જૈનોને લઘુમતીનો દરજ્જો: ભાજપા કોંગ્રેસને પંથે

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 11th May 2016 10:02 EDT
 
 

‘ભરત’ રૂપાણી અને ‘રામ’ અમિત શાહ

ગુજરાતમાં પાટીદાર આંદોલન ટાઢું પાડવા માટે કથિત ઉજળિયાત વર્ગને ૧૦ ટકા આર્થિક અનામતથી રિઝવવાની કોશિશ પછી જૈન સમાજના નવા પ્રદેશપ્રમુખ અને આનંદીબહેન પટેલના વડપણવાળી સરકારના કેબિનેટ પ્રધાન વિજય રૂપાણીએ જૈનકાર્ડ ખેલીને એમના પોતાના સમાજને લઘુમતીનો દરજ્જો અપાવવાનો આદેશ મુખ્ય પ્રધાન કને કરાવ્યાનું અખાત્રીજ પહેલાં જ જાહેર કર્યું છે. હવે સરકારના નવા નિર્ણયોની જાહેરાત મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન કે સરકારના સત્તાવાર પ્રવક્તા એવા કેબિનેટ પ્રધાન નીતિન પટેલને બદલે પ્રદેશ ભાજપના પ્રમુખ રૂપાણી જ કરવા માંડ્યા છે.

ચર્ચા એવી છે કે આનંદીબહેનના અનુગામી તરીકે રાજકોટકર રૂપાણીને પલોટવામાં આવી રહ્યા હોવાથી મડાગાંઠો ઉકેલવાનો યશ એમને મળે. એટલા સારુ જ સરકારી નિર્ણયોની ઘોષણા પણ એમના મુખે જ કરવામાં આવે એવું ગોઠવાયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતાડીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સ્વ-રાજ્યમાં પાછા ફરે અને ગાંધીનગરની ગાદી સંભાળી લે એવું ય બને. ‘ભરત’ રૂપાણી ‘રામ’ અમિત શાહ માટે કે પછી પોતાના જૈન સમાજ માટે આવું ગોઠવતા લાગે છે.

લઘુમતીવાદની સંકલ્પનાનો વિરોધ

મે-ર૦૧૪ની લોકસભાની ચૂંટણી જીતવાના વ્યૂહના ભાગરૂપે કોંગ્રેસના વર્તમાન ઉપાધ્યક્ષ અને ઉજ્જવળ ભાવિના કાયમી આકાંક્ષી રાહુલ ગાંધીએ જૈનોના પ્રતિનિધિ મંડળને જાન્યુઆરી-ર૦૧૪માં મુલાકાત આપ્યા પછી થોડા જ દિવસોમાં જૈનોને લઘુમતી દરજ્જો આપવાની જોગવાઈ કરતું જાહેરનામું બહાર પડાવ્યું હતું. એ વેળા ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને સહોદર વિશ્વ હિંદુ પરિષદે એને ‘સમગ્ર દેશ સાથે દગારૂપ અને માત્ર રાજકારણથી પ્રેરિત જ નહીં, સમાજને તોડવાના પ્રયાસરૂપ’ ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. સંઘના મુખપત્ર અને ભાજપ માટેના આસ્થાસ્થાન ‘પાંચજન્ય’માં સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીનાં જૈનોને લઘુમતી જાહેર કરવાના વિરોધનાં નિવેદનો જ નહીં, લઘુમતીવાદની સંકલ્પનાના વિરોધની ભૂમિકા સાથેનાં નિવેદનો અને લેખો પણ પ્રગટ કરવામાં આવ્યા હતા.

હકીકતમાં ર૭ જાન્યુઆરી, ર૦૧૪ના રોજ બહાર પડાયેલા જાહેરનામાથી ભારત સરકારે જૈનોને લઘુમતીઓની શ્રેણીમાં આવતા મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો, બૌદ્ધો અને પારસીઓની શ્રેણીમાં મૂક્યા; ત્યારે પણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જૈનોને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત હતો. એ વખતે સંઘ-વિહિંપ-ભાજપ જૈનોને હિંદુ સમાજમાંથી તોડીને લઘુમતી દરજ્જો આપવાની વિરુદ્ધ હોવા છતાં ભાજપશાસિત કોઈ રાજ્યમાં જૈનોને અપાયેલા લઘુમતીના દરજ્જાને સમાપ્ત કરવાનું પસંદ કરાયું નહોતું !

જૈન આચાર્ય-ભગવંતો

ગુજરાતમાં તો જૈન આચાર્ય-ભગવંતો અને સ્વયં નરેન્દ્ર મોદી સરકાર જૈનોને લઘુમતીનો દરજ્જો આપવાની વિરુદ્ધ હતી એટલે કોબા ખાતે જૈન આચાર્ય-ભગવંતોના મહાસંમેલન પછી જૈન અગ્રણી અને આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ એવા શ્રેષ્ઠીવર્ય શ્રેણિક કસ્તુરભાઈએ પોતે જૈનોને લઘુમતી દરજ્જો મળે એવા મતના હોવા છતાં આચાર્ય-ભગવંતોના વિરોધને કારણે તેમની ઉપરવટ જઈ શકતા નહીં હોવાનું અમોને જણાવ્યું હતું. અમોએ એ વાત લખી પણ હતી. એમના જૂન-ર૦૧૪માં નિધન પહેલાં રાહુલબાબાના આગ્રહને પરિણામે કોંગ્રેસના ડો. મનમોહન સિંહના વડપણવાળી કેન્દ્ર સરકારે જૈનોને લઘુમતીનો દરજ્જો આપીને રાજકીય લાભ ખાટવાની કોશિશ કરી, પરંતુ કોંગ્રેસ ચૂંટણીની વૈતરણી તરવામાં નિષ્ફળ ગઈ.

જૈનોને લઘુમતીનો દરજ્જો આપવાના વિરોધી એવા નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે આવ્યા પછી હવે દેશનાં જે ૧૪ રાજ્યોમાં જૈનોને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેમાં મોદીનું ગૃહરાજ્ય ગુજરાત પણ છેલ્લે છેલ્લે જોડાયું છે. દેશનાં જૈન તીર્થોની પ્રભાવી સંચાલક સંસ્થા આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકે સ્વ. શ્રેણિક કસ્તુરભાઈના અનુગામી એવા ઉદ્યોગપતિ સંવેગ લાલભાઇ કે પેઢી તરફથી જૈન લઘુમતી અંગે કોઇ પ્રગટ નિવેદન કરાયું નથી.

જૈન અગ્રણી બાળ પાટીલની લડત

વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરી મુજબ સમગ્ર દેશમાં ૪૪,પ૧,૭પ૩ (સાડા ચુંવાળીસ લાખ) જેટલા જૈનો વસે છે. તેમાં રર લાખ ૭૮ હજાર પુરુષો અને ર૧ લાખ ૭૩ હજાર સ્ત્રીઓનો સમાવેશ છે. ગુજરાતમાં પ લાખ ૮૦ હજાર જેટલા જૈનોમાંથી ૩ લાખ પુરુષ અને ર.૮પ લાખ સ્ત્રીઓનો સમાવેશ છે. જૈનોની સૌથી વધુ વસ્તી (૧૪ લાખ જેટલી) મહારાષ્ટ્રમાં વસે છે. દેશમાં જૈનોમાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધુ એટલે કે ૯૪.૧ ટકા જેટલું છે. હિંદુઓમાં આ પ્રમાણ માત્ર ૬પ.૧ ટકા જેટલું છે અને મુસ્લિમોમાં પ૯.૧ ટકા જેટલું છે.

ગુજરાત કરતાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જૈનોનું પ્રમાણ વધુ છે. રાજસ્થાનમાં ૬ લાખ રર હજાર અને મહારાષ્ટ્રમાં ૧૪ લાખ જૈનો વસે છે. સંભવતઃ એટલે જ જૈનોને લઘુમતીમાં મૂકવા માટેની છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવનાર જૈન અગ્રણી બાળ પાટીલ (ઓલ ઇન્ડિયા જૈન માયનોરિટી ફોરમના સેક્રેટરી જનરલ) પણ મહારાષ્ટ્રમાંથી જ સક્રિય રહ્યા છે.

સંયોગ એવો છે કે જૈનોની એકાદ શતક જૂની માગણી માટે લડત ચલાવતા રહેલા અગ્રણી બાળ પાટીલની લડત તેમની હયાતીમાં સફળ થઈ શકી નહીં. છેક ૧૯૦૯માં બ્રિટિશ ઇન્ડિયાના વાઇસરોય લોર્ડ મિન્ટો સમક્ષ મુંબઈના શેઠ માણેકચંદ હીરાચંદે જૈનોને લઘુમતી સમાજ ગણીને વિશેષ લાભ આપવા માગણી કરી હતી. એ લડતને જૈન અગ્રણીઓએ પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સમક્ષ પણ આગળ વધારી હતી, પરંતુ છેક ૧૯૯૩માં રાષ્ટ્રીય લઘુમતી પંચ કાર્યરત થયું ત્યાર પછી સરકાર અને અદાલતોમાં એની ગાજવીજ કરવામાં મુંબઈના બાળ પાટીલ કેન્દ્રસ્થાને હતા.

દેશ અને તમામ રાજ્યોમાં જૈન લઘુમતી

જૈન અગ્રણી બાળ પાટીલનો તર્ક હતો કે રાષ્ટ્રીય કક્ષાએ મુસ્લિમો લઘુમતી ગણાય છે, પણ એ જમ્મુ-કાશ્મીરમાં બહુમતીમાં છે. શીખો લઘુમતીમાં ગણાય છે, પણ એ પંજાબમાં બહુમતીમાં છે. ખ્રિસ્તીઓ લઘુમતીમાં ગણાય છે, પણ પૂર્વાંચલમાં કેટલાંક રાજ્યોમાં એ બહુમતીમાં છે એટલે ખરા અર્થમાં રાષ્ટ્રીય સ્તરે જૈનો જ એવી લઘુમતી છે જે દેશમાં જ નહીં, તમામ રાજ્યોમાં પણ લઘુમતીમાં છે. સર્વોચ્ચ અદાલતે લાંબી લડત પછી જે તે રાજ્યની પરિસ્થિતિને ધ્યાને લઈને જૈનોને લઘુમતી જાહેર કરવાની મોકળાશ કરી આપી હતી.

જૈનોને લઘુમતીનો દરજ્જો આપવાની તરફેણ અને વિરોધના લાંબા સંઘર્ષ પછી અત્યાર સુધી ભારતનાં ૧૪ રાજ્યોમાં જૈનોને લઘુમતીનો દરજ્જો અપાયો છે. અત્યાર લગી સંઘ-ભાજપ-વિહિંપનો જૈનોને લઘુમતીનો દરજ્જો અપાય એ સામે વિરોધ હતો, પણ હવે ભાજપની સરકારોએ પણ વિરોધની તલવાર મ્યાન કરીને રાહુલબાબાના માર્ગનું અનુસરણ કરવા માંડ્યું છે. આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા જૈન સમાજનું સમર્થન મેળવવાની રાજકીય ગણતરી સંઘ-ભાજપની નીતિના શીર્ષાસન પાછળ જવાબદાર ગણવામાં આવે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter