ગુજરાતની ચૂંટણીઃ ભારત ભાગ્યવિધાતા

રંગબેરંગી રાજકારણ

ડો. હરિ દેસાઇ Monday 04th December 2017 06:26 EST
 
 

ગુજરાતની વિધાનસભાની ૯ અને ૧૪ ડિસેમ્બરની ચૂંટણીનું આગામી ૧૮ ડિસેમ્બરે શું પરિણામ આવશે, એનું રહસ્ય હજુ તો અકબંધ છે. પરિણામ જે કોઈ આવે, રાજ્યની ચૂંટણી ભારત માટે ભાગ્યવિધાતા સાબિત થવાની છે એટલું તો નિશ્ચિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈજ્જતનો જુગાર ખેલાઈ રહ્યો છે. અગાઉની કોઈ વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન ત્રણ કે ચાર સભાઓ કરવાથી વિશેષ ભાગ્યે જ ગુજરાત આવ્યા છે. ગુજરાતના એક સપૂત વિરુદ્ધ બીજા સપૂત વચ્ચે ખરાખરીનો જંગ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. બંને છે તો ઉત્તર પ્રદેશના સાંસદ પણ મૂળ વડનગરના નરેન્દ્ર દામોદરદાસ મોદી વિરુદ્ધ ભરુચના ફિરોઝ જહાંગીર ફરદૂન ગાંધીના પૌત્ર રાહુલ રાજીવ ગાંધી વચ્ચેનો ખરાખરીનો જંગ હોવાનું સ્પષ્ટ થાય છે.

વડા પ્રધાન મોદી ભાજપના એકમેવ તારણહાર મનાય છે અને સામે પક્ષે કોંગ્રેસના સાંસદ અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પક્ષ માટે એકમેવ ઉદ્ધારક જણાય છે. પ્રચારમાં ગુજરાતના નેતાઓ જાણે કે અસરહીન લાગે છે. કોંગ્રેસ કરતાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. એક વાર ગુજરાત હાથમાંથી જાય તો આખો દેશ ગુમાવવો પડે એવી ધાસ્તી વડા પ્રધાન મોદીને છે. બહુમતી ઘટે તો પણ પોતાના નેતૃત્વ સામે પ્રશ્નો ઊઠવાના, એ વાતે ભાજપની રીતસરની રાષ્ટ્રીય ફોજ ગુજરાતમાં ઉતારવામાં આવી છે. સભાઓ યોજાય છે. મુદ્દાઓની ચર્ચા ઓછી અને ભાવાવેશની વાતો વધુ થાય છે. આવા સંજોગોમાં ગુજરાતનો મતદાતા રાજ્યના કયા સપૂતને માથે તિલક કરશે, એ કહેવું મુશ્કેલ છે.

જે કોઈ પક્ષ જીતે, મુખ્ય પ્રધાન કોણ બનશે એ પણ અનિશ્ચિત છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અનુક્રમે રાજકોટ પશ્ચિમ અને મહેસાણામાં સામે પૂર તરવાની કોશિશમાં છે. બંનેએ પોતાના મતવિસ્તાર બદલવા વિચાર્યું હતું, પરંતુ હારી જવાના ડરથી ભાગી છૂટેલા રણછોડરાય નહીં ગણાવા માટે ચહેરા પર એકદમ વિજયનો વિશ્વાસ અંકિત કરાવીને પ્રચારમાં ફરે છે, પણ પ્રજા એમની ચૂંટણી સભાઓને હાથતાળી દઈ રહી છે. ઈડરથી રમણલાલ વોરાએ દસાડાની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પર અને સૌરભ દલાલે અકોટા-વડોદરાથી ફરી બોટાદ જવું પડ્યું છે. ભાજપ વિજયી બને તો પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરની ગાદીએ આવવામાં રસ હોવાનું ટિકિટના વિતરણમાં સ્પષ્ટ થયું છે. કોંગ્રેસ જીતે તો અમરેલીના પટેલ યુવાનેતા પરેશ ધાનાણી મુખ્ય પ્રધાન બને એવાં એંધાણ ખરાં. જોકે, બંને પક્ષો વચ્ચે કટોકટ બાજી ગોઠવાયેલી હોવાનુ સ્પષ્ટ છે.

મુખ્ય પ્રધાન યોગીની સભાઓમાં ઊડતા કાગડા

ચૂંટણી ગુજરાત વિધાનસભાની હોવા છતાં ઉત્તર પ્રદેશની ૧૪ મહાનગરપાલિકાઓમાંથી ૧૨ ભાજપ થકી કબજે કરાયાનો મુદ્દો ખૂબ ગજવાઈ રહ્યો છે. જોકે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ગુજરાતની ચૂંટણીમાં જાહેર સભાઓ અને રોડ-શો કરવા માટે ખૂબ ફેરવાય છે. ભગવું કાર્ડ રમવાના ખેલ તરીકે અથવા તો યોગીની સભા - રોડ-શોમાં લોકોને કોઈ રસ નથી એ સાબિત કરવા માટે ઉત્તર પ્રદેશના આ ભાજપી નેતાના કાર્યક્રમો ગોઠવાય છે.

યોગી વડા પ્રધાન મોદીને ભવિષ્યમાં નડી શકે તેમ છે. વિધાનસભાની ચૂંટણી વેળા પણ એમણે ત્રાગું કરીને જ મુખ્ય પ્રધાન પદ મેળવ્યું છે. ગુજરાતમાં એમના રોડ-શોમાં રીતસર બેઈજ્જતી થાય એટલી રીતે ટીવી ચેનલોના પ્રતિનિધિ લોકો ઊમટી રહ્યાની વાત કરે અને એમના કેમેરા ફ્લોપ રોડ-શો અને ફ્લોપ સભાઓની ચાડી ખાય એવું દર્શાવતા રહ્યા છે. યોગીને જાણી જોઈને તો પોતાનું સ્થાન બતાવી દેવાની અજમાઈશ નથી થઈ રહી ને? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

હાર્દિકની લાખની સભા, મોદીની ૨૫ હજારની!

ગુજરાત આવીને ભાજપના નેતા સંજય જોશીએ પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)ના નેતા હાર્દિક પટેલની સેક્સ સીડી કાઢવાના હીનપ્રયાસને વખોડીને હકીકતમાં પોતાના પક્ષને જ આંચકો આપ્યા છે. હાર્દિકનું મનોબળ પણ તૂટ્યું નથી. ઊલટાનું એ કહે છેઃ પહેલાં મારી સભામાં ૩૦ હજાર લોકો આવતા હતા, હવે ૫૦ હજાર આવે છે. હાર્દિકની સભાઓમાં લોકો સ્વયંભૂ ઊમટે છે એને નકારી શકાય નહીં. ટીવી કે અખબારો એની સભાઓનાં જીવંત પ્રસારણ કરવા કે સમાચાર આપવાથી દૂર રહેતાં હોવા છતાં હાર્દિકની સભાઓ જોરદાર જનમેદનીથી સફળ થઈ રહી છે. એની સામે નિતનવા ખટલા દાખલ કરાય છે, પણ એ ડગતો નથી. એનું જનસમર્થન વધી રહ્યું છે. એ વડા પ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખુલ્લો પડકાર ફેંકવામાં જરાય સંકોચ કરતો નથી. એની સભાઓ ફેસબુક પર જીવંત નિહાળનારાઓને પણ ક્યારેક અવરોધો ઊભા કરાય છે પણ એ જરાય ડગ્યો નથી. નવાઈ તો એ વાતની છે કે વડા પ્રધાન મોરબીમાં હોય ત્યારે હાર્દિક પણ ૩૦ કિલોમીટરના અંતરે જ સમાંતર સભા યોજે છે.

વડા પ્રધાન મોદીની કચ્છ-ભુજની સભામાં એક લાખની જનમેદની અપેક્ષિત હતી. કચ્છના સ્થાનિક પ્રતિષ્ઠિત દૈનિકના તંત્રીએ મોદીની ચૂંટણી સભામાં ૨૫ હજાર લોકોની હાજરી હોવાનું કહ્યું હતું. કેટલાકે આ આંકડો હજુ નીચો હોવાનો દાવો કર્યો હતો. સૌરાષ્ટ્રમાં વડા પ્રધાનની જે જાહેર સભાઓ થઈ એમાં તો ૭ હજારથી ૧૦ હજાર સુધીની જનમેદની હોવાનું જણાવાયું હતું. આની સામે રાજકોટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને એમના ગઢમાં જ પડકારવા માટે હાર્દિક પટેલની જે સભા થઈ એમાં એક લાખથી વધુ લોકો ઉમટ્યા હતા એટલું જ નહીં એના ટ્રાફિકને ક્લિયર કરતાં અધિકારીઓને સાડા ત્રણ કલાક થયા હતા! ઓછામાં પૂરું આ સભાને મંજૂરી અપાઈ નહીં હોવા છતાં હાર્દિકે ધરાર સભા કરી હતી.

ભાજપના આગેવાનોની ચૂંટણી સભાઓમાં ખુરશીઓ ગોઠવવામાં આવે છે જ્યારે હાર્દિકની સભામાં જનમેદની નીચે બેસે છે. મતદાનના પ્રથમ તબક્કાની બેઠકો પર હાર્દિક-મોજું અસર કરે એ માટે એણે સૌરાષ્ટ્ર-સુરતમાં રોડ-શો અને સભાઓ કરવાનું રાખ્યું છે. હવે પ્રશ્ન એટલો જ છે કે જે જનમેદની ઊમટે છે એ મતદાન કરતી વેળા ભાજપ વિરુદ્ધ મત આપશે કે કેમ? ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દો હતા કે ‘લોગ સુનને કે લિએ તો બહુત આતે હૈં લેકિન વોટ નહીં દેતે હૈ.’

હાર્દિક-પરિબળની ઈવીએમ પર કેટલી અસર રહેશે એના ભણી સૌની મીટ છે. હવે સત્તાવાળાઓ હાર્દિકની સભાઓના આયોજન પાછળ નાણાં ખર્ચનારાઓને સાણસામાં લેવાની ધમકીઓ ઊચ્ચારે છે ત્યારે ખોડલ ધામના ચેરમેન અને ઉદ્યોગપતિ નરેશ પટેલ ખુલ્લેઆમ હાર્દિકને મળવાનું પસંદ કરે છે.

ગુનાખોર ઉમેદવારોની સ્પર્ધા

ક્યારેક દાઉદ ઈબ્રાહિમ અને હાજી મસ્તાન જેવા અંડરવર્લ્ડના ખેરખાંના નોમિની તરીકે કેટલાક લોકો ચૂંટણી લડતા, હવેની ચૂંટણીઓમાં આવા નોમિનીને બદલે ગુનાખોરીના વિશ્વના લોકો પોતે જ સત્તારૂઢ ભાજપ કે વિપક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરવામાં જરાય છોછ અનુભવતા નથી. જેલવાસી ધારાસભ્યો કે નેતાઓના પરિવારમાં એમની પત્ની કે પુત્રને ભાજપ જેવો નીતિમૂલ્યો અને આદર્શોની વાત કરનાર પક્ષ ઉમેદવારી આપે છે. ગોંડલના ભાજપી ધારાસભ્ય હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશથી જેલમાં હોય ત્યારે એમનાં પત્નીને ઉમેદવારી અપાય છે. ૭૨ વર્ષના ભાજપી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પોતાનાં ૩૫ વર્ષનાં પત્નીને માટે ટિકિટ માંગે અને એમનાં ૫૦ વર્ષનાં પુત્રવધૂને ભાજપ ટિકિટ આપે ત્યારે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહને પત્ર લખીને પોતાનો પુત્ર પ્રવીણ બૂટલેગર હોવાની અને એની પત્ની સાથે જેલ ગયાની વાત એ લખે છે. પ્રભાતસિંહ જેને બૂટલેગર ગણાવે છે એ પુત્ર પ્રવીણ ગઈ વખતે ભાજપનો ઉમેદવાર હતો!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેના ૯૨૩ ઉમેદવારો પૈકી ૧૩૦ સામે ફોજદારી ગુના નોંધાયેલા હોવાનું એમણે ચૂંટણી પંચ સમક્ષનાં પોતાનાં સોગંદનામામાં (એફિડેવિટ)માં કબૂલ્યું છે. એમાં ૭૮ વિરુદ્ધ તો ગંભીર ગુના છે. કોંગ્રેસના ૨૦ અને ભાજપના ૧૦ ઉમેદવાર એવા છે જેમની વિરુદ્ધ હત્યા સહિતના ખટલા દાખલ થયેલા છે.

પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રાંતિક ધારાસભા કે રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ થયાની લાયકાત દર્શાવવી પડે છે. ગુજરાતની તાજી ચૂંટણીમાં પણ ૧૨મા ધોરણથી ઓછું ભણેલા ઉમેદવારો બહુમતીમાં હોય ત્યારે ગુજરાતના વિકાસ મોડેલનું શું થશે, એવી ચિંતા થવી સ્વાભાવિક છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter