ચાલો, વિશ્વના સરદારપ્રેમીઓ ૧૨ જૂને ઊજવીએ બારડોલી દિવસ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 14th May 2018 09:58 EDT
 
બારડોલીમાં મહાત્મા ગાંધી પધાર્યા ‘વલ્લભભાઈના સૈનિક’ તરીકે
 

જે લડતે કરમસદના વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને સમગ્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ‘સરદાર’ તરીકે પ્રસ્થાપિત કરી દીધા એ લગભગ ૮૦ હજાર ખેડૂતોને ન્યાય અપાવવા માટેની લડત એટલે બારડોલી સત્યાગ્રહ. ૧૯૨૩માં નાગપુરના ઝંડા સત્યાગ્રહ અને ૧૯૨૩-૨૪ના બોરસદ સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સફળતા મળ્યા પછી અંગ્રેજ સરકારને નમાવવાના સંજોગો શક્ય બન્યા એ આ બારડોલી સત્યાગ્રહ. ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ મહાત્મા ગાંધીના આ પટ્ટશિષ્ય બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે બારડોલી તાલુકાના ખેડૂતોને માથે ઝીંકાયેલા અન્યાયી જમીન મહેસૂલ વધારા અને ‘પઠાણ રાજ’ના અત્યાચાર લગી ખેડૂતો જ નહીં, બારડોલીના આબાલવૃદ્ધ સરદાર પટેલના નેતૃત્વમાં જાન પર કુરબાન કરવા તૈયાર રહ્યાં. સ્ત્રી સશક્તિકરણની નવતર જ્યોત વલ્લભભાઈએ જગાવી.

ધૂમ કમાણી છોડી ગાંધીજીને અનુસર્યા

લંડનથી બેરિસ્ટર થઈને આવેલા વલ્લભભાઈએ અમદાવાદમાં ધૂમ કમાણી છોડીને ચંપારણ સત્યાગ્રહ આદરનાર બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીનું શિષ્યત્વ સ્વીકાર્યું. ક્યારેક ગાંધીજીની ઠેકડી ઊડાવનાર બેરિસ્ટર વલ્લભભાઈએ ‘આ નોખા માણસ’ના શિષ્ય થવાનું સ્વીકાર્યું. બારિસ્ટરી કપડાં છોડીને ખાદી અપનાવી. અમદાવાદ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ છોડીને બારડોલી સત્યાગ્રહનું સૂત્ર સંચાલન કર્યું અને એમના નેતૃત્વમાં મહાત્મા ગાંધી પણ એક અદના સૈનિક તરીકે કામ કરવા તૈયાર થયા. મોટા ભાઈ બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ પણ કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ હોવા છતાં બારડોલી સત્યાગ્રહના ટેકામાં મહિને ૧૦૦૦ રૂપિયાના યોગદાન કરવા ઉપરાંત અંગ્રેજ સરકારને માટે મૂંઝવણ સર્જે એ રીતે સત્યાગ્રહને ટેકો પણ આપતા રહ્યા.

જોકે, ખેડૂતના બેઉ પુત્રો વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બારડોલીના પાટીદાર, વાણિયા, ખ્રિસ્તી, મુસ્લિમ અને પછાત વર્ગના ખેડૂતોને માથે એકાએક ઝીંકાયેલા મહેસૂલના ૩૫ ટકા જેટલા અન્યાયી વધારા સામે ઝઝૂમવામાં પીછેહઠ નહીં કરવા સંકલ્પબદ્ધ હતા. વાઈસરોય લોર્ડ ઇરવિનના કાને સાચી વાત નાંખવામાં પણ વિઠ્ઠલભાઈ અગ્રેસર રહ્યાં. ખેડામાં પૂર આવ્યાં ત્યારે વલ્લભભાઈએ રાહતના કાર્યો કરીને પ્રજાને કરેલી મદદથી વાઈસરોય પણ વાકેફ હતા. જોકે, સત્તા અને એમાંય પાછી વિદેશી સત્તાને સામાન્ય જનતાની સમસ્યાઓ ઉકેલવામાં વિલંબ થતો હોય છે. છેક ફેબ્રુઆરીથી લઈને ઓગસ્ટ લગી એટલે કે છ-છ મહિના સુધી સરદાર પટેલના નેતૃત્વમાં આ જંગ અહિંસક ધોરણ ચાલ્યો અને સફળ પણ થયો. એ ઐતિહાસિક બની રહ્યો.

ગાંધીજીના આશીર્વાદ સાથે શ્રીગણેશ

બારડોલી વિસ્તારના પટેલબંધુ કલ્યાણજી મહેતા અને કુંવરજી મહેતા જ નહીં, સ્થાનિક ધારાસભ્યો પણ બહેરી અંગ્રેજ સરકારના કાને ખેડૂત સમાજને કરાતા અન્યાયની વાત પહોંચાડીને ન્યાય મેળવવા માટે ખૂબ ઉધામા માર્યા. સફળ ના થયા. જાન્યુઆરી ૧૯૨૮માં આવી પડેલી મહેસૂલ કર વધારાની આફત સામે લડવામાં બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના નેતૃત્વનો સાથ મેળવવા વારંવાર અમદાવાદના ફેરા પણ માર્યાં. પણ વલ્લભભાઈ નાણી જોવા માંગતા હતા કે, લડત ચલાવનારા વચ્ચે પાણીમાં તો નહીં બેસી જાયને? એમણે એમને અજમાવી જોયા. લડત ઉપાડ્યા પછી એના અંત લગી સાથ નહીં છોડવા કે અંગ્રેજોની કુટિલ રાજનીતિમાં ફસાય નહીં એ વાતે ટકોરાબંધ ગોઠવણ કરી. બારડોલી પણ જઈ આવીને જાત અભ્યાસ પણ કર્યો. આખરે ફેબ્રુઆરીની શરૂઆતમાં મહાત્મા ગાંધી સાથે બારડોલીના ખેડૂત કાર્યકરો સાથે વલ્લભભાઈએ મુલાકાત કરાવી. વલ્લભભાઈને વાત ન્યાયોચિત્ત લાગે તો ગાંધીજીને એ મંજૂર જ હોય. એમણે કહ્યુંઃ ‘કરો કંકુના, વિજય તમારે પક્ષે છે.’

બસ, પછી તો ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૮થી બારડોલી સત્યાગ્રહ શરૂ થયો. એ પહેલાં સરદાર પટેલે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર કર્યો તો ખરો, પણ એમનો ઉત્તર પોતાનો કક્કો સાચો કરવા જેવો જ હતો. એટલે સત્યાગ્રહ આરંભાયો. દોમદોમ સાહ્યબીમાં જીવતા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ગાડામાં કે મોટરુંમાં બારોડલીનાં ગામડાં ખૂંદવા માંડ્યા. ધૂળિયા રસ્તે પ્રજા સાથે એકાકાર થવા માંડ્યું. પુરુષો અને સ્ત્રીઓને જંગમાં જોડવા માંડ્યા. મહાત્માના અહિંસાના માર્ગની શીખ સૌને આપી.

સામે પૂર તરતાં ‘સરદાર’ કહેવાયા

બારડોલીના સ્વરાજ આશ્રમને મુખ્યાલય બનાવીને વલ્લભભાઈએ કામકાજની વહેંચણી સાથીઓને કરી. પ્રત્યેકને સોંપેલી જવાબદારી પર પોતે નિયમિત નજર રાખતા હતા. સત્યાગ્રહ પત્રિકા મારફત સત્યાગ્રહની ખબર બધાને મળતી રહે એવી વ્યવસ્થા કરી. રાત-દિવસ ગામોમાં સભાઓ અને સંબોધનો ચાલ્યાં. સામે પક્ષે અંગ્રેજ હાકેમો, પોલીસતંત્ર અને એમના મળતિયાં તો હતાં જ. જોકે, સરદારની વ્યવસ્થા એટલી જડબેસલાક હતી કે કેટલાક વાણિયાઓને ફોડીને મહેસૂલ નહીં ભરવાના સંકલ્પમાં ફાચર મારવાના પ્રયાસ પણ થયા.

જોકે, લોકજાગૃતિ એટલી પ્રબળ હતી કે એ ખેલ પણ નિષ્ફળ રહ્યા. જ્યાં સુધી મહેસૂલની વધારેલી રકમો પાછી ખેંચાય નહીં ત્યાં સુધી કોઈ મહેસૂલ ભરે નહીં એ નક્કી થયું હતું. બ્રિટિશ હકુમતે મહેસૂલ નહીં ભરનારની જમીનો અને ઢોર-ઢાંખર કબજે લેવા માંડ્યાં. જપ્તીના આદેશનો અમલ બજાવવા માટે મુંબઈથી પઠાણોને તેડાવાયા. જોકે, પ્રજાના કરફ્યુ જેવા માહોલ સાથે જ બહારથી કોઈ જપ્તીવાળા કે ગોરા સાહેબો આવે તો ગામના છોકરા ઢોલ વગાડે એટલે બધાના ઘર બંધ થઈ જાય, રસ્તા વેરાન થઈ જાય અને આવનારાઓના ફેરા ફોગટ જાય. આ સંજોગોમાં પ્રજાનું મનોબળ મજબૂત રાખવા સરદાર પોતાની ગામઠી શૈલીમાં એવાં ભાષણ કરે કે મડદાં પણ બેઠાં થઈ જાય.

નાની પાલસોડ ગામની સભામાં વલ્લભભાઈ, ક. મા. મુનશી, મહાદેવ દેસાઈ, મોહનલાલ પંડ્યા વગેરે હાજર હતા. ત્યાં મકોટી ગામના ભીખીબહેને વલ્લભભાઈનું ફૂલહારથી સ્વાગત કરતાં કહ્યું, ‘વલ્લભભાઈ, આજથી તમે અમારા સરદાર.’ બસ, ત્યારથી વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઓળખાવા લાગ્યા, એવું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કરનાર બારડોલીની કોલેજના પ્રાધ્યાપક મગનભાઈ આઈ. પટેલે પોતાના થિસીસમાં નોંધ્યું છે. એ સમય એપ્રિલ ૧૯૨૮નો હતો.

હાઉસ ઓફ કોમન્સમાં સરદાર ઝળક્યા

અંગ્રેજ હકૂમતના લાટ સાહેબો ઉનાળાની ગરમીમાં બારડોલી સત્યાગ્રહનો નિવેડો લાવવાના બદલે હવા ખાવાનાં સ્થળોએ આરામ ફરમાવી રહ્યા હતા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના પ્રતિનિધિઓ બારડોલી તાલુકાનો પ્રવાસ ખેડીને આપેલા અહેવાલમાં ‘લેનિન’ વલ્લભભાઈના સંપૂર્ણ નિયંત્રણમાં બારડોલી હોવાનું પોતાના અહેવાલમાં નોંધ્યું. હાઉસ ઓફ કોમન્સમાં ઉહાપોહ મચ્યો ત્યારે સરકારના પ્રધાન લોર્ડ વિન્ટરર્ટને વલ્લભભાઈની સફળતાને કબૂલી એટલે આરામ ફરમાવી રહેલા લાટ સાહેબો દોડતા થયા. મુંબઈના ગવર્નર સર લેઝલી વિલ્સન સિમલા ભણી રવાના થયા અને વાઈસરોયની સલાહ મુજબ આગળ વધવા ભલામણ કરવા માંડ્યા.

બીજી બાજુ, ગાંધીજીનાં સામાયિકોમાંના લખાણો અને અન્ય પત્રિકાઓના અહેવાલોએ બારડોલી સત્યાગ્રહ વિશે દેશભરમાં ઉત્સુકતા જગાવી. ૧૨ જૂન ૧૯૨૮નો દિવસ બારડોલી દિવસ તરીકે દેશભરમાં મનાવાયો. કેટલાકે એ દિવસે દેખાવો, ઉપવાસ, આર્થિક યોગદાન વગેરે કરવાનું પસંદ કરીને બારડોલીના ખેડૂતોને ટેકો આપ્યો. સરદાર પટેલને મનોબળનો અને આર્થિક સહયોગ મળતો રહ્યો.

ગવર્નરનું મંત્રણા માટેનું તેડું

જુલાઈ ૧૯૨૮ના બીજા સપ્તાહમાં ગવર્નર સિમલા ગયા હતા અને સુરત પાછા ફરે ત્યારે વલ્લભભાઈ પોતાના ૧૨ સત્યાગ્રહી સાથીઓ સાથે એમને મળે એવું તેડું આવ્યું. મંત્રણાઓ યોજાઈ. સરદારે જે ખેડૂતોની જમીન જપ્ત થઈ અને વેચાઈ એ તમામ જમીન પરત મૂળ માલિકોને મળે, એમનાં પશુ-રાચરચીલાં જપ્ત કરાયાની કિંમત ચૂકવાય, સત્યાગ્રહના ટેકામાં રાજીનામાં આપનાર સરકારી કર્મચારીને પરત નોકરીમાં લેવાય તથા તપાસ સમિતિ નિમાય એવો આગ્રહ રાખ્યો. પૂણેમાં નાણાંપ્રધાન સર ચુનીભાઈ મહેતાએ આગળની મંત્રણાઓ ગવર્નર વતી ચલાવી અને સત્યાગ્રહીઓની માગણીઓ સ્વીકારીને ૬ ઓગસ્ટ ૧૯૨૮ના રોજ સમાધાન કર્યું. આ વિજયની સમગ્ર દેશમાં કીર્તિ થઈ.

બારડોલી સત્યાગ્રહની વ્યાપક અસરો

બારડોલીના ૮૦ હજાર કરતાં પણ વધુ ખેડૂતોની વાજબી માગણીઓ માટેની લડત પૂરતી આ વાત સીમિત નહોતી. ડિસેમ્બર ૧૯૨૮માં કોલકાતામાં મોતીલાલ નેહરુના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન મળ્યું એમાં સરદાર પટેલ છવાઈ ગયા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં એમના પ્રવાસ ગોઠવાયા. સ્વયં રાજાજીને સરદાર પટેલમાં લોકમાન્ય ટિળકનાં દર્શન થવા લાગ્યાં. બીજા વર્ષે જવાહરલાલ નેહરુના અધ્યક્ષપદે લાહોરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં એટલે કે ડિસેમ્બર ૧૯૨૯માં ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ને સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવવા માટે પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો. માર્ચ ૧૯૩૧માં કરાચીમાં સરદાર પટેલના અધ્યક્ષસ્થાને કોંગ્રેસનું અધિવેશન મળ્યું. ૧૨ માર્ચ ૧૯૩૦થી ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે આદરેલી દાંડીકૂચ થકી અંગ્રેજ સરકારના પાયા હચમચ્યા અને ઓગસ્ટ ૧૯૪૨માં ‘હિંદ છોડો’ ચળવળ પ્રતાપે અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવાનો વખત નિકટ આવી ગયો હોવાના સંકેત મળવા માંડ્યા.

આ બધા ઘટનાક્રમના પાયામાં સરદાર પટેલના નેતૃત્વમાં યોજાયેલા બારડોલી સત્યાગ્રહને કબૂલવો પડે. એનાથી પ્રજાને પોતાની તાકાતનો પરિચય મળ્યો. એટલે જ દુનિયાભરના સરદાર પટેલ પ્રેમીઓએ ૧૨ જૂનને બારડોલી દિવસ તરીકે મનાવીને ભારતના સ્વતંત્રતા સંગ્રામને નવો વળાંક આપનાર મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલને ખરા અર્થમાં અંજલિ આપવી ઘટે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter