જૂનાગઢના આરઝી હકૂમત દિવસનું રાષ્ટ્રગૌરવ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 02nd November 2016 09:05 EDT
 
 

તળ સૌરાષ્ટ્ર અથવા તો કાઠિયાવાડનું જૂનાગઢ રાજ્ય ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ૩૦૦ માઈલ દૂર આવેલા પાકિસ્તાન સાથે જોડાય ત્યારે મૂળ કુતિયાણાના એટલે કે જૂનાગઢ રાજ્યના જ મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોકાર પાડે કે ‘જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે’ અને સરદાર પટેલ તેમજ પંડિત નેહરુ સહિતના ભારત સરકારના અધિપતિઓ તથા શામળદાસ ગાંધીના વડપણ હેઠળ જૂનાગઢના પ્રજાજનોની આરઝી હકૂમતે સંયુક્ત પ્રયાસો થકી ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ગાંધીજીના એ સ્વપ્નને સાકાર કર્યું.

જૂનાગઢના નવાબ મહાબતખાન તૃતીય તો બેગમો, સંતાનો અને લાડકા કૂતરા તેમજ ઝવેરાત ભરીને કરાચી ભણી ઓક્ટોબર મહિનામાં જ ઉચાળા ભરી ગયા હતા. એમના મુસ્લિમ લીગી દીવાન સર શાહનવાઝ ભુટ્ટોએ રાજકાજને બદલે પોતાના શ્વાનપ્રેમ, ગૌપ્રેમ અને નાટકપ્રેમમાં રમમાણ રહેતા નવાબને પાકિસ્તાન સાથે જોડાણ કરવા પ્રેર્યા, પણ ૮૫ દિવસમાં જ જૂનાગઢની પ્રજા પાકિસ્તાની શાસનને ઉચાળા ભરાવવામાં હોવાનાં એંધાણ મળતાં જ ૮ નવેમ્બર ૧૯૪૭ના રોજ નાયબ દીવાન કેપ્ટન હાર્વે જ્હોન્સને રિજિયોનલ કમિશનર અને આઈસીએસ અધિકારી નીલમ બુચને નામે પત્ર લખીને જૂનાગઢ રાજ્યનો અખત્યાર ભારત સરકાર વતી સંભાળી લેવાનો પત્ર પહોંચાડવા આપ્યો અને કરાચીની વાટ પકડી.

ગાંધીજીના શબ્દો સાચા પડ્યા. જૂનાગઢમાંથી પાકિસ્તાન ગયું. ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ નોંધાયેલા ૨,૦૧,૪૫૭ મતદારોમાંથી મતદાન કરનાર ૧,૦૯,૮૭૦ મતદારોમાંથી માત્ર ૯૧ જણે પાકિસ્તાનમાં જોડાવાની તરફેણ કરી અને લંડનના પ્રતિષ્ઠિત અખબારો ‘સન્ડે ટાઈમ્સ’ અને ‘ડેઈલી ટેલિગ્રાફ’ના જૂનાગઢમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ પણ મતદાનની તટસ્થતાની ગવાહી પૂરતા અહેવાલો આપ્યા.

જોકે જૂનાગઢના નવાબના પાકિસ્તાનનિવાસી વંશજોએ એ વિશે હજુ સંયુક્ત રાષ્ટ્ર સમક્ષની ફરિયાદને તાજી કરીને જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો લેખાવવાનું ચાલુ રાખ્યું છે.

માત્ર ૮૫ દિવસ પાક સાથે નાપાક જોડાણ

જૂનાગઢના ભારતમાં વિલયનાં ૬૮ વર્ષ પછી ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯ નવેમ્બર એટલે કે આરઝી હકૂમત દિવસે જ જૂનાગઢની મુલાકાત લે ત્યારે નવો ઈતિહાસ સર્જાય અને જૂના ઈતિહાસનું સ્મરણ થવું સ્વાભાવિક છે. ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધીના વડપણ હેઠળની આરઝી હકૂમત થકી જૂનાગઢ સ્ટેટ ભારતમાં ભળ્યું. વિભાજનના એ દિવસોમાં તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન અને સરદાર પટેલ તેમજ પંડિત નેહરુએ ખૂબ કાળજી રાખીને ભારતીય લશ્કરી દળોને જૂનાગઢ રાજ્યની આસપાસ ગોઠવ્યાં હતાં, પણ જૂનાગઢ રાજ્યની હદમાં નહીં પ્રવેશવાની તાકીદ કરી હતી. એનું કારણ એ હતું કે જૂનાગઢ રાજ્ય પાકિસ્તાન સાથે જોડાયું હતું અને એ બાબત નવા ગૂંચવાડા સર્જાય નહીં એવું તેઓ અપેક્ષિત માનતા હતા.

ભારત સરકારને અંધારામાં રાખીને જૂનાગઢે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી દીધી હતી અને ૧૩ સપ્ટેમ્બરે પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણાએ જૂનાગઢને પોતાના પ્રદેશ તરીકે સ્વીકારતાં સંમતિના હસ્તાક્ષર કર્યાં એટલે જૂનાગઢમાં એનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પડી ચૂક્યું હતું. રાજ્યની ૮૦ ટકા કરતાં વધુ વસ્તી હિંદુ હોવા છતાં નવાબને સમજાવી-પટાવીને સર ભુટ્ટોએ પાકિસ્તાન સાથેના જોડાણખત પર સહી કરાવી લીધી હતી. પ્રજા ભડકી એટલે છેવટે ૭ નવેમ્બરે સર ભુટ્ટોએ શામળદાસ સાથે મંત્રણા આદરી અને બીજા દિવસે તેઓ પણ કરાચી ભાગી ગયા. જતાં જતાં જૂનાગઢનો કબજો સંભાળી લેવા ભારત સરકારને પત્ર લખતા ગયા હતા. જે શામળદાસ ગાંધીના વડપણ હેઠળ આરઝી હકૂમત થકી જૂનાગઢ ભારતમાં ભળ્યું, એ શામળદાસ ધારાસભાની પહેલી ચૂંટણી હારી ગયા હતા! ગાંધીજીના ભત્રીજા હોવાનો લાભ ચૂંટણીમાં એમને નહોતો મળ્યો.

સરદાર પટેલ જૂનાગઢ અને પ્રભાસપાટણમાં

જે સામળદાસ ગાંધીના વડપણ હેઠળ આરઝી હકૂમત થકી જૂનાગઢ ભારતમાં ભળ્યું, એ સામળદાસ ધારાસભાની ૧૯૫૧ની પહેલી ચૂંટણી જૂનાગઢ અને પોરબંદર તાલુકા બેઠક પરથી લડ્યા અને બંને બેઠક પર ભૂંડા હાલે હારી ગયા હતા! ગાંધીજીના ભત્રીજા હોવાનો લાભ ચૂંટણીમાં એમને નહોતો મળ્યો.બંને બેઠકો પર કિસાન મજદૂર પ્રજા પાર્ટીના ઉમેદવાર તરીકે કોંગ્રેસ સામે લડ્યા હતા.જૂનાગઢની બેઠક પર સામળદાસ ૨૫૧ મતથી ચિત્તરંજન રાજા સામે હાર્યા, પણ પોરબંદર તાલુકા બેઠક તો માલદેવજી ઓડેદરા સામે ૧૩,૦૩૭ મતથી હાર્યા હતા.સામળદાસનો સ્વભાવ તેમણે નડ્યો એટલેજ એમણે અગાઉ ઢેબર સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.એ પોતાને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જ માનતા હતા.પત્રકારત્વ અને રાજકારણ બેઉમાં નિષ્ફળ રહેલા સામળદાસનું ૧૯૫૩માં મૃત્યુ થયું હતું .

જૂનાગઢ ભારતનું અંગ બન્યા પછી ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ નાયબ વડા પ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલ જૂનાગઢ આવ્યા. બહાઉદ્દદીન કોલેજના પ્રાંગણમાં દસ હજાર કરતાં વધુ લોકોની વિશાળ સભામાં સરદારનું ભાષણ થયું. એ પછી એમનો કાફલો સોમનાથ મંદિરના ભગ્ન અવશેષો નિહાળવા પ્રભાસ પાટણ ગયો. નેહરુ સરકારમાં સરદારનિષ્ઠ પ્રધાન અને ‘જય સોમનાથ’ના રચયિતા ક. મા. મુનશી ‘કુલપતિના પત્રો’માં નોંધે છેઃ સરદારે જાહેરસભામાં કહ્યુંઃ નવા વરસના આ પવિત્ર દિવસે આપણે નિરધાર કરીએ કે સોમનાથનો જીર્ણોદ્ધાર થાય. તમારે સૌરાષ્ટ્રવાસીઓએ આ માટે બનતું બધું જ કરવું જોઈએ. આ એક પવિત્ર કાર્ય છે, એમાં તમારે સૌએ ભાગ લેવો જોઈએ.’

પ્રારંભમાં ભારત સરકાર જીર્ણોદ્ધારનો તમામ ખર્ચ ભોગવશે એ માટે નેહરુ પણ સંમત હતા, પણ ગાંધીજીએ સરદારને કહ્યું કે, જીર્ણોદ્ધાર પ્રજાનાં નાણાં તથા સહયોગથી થવો જોઈએ. શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જ્યોર્તિલિંગની પ્રતિષ્ઠા કરવા માટે જગતની બધી જ નદીઓનાં જળ, મૃત્તિકા અને કાષ્ઠ લાવવાં જરૂરી હતા. એટલે વિદેશ ખાતા દ્વારા તમામ ભારતીય એલચી ખાતાને આ મોકલવા વિનંતી કરાઈ. ચીનમાં ભારતીય રાજદૂત સરકાર પણિકકરે જળ અને કાષ્ઠ મોકલ્યાં તો ખરાં, પણ પંડિતજી પર લખ્યુંઃ ‘જો ભારતમાં આવું થતું રહેશે તો ચીનના લોકો આપણા માટે શું વિચારશે?’ આ વાતે નેહરુને સોમનાથના જીર્ણોદ્ધાર અંગે પુનર્વિચાર કરવા પ્રેર્યા અને એમણે એની નારાજગી મુનશી સમક્ષ રજૂ કરી હતી.

કમનસીબે સરદારનું ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મૃત્યુ થયું હતું. મુનશી, જામ સાહેબ અને કાકાસાહેબ ગાડગીળ જેવા સરદારપ્રેમીઓએ નેહરુના વિરોધ વચ્ચે પણ સરદારનું સ્વપ્ન સાકાર કરવાનો ખંત દાખવ્યો. સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર બાબુને હસ્તે સંપન્ન થઈ હતી.

રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક સોમનાથ

ભારત વર્ષમાં આવેલા બાર જ્યોર્તિલિંગમાં આદિ જ્યોર્તિલિંગ તરીકે શ્રી સોમનાથનું સ્થાન છે. લગભગ ૧૮ વખત ભારતીય આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મંદિર લૂંટાયું, તોડાયું અને નવસર્જિત થયું. મુનશીએ કહ્યું છે કે, ‘જો સરદાર આપણને મળ્યા ન હોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયેલું જોવાને ભાગ્યશાળી થઈ ન હોત.’ ૧૧ મે ૧૯૫૧ના રોજ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને હસ્તે પ્રતિષ્ઠાવિધિ થઈ. ૧૦૮ તીર્થસ્થાનોનાં અને સાત સાગરનાં જળથી અભિષેક કરીને તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી જેવી મહાન હસ્તીઓએ પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ૧૦૧ તોપોના ગગનભેદી નાદના માન સાથે મંદિરમાં ઘંટનાદ થયો. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદને મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ શોભાવ્યું.

પ્રથમ તબક્કામાં ગર્ભગૃહ અને બીજા તબક્કામાં સભા મંડપ અને શિખરનું કામ તેમજ ત્રીજા તબક્કામાં નૃત્યમંડપનું કામ પૂરું થયું. ૧ ડિસેમ્બર ૧૯૯૫ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. શંકરદયાળ શર્માના વરદ હસ્તે નૃત્યમંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા સાથે સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.

અત્યારે દર વર્ષે એકાદ કરોડ જેટલા શ્રદ્ધાળુ સોમનાથનાં દર્શને આવતા હોવાનું શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-મંત્રી પ્રવીણ ક. લહેરી જણાવે છે. ૧૫૫ ફૂટ ઊંચું શિખર ધરાવતા સાત માળના આ ભવ્ય મંદિરને સોને મઢવાનું પણ એના ભક્તોના યોગદાનથી શક્ય બન્યું છે. દાયકા કરતાં પણ વધુ સમયથી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ છે. ટ્રસ્ટીમંડળમાં લાલ કૃષ્ણ આડવાણી, નરેન્દ્ર મોદી, જે. ડી. પરમાર, રાજેશ કિલાચંદ, પ્રવીણ ક. લહેરી અને હર્ષવર્ધન નિઓટિયા રહ્યા છે. ગત જાન્યુઆરી ૨૦૧૬થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ પ્રસન્નવદન મહેતાના સ્વર્ગવાસથી ખાલી પડેલી જગ્યાએ ટ્રસ્ટી તરીકે લેવામાં આવ્યા છે.

વિધર્મીઓના આક્રમણ અને શાસનનો ભોગ બનેલા આ પ્રાચીન તીર્થને સરદાર પટેલના જીર્ણોદ્ધાર સ્વપ્નને સાકાર કરતાં અત્યારે ભવ્યતા પુનઃ પ્રાપ્ત થઈ છે. અહીં સંસ્કૃત વિશ્વવિદ્યાલય પણ કાર્યરત છે.

જૂનાગઢ ઈતિહાસને જોવાની દૃષ્ટિ

આદિકવિ નરસિંહ મહેતાની ભૂમિ એટલે જૂનાગઢ. ભવ્ય ગિનાર જ નહીં, ગુજરાત દેશની ક્યારેક રાજધાની રહેલું નગર એટલે જૂનાગઢ. ઈ.સ. ૧૪૭૨-૭૩ સુધી જૂનાગઢ પર હિંદુ ચુડાસમા રાજવીઓની આણ હતી. અમદાવાદના સુલતાન મુહમ્મદ બેગડાએ જૂનાગઢના રાજવી રા’માંડલિક સાથે અંચાઈ કરીને એને પરાજિત કર્યો અને ઈસ્લામ કબૂલ કરાવ્યો ત્યારથી જૂનાગઢ મુસ્લિમ શાસન હેઠળ આવ્યું હતું. અગાઉ મોર્ય અને સોલંકી અને પછી ચુડાસમા શાસકોના જૂનાગઢની અવદશા મુસ્લિમ શાસકોએ કરી મૂકી. ૧૭૪૭માં અહીં શેરખાન બાબી નામના સૈનિકો બાબી વંશ સ્થાપીને પોતાનું રાજ શરૂ કર્યું હતું.

ઓક્ટોબર ૧૯૪૭માં પાકિસ્તાની ભાગી છૂટેલા નવાબ મહાબત ખાનજી ત્રીજાથી બાબી વંશનો અંત આવ્યો. મહાબતખાનજી કૂતરાંપ્રેમી તરીકે ચર્ચાસ્પદ રહ્યા છે. કૂતરાં-કૂતરીનાં લગ્ન કરાવવા માટે કે પોતાના લાડકા કૂતરાના અવસાન વખતે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરાવનાર મહાબતખાનજી ગાયપ્રેમી હતા અને રોજ દરબારમાં જતાં પહેલાં ગાયના દર્શન કરતા તેમજ ગોહત્યા પર બંદી ફરમાવનાર હતા એ વાત જાણી જોઈને પ્રકાશમાં નથી લવાતી.

જૂનાગઢના બાબીવંશની સ્થાપનાથી એમના દીવાનો મહદ્અંશે હિંદુ અને પટેલ, નાગર ભાનુશાળી રહ્યા છે. પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા પણ જૂનાગઢના દીવાન રહ્યા છે. નવાબી મહાબતખાન રાજકાજમાં ઝાઝો રસ લેતા નહોતા એટલે જ ભારત સાથે જોડાણના આગ્રહી દીવાન અબ્દુલ કાદર તબીબી સારવાર માટે અમેરિકા જતાં જ સર ભુટ્ટોએ ખેલ પાડી દીધો હતો. જોકે, પાકિસ્તાન ગયા પછી નવાબ પસ્તાયા હતા.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter