ગુજરાતમાં બેઉ સત્તાકાંક્ષી પક્ષો ઉચાટમાં

રંગબેરંગી રાજકારણ

ડો. હરિ દેસાઇ Monday 11th December 2017 05:41 EST
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ દરમિયાન ‘કોંગ્રેસ સાફ થઈ જશે’ એવી ભવિષ્યવાણી કરી છે. એનાથી ઊલટું એમના જ પક્ષના રાધનપુરના ઉમેદવાર લવિંગજી ઠાકોરે ‘ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે છે’ એવું એકથી વધુ વખત જાહેર સભામાં કહ્યું અને લોકોને ચોંકાવી દીધા. ચૂંટણી ગુજરાત વિધાનસભાની છે, પણ ચૂંટણીપ્રચારમાં ગુજરાતના મુદ્દા બંને પક્ષોથી ગાયબ કરી દેવાયા છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાની પરંપરા થકી જ ચૂંટણી લડાઈ રહી હોય ત્યારે રાજ્યની જનતાએ તો મનોરંજન જ મેળવવાનું છે.

કોણ જીતશે અને કોણ હારશે એના ઓપિનિયન પોલ તો ભાજપની સરકાર પુનર્સ્થાપિત કરવાના એંધાણ આપે છે, પણ પેલા ‘૧૫૦ પ્લસ’ના મિશનનું સાવ સૂરસૂરિયું થઈ ગયું છે. મીડિયા માધ્યમો વિશે વિશ્વસનીયતાનો પ્રશ્ન પણ ઊઠાવાઈ રહ્યો છે. જે ટીવી ચેનલનો પંદર દિવસ પહેલાંનો સર્વે ભાજપને ૧૩૫ બેઠકો આપે છે, એ જ ચેનલના છેલ્લા સર્વેમાં ભાજપને ૧૮૨ બેઠકોની વિધાનસભામાં માત્ર ૯૫ બેઠકો સાથેની બહુમતી આપવાના ઓપિનિયન પોલનાં તારણો ગજવવામાં આવે ત્યારે શંકા-કુશંકા ઊઠવી સ્વાભાવિક છે. ચૂંટણી બે તબક્કામાં યોજાય અને ૧૮ ડિસેમ્બરે એનું પરિણામ આવે ત્યાં લગી જ્યોતિષીઓ કે સટ્ટાબજારવાળા પણ ખમૈયા કરે એટલી અપેક્ષા અસ્થાને નથી.

આ વખતની ચૂંટણીમાં તમે જેમની જીત નિશ્ચિત લાગતી હોય એવા ઉમેદવારને પણ પૂછો કે કેવું લાગે છે તો એ પ્રતિપ્રશ્ન કરે કે તમને કેવું લાગે છે? જોકે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના અધ્યક્ષ બનનાર રાહુલ ગાંધીનો પક્ષ હારે કે જીતે, રાહુલનું વ્યક્તિત્વ રાષ્ટ્રીયસ્તરે ઉપસવાનું એ નક્કી.

માધવસિંહનો વિક્રમઃ જય અને પરાજયનો

છેક ૧૯૯૦થી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ સત્તામાં આવતો થયો. ૧૯૯૦માં કોંગ્રેસનો જે રકાસ તત્કાલીન મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી થકી થયો એ પછી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીને આગવી રીતે ક્યારેય સત્તા મળી નથી. ૧૯૯૦માં ચીમનભાઈ પટેલના જનતા દળને ૭૦ અને કેશુભાઈ પટેલના ભાજપને ૬૭ બેઠકો મળી હતી. કોંગ્રેસને માત્ર ૩૩ બેઠકો મળી હતી. જે માધવસિંહ ૧૯૮૦માં કોંગ્રેસને જીતાડી શકે અને ૧૯૮૫માં તો આજ લગીની વિક્રમી બેઠકો (૧૪૯) સાથે કોંગ્રેસની સરકારને ફરી સત્તામાં લાવી શકે, એમણે ચાર જ મહિનામાં અનામતવિરોધી અને કોમી રમખાણોને પગલે ગાદી છોડવી પડી હતી. એમના અનુગામી અમરસિંહ ચૌધરીને સ્થાને ચૂંટણી પૂર્વે ફરી એમને મૂકીને ૧૯૯૦માં નવો વિક્રમ કરે એવી અપેક્ષા હતી, પણ જનતા દળ-ભાજપની ચીમનભાઈ પટેલ સરકાર રચાઈ હતી. માધવસિંહ તો સી. ડી. પટેલને ગુજરાત ભળાવીને દિલ્હી ગયા હતા.

મોજા અને મુદ્દા વગરની ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીને માત્ર વાણીવિલાસની ચૂંટણી જ કહેવી પડે. સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦ જેટલી ચૂંટણી સભાઓ સંબોધવા ઉપરાંત રોડ-શો કરવા પડે, એ જરા વધુ પડતું લાગે. એમની કેન્દ્ર સરકારના ૫૦ જેટલા પ્રધાનો અને સંખ્યાબંધ મુખ્ય પ્રધાન તથા નેતાગણને ગુજરાતમાં ઠેર ઠેર ખડી દેવામાં આવ્યું. ભાજપ છેલ્લા બે દાયકાથી રાજ્યમાં સત્તારૂઢ હોવા છતાં પુનઃ સત્તાપ્રાપ્તિને અંકે કરવામાં કોઈ કસર નહીં છોડવાનું આયોજન રહ્યું. સ્વાભાવિક રીતે પાટીદાર અનામત આંદોલનના પ્રભાવને કારણે, રાજ્યની કુલ ૩૩ જિલ્લા પંચાયતોમાંથી જે જિલ્લા પંચાયતોની ૨૦૧૫માં ચૂંટણી થઈ અને બીજી તાલુકા પંચાયતોની ચૂંટણીઓ થઈ તેમાં, બહુમતી જિલ્લા પંચાયતો (૨૩થી ૨૪) કોંગ્રેસ ઝાઝી મહેનત વિના જીતી ગઈ હતી. એ પછી તો મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે હોદ્દો છોડવો પડ્યો.

હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદારોનું આંદોલન હવે રાજ્યમાં તમામ જ્ઞાતિઓને જોડવા સુધી વિસ્તર્યું છે અને હાર્દિકની સભાઓ રોજેરોજ વડા પ્રધાન કે અન્ય કરતાં વિશાળ જનમેદનીને આકર્ષે છે. બે વર્ષથી હાર્દિકને મહેસાણા જિલ્લામાં પ્રવેશ નથી. અને છતાં એની સભાઓ જોઈને સત્તાધીશોને પણ તમ્મર આવે છે. હાર્દિક હજુ ૨૪ વર્ષનો છે. એટલે ચૂંટણી લડવાની ઉંમર નથી. એના ઘણાબધા સાથીઓ સત્તારૂઢ ભાજપમાં જોડાઈ ગયા છે. અગાઉના નવનિર્માણ આંદોલનના મનીષી જાની સિવાયના વિદ્યાર્થી આગેવાનો એ વેળા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. એનું જ પુનરાવર્તન આ વેળા અનુભવાય છે.

ઠાકોર સેના અને ઓબીસી મંચના અલ્પેશ ઠાકોર અને દલિત આંદોલનના અગ્રણી જિજ્ઞેશ મેવાણી અનુક્રમે કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જોકે, આ વેળાની ચૂંટણી મુદ્દા વગરની અને મોજા વગરની હોવાને કારણે સત્તારૂઢ ભાજપનો અકળાટ વધુ છે. સામે પક્ષે કોંગ્રેસ ભાજપની જાળમાં ફસાવાઈ ના જવાય એની તકેદારી સાથે ‘દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ’ એવી સ્થિતિમાં છે.

ભાજપી પ્રચારમાં પાકિસ્તાનની બોલબાલા

ભાજપના સુપરસ્ટાર નરેન્દ્ર મોદીને કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર થકી ‘નીચ’ (લો) કહેવામાં આવ્યાની વાતને પ્રચારમાં ખૂબ ગજવવામાં આવી. જોકે, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઐયરને તત્કાળ વડા પ્રધાનની માફી માંગવા કહેવામાં આવ્યું. મણિશંકરે માફી માંગતી વેળા મોદીને પોતે ‘નીચ’ કહ્યા, પણ ‘એ અગાઉ મેં ૧૯૯૮માં એ વેળાના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને ‘નાલાયક’ કહ્યા હતા,’ એ વાતનું ઉચ્ચારણ કરીને પોતાને હિંદી નહીં આવડતું હોવાથી આવો ગોટાળો થયાની ચોખવટ કરી.

જોકે, દેશના વિદેશ સેવાના અધિકારી રહેલા અને વિદેશપ્રધાન પણ રહેલા મણિએ આ સઘળું જાણીજોઈને તોફાન મચાવ્યાનું અનુભવાતાં એમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા. આમ છતાં વડા પ્રધાન મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહ તેમજ પ્રવક્તાઓએ આ મુદ્દાને મોદીનું અપમાન એટલે ગુજરાતનું અપમાન લેખાવીને ખૂબ જ ગજવ્યો. જોકે, આ મુદ્દો પ્રજામાં કેટલી અસર કરે એ વિશે પ્રશ્ન હતો એટલે મણિશંકરના ઘરે પાકિસ્તાનીઓ સાથે બેઠક યોજી અને પાકિસ્તાન અહેમદ પટેલને મુખ્ય પ્રધાન બનાવવા ઈચ્છતું હોવાની વાત ચગાવાઈ. અહેમદભાઈએ તો નકાર્યું છે કે તેઓ ક્યારેય મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હતા. એમણે ભવિષ્યમાં પણ પોતે ઉમેદવાર નહીં હોવાનું કહ્યું, પણ ભાજપને તો અગાઉની ચૂંટણીની જેમ રાજ્યસભાના સાંસદનું નામ ઊછાળવાનું ફાવી ગયું છે!

કોંગ્રેસી પ્રચારમાં વડા પ્રધાનની ગરિમા

વડા પ્રધાન મોદી કોંગ્રેસ અને એની નેતાગીરી વિશે ખૂબ જ આક્રમક નિવેદનો કરતા રહ્યા છે અને એમાં રાહુલ ગાંધીને પણ ઝપાટામાં લે છે. જોકે, રાહુલે ખૂબ જ ગંભીરતાથી જાહેરમાં કહ્યું છે કે વડા પ્રધાન મોદી મારા વિશે જેટલી હલકી કક્ષાએ જઈને કોઈ પણ વાત કરે, પણ હું એમને વિશે આદરથી જ વાત કરવાનો છું. વડા પ્રધાનપદની ગરિમા જાળવીને જ અમે વાત કરીશું, એવું કહીને રાહુલ વારંવાર ઉમેરે છે કે અમે કોઈ ગુસ્સો વ્યક્ત કર્યા વિના, ભાજપને પ્રેમથી હરાવવાના છીએ. રાહુલના આવા વલણને કારણે ભાજપ તરફથી જે આકરા પ્રહારો કરવામાં આવે છે એ સાવ અસરહીન બની જાય છે. જોકે, આ વખતના ચૂંટણી પ્રચારમાં ખૂબ નીચલી કક્ષાએ જઈને વિરોધીઓ પર વાર કરાયા છે.

૧૩મી વિધાનસભા ચૂંટણીનાં જોડાણો

૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ પછી રાજ્યની વિધાનસભાની પહેલી ચૂંટણી ૧૯૬૨માં થઈ હતી. રાજ્યની આ વખતની વિધાનસભા ચૂંટણી એ ૧૩મી વિધાનસભાની ચૂંટણી છે અને મુખ્ય સ્પર્ધા સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ વચ્ચે રહે એવું સ્પષ્ટ છે. ૧૯૯૫માં એકલે હાથે ૧૨૧ બેઠકો અને ૪૨.૫૧ ટકા મત મેળવીને રાજ્યમાં સત્તારૂઢ થયેલા ભાજપમાં શંકરસિંહ વાઘેલાના બળવાને પગલે બે વર્ષ ભાજપની સત્તા ગઈ હતી, પણ ૧૯૯૮થી અત્યાર લગી લગાતાર ભાજપનું શાસન છે. ૧૯૯૫માં અને ૧૯૯૮માં કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા, પણ ઓક્ટોબર ૨૦૦૧થી નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા. એમના નેતૃત્વમાં ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓ લડાઈ હતી ત્યારે ભાજપની બેઠકો અને વોટ શેર પણ લગાતાર ઘટતો ગયો હતો. આ વખતે ભાજપમાં ૧૪ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો છેલ્લી ઘડીએ રાજ્યસભાની ચૂંટણી વખતે જોડાયા છતાં કોંગ્રેસના અહેમદ પટેલ જીત ગયા હતા. ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનું ચિત્ર છે, પણ કોંગ્રેસે ત્રણેય આંદોલનના અગ્રણીઓને સાથે લેવાં, બાંધછોડ-જોડાણ કરવાં પડ્યાં છે.

ચૂંટણી પછી કેવું દૃશ્ય ઊપસશે?

સૌરાષ્ટ્રના એક પ્રતિષ્ઠિત દૈનિકના વડા પ્રધાન મોદી ભણી મમત્વ ધરાવતા તંત્રીએ આ લખનારને શનિવારે જણાવ્યું હતું કે ઈવીએમ સાથે કોઈ જાતના ચેડાં નહીં થાય તો પહેલા તબક્કાના મતદાનમાં કોંગ્રેસ મેદાન મારી જશે અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે. જોકે, અમે સત્તાવાળાઓ અને ચૂંટણી સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓ સાથે વાત કરી તો એમણે કહ્યું કે વીવીપેટ દાખલ કરાયા પછી મોટાપાયે ઈવીએમ સાથે ચેડાં કરી શકાય એ લગભગ અશક્ય છે. એવું થાય તો સ્થિતિ વણસે.

અત્રે એ યાદ રહે કે ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ) જ્યારે કોંગ્રેસના વડપણવાળી સરકારે દાખલ કર્યાં ત્યારે એની સામે સૌપ્રથમ વિરોધ ભાજપ થકી જ કરાયો હતો. અત્યારના ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નરસિંહ રાવે એની વિરુદ્ધમાં પુસ્તિકા લખી હતી. ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ એની પ્રસ્તાવના લખી હતી અને હાર્વર્ડના નિષ્ણાત પ્રાધ્યાપકનો અભિપ્રાય પણ એમાં પ્રકાશિત કરાયો હતો. અત્યારના ભાજપી સાંસદ ડો. સુબ્રમણિયન્ સ્વામી ઈવીએમ અંગે ચિંતા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી જ ઈવીએમ સાથે વોટ ચકાસણી કરી શકાય એવી ચબરકી દર્શાવતાં વીવીપેટ દાખલ કરવાનો આદેશ અપાયો હતો! આ વખતે બંને પક્ષો વચ્ચે જીવ સટોસટની બાજી હોવાનું લાગે છે. ગુજરાત જીતવું વડા પ્રધાન મોદી માટે અનિવાર્ય છે. સામે પક્ષે કોંગ્રેસ પણ જીતવા માટે આસમાની-સુલતાની કરી ચૂકી છે. આંદોલનત્રિવેણીની યુવાત્રિપુટીનો લાભ પણ એને મળવવાની શક્યતા છે. જોકે, ૧૮ ડિસેમ્બરે જ ચિત્ર સ્પષ્ટ થશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter