જમ્મુ-કાશ્મીરનું સત્તાકોકડું હાલપૂરતું ઉકેલાયું

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 20th January 2016 06:25 EST
 
 

ભારતના મસ્તકપ્રદેશ જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની ‘ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને એક કરવા જેવી’ વિરોધાભાસોથી ભરેલી સંયુક્ત સરકારના મુખિયા મુફ્તી મોહમ્મદ સઈદના ૭ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ દિલ્હીની ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સીસ ઈન્સ્ટિટ્યૂટ (એઆઈએમએસ)માં નિધન પછીના દસ દિવસ સુધી અનેક તર્કવિતર્ક ચાલતા રહ્યા અને અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું હોય એવા વાવડ ૧૭ જાન્યુઆરીએ મળ્યા. ભાજપ સાથે સત્તાજોડાણ ટકાવવું કે નહીં એની કશ્મકશ મુફ્તીનાં સાંસદપુત્રી અને પક્ષનાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ શોકની આડશે અનુભવી જોઇ. વિકલ્પો વિચારી જોયા. ભાજપ સિવાયના વિકલ્પની પસંદગી કરીને સત્તામાં આવવાનાં જોખમો પણ વિચારી લીધાં.

દિલ્હીમાં સર્વસત્તાધીશ નરેન્દ્ર દામોદરદાસ મોદી સાથે જોડાણ તોડવામાં પીડીપીના વાડામાંથી ધારાસભ્યો અને બેઉ બળવાખોર સાંસદો સામે પાટલે બેસવાના સંજોગો તગતા હતા. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષપદે ભાજપના નેતા કવીન્દર ગુપ્તા હોવાથી આયારામ-ગયારામના સંજોગોમાં ગૃહમાં શક્તિપરીક્ષણ થાય ત્યારે વિધાનસભાના અધ્યક્ષનું વજન પડવું સ્વાભાવિક હતું. શોકની આડશે મહેબૂબાએ ભાજપના ટેકાથી મુખ્ય પ્રધાન બનવા અંગે સંકેતો આપવામાં ઉતાવળ ન કરી એટલે રાજ્યમાં ‘રાજ્યપાલ શાસન’ (અન્ય રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ છે, પણ બંધારણની કલમ ૩૭૦ અન્વયે વિશેષાધિકાર ભોગવતા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનની જોગવાઈ છે એટલે) લદાયું. પરોક્ષ રીતે એની ઉપર અંકુશ તો દિલ્હીશ્વર મોદીનો જ રહે. રાજ્યપાલ એન. એન. વ્હોરાએ કેન્દ્રના ગૃહ મંત્રાલય કનેથી જ નિર્દેશ લેવા પડે છે.

કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી શોક દર્શાવતાં મહેબૂબાને સાંત્વના આપવા શ્રીનગર ગયાં એટલે વર્ષ ૨૦૦૨ની જેમ ફરીને પીડીપી-કોંગ્રેસ સાથે આવીને સરકાર રચે એવી વાતો વહેતી થઈ. ૮૭ ધારાસભ્યોની વિધાનસભામાં પીડીપીને ૨૮ (મુફ્તી = ૨૭ વત્તા એક અપક્ષ ધારાસભ્ય બાકીક હુસૈન રિઝવીનો ટેકો) વત્તા કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો છતાં બહુમતી થતી નથી. અપક્ષ અને પૂંછડીયા ખેલાડીને તો દિલ્હી પોતાની ઈચ્છાનુસાર નર્તન કરાવી શકે. ભાજપના ૨૫ ધારાસભ્યો વત્તા ત્રણ ધારાસભ્યોનો ટેકો એટલે ૨૮ના જૂથમાં ગાબડું પાડવું મુશ્કેલ જણાયું. શેખ અબ્દુલ્લાના વંશજ ડો. ફારુક અબ્દુલ્લા અને એમના પુત્ર ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ કને ૧૫ ધારાસભ્યો જ હોવાથી મુફ્તી પરિવાર સાથેની દુશ્મની છોડીને એક સાથે આવે તો પણ ૪૪નું સંખ્યાબળ થતું નહોતું. આમ છતાં રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા ડો. અબ્દુલ્લાએ વાત વહેતી મૂકી કે ભાજપ તરફથી ઓફર આવે તો ભાજપ સાથે ફરીને જોડાણ કરવાનું વિચારી શકાય. મોદી છાવણીના રામ માધવની કળાથી જ આ વાત વહેતી મૂકવા પાછળનો હેતુ મહેબૂબાને સીધો સંકેત આપવાનો છે.

રાજકીય જોડાણોમાં સિદ્ધાંતો અને નીતિમૂલ્યોની ઝાઝી પરવા કરાતી નથી. અંતે તો સત્તાપ્રાપ્તિ માટે ‘પ્રેમ અને યુદ્ધમાં બધું જ વાજબી લેખાય છે.’ વાજપેયી સરકારમાં ઓમર અબ્દુલ્લા વિદેશ રાજ્યપ્રધાન હતા અને તેમના પિતા ડો. ફારુક એ વેળા જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા. એ પછી જમ્મુ-કાશ્મીરના ઓટોનોમી મુદ્દે ભાજપના વડપણવાળા એનડીએ (નેશનલ ડેમોક્રેટિલ એલાયન્સ) સાથે છેડો ફાડીને એમણે કોંગ્રેસનો સાથ ફરી ગ્રહણ કર્યો હતો. એમ તો મુફ્તી પણ મૂળ તો કોંગ્રેસી અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવામાં એમને પણ ક્યાં છોછ હતો?

રવિવાર, ૧૭ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ પક્ષના અસંતુષ્ટોની પણ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી બેઠકમાં સરકાર રચવા માટે મહેબૂબા મુફ્તીને અધિકૃત કરવામાં આવ્યાં. એ જે નિર્ણય લે તે સહી. ભાજપને મહેબૂબાને મુખ્ય પ્રધાનપદ આપવામાં વાંધો નથી, પણ અગાઉ મહેબૂબાનો વિરોધ હતો એ મુદ્દો એટલે કે ભાજપને નાયબ મુખ્ય પ્રધાનપદે આપવાની બાબતમાં પીડીપીના હાથ હવે હેઠા પડવાના. જમ્મુ-કાશ્મીરના અલગ બંધારણની કલમ ૩૭૦ અને અલગ ધ્વજનો મુદ્દો બેઉ પક્ષ વચ્ચે વિવાદનો મુદ્દો રહેતો હોવા છતાં સત્તાકાજે એને કોલ્ડ સ્ટોરેજમાં નાંખવામાં આવે અને ઘીના ઠામમાં ઘી પડ્યું રહે.

સત્તાની મોહિની એવી છે કે એની બીન પર ભલભલા નર્તન કરવા તૈયાર થાય છે. ભાજપના પૂર્વઅવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજીની હત્યા માટે દાયકાઓ સુધી જેમને દોષ દેવાતો હતો એવા અબ્દુલ્લા પરિવાર સાથે ડો. મુકરજીના અંગત સચિવ રહેતા અટલ બિહારી વાજપેયીએ વડા પ્રધાન થવા માટે સમાધાન કર્યું હોવાનું ભવ્ય ઉદાહરણ સામે હોય ત્યારે મોદી મુફ્તી કે અબ્દુલ્લા સાથે જોડાણ કરે એની સામે કોઈ ઉફ પણ કઈ રીતે કરી શકે?

પીડીપીએ તો મોદીચાલીસા શરૂ કરી દીધા અને પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવાની એમની પહેલ, લાહોરની મોદીની મુલાકાત અને પઠાણકોટ હુમલા પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધ સુધારવા મંત્રણાઓનો દોર આગળ વધારવાની વડા પ્રધાન મોદીની ભૂમિકાને બિરદાવતાં ફરીને જમ્મુ-કાશ્મીરમાં આવતા દિવસોમાં ૨૮ + ૨૮ એટલે કે બહુમતીનું શાસન પુનર્સ્થાપિત કરવાનું વાતાવરણ તૈયાર થયું છે ત્યારે મહેબૂબાને બદલે ભાજપ અને મોદી પ્રથમ મહિલા મુખ્ય પ્રધાનને પોતાનાં કહ્યાગરાં બનાવવાની સ્થિતિમાં વધુ આવી શકે છે.

ડો. અબ્દુલ્લાએ ભાજપની ઓફરવાળી વાત કરી અને એમના શાહજાદા અને પક્ષના અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ એ બાબતમાં યુ-ટર્ન લીધો એ પછી વિધાનસભામાં સત્તાનાં કજોડાં ના ચાલે તો ચૂંટણી જ આવી પડે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મુદ્દત છ વર્ષની હોય છે. અન્ય રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની મુદ્દત પાંચ વર્ષની હોય છે.

હજુ માંડ ૧૦ મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણી પછી પીડીપી-બીજેપીની સરકાર રચાઈ હોય અને પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને વિપક્ષના નેતાનો હોદ્દો અને એમના પક્ષના નઝીર એહમદ ખાન ગુરેઝીને વિધાનસભાના નાયબ અધ્યક્ષનો હોદ્દો મળ્યો હોય ત્યારે ફરીને ચૂંટણીમાં નવી ફજેતી માટે કોણ તૈયાર થાય? એમાંય પાછું દિલ્હીમાં ભાજપના નેતૃત્વવાળી મોદી સરકાર હોય ત્યારે નેશનલ કોન્ફરન્સ કે કોંગ્રેસ આવું જોખમ વહોરવા તૈયાર ના થાય. છતાં ઓમરે કહ્યું ખરું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈ સ્થિર સરકાર રચવાનું શક્ય ના બને તો વિધાનસભાની નવી ચૂંટણી યોજવામાં આવે. ૮૭ સભ્યોની વિધાનસભામાં વધુ બે નામ નિયુક્ત સભ્યો પણ સત્તામોરચાએ નિયુક્ત કર્યા છે એટલે ૮૯ સભ્યોનું સંખ્યાબળ ધરાવનારી વિધાનસભામાં બહુમતી તો પીડીપી અને ભાજપને પક્ષે છે.

હવે નવો વિવાદ મુખ્ય પ્રધાન પદને વારાફરતાં આપવાના મુદ્દે ઊભો થવાનો. અગાઉ પીડીપી-કોંગ્રેસનું જોડાણ આ મુદ્દે જ તૂટ્યું હતું. નવા સંજોગોમાં મુફ્તીના નિધન પછી ભાજપની કેન્દ્રીય અને રાજ્યની નેતાગીરી એવો આગ્રહ રાખશે કે આવતાં બે વર્ષ મહેબૂબા મુફ્તી મુખ્ય પ્રધાન રહે અને પછીનાં ત્રણ વર્ષ ભાજપને એ હોદ્દો અપાય. કાશ્મીરના ખીણપ્રદેશમાં પીડીપી વધુ બેઠકો જીતી છે, જ્યારે જમ્મુ-લડાખમાં ભાજપનો વટ છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે કોઈ હિંદુ નેતા હોય એવી જમ્મુ-લડાખની પ્રજાની મહત્વાકાંક્ષા દાયકાઓથી અધૂરી રહી છે. મહારાજા હરિ સિંહે નાછૂટકે જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવાનો નિર્ણય લેવો પડ્યો અને એ વેળા શેખ અબ્દુલ્લાએ એમને પોતાના જ રાજ્ય (દેશ!)માંથી મુંબઇ-પૂણે તગેડી મુકાવ્યા હતા એ વાત હજુ અહીંની હિંદુ-બૌદ્ધ પ્રજા ભૂલી નથી.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter