ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોના સરકારી તિજોરીમાંથી પગાર અને પેન્શન મેળવનારા થોડાઘણા અધ્યાપકો - આચાર્યો અને નિવૃત્તોએ લોટ ફાકવા અને ગાવાનો એકીસાથે ઉપક્રમ આદર્યો છેઃ ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ વિધેયક ૨૦૧૬ વિધાનસભામાં પસાર કરાવીને રાજ્યપાલને સંમતિ માટે મોકલ્યું અને જાણે કે શિક્ષણજગતની સ્વાયત્તતાનું ધનોતપનોત નીકળી જવાનું હોય એવી બૂમરાણ ઊઠી છે. મુદ્દો સ્વાયત્તતાનો નથી. મુદ્દો છે મહિને દોઢ-બે લાખ રૂપિયાનો સરકારી તિજોરીમાંથી પગાર મેળવનારા આચાર્યો - અધ્યાપકોની અને એમની કોલેજો તથા યુનિવર્સિટીઓની કામગીરી પર વોચડોગ બેસાડાય એનો છે.
સરકાર નાણા આપે, પગાર આપે, અનુદાન આપે ત્યારે એનો ઉપયોગ કઈ રીતે થાય છે એની તકેદારી રાખવાનું તંત્ર પણ એને ઊભું કરવું ઘટે. ગુજરાતનું શિક્ષણતંત્ર ખાડે ગયાનો કકળાટ રોજ અનુભવાતો હોય અને કેન્દ્ર સરકારની યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) નામની સંસ્થા કે માનવ સંસાધન મંત્રાલય યુનિવર્સિટીઓ અને કોલેજોને અબજો રૂપિયા ફાળવવાનાં પગલાં લઈ શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની કોશિશ કરે ત્યારે અધ્યાપકો - આચાર્યોમાંના જેઓ માત્ર વેતનભોગી છે એવા લોકોના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે.
ભારત સરકારમાં હજુ નરેન્દ્ર મોદીના યુગનો ઉદય થયો નહોતો ત્યારે ડો. મનમોહન સિંહની કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (‘રુસા’) અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૧૩માં માર્ગદર્શિકા બહાર પાડીને માનવ સંસાધન વિભાગ કે યુજીસીની ગ્રાન્ટ-અનુદાન રાશિ જે તે યુનિવર્સિટી કે કોલેજોને સીધી ફાળવવાના બદલે રાજ્ય સરકારની કોઈ નિરીક્ષણ પરિષદ મારફત ફાળવવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી. શિક્ષણના સ્તરને ઊંચું લાવવાની કોશિશના ભાગરૂપે નવી ગોઠવણ યુનિવર્સિટીઓ અને કોલેજોને કઠે એવી બની રહે જરૂર, પણ શેઠના નાણા વાપરનારાઓ નાણાનો વપરાશ યોગ્ય કરે છે કે નહીં એની કાળજી રાખવા તૈયાર ના હોય તો શેઠે તંત્ર ગોઠવવું પડે.
ગુજરાત સરકાર મોડેથી જાગવા માટે જાણીતી છે. એમાંય પાછું નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યાં લગી ‘રુસા’-નિર્દેશની કામગીરીને નવરચિત નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી)ને સોંપાઈ. શેઠની તિજોરી પર અંકુશ આવ્યો તો ખરો, પણ ગુજરાતને વધુને વધુ અનુદાન મળે એ દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો અને તાલીમો આરંભાઈ. કેટલાક અધ્યાપકોને નવું શીખવા-શીખવવાની મુશ્કેલી અનુભવાતી હોય ત્યાં રોજેરોજની તાલીમો અને કામગીરીની સમીક્ષા એમને કઠવા માંડ્યાનું અમોએ પ્રતિષ્ઠિત શિક્ષણ સંકુલની સંશોધન સંસ્થાના નિયામક અને પ્રાધ્યાપક તરીકેનાં સાતેક વર્ષમાં અનુભવ્યું હતું.
ગુજરાત સરકારમાં શિક્ષણમાં ચાર શિક્ષકોનું ચલણ આવ્યું અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા ત્યારે ‘રુસા’-નિર્દેશનું કડક પાલન કરવાના નિર્દેશ આવ્યા એટલે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. એ. યુ. પટેલ અને બીજા નિષ્ણાતોની સમિતિએ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદના વિધેયકનો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપ્યો.
માનવ સંસાધન પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઈરાનીના વિભાગના નિર્દેશ અનુસાર ૧ એપ્રિલ, ૨૦૧૬ સુધીમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ ના રચાય તો કેન્દ્રની લગભગ ૧૭૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમની ગ્રાન્ટ યુનિવર્સિટીઓ અને કોલેજોને મળવાનું બંધ થાય એવું હતું. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બંને શિક્ષણ રાજ્યપ્રધાન પ્રા. વસુબહેન ત્રિવેદી અને નાનુભાઈ વાનાણી એ ચારેય શિક્ષણજગત સાથે સંકળાયેલા શિક્ષકો રહ્યાથી એમને સુપેરે સમજાતું હતું કે જોડો ક્યાં ડંખે છે. તેમણે પરિષદનું વિધેયક ધારાસભામાં મંજૂર કરાવ્યું.
દેશના બીજા રાજ્યોએ તો અગાઉ આવી ઉચ્ચ શિક્ષણ પરિષદો રચીને વિધાનસભા - વિધાન પરિષદોમાં મંજૂર કરાવીને અમલમાં મૂક્યાને ય વર્ષો થયાં છે. તમિળનાડુમાં ૧૯૯૨માં, મહારાષ્ટ્રમાં ૧૯૯૮માં, કર્ણાટકમાં ૨૦૧૦માં અને કેરળમાં તો ૨૦૦૭માં જ એનો અમલ થઈ ચૂક્યો હતો. મોદી સરકારને ગુજરાતમાં આવી પરિષદ રચવાની ફૂરસદ નહીં મળી હોય એટલે આનંદીબહેનને શિરે એની જવાબદારી આવી. ઓછામાં પૂરું, ગુજરાત પટેલ આંદોલનની ભીંસમાં હતું એવા જ સમયે આ મુદ્દે શિક્ષણજગતમાં અજંપો સર્જવાનો અવસર પામવાની કોશિશ કરી રાજ્યની ભાજપ સરકારના વિરોધીઓએ ઝડપવાની તક ઝડપી.
જોકે, ગુજરાતમાં ભાજપ અને સંઘ પરિવાર વિરોધ પક્ષે હોય ત્યારે જ પ્રભાવી રીતે આવા આંદોલન ચલાવી શકે એવા અનુભવને કારણે શિક્ષણજગતને આંદોલનને માર્ગે વાળવાની પ્રારંભિક કોશિશોમાં એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોએ અને પૂર્વ વિદ્યાર્થીઓએ પાણીમાંથી પોરા કાઢીને કોશિશ કરી જોઈ. પ્રત્યેક તબક્કે અધ્યાપકો, આચાર્યો અને ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદના વિરોધીઓ સાથે સંવાદ સાધવા - ઉત્તર વાળવા સરકારના પક્ષેથી ડો. એ. યુ. પટેલ અને સાથીઓએ હાજર રહેવાનું પસંદ કર્યું. એટલે વિરોધ આંદોલન અપેક્ષિત સક્રિયતાને પામી શક્યું નહીં.
અન્ય રાજ્યોમાં શિક્ષણ પ્રધાન આવી પરિષદના અધ્યક્ષ છે અને ગુજરાતમાં તો મુખ્ય પ્રધાનને એની અધ્યક્ષતા સોંપાઈ છે એનો મુદ્દો પણ ઊઠાવાયો. યુનિવર્સિટીઓની ઓટોનોમી (સ્વાયત્તતા) સમાપ્ત કરાશે અને યુનિવર્સિટીઓની જમીન સરકાર લઈ લેશે એવી વાતે હોબાળો મચાવાયો. જોકે, પેટમાં દુઃખાવો સરકારી અનુદાનના નાણા વાપરનારા અધ્યાપકો અને યુનિવર્સિટીઓ પર નિગરાની રાખવામાં આવે એ મુદ્દે હતો. યુનિવર્સિટી કે શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તતા જાળવવાની નિર્દેશિત જોગવાઈ સંબંધિત વિધેયકમાં કરવામાં આવેલી છે, પરંતુ જે સરકાર નાણા વાપરવા આપે એને નાણાનો સદુપયોગની ચિંતા કરવાનો અધિકાર ના હોય એવું માનવું એ વધુ પડતું છે.
અધ્યાપકો - આચાર્યો અને સંચાલક મંડળો ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ વિધેયકની જોગવાઈઓનાં મનસ્વીપણે અર્થઘટન કરીને હોહા મચાવે એ સમજી શકાય, પણ વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકારે તમામ યુનિવર્સિટીઓને જરૂર જણાય ત્યાં નિર્દેશ આપવાના અધિકાર લઈ લીધા ત્યારે શિક્ષણ સંસ્થાઓ, અધ્યાપકો અને કહ્યાગરા કુલપતિઓ નીંદરમાં જ હતા. આમ પણ જે સરકાર, રાજ્ય કે કેન્દ્ર, આ સંસ્થાઓને અબજો રૂપિયા વાપરવા માટે આપે છે, અબજોના પગાર ચૂકવે છે એ સરકાર દાંત વગરની બોખી સંસ્થાઓ બની રહે એવી અપેક્ષા નિરર્થક છે.
વળી, કુલપતિઓની નિમણૂકોના અધિકાર સરકાર પાસે છે, સરકારના નાણા થકી શિક્ષણ સંસ્થાઓનો વહીવટ ચાલે છે, સત્તાધારી પક્ષ સાથે જોડાવાની લાલચ અધ્યાપકો - આચાર્યોમાં સવિશેષ છે ત્યારે શિક્ષણના સ્તરને ઊંચું લાવવાની દિશામાં એમના થકી જે ઉદાસીનતા જોવા મળે છે એ પછી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ મૂકપ્રેક્ષક બની રહી શકે નહીં.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


