદર્શી ગુનો છ વ્યક્તિ એટલે કે છ ગૌભક્તો સામે નોંધ્યો હોવાનું સ્પષ્ટ થાય છે, પણ અત્યાચાર ગુજારનારા ૩૦થી ૪૦ વ્યક્તિ સામે પગલાં લેવાની તેમણે માગણી કરી છે. સત્તાવાળાઓએ ૧૬ જણાની ધરપકડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ થકી તપાસની જાહેરાત કરી છે. જોકે, વડી અદાલતના ન્યાયમૂર્તિ દ્વારા તપાસ થાય એવી માગણી ઉગ્ર બની છે.

બદનામ ગામ આદર્શ બની શકે

આવતા દિવસોમાં મોટા સમઢિયાળાનું સ્વરૂપ કેવું હશે એ કહી શકાય નહીં, પણ પેલું રાજકોટ પાસેનું રાજ સમઢિયાળા બે દાયકા પહેલાં ગરીબીમાં સબડતું, દુષ્કાળગ્રસ્ત રણપ્રદેશ જેવું, વ્યસનગ્રસ્ત અને તમામ પ્રકારની બદીઓથી ગ્રસ્ત એવું પાણીની તંગી ધરાવતું ગામ હતું એટલે કોઈ સ્વેચ્છાએ પોતાની દીકરી આ ગામમાં પરણાવાય ય તૈયાર નહોતું.

આજે એ આદર્શ ગામ બન્યું છે. લીલુંછમ છે. વ્યસનમુક્ત છે. પાણીની છત છે. ખેતીવાડી અને શાકભાજીના વેપારથી સમૃદ્ધ છે. એવું આદર્શ ગામ બની શક્યું છે કે આઈએએસ અધિકારી શ્રીમતી જયંતી રવિએ પ્રતિષ્ઠિત અંગ્રેજી સામાયિક ‘ફ્રંટલાઈન’માં એની વિકાસગાથા લખીને દુનિયાભરને એના ચમત્કારિક વિકાસ વિશે જાણ કરી છે.

ભણેલાગણેલા હરદેવસિંહ બળવંતસિંહ જાડેજાના સંકલ્પ અને ગ્રામજનોના સહયોગે આ રાજ સમઢિયાળાની શકલ બદલી નાંખી છે. આ ગામમાં લોકો ઘરને તાળાં મારતા નથી, છતાં ચોરી થતી નથી. પોલીસ કેસ થતા નથી.

અણ્ણા હજારેનું આદર્શ ગામ

એવું જ કાંઈક મહારાષ્ટ્રમાં દારૂ-જુગારની બદીઓથી ખદબદતા, ગરીબીમાં સબડતા અહમદનગર જિલ્લાના પારનેર તાલુકાના રાળેગણ સિદ્ધિ નામના ગામને આદર્શ, વ્યસનમુક્ત અને વિકસિત ગામ બનાવવામાં ભારતીય લશ્કરમાંથી નિવૃત્ત થઈને ૧૯૭૫માં વતન આવી વસેલા અણ્ણા હજારેએ ભવ્ય યોગદાન આપ્યું અને પ્રેરણા આપી હતી. અણ્ણા હજારેનું નામ દેશ અને દુનિયામાં જાણીતું છે. એમણે પોતાના ગામને આદર્શ ગામ બનાવ્યું હતું એટલે મહારાષ્ટ્રની સરકારે વધુ ૩૦૦ ગામને આદર્શ બનાવવાની યોજના એમને સોંપી હતી. કમનસીબે એ યોજના પાર પાડવામાં અણ્ણાને વતન રાળેગણ સિદ્ધિ જેવી સફળતા ના મળી. કારણ સ્થાનિક નેતૃત્વ અને કાર્યકરોના સાથસહકાર વિના ગાંધીજીને અભિપ્રેત ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. ગુજરાતનું મોટા સમઢિયાળા રાજ્યના જ રાજ સમઢિયાળા જેવું આદર્શ બની શકે છે, જો સ્થાનિકો એ માટે જાગે તો.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter