જમ્મુ અને કાશ્મીરમાં વિરોધાભાસી છતાં આવકાર્ય પહેલ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 04th March 2015 11:35 EST
 

જમ્મુ અને કાશ્મીરમાં જૂના કોંગ્રેસી અને અત્યારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સંરક્ષક એવા મુફ્તી મહંમદ સઈદ અને ભારતીય જનતા પક્ષના ડો. નિર્મલ સિંહની સંયુક્ત સરકારે રવિવારે (૧ માર્ચ, ૨૦૧૫) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાક્ષીએ આવતાં છ વર્ષ સુશાસનના સંકલ્પ સાથે નવા યુગના મંડાણ કર્યાં.

હજુ હમણાં સુધી ચૂંટણી પ્રચારમાં બાપ-બેટીની પાર્ટી એટલે કે મુફ્તી અને મહેબૂબા મુફ્તીની પાર્ટી ગણાતી પીડીપી પર પ્રહાર કરવામાં વડા પ્રધાન મોદીએ ભાજપી નેતા તરીકે કોઈ કસર રાખી નહોતી, પરંતુ ચૂંટણી પછી બેઉ પક્ષ સાથે આવીને સરકાર રચવા કૃતસંકલ્પ બન્યા એ પહેલને અમે આવકારીએ છીએ કારણ કે જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનને ખોળે ધરવાને બદલે ભારતના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે આ ખૂબ નિર્ણાયક પહેલ લેખાશે. ગઈકાલ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ફરજંદ જેવી અને જનસંઘના નવા અવતાર સમી ભારતીય જનતા પાર્ટી ભલે હિંદુવાદી પાર્ટી ગણાઈ હોય, આજે મોદીનિષ્ઠ સંઘ પ્રચારક રામ માધવના પરિશ્રમથી જમ્મુ અને કાશ્મીરમાં આવેલા વળાંકને આવકારવો એ ભારતના હિતમાં છે.

માત્ર સિદ્ધાંતોની ડુગડુગીથી શાસન ચલાવી શકાતું નથી. સ્વયં સરદાર પટેલે બંધારણમાં જમ્મુ-કાશ્મીરને અલાયદો દરજ્જો આપતી કલમ-૩૭૦ (બંધારણ સભા વખતે ૩૦૬-એ)ને સ્વીકારવામાં સહયોગ કર્યો ત્યારે ત્રિભેટે ઊભેલા જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડવાની આવશ્યક્તા સમજીને એ પગલું ભર્યું હતું. સંઘ-જનસંઘ-ભાજપના વરિષ્ઠ નેતાઓ આખું આયખું ‘શેર હમારા મારા હૈ, અબ્દુલ્લાને મારા હૈ’ તથા ૩૭૦ની કલમ સમાપ્ત કરવાની હાકલો છો કરી હોય, વાજપેયી સરકારમાં એ જ શેખ અબ્દુલ્લાના પૌત્ર ઓમર અબ્દુલ્લાને વિદેશ રાજ્યપ્રધાન તરીકે સામેલ કરાયા હતા.

જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીની શહાદત શેખ અબ્દુલ્લાની સરકારી જેલમાં થઈ એ વાત સાચી, પણ સમય સાથે આવતાં પરિવર્તનોને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી હોતો. એમ તો જમ્મુ-કાશ્મીરનો મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવાનો રાજાજીનો આગ્રહ છેક આઝાદી પછી બંધારણ સમિતિના વડા અને ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ડિપ્રેસ્ડ ક્લાસ ફેડરેશનના પહેલી લોકસભા ચૂંટણી માટેના ચૂંટણી ઢંઢેરામાં પડઘાતો હતો.

ક્યારેક મુફ્તી મોહમ્મદ સઈદ કોંગ્રેસી હતા, એમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવાર પણ ૧૯૨૫માં સંઘની સ્થાપના પછી છેક ૧૯૩૪ સુધી કોંગ્રેસી રહ્યા જ હતા. મુફ્તી ભારતના સર્વપ્રથમ મુસ્લિમ ગૃહ પ્રધાન હતા અને વી. પી. સિંહની એ સરકારને ભાજપ અને ડાબેરી મોરચાનો ટેકો હતો. મુફ્તીની અત્યારે અમેરિકામાં સ્થાયી થયેલી દીકરી રુબિયાનું અપહરણ થયું ત્યારે એની મુક્તિના સાટામાં ભારત સરકારે કેટલાક આતંકવાદી જેલમાંથી છોડવા પડ્યા હતા. ભાજપે એ વેળા ગૃહ પ્રધાન મુફ્તી અને વી. પી. સરકારની ખૂબ જ ઝાટકણી કાઢી હતી. એ જ ભાજપના અટલ બિહારી વાજપેયીના કેન્દ્ર સરકારના કાર્યકાળમાં કાઠમંડુથી ઈન્ડિયન એરલાઈન્સના વિમાનનું અપહરણ કરીને એને કંદહાર લઈ જવામાં આવ્યું ત્યારે વાજપેયી સરકારના વિદેશ પ્રધાન જસવંત સિંહ સાથે ખૂંખાર આતંકવાદીઓને કંદહાર જઈને છોડાયા હતા. મૌલાના મસૂદ અઝહર એમાંનો એક હતો. એણે જૈશ-એ-મોહમ્મદ નામક આતંકવાદી સંગઠનની સ્થાપના કરીને જમ્મુ-કાશ્મીર વિધાનસભા રઘુનાથ મંદિર જ નહીં, ભારતીય સંસદ પર ૨૦૦૧ના ડિસેમ્બરમાં હુમલો કરાવ્યો ત્યારે વાજપેયી જ સત્તામાં હતાં.

આતંકવાદને સમાપ્ત કરવામાં રાજકીય મતભેદને કોરાણે મૂકવા પડે. જમ્મુ-કાશ્મીરમાં બે અંતિમના છેડાની વિચારધારા ધરાવનારા પીડીપી અને ભાજપ સાથે મળીને સરકાર રચે ત્યારે એ કેટલી ટકશે એની આગાહીઓ શરૂ થઈ જાય છે. એમ તો કોંગ્રેસ અને અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સાથે મળીને સરકાર રચે ત્યારે એમના ડીએનએમાં ઘણું બધું સામ્ય હોવા છતાં પૂરી મુદ્દત માટે એ પણ ક્યાં શાસન કરી શક્યા છે? મિશ્ર સરકારોના આવા કટુ અનુભવોની પરંપરા અને ખેંચતાણ પછી દેશની પ્રજાએ હવે સ્પષ્ટ બહુમતી આપીને મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોમાં પણ સ્પષ્ટ બહુમતીવાળી સરકારો ભણીનો ચુકાદો આપવાનું પસંદ કર્યું હોય ત્યારે મુફ્તી-નિર્મલની સરકાર છ વર્ષ રાજ નહીં કરી શકે એવી ભવિષ્યવાણી કરનારાઓને નિરાશાવાદી જ લેખવા પડે.

જમ્મુ-કાશ્મીરમાં ‘એક બંધારણ એક ધ્વજ’નો કાયમ આગ્રહ કરનાર ભાજપ સાથે રવિવારે પીડીપીની સરકાર રચાઈ ત્યારે ભારતના રાષ્ટ્રધ્વજની સાથે જ જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ પણ વડા પ્રધાન મોદીની હાજરીમાં ફરકતો હતો. એને વાસ્તવવાદી દૃષ્ટિકોણ લેખવો પડે. મોદી પોતે પણ અંતિમવાદી હિંદુ સંગઠનોને સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે નેશન ફર્સ્ટનો ધર્મ જ આપણે સૌએ અપનાવવાનો છે. સંઘ પરિવારમાં બોલકાં વ્યક્તિત્વોની નિવેદનબાજી સામે વડા પ્રધાન મોદીએ ‘કોમી હિંસાને સહી લેવાશે નહીં’ એવી જાહેરાત કરીને યોગ્ય સંકેત આપ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-ભાજપ સંયુક્ત સરકાર સુશાસન પૂરું પાડે એવી અપેક્ષા જરૂર રહે છે. મુફ્તીના ૨૦૦૨-૦૫ દરમિયાનના શાસનની સારી છાપ અને નેશનલ કોન્ફરન્સ તથા કોંગ્રેસની મિશ્ર સરકારની ભ્રષ્ટાચારી છબિએ મુફ્તી ભણી ઢળવા માટે કાશ્મીરી મતદારોને પ્રેર્યા અને જમ્મુ-લડાખના મતદારોને ભાજપ ભણી ઢળવા પ્રેર્યા હતા. કોમી વિભાજન દેશની એકતા અને અંખડિતતા માટે ખતરનાક લેખી શકાય છતાં બેઉ પક્ષો સાથે મળીને હિંદુ-મુસ્લિમ વિભાજનને બદલે સુશાસન ભણી જમ્મુ-કાશ્મીરને વાળે એ સમગ્ર ભારતના હિતમાં લેખાશે.

શપથવિધિ પછી મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદે હુર્રિયત અને પાકિસ્તાનને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે યશ આપ્યો અને ભાજપની નેતાગીરીએ ચૂંટણી પંચ અને સુરક્ષા દળોને શાંતિપૂર્ણ મતદાન અને ચૂંટણી માટેનો યશ આપ્યો, એમાં કોઈ રખે વધુ પડતું નિહાળે. બેઉ પક્ષો સમજી-વિચારીને પોતપોતાની વોટબેંકને રાજી કરવા માટે આવાં નિવેદનો કરે છે અને આવતા દિવસોમાં પણ કરતા રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત સરકાર બની એમાં ભાજપના ક્વોટામાંથી પણ મુસ્લિમ પ્રધાનો સામેલ કરાયા એનો સંકેત સારો જાય છે. પીડીપીની સંખ્યામાં મુસ્લિમ ધારાસભ્યો જ હોય ત્યારે એણે મુસ્લિમ પ્રધાનોને જ લેવા પડે એ સ્વાભાવિક છે. કોમી વિભાજન થાય નહીં અને જમ્મુ-કાશ્મીર અને લડાખનાં વિભાજનોનો વિચાર કરાય નહીં, સુશાસનના અમલનો અનુભવ પ્રજાને કરાવાય, ભ્રષ્ટાચાર ઓછો થાય, સર્વધર્મ સમભાવની ભાવના વ્યાપક બને એટલી અપેક્ષા મુફ્તી-નિર્મલની સરકાર કનેથી રાખી શકાય.

વિધાનસભા અને વિધાનપરિષદ એ બેઉ ગૃહના કુલ સંખ્યાબળ કરતાં વધુ પડતા પ્રધાનોવાળું પ્રધાનમંડળ રચાયું છે એ બધાને રાજી રાખવાના પ્રયત્નનો હિસ્સો ગણાવી શકાય. બંને ગૃહના કુલ સભ્યોના ૧૫ ટકાથી વધુ સભ્યોને પ્રધાન બનાવી શકાય નહીં એવી ભારતીય બંધારણની જોગવાઈ જમ્મુ-કાશ્મીરમાં લાગુ નથી એટલે ૨૫ સભ્યોની તોતિંગ કેબિનેટ સુશાસન પર ભાર મૂકે એટલી અપેક્ષા કરીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter