તમિળનાડુમાં એક યુગ આથમ્યો, નવાની કશ્મકશ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Thursday 15th December 2016 00:47 EST
 

જયલલિતા જયરામનું વ્યક્તિત્વ જ એટલું મોહક હતું કે એ અભિનેત્રી અવગણનાઓ છતાં રાજકીય ક્ષેત્રમાં એવી તો પ્રસ્થાપિત થઈ ગઈ કે એની અવગણના કરવાનું મુશ્કેલ બની જાય. તમિળનાડુનાં આ મુખ્ય પ્રધાન બે મહિના કરતાં પણ વધુ સમય માટે ચેન્નઈની એપોલો હોસ્પિટલના બિછાને હતાં અને પાંચ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ એમના દેહત્યાગના સમાચાર આવ્યા એ પછી એના આઘાતમાં ‘અમ્મા’ના ૪૭૦ ચાહકોના જાન ગયાની એમના પક્ષ અન્નાદ્રમુકે ૧૦ ડિસેમ્બર સુધી જાહેરાત કરી હતી.

દક્ષિણ ભારતીય ફિલ્મોની બાળઅભિનેત્રીમાંથી એમજીઆર (રામચંદ્રન)ની હીટ જોડી તરીકેની અભિનેત્રી જ નહીં, નાયિકા બનેલી જયલલિતાને મુખ્ય પ્રધાન એમજીઆર થકી પક્ષની પ્રચાર-મંત્રી અને રાજ્યસભાની સભ્ય નિયુક્ત કરી હતી. ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ એમજીઆરનું મૃત્યુ થયું ત્યારે એમના દેહને ચેન્નઈસ્થિત રાજાજી હોલમાં જનદર્શનાર્થે રાખવામાં આવ્યો ત્યારે જયલલિતા ત્યાં અપેક્ષિત ગણાઈ નહોતી.

અનેક વાર એમજીઆર સાથે લગ્નની તૈયારી કર્યા પછી એના ફિલ્મી હીરોમાંથી જીવનના હીરો બનવામાંથી ફસકી ગયેલા એમજીઆર જયલલિતા તેલુગુ ફિલ્મોના અભિનેતા શોભન બાબુ સાથે લગ્ન કરે એ પણ સહી શક્યા નહોતા. અને છતાં એમજીઆર પ્રત્યે સમર્પણ ધરાવતી જયાનાં કપડાં ફાડી નંખાય એટલી હદે એને રાજાજી હોલમાં હડધૂત કરાઈ હતી. એ જ રાજાજી હોલમાં અંતિમદર્શને જ્યારે જયલલિતા પોઢ્યાં હતાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત લાખો લોકો ઉમટ્યાં હતાં.

આગલી રાતે જયા અમ્માની પાદુકા રાખીને અનેક વાર શાસન કરતા રહેલા ઓ. પી. એટલે કે ઓ. પનીરસેલ્વમ્ અને એમના તમામ પ્રધાન સાથીઓને રાજભવનમાં અનુક્રમે મુખ્ય પ્રધાન અને પ્રધાનપદના શપથ લેવડાવાયા હતા. આની પાછળ અમ્માની નિષ્ઠાવંત એવી ‘છોટી અમ્મા’ (ચિન્ના અમ્મા)નો દોરીસંચાર હતો. આ છોટી અમ્મા ૭૦ દિવસ એપોલો હોસ્પિટલમાં જયા અમ્માની સેવામાં રહેલાં સખી શશિકલા હતાં. અંતિમવિધિ સુધી એ છવાયેલાં રહ્યાં.

કોંગ્રેસનો વીંટો વળ્યો, દ્રવિડ પક્ષો સત્તારૂઢ

તમિળનાડુમાં ક્યારેક કોંગ્રેસી પ્રભાવ જોરદાર હતો. સી. રાજગોપાલાચારી અને કે. કામરાજ એના અનેકવાર મુખ્ય પ્રધાન થયા અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ એમનો પ્રભાવ હતો. સમયાંતરે દ્રવિડ ચળવળ એટલી પ્રભાવી બની કે ૧૯૬૭માં અન્નાદુરાઈ દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે)ના મુખ્ય પ્રધાન બન્યા ત્યાર પછી ગમેતેટલા ઉધામા માર્યા છતાં કોંગ્રેસ કે ભારતીય જનતા પક્ષને તમિળ પ્રજાની સ્વીકૃતિ મળી નથી. હા, કેન્દ્રમાં સત્તામાં કોંગ્રેસ હોય કે બિન-કોંગ્રેસી સરકાર હોય, દ્રમુક કે તેમાંથી ભાગ પાડીને ૧૯૭૭માં મુખ્ય પ્રધાન બનેલા સુપરસ્ટાર એમ. જી. રામચંદ્રનનો પક્ષ અન્નાદ્રમુક હોય, આ બે પક્ષો સાથે દિલ્હીનું જોડાણ રહે છે. જરૂરી નથી કે એમાં સાતત્ય જળવાય.

ઇમર્જન્સી લાદનાર કોંગ્રેસી વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સામે તમિળનાડુના એ વેળાના દ્રમુક મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિએ બાથ ભીડી હતી. ઇમર્જન્સીના વિરોધને કારણે જ એમણે ખૂબ સહન કરવું પડ્યું હતું. જોકે સમય એવો પણ આવ્યો કે દ્રમુક અને કોંગ્રેસના મધુર સંબંધોમાં ફાચર મારવા માટે ૧૯૮૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન એમજીઆરે જયાને રાજ્યસભાનાં સભ્ય નિયુક્ત કરીને એ વેળાનાં કોંગ્રેસી વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે પક્ષના સંબંધ જોડવાનું મિશન સોંપ્યું હતું. જયાએ કોંગ્રેસ અને દ્રમુકના સંબંધો તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જયા અંગ્રેજી અને હિન્દી ખૂબે સારી રીતે બોલતાં હોવા ઉપરાંત પત્રકાર શિરોમણિ ખુશવંત સિંહની દૃષ્ટિએ એ ‘બુદ્ધિશાળી સુંદરી’ (બ્યૂટી વિથ બ્રેઇન) એવાં જયલલિતાએ ઇન્દિરાજીને પ્રભાવિત કર્યા હતા. કમનસીબે ઇન્દિરાજીની હત્યા એ જ વર્ષે થઈ, પણ જયા અમ્માએ સંબંધસેતુ રાજીવ ગાંધી વડા પ્રધાન થતાં એમની સાથે પણ જાળવ્યો.

એમજીઆરના નિધન પછી એમનાં વિધવા જાનકી અમ્માને પક્ષે અન્નાદ્રમુકના ૯૬ ધારાસભ્યો વિરુદ્ધ જયા અમ્માને પક્ષે માત્ર ૨૦ ધારાસભ્યો રહ્યા એટલે ૨૩ દિવસ માટે જાનકી અમ્મા મુખ્ય પ્રધાન રહ્યાં. એ પછી વડા પ્રધાન રાજીવ સાથેના સંબંધોએ અન્નાદ્રમુકના ભંગાણને સાંધી લેવાનું શક્ય બનાવીને પક્ષ પર જયા અમ્માએ વર્ચસ્વ મેળવ્યું. એટલું નહીં, દ્રમુકને પણ પછાડ આપીને મુખ્ય પ્રધાન પણ બન્યા. ક્યારેક જાનકી અમ્માના વિશ્વાસુ પનીરસેલ્વમ્ જયાના થઈને રહ્યા.

ભાજપને ઠેંગો બતાવીને જયાની વિજયકૂચ

તમિળનાડુની રાજનીતિમાં ફિલ્મની પટકથા લખનાર કરુણાનિધિ અને ફિલ્મોના સુપર સ્ટાર એમજીઆર વારાફરતાં મુખ્ય પ્રધાન બનતા રહ્યા. એમજીઆર બે વાર લાગલગાટ ચૂંટણી જીત્યાના અપવાદ સિવાય કોઈ સમયે વિધાનસભાની ચૂંટણી કોઈ સત્તાપક્ષ ફરી તુર્ત જ જીત્યો નથી.

મે ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં દ્રમુક જ બહુમતી મેળવશે એ આશાએ કરુણાનિધિ પોતાના રાજકીય વારસ તરીકે એમ. કે. સ્ટાલિનને સ્થાપિત કરવાનાં શમણાં જોતા હતા, પણ એ શમણું સાકાર ના જ થયું અને જયા અમ્માનો અન્નાદ્રમુક ૨૩૪ની વિધાનસભામાં ૧૩૫ બેઠકો મેળવીને ફરી સત્તામાં આવ્યો. દ્રમુકને માત્ર ૮૯ બેઠકો મળી. કોંગ્રેસ ૮ બેઠકોમાં સીમિત થઈ ગયો. મુસ્લિમ લીગને માત્ર એક બેઠક મળી. લોકસભાની મે ૨૦૧૪ની ચૂંટણીમાં જયા અમ્માનાં પક્ષ સાથે જોડાણ કરવાના ભારે ઉધામા નરેન્દ્ર મોદી આણિ મંડળીએ માર્યા છતાં અમ્માએ દાદ દીધી નહીં. ૩૯ બેઠકોમાંથી ૩૭ બેઠકો મેળવીને જયા અમ્માએ વટ પાડ્યો. પીએમકેને એક અને ભાજપને એક જ બેઠક મળી, પણ વિધાનસભાની ચૂંટણી પછી ચેન્નઈના ફોર્ટ સેન્ટર જ્યોર્જ પર શાસન કરવાનાં સ્વપ્નાં નિહાળનાર ભાજપ અને મિત્ર પક્ષોને એકેય બેઠક ના મળી.

ભાજપના સાંસદ ડો. સુબ્રમણિયન સ્વામીએ અમ્મા અને એમનાં અંગત સખી શશિકલા સહિતનાઓ સામે રૂપિયા ૭૭ કરોડના ભ્રષ્ટ સંપત્તિનો ખટલો દાખલ કર્યો હતો. એ ખટલાની બેંગલોર કોર્ટમાં સુનાવણીને પગલે બેંગલોરની જેલમાં ૨૮ દિવસ રહેનાર જયા અમ્મા અને શશિકલાએ મુખ્ય પ્રધાન પદ પનીરસેલ્વમને સોંપવું પડ્યું હતું. આ પહેલાં પણ દ્રમુક સરકારે દાખલ કરેલા ખટલાઓ સંદર્ભે એમણે ૧૯૯૬-૯૭ દરમિયાન જેલમાં રહેવું પડ્યું હતું. ૨૭ દિવસ એ વેળાં જેલમાં હતાં એમને એ કોઠે પડી ગયું હતું.

બબ્બે વાર હડસેલાયેલાં શશિકલા કેન્દ્રસ્થાને

જયલલિતા અને શશિકલાના સંબંધો રહસ્યમય રહ્યા છે. જયા અમ્માની વગનો દુરુપયોગ કરીને શશિકલાએ રાજકીય અને આર્થિક વર્ચસ્વ જમાવ્યું હોવાથી બબ્બે વાર જયા અમ્માએ એમણે અને તેમના સગાંને બહિષ્કૃત કર્યાં હતાં. છતાં હાથેપગે પડીને શશિકલા પાછાં ફર્યાં છે. જયાની ઘણી અંગત બાબતો પણ એ જાણતાં હોવાની મર્યાદા પણ મજબુત નેતાને નડતી હશે. જોકે જયા અમ્મા પર શશિકલાનો જે પ્રભાવ હતો એને કારણે બહુમતી ધારાસભ્યો પણ શશિકલા થકી જ અમ્માની કૃપા મેળવી શક્યા હતા. સ્વયં પનીરસેલ્વમ્ પણ શશિકલા સમક્ષ કુરનિશ બજાવે છે.

વડા પ્રધાન મોદી દોસ્તો અને દુશ્મનોને ક્યારેય ભૂલતા નથી. ૨૦૧૨માં મોદીએ જયલલિતાને જાણ કરી હતી કે શશિકલા તેમને ધીમું ઝેર આપીને ખતમ કરવા માગે છે. એ પછી શશિકલાને પોઝ ગાર્ડનમાંથી ઉચાળા ભરાવાયા હતા છતાં એ પાછા આવીને પ્રભાવ પાથરી શક્યાં છે. જયા પછી શશિકલા છવાઈ જાય એવું મોદી ના ઇચ્છે. એ વ્યૂહના ભાગરૂપે જ ચાર વર્ષ પહેલાંની ઝેર થિયરીની વાતો ચગી રહી છે.

હવે સૌની મીટ ‘ચાણક્ય’ મોદી ભણી

તમિળનાડુની દ્રવિડ ચળવળમાં મૂળ વાળંદ જ્ઞાતિના અને લગ્નસંસ્થા ધર્મ વ્યવસ્થામાં વિશ્વાસ નહીં ધરાવનારા એમ. કરુણાનિધિ એમની ત્રણેય પત્નીઓનાં સંતાનો તથા સગાં ફિલ્મ, ધંધા અને રાજનીતિમાં છવાયેલાં રહ્યાં. અન્નાદ્રમુકના સંસ્થાપક એવા એમજીઆર મૂળે મલયાળી બ્રાહ્મણ હોવા છતાં તમિળ ફિલ્મોના સુપરસ્ટાર હોવાને નાતે રાજકારણ પર છવાઈ ગયા. મુખ્ય પ્રધાન તરીકે એ પણ અમેરિકામાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે એમના ‘ભરત’ નેડુચેળિયન પણ પનીરસેલ્વમની જેમ પાદુકા સ્થાપિત કરીને સરકાર ચલાવતા હતા. એ વર્ષોમાં આ લખનારનું એમને મળવાનું થયું હતું.

જયા અમ્મા પણ તમિળ બ્રાહ્મણ ખરાં, પણ એ મહિસૂરમાં એટલે કે કર્ણાટકમાં જન્મેલાં. દ્રવિડ ચળવળ બ્રાહ્મણોનો હાથમાં આવી ગઈ, પણ મલયાળી બ્રાહ્મણોમાં દફનની પ્રથા છે એ મુજબ અને દ્રવિડ ચળવળની નાસ્તિક્તાનો સંગમ કરીને એમજીઆરને પણ મરીના બિચ પર દફનાવાયા હતા. જયા અમ્માએ પણ અગાઉથી એમજીઆરની સમાધિ નજીક દફન થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એટલે એમને પણ દફનાવાયા એ સ્થળે રાજ્ય સરકાર ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે સ્મારક બનાવશે.

જોકે આ બધાની વચ્ચે અન્નાદ્રમુકમાં ભંગાણ પાડવામાં ‘ચાણક્ય’ મોદીની વ્યૂહરચના કેટલી સફળ થશે એના ભણી સૌની મીટ છે. જયા અમ્મા આરએસએસની સંસ્થા હિંદુ મુન્નાની સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતાં હતાં અને અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરવાનો મુદ્દો વાજપેયી સરકાર અને ભાજપના સમર્થનમાં હતો, પણ મોદીને વશ થયાં નહીં હોવાને કારણે વડા પ્રધાન અન્નાદ્રમુકમાં તડાં પડાવે છે કે દ્રમુક એમાં ભાગલા પડાવીને સત્તા મેળવે છે એ આવતાં દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter