ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જ સરદાર પટેલની હત્યા કરવાનો સંકલ્પ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 26th November 2019 05:38 EST
 
 

આજકાલ રાષ્ટ્રીય કક્ષાએ દેશના મહાપુરુષોની દાયકાઓ પહેલાં થયેલી હત્યા કે હત્યાનાં કાવતરાંના ઇતિહાસનું સમુદ્રમંથન ચાલી રહ્યું છે: મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી કે ડો. શ્યામાપ્રસાદ મુકરજીની હત્યાનાં કાવતરાંના મામલાનાં સત્યશોધન માટે હજુ સર્વોચ્ચ અદાલતથી લઈને જન-અદાલત લગી ગાજવીજ ચાલે છે, પણ આ દેશના રાષ્ટ્રનાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલની હત્યાનાં કાવતરાં હજુ ઓઝલમાં જ રાખવામાં આવે છે.

વડોદરા અને ભાવનગર રાજ્યમાં સરદાર પટેલની હત્યા માટે વર્ષ ૧૯૩૮ અને ૧૯૩૯માં થયેલા હુમલાની નોંધ લેનારાઓ પણ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા પુણેરી નથુરામ ગોડસે થકી કરાઈ અને એ જ ટોળકી સરદાર પટેલને મોતને ઘાટ ઉતારવા માંગતી હતી, એ વાતને ઝાઝી પ્રકાશમાં આણતા નથી. સરદાર પટેલ જ નહીં, પંડિત જવાહરલાલ નેહરુની હત્યા કરવાનું પણ ગાંધીની હત્યા પાછળની ટોળકીની મંછા હતી. આ વાત હવે ઇતિહાસના દસ્તાવેજોમાં નોંધાયા છતાં ભાગ્યે જ એને બહાર લાવવા માટે પ્રયાસો થાય છે.

નથુરામની પ્રગટ ઘોષણા

આજે પણ સમગ્ર ગોડસે પરિવાર રાષ્ટ્રપિતાની હત્યા માટે ગર્વની અનુભૂતિ કરે છે. નથુરામે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની સાંજે ત્રણ ગોળીઓ છોડીને મહાત્માને મોતને ઘાટ ઉતાર્યાની સ્વીકારોક્તિ કરવાની સાથે મૃત્યુ સમયે ગાંધીજી ‘હે રામ...’ નહીં બોલ્યાનો દાવો પણ કર્યો છે. સ્વાતંત્ર્યવીર સાવરકર સાથે અંતરંગ સંબંધ ધરાવનારા હૈદરાબાદનિવાસી હિંદુ મહાસભાના નેતા અને ધારાશાસ્ત્રી બી. જી. કેસકરલિખિત પુસ્તિકા ‘હુ કિલ્ડ ગાંધીજી? નોટ ગોડસે. હુ ધેન?’માં તો એવો દાવો કરાયો છે કે નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા જ નથી!

જાણીતા ઇતિહાસકાર અને મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ તેમજ સંત તુકારામના વંશજ ડો. સદાનંદ મોરેએ નવેમ્બર ૨૦૧૪માં પ્રકાશિત ‘લોકમાન્ય તે મહાત્મા’ ગ્રંથના દ્વિતીય ખંડમાં, નથુરામનું છેલ્લી ઘડીએ હૃદયપરિવર્તન થતાં એણે ગાંધીજી પર ગોળી છોડી નહીં હોવાની કેસકરની ભૂમિકાનું વિશદ્ વર્ણન કર્યું છે. કેસકર વકીલના કહેવા મુજબ, ગાંધીજી પર પુણેના જ એક કોંગ્રેસીએ ગોળીઓ છોડીને તેમની હત્યા કરી હતી અને એ હત્યારો ૧૯૭૮ સુધી જીવતો હતો. કેસકર વકીલ સરદાર પટેલના નામને ગાંધીજીની હત્યામાં સંડોવવાનો પ્રયાસ કરે છે. નથુરામે તો હત્યાનું આળ પોતાના શિરે લીધાની થિયરી તેઓ આગળ ધરે છે. જોકે આ વાતને અદાલત કે ઈતિહાસવિદો ગંભીરતાથી લેતા નથી.

ડો. મોરેએ નોંધ્યું છેઃ ‘હિંદુ મહાસભાના મહામંત્રી વિ.ઘ. દેશપાંડેએ ૨૭ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ કરેલા ભાષણમાં નેહરુ અને પટેલને ફાંસી આપવી જોઇએ, એવું કહ્યાનું પટણામાં ‘જનશક્તિ’ અખબારમાં છપાયાની નોંધ ય.દિ. ફડકે નામના જાણીતા ઇતિહાસકારે કરી છે.’ જુલાઈ ૧૯૪૭માં નથુરામે પુણેના શિવાજી મંદિરમાં કરેલા ભાષણમાં કહ્યું હતું કે નેહરુ અને પટેલને સત્તામાંથી દૂર કરવાના સઘળા બંધારણીય માર્ગ અયશસ્વી ઠર્યા હોવાથી ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને અન્ય કોંગ્રેસી આગેવાનોનાં ખૂન કરવાં એ એક જ દહશતવાદી માર્ગ (the method used by the terrorists) હવે બચ્યો છે. (‘Lokmanya to Mahatmna’ Vol. II, P: 1093, November 2018).

એ સમયગાળામાં ગાંધી, નેહરુ અને પટેલ સહિતના કેટલાક કોંગ્રેસી આગેવાનોની હત્યાની શક્યતા વિશે બાળૂકાકા કાનિટકરે ૧૨ માર્ચ ૧૯૪૯ના રોજ તત્કાલીન ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને લખેલા પત્રમાં વર્ણવ્યું હતું. ડો. મોરે વધુમાં જણાવે છે કે નથુરામના હિટ લિસ્ટ પર ગાંધીજી અને નેહરુની સાથે જ પટેલનું નામ પણ હતું, એ વાતને વિસારી શકાય નહીં. તેમણે કેસકરની થિયરીને નવલકથાની નરી કલ્પના ગણાવી છે.

હત્યાના ઈરાદે હુમલાઓ

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની હત્યા કરવાના ઈરાદા ધરાવનારાઓએ વારંવાર હુમલાઓ કરવાનું પસંદ કર્યું હતું. આવા છઠ્ઠી વારના હુમલામાં મહાત્માની હત્યા કરવામાં નથુરામ સફળ થયો, પણ સરદાર પરના હુમલાઓમાં કેટલાકે જાન ગુમાવ્યા જરૂર, પણ વલ્લભભાઈ બચી ગયા હતા. ગાંધીજી પરના હુમલાઓમાં લગાતાર નથુરામ નેતૃત્વ લઇ રહ્યો હતો અને છતાં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન મોરારજી દેસાઈના અખત્યાર હેઠળની પોલીસ એ જ નથુરામના ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના બાપુની હત્યાના ઘૃણાસ્પદ બનાવ સુધી જાણે કે મૂકપ્રેક્ષક બની રહી.

પ્યારેલાલે ‘પૂર્ણાહુતિ’માં નોંધ્યું છે કે ૨૫ જૂન ૧૯૩૪ના રોજ કસ્તુરબા સાથે મહાત્મા પુણે મહાપાલિકા સભાગૃહમાં ભાષણ માટે જવાના હતા અને રેલવે ક્રોસિંગ પાસે એમની કાર ખોટકાઈ. આગળની કાર જેવી સભાગૃહ પાસે પહોંચી એટલે લોકોને લાગ્યું કે બાપુ આવ્યા. એ જ વેળા ગાડી પર બોમ્બ ફેંકાયો. બાપુ તો પાછળથી આવ્યા એટલે બચી ગયા; પણ એ વેળા મહાપાલિકાના ચીફ ઓફિસર, બે પોલીસવાળા અને સાત અન્ય ગંભીર રીતે ઘવાયા. બાપુ કહે કે મારે હજુ શહીદી વહોરવી નથી. મને મારવા ઇચ્છુકો નિર્દોષોને શાને મારે છે કે ઈજા પહોંચાડે છે?

બીજો હુમલો બાપુ મે ૧૯૪૪માં આગાખાન પેલેસમાંથી બાપુ છૂટીને પચગણી આરામ માટે ગયા કે ત્યાં આખો દિવસ નથુરામ ગોડસેના નેતૃત્વમાં પુણેથી બસમાં આવેલા ૧૮-૨૦ના ટોળાએ ગાંધીજી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ગોડસે ગુપ્તી લઈને આવ્યો હતો. એ ગાંધીજી ભણી આગળ વધ્યો કે એને મણિશંકર પુરોહિત અને ભિલ્લારે ગુરુજીએ પકડી લીધો. આ બંનેએ ગાંધીજીની હત્યાના કાવતરાની તપાસ કરતા કપૂર પંચ સમક્ષ આ વાત રજૂ કરી હતી.

સપ્ટેમ્બર ૧૯૪૪માં મહાત્મા જયારે મોહમ્મદ અલી ઝીણા સાથે ૯ સપ્ટેમ્બરથી ૧૮ દિવસની મંત્રણા માટે મુમ્બીન્જા ઝીણા હાઉસ ગયા એ પહેલાં તેમને સેવાગ્રામથી મુંબઈ જતાં અટકાવવા ગોડસેના નેતૃત્વમાં આવેલી ટોળકીએ ગાંધીજી પર હુમલો કરવાનું આયોજન વિચાર્યું હતું. ડો. સુશીલા નાયરે કપૂર પંચ સમક્ષ આ વાત કહી હતી. પોલીસે નથુરામ પાસેથી ગુપ્તી જપ્ત કર્યાનું જણાવ્યું હતું.

મહાત્મા પર હુમલાનો ચોથો બનાવ એટલે જૂન ૧૯૪૬માં નેરળ અને કરજત વચ્ચે મહાત્માની ટ્રેન ‘ગાંધી સ્પેશિયલ’ને ઉથલાવવાનું કાવતરું થયું હતું. મહાત્માએ આ હુમલામાં બચ્યા પછી પોતે ૧૨૫ વર્ષની વય લગી જીવવાના હોવાનું કહ્યું હતું. ગાંધીજીને મારવાનો પાંચમો પ્રયાસ નથુરામ આણિ મંડળીએ ગાંધીહત્યાના દસ દિવસ પહેલાં જ દિલ્હીના બિરલા ભવનમાં પ્રાર્થના સભામાં બોમ્બ ફેંકવાથી હાથ ધર્યો હતો. આ ટોળકીમાં પણ નથુરામ હતો. જોકે એ વેળા સામાન્ય ધમાકો થયો હતો.

એ પછીના ૩૦ જાન્યુઆરીના બનાવમાં તો ઉતાવળે પ્રાર્થના સભામાં જતા ગાંધીજીના દેહમાં નથુરામ ગોડસેએ વંદન કરવાના દેખાડા વચ્ચે ત્રણ - ત્રણ ગોળીઓ ધરબીને રાષ્ટ્રપિતાને મોતને ઘાટ ઉતારવામાં સફળતા મેળવી હતી.

મહાત્મા ગાંધીના પટ્ટશિષ્ય સરદાર પટેલ ૧૯૩૮માં વડોદરા રાજ્યના પ્રજામંડળના અધ્યક્ષ તરીકે ભાદરણમાં પરિષદના સમારંભમાં સામેલ થવા જતાં વડોદરામાં તેમની શોભાયાત્રા પર માંડવીમાં હુમલો કરાયો હતો. એવું જ ભાવનગરમાં મે ૧૯૩૯માં વલ્લભભાઈનો જાન લેવાના ઈરાદે હુમલા કરવાની યોજના બની હતી, પણ નગીના મસ્જિદ નજીક થયેલા હુમલામાં બે નવાણીયા કૂટાઇ ગયા અને મોતને ભેટ્યા. નાનાભાઈ ભટ્ટ પણ ગંભીર રીતે ઘવાયા. સરદાર અન્યત્ર કાર્યક્રમોમાં જાય એ પહેલાં આવા હુમલાઓ થયા કરતા હતા, પણ એનાથી ડરે એ સરદાર નહીં.

માઉન્ટબેટનની શંકાસ્પદ ભૂમિકા

નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલે ૧૮ જુલાઈ ૧૯૪૮ના પોતાના સાથી પ્રધાન ડો. શ્યામાપ્રસાદ મુકરજીને લખેલા અને ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૮ના વડા પ્રધાન પંડિત નેહરુને લખેલા પત્રોમાં ગાંધીજીની હત્યામાં આરએસએસ બિલકુલ સંડોવાયેલો નહીં હોવાની વાત સ્પષ્ટ કરીને નોંધ્યું હતું કે ‘હિંદુ મહાસભાની સાવરકરના હાથ નીચેની એક ઝનૂની પાંખે આ કાવતરું ઘડ્યું અને પાર ઉતાર્યું હતું.’ (‘સરદાર પટેલ: પસંદ કરેલો પત્રવ્યવહાર’, સં: વી. શંકર પૃષ્ઠ: ૨૭૧). મહાત્માની હત્યા અંગે હિંદુ મહાસભાવાદીઓ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે એ વેળાના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનની સામેલગીરી ભણી અંગુલિનિર્દેશ કરવાનું ચૂકતા નથી.

શિવસેનાના મુખપત્ર ‘માર્મિક’ના ૧૯૯૨ના દિવાળી અંકમાં વડોદરાના દાદૂમિયાં ઉર્ફે ડો. ડી.વી. નેનેએ લખેલા લેખમાં માઉન્ટબેટને કોઈ ખાદીધારી કોંગ્રેસી થકી આ દુષ્કૃત્ય ઘડાયું હોવાનો નિર્દેશ કર્યો છે. હજુ થોડા વખત પહેલાં જ મહાત્મા ગાંધીની હત્યાની નવેસરથી તપાસ માટે સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવેલી અરજી અને ડો. નેનેના સોગંદનામાને અદાલતે ફગાવી દીધું હતું. આમ છતાં, માઉન્ટબેટનની ભૂમિકા અંગે હજુ શંકાનાં વાદળો વિખરાયાં નથી.

સરદાર પર કાદવઉછાળ

પંજાબની વડી અદાલતે ૮ નવેમ્બર ૧૯૪૯ના રોજ નથુરામ ગોડસેને મહાત્માની હત્યા માટે ફાંસીની સજા ફરમાવી હતી. સ્વયં ગાંધીજીના બંને પુત્રો મણિલાલ અને રામદાસે ફાંસી નહીં આપવા વિનંતી કર્યા છતાં વડા પ્રધાન પંડિત નેહરુ, નાયબ વડા પ્રધાન સરદાર પટેલ અને ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ એને ફગાવી દીધી હતી. નથુરામને ૧૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ અંબાલા સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ હતી. અખિલ ભારતીય હિંદુ મહાસભા દર વર્ષે ૧૫ નવેમ્બરને ‘શૌર્ય દિવસ’ કે ‘બલિદાન દિવસ’ તરીકે મનાવવાની સાથે જ ‘દેશભક્ત’ પં. નથુરામ ગોડસેનાં મંદિરો સ્થાપવા અને તેમના વિચારોના પ્રચાર-પ્રસારમાં સક્રિય છે.

ગાંધી હત્યાકાંડમાં સામેલગીરી બદલ દીર્ઘ જેલની સજા ભોગવીને ૨૪ નવેમ્બર ૧૯૬૪ના રોજ નથુરામના લઘુબંધુ ગોપાલ ગોડસે છૂટ્યા હતા. એ પછી ફરી એમની ૪૦ દિવસમાં જ ભારતીય સુરક્ષા ધારા હેઠળ અટક કરાઇ હતી. તેમણે ૨૯ માર્ચ ૧૯૬૫ના રોજ મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહ પ્રધાન બાળાસાહેબ દેસાઇને દીર્ઘપત્ર લખીને ગાંધીજીના જનમાનસ પરના પ્રભાવ અને તેમની હત્યા વિશે ગર્વભેર જણાવ્યું હતું. એમના પત્રનો ૫૧મો મુદ્દો સરદાર પટેલ સંદર્ભે હતો. ‘પટેલ મને હવે પૂછતા નથી, મારી અવગણના કરે છે’ એવી ગાંધીજીની પ્રગટવાણીની પાર્શ્વભૂમાં ગાંધીહત્યામાં સરદાર પટેલનો હાથ હતો, એવી શંકા વ્યક્ત કરાય છે, પરંતુ એ પટેલને અન્યાય કરવા સમાન છે, એવું ગોપાલરાવે નોંધ્યું હતું. ‘વધુમાં વધુ પટેલે રાજીનામું આપ્યું હોત. મેં એવું સાંભળ્યું હતું કે ૩૦ જાન્યુઆરીએ કે તે પછી બે-ચાર દિવસમાં ગાંધીહત્યા થઇ ના હોત તો એ ગાળામાં સરદાર પટેલના રાજીનામાના સમાચાર વાંચવા મળ્યા હોત. શ્રી એચ.વી.આર. આયંગાર (કેન્દ્રના તત્કાલીન ગૃહ સચિવ) આ અંગે કાંઇક પ્રકાશ પાડી શકે તેવું લાગે છે.’

હકીકતમાં ગાંધીજીની હત્યા માટે સરદાર પટેલને જવાબદાર લેખવાની ઝુંબેશ એ વેળા જયપ્રકાશ નારાયણ અને સામ્યવાદી નેતાઓએ ચલાવી હતી. જોકે મહાત્માને સમર્પિત સરદાર માટે આવા આક્ષેપો આઘાતજનક હતા. ગાંધીજીના મૃત્યુ પછી વલ્લભભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો. તેઓ સતત બાપુ પાસે જવાનું રટણ કરતા હતા. એ પછી તેઓ ઝાઝું ના જીવ્યા અને ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મોટા ગામતરે જવા ઉપડ્યા એ પહેલાં દેશી રજવાડાંને ભારતમાં જોડાવાના ભગીરથ કામ સહિતના પોતાના દાયિત્વને સંપન્ન કર્યું.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter