ગુજરાત મોડેલઃ હાર્દિક પટેલે મોદી સામે તાકેલી બંદૂક

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 14th October 2015 08:42 EDT
 
પ્રવિણ તોગડિયા - નરેન્દ્ર મોદી - હાર્દિક પટેલ
 

ગુજરાતના પાટીદારોને અનામતનો લાભ આપવાના ટેકામાં આંદોલનના સ્વઘોષિત ૨૨ વર્ષીય નેતા હાર્દિક પટેલે હિંસક આંદોલનની ધમકીઓ આપ્યા પછી નવું સ્વરૂપ પ્રગટ કર્યું છે ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલની પોલ ખોલવાની ચીમકી આપીને રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવાની હાર્દિકની ઘોષણાઓની પાછળ કોણ કે કોનું ભેજું કામ કરી રહ્યું છે એ પ્રશ્ન હવે સૌને થવો સ્વાભાવિક છે. હાર્દિક મહત્ત્વાકાંક્ષી છે. પાટીદાર અનામત આંદોલનના સાથી આગેવાન લાલજી પટેલને વિશે પણ બેફામ નિવેદનો કરવામાં એણે પાછું વળીને જોયું નથી. મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે વિશે ‘ફૈબા’ નામ પાડીને અસંસદીય કહી શકાય એવી ભાષા વાપરવામાં હાર્દિક અગ્રક્રમે છે. હમણાં તો મહાત્મા ગાંધી જેવા અહિંસાના વિશ્વખ્યાત પૂજારીના હાથમાં લાકડીને બદલે ગુપ્તી પકડાવનાર હાર્દિક ફાટીને ધૂમાડે ગયો હોય એવાં નિવેદનો છાસવારે કરે ત્યારે ‘ફૈબા’ આનંદીબહેનની સરકાર એની સામે પગલાં લેવાની બાબતમાં અવઢવમાં કેમ છે એ સમજી શકાતું નથી. સરકારની ઢીલી નીતિથી મુખ્ય પ્રધાન અને એમની સરકાર વિશે સારા સંકેત પ્રજામાં જતા નથી.

ગુજરાતના પટેલોને અનામતનો લાભ આપવા જતાં ભાજપના વડપણવાળી સરકારે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થવાનું સ્વાભાવિક છે. ગુજરાતની ૫૪ ટકા જેટલી અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની વસ્તીને મળતી ૨૭ ટકા જેટલી અનામતમાં પટેલો ભાગ પડાવે એ સામે વિરોધપ્રદર્શન અને આંદોલન થવાની ભીતિ રાજ્ય સરકારને છે. ઓબીસીની સાથે જ દલિતો અને આદિવાસીઓ અનામત બચાવવા માટે મેદાન પડ્યા છે અને એમની સંયુક્ત તાકાત કોઈ પણ પક્ષની સરકારને પરાસ્ત કરી શકે છે.

ગુજરાતમાં મહાપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજવાનાં જોખમો ટાળવા રાજ્યની ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની આડશ લઈ ચૂંટણીઓ મોકૂફ રખાવી છે, પરંતુ ક્યારેક તો ચૂંટણી યોજવી પડશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અનામતની કાખઘોડીને ફગાવી દેવાના સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતે કરેલા નીતિવિષયક નિવેદને બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે જ ભડકો કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતૃસંસ્થાથી નોખા ચાલીને ‘અમે અનામત દૂર કરવાના પક્ષધર નથી.’ એવા ખુલાસા કરવા પડે છે.

ગુજરાતમાં પાટીદારો અમને ઓબીસી અનામત આપો અથવા અનામત કાઢોની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે આનંદીબહેન પટેલની સરકારે એમના સહિતના તથાકથિત સવર્ણોની અનામત માટેની માગણીને ટાઢી પાડવા આર્થિક પેકેજ જાહેર તો કર્યું, પરંતુ એમાં અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. ઉલટાનું અનામત સમિતિના નેતા હાર્દિક પટેલે તો ગુજરાત સરકાર પાસે પટેલોને અનામત આપવા અંગે પઠાણી ઉઘરાણી આદરી છે.

સંયોગ કહો કે યોજનાબદ્ધ ઘટનાક્રમ, પણ વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના જ કેન્સર સર્જન ડો. પ્રવીણ તોગડિયા ગુજરાતમાં પટેલ અનામત આંદોલનના સમયગાળામાં જ અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલના લીરેલીરા ઊડાડતું ભાષણ ગુજરાત વિશ્વ હિંદુ પરિષદની સુવર્ણજયંતીના સમારંભના બૌદ્ધિક તરીકે આપે છે. હાર્દિક પણ હવે મોદીના ગુજરાત મોડેલના ભોપાળાં ખુલ્લાં પાડવાની ધમકી ઉચ્ચારે છે. સંઘ પરિવારના આંતરકલહનું જ અહીં દર્શન થાય છે.

ડો. તોગડિયા વડા પ્રધાનપદના આકાંક્ષી હતા. મોદી એમની એ મહેચ્છાને ચેકમેટ કરી ગયા. મુખ્ય પ્રધાન તરીકે કેશુભાઈ સવદાસ પટેલને ઉથલાવીને મોદીને લઈ આવવામાં ડો. તોગડિયાની સંમતિ હતી, પરંતુ ક્યારેક ગુજરાતના ભાજપપ્રમુખ અને મુખ્ય પ્રધાન રહેલા શંકરસિંહ વાઘેલાએ કહેલા શબ્દો ડો. તોગડિયાએ વીસારે પાડીને મોદીને ‘અંડર-એસ્ટિમેટ’ કર્યાં. પ્રમુખ શંકરસિંહના પ્રદેશ મહામંત્રી રહેલા નરેન્દ્ર મોદી વિશે બળવાખોર બાપુએ વર્ષો પહેલાં આ લખનારને કહેલી વાત એમણે થોડા દિવસ પહેલાંની ચર્ચામાં પાછી તાજી કરી. બાપુએ કહ્યું હતુંઃ ‘એક વાર કોઈ ઉદ્યોગપતિ સાથે મોદીનો પરિચય કરાવું, પછી એ ઉદ્યોગપતિ ક્યારેય મને મળ્યો હોય એવું યાદ નથી.’ મોદીની આ જ આવડત એમને ગુજરાત, સંઘ, ભાજપ સહિતની નિસરણીઓને ઠેસ મારીને છેક વડા પ્રધાનપદ સુધીની પહોંચાડી શકી.

ડો. તોગડિયાને પણ ગુજરાતમાં સંઘ-ભાજપ વચ્ચે સંયોજક રહેલા રાજકોટના પ્રવીણ મણિયારની જેમ સંઘના અધિકારીગણમાંથી દૂર કરાવવાની મોદીની દિલી ઈચ્છા છતાં એ શક્ય બન્યું નહોતું. ઓછામાં પૂરું, મોદીના વડપણવાળી કેન્દ્ર સરકાર દ્વારા સંઘની જે સમન્વય બેઠકમાં રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું ત્યાં સંઘના વરિષ્ઠ અધિકારી અને વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો તરીકે ડો. તોગડિયા પણ પરીક્ષકની ભૂમિકામાં હતા. દિલ્હીની એ સમન્વય બેઠકમાંથી ગુજરાત આવીને કર્ણાવતી (અમદાવાદ)માં વિશ્વ હિંદુ પરિષદની ૫૦મી જયંતીની ઊજવણીમાં સરકારી આંકડાઓ લઈને જ ગુજરાત મોડેલની ડો. તોગડિયાએ જોરદાર ટીકા કરી. ભલે તેમણે એમના ભાષણમાં ના તો નરેન્દ્ર મોદીનું કે ના આનંદીબહેનનું નામ લીધું હોય, એમના આખા ભાષણનો આ વીડિયો અમે સાંભળ્યો ત્યારે એવું લાગ્યા વિના રહ્યું નહીં કે ડો. તોગડિયા મોદીના ગુજરાત મોડેલનું ચીરહરણ કરી રહ્યા છે. એ વિશે મહારાષ્ટ્રના સૌથી વધુ ફેલાવો ધરાવતા મરાઠી દૈનિક ‘લોકમત’માં અમારો લેખ એ પછી તૂર્ત જ છપાયો ત્યારે એણે ‘ચીરહરણ’વાળું જ શીર્ષક આપ્યું હતું. હવે હાર્દિક પટેલ ન.મો.ના ગુજરાત મોડેલનું ચીરહરણ કરવા મેદાને પડ્યો હોય ત્યારે ગુજરાતના પાટીદાર અનામત આંદોલનને કોની હૂંફ મળી રહી છે એ સમજવાનું મુશ્કેલ નથી.

ગુજરાતની વિકાસગાથા પરાપૂર્વથી ઔદ્યોગિક ક્ષેત્રે શાંતિ જળવાયાની બાબતને સવિશેષ આભારી છે. આ શાંતિ ગુજરાતની પ્રજાની પ્રકૃતિને પણ આભારી છે. મુખ્ય પ્રધાન તરીકે મોદી જાહેરસભાઓ ગજવતાં ગુજરાતીઓના સ્વભાવનું વર્ણન કરતાં કહેતા, ‘મારે શું અને મારું શું?’ અને ઉપસ્થિત ગુજરાતીઓ તાળીઓ પાડીને હરખ વ્યક્ત કરતા રહ્યા છે. કદાચ સત્તાધીશો સાથે સારાસારી ટકાવીને પોતીકા લાભની એષણા કરનાર ગુજરાતીઓ માટે હવે ખરી અગ્નિપરીક્ષાનો વખત આવી ગયો છે. ઘર ફૂટે ઘર જાય એ ઉક્તિ આનંદીબહેનથી લઈને મોદી સુધીના સુપેરે સમજે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter