તમિળનાડુમાં દ્રવિડ પક્ષો સાથે જોડાણનાં કજોડાં

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 17th February 2016 09:25 EST
 
 

દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય તમિળનાડુની આગામી વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ વર્ષનાં રુસણાં બાદ દ્રવિડ પક્ષ દ્રમુક અને કોંગ્રસે પુનઃ ઘર માંડ્યું છે. આગામી એપ્રિલ-મે ૨૦૧૬માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ભારતની નરેન્દ્ર મોદીના વડપણવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકાર માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. ભાજપને આસામમાં સત્તા પ્રાપ્ત કરવાની આશા છે અને બાકીનાં રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરીમાં પોતાની સ્થિતિ સુધારવાની શ્રદ્ધા છે. મિત્રપક્ષોના ટેકાથી કેરળ અને પશ્ચિમ બંગાળમાં સત્તાનો સ્વાદ ચાખવાની ઘોષણાઓ ભાજપ અને સંઘ પરિવારના અગ્રણીઓ અત્યારથી કરવા માંડ્યાં છે. જોકે તમિળનાડુ જેવા મહત્ત્વના રાજ્યમાં દ્રવિડ પક્ષો અન્ના દ્રમુક અને દ્રમુક વારાફરતાં સત્તામાં આવતા રહ્યા હોવાથી આ વખતે વિધાનસભાની ચૂંટણી નવાં પરિણામ લાવશે કે પછી કોઈ ચમત્કાર સર્જીને ભાજપ અને મિત્રપક્ષોને સત્તાનો સ્વાદ ચાખવા પ્રેરશે કે કેમ એ મહાપ્રશ્ન છે.

ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૬માં યોજાવાની છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત, પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં ભાજપ તથા નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીની અગ્નિપરીક્ષારૂપ વિધાનસભાની ચૂંટણી આવવાની છે. લોકસભામાં ભારતીય જનતા પક્ષની અભૂતપૂર્વ બહુમતી હોવા છતાં રાજ્યસભામાં એનડીએને બદલે કોંગ્રેસ અને મિત્રપક્ષોનું ધાર્યું થાય એવી સ્થિતિ હોવાનું ચિત્ર વડા પ્રધાન મોદી અને પક્ષપ્રમુખ શાહ કોઈ પણે ભોગે બદલવા માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. તમિળનાડુની ચૂંટણીમાં ભાજપ એકલા હાથે ઝાઝું જોર મારવાની સ્થિતિમાં નથી, પણ અત્યારના એનડીએના ઘટક પક્ષો સાથે અન્ના દ્રમુકનાં સુપ્રીમો અને વર્તમાન મુખ્ય પ્રધાન જયલલિતા જયરામ ભાજપના વડપણવાળા મોરચામાં જોડાય તો કાંઈક સ્થિતિ સુધરે.

અબજો રૂપિયાની સંપત્તિના ખટલાઓમાં સંડોવાયેલાં મુખ્ય પ્રધાન જયલલિતા ભાજપની નેતાગીરી સાથે નિકટના સંબંધ ધરાવતાં હોવા છતાં સુપ્રીમ કોર્ટમાં આગામી ૨૩ ફેબ્રુઆરીએ તેમની સામેના ખટલામાં તેઓ છૂટી જાય છે કે કેમ એના પર વડા પ્રધાન મોદી એમની સાથેના જોડાણનો નિર્ણય કરશે. તમિળનાડુની બહાર એટલે કે કર્ણાટક રાજ્યની રાજધાની બેંગ્લૂરુમાં જયલલિતા વિરુદ્ધનો સંપત્તિ ખટલો વડી અદાલતે ચાલ્યો અને એમાં એમને રાહત મળી, પણ મામલો હવે સુપ્રીમ કોર્ટે ગયો છે. મુખ્ય પ્રધાન તરીકે જેલવાસ ભોગવવાનો વખત આવ્યો ત્યારે તેમણે પોતાના વિશ્વાસુ ‘હનુમાન’ ઓ. પનીરસેલ્વમને ગાદી ભળાવીને ૨૧ દિવસ જેલમાં રહેવાનું કબૂલવું પડ્યું હતું. મે ૨૦૧૫માં કર્ણાટકની વડી અદાલતે જયલલિતાને સંબંધિત ખટલામાં છોડી મૂક્યાં એટલે ૨૩ મે ૨૦૧૫ના રોજ ફરીને મુખ્ય પ્રધાન તરીકે આરૂઢ થયાં હતાં. જોકે પનીરસેલ્વમ્ એમની ખુરશી ભગવાન રામની પાદૂકા લઈને ભરત રાજ્ય કરતો હતો એ રીતે સાચવતા રહ્યા હતા. અગાઉ પણ પનીરસેલ્વમ્ આ જ રીતે અમ્માની ગાદી સાચવી ચુક્યા છે.

કેન્દ્રમાં ડો. મનમોહન સિંહની યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ની સરકારમાં ડો. એમ. કરુણાનિધિની દ્રમુક સાથી પક્ષ હતી, પરંતુ ટુ-જી મહાકૌભાંડ સહિતનાં બદનામી બક્ષે એવાં કરતૂતોને પગલે દ્રમુકના પ્રધાન એ. રાજા અને કરુણાનિધિનાં ત્રીજાં પત્ની રાજથીઅમ્મલનાં સાંસદપુત્રી કળિમોળીએ જેલવાસ ભોગવવો પડ્યો હતો. ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણીમાં દ્રમુકનો એવો કારમો પરાજ્ય થયો કે તેના અસ્તિત્વનાં બાવન વર્ષમાં પહેલી વાર દ્રમુક વિધાનસભામાં બીજાને બદલે ત્રીજા ક્રમે ધકેલાઈ હતી.

૨૩૫ સભ્યોની વિધાનસભામાં ૨૩૪ સભ્યોની ચૂંટણી થાય છે અને એક બેઠક એંગ્લો-ઈન્ડિયનની નિયુક્તિથી ભરાય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અન્ના દ્રમુકને ૧૫૦ બેઠકો મળવાને કારણે ૧૬ મે, ૨૦૧૧ના રોજ એનાં સુપ્રીમો જયલલિતા મુખ્ય પ્રધાન બન્યાં હતાં. બીજા ક્રમે તમિળ અભિનેતા વિજયકાંતે ૨૦૦૫માં રચેલો પક્ષ ડીએમડીકે હતો. એને ૨૯ બેઠકો મળતાં વિજયકાંત વિપક્ષના નેતા બન્યા હતા. દ્રમુકને માત્ર ૨૩ બેઠકો મળી હતી. કોંગ્રેસને માંડ પાંચ બેઠકો. ક્યારેક સી. રાજગોપાલાચારી અને કે. કામરાજ જેવા કોંગ્રેસી નેતા મદ્રાસ (હવેના ચેન્નઈ)માં મુખ્ય પ્રધાનની ગાદીએ બેસતા હતા, પરંતુ સમયાંતરે દ્રવિડ ચળવળને પગલે દ્રવિડ પક્ષોનું ચલણ વધ્યું અને ફિલ્મો સાથે સંકળાયેલા વ્યક્તિત્વો રાજકારણમાં છવાતા જતા હોવાથી કોંગ્રેસ પ્રભાવ ગુમાવતી ચાલી. જોકે કેન્દ્રમાં જે પક્ષ સત્તામાં હોય એની સાથે જોડાણ કરવામાં દ્રમુક અને અન્ના દ્રમુક વચ્ચે સ્પર્ધા અને ચડસાચડસી કાયમ ચાલતી રહી છે. બંને પક્ષો કોંગ્રેસ અને ભાજપના વડપણવાળા કેન્દ્રના સત્તામોરચામાં વારાફરતાં સામેલ થતા રહ્યા છે. ક્યારેક ઈંદિરા ગાંધીનાં વડા પ્રધાન પદ દરમિયાન ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સી સામે કરુણાનિધિનો દ્રમુક પક્ષ જંગે ચડેલો હતો, પણ કેન્દ્રમાં કોંગ્રેસના સત્તાકાળમાં એ સૌથી વધુ સમય એનો ભાગીદાર પણ રહ્યો છે.

તમિળનાડુમાં ભાજપ નેતા ડો. સુબ્રમણ્યન્ સ્વામીની ભૂમિકા પણ ક્યારેક જયલલિતાઅમ્મા સાથે મૈત્રીની અને ક્યારેક દુશ્મનીની રહી છે. અટલ બિહારી સરકારને ટેકો આપવા અને ગબડાવવામાં આ જ સુબ્રમણ્યન્ સ્વામીએ જયાઅમ્માને પ્રેર્યાં હતાં. એ જ સ્વામી એમને સોનિયા ગાંધી કને લઈ ગયા હતા. હવે સ્વામી અને જયા સામસામે છે. સંપત્તિ કેસમાં સ્વામી ફરિયાદી છે.

કરુણાનિધિ વાળંદ સમાજમાંથી આવે છે અને ફિલ્મલેખક તરીકેની એમની પ્રતિષ્ઠા મોટી છે. એમના પરિવારનો દ્રમુક પર કબજો છે. એમની ત્રણ પત્નીઓનાં સંતાનોનો પક્ષમાં દબદબો અને આપસી ખેંચતાણ પણ રહી છે. તેમનાં બહેનના દીકરા સ્વ. મુરસોલી મારન અને તેમના દીકરા દયાનિધિ મારન કેન્દ્રમાં પ્રધાન રહ્યા છે. બીજા ભાણેજ-પુત્ર કલાનિધિ મારન ઔદ્યોગિક સામ્રાજ્ય સંભાળે છે. અબજોની સંપત્તિ ધરાવતા કરુણાનિધિ પરિવારમાં એમનાં પ્રથમ પત્ની પદ્માવતીના પુત્ર મુથુ અભિનેતા તરીકે નિષ્ફળ ગયા, પણ બાકીની બંને પત્નીઓનાં સંતાનો રાજકારણ અને ધંધામાં ખાસ્સો પ્રભાવ ધરાવે છે.

દ્વિતીય પત્ની દયાલુઅમ્મલનાં ચાર સંતાનોમાં બે દીકરા રાજકારણમાં એકમેકના દુશ્મન છે. દીકરી સેલ્વી અને સૌથી નાનો દીકરો તમિલારસન ઉદ્યોગ-ધંધા ચલાવે છે. દયાલુઅમ્માનો મોટો દીકરો અઝાગીરી કેન્દ્રમાં મનમોહન સરકારમાં પ્રધાન હતો અને એમના પછીના ક્રમે આવતા ૬૭ વર્ષીય દીકરો એમ. કે. સ્ટાલિન મુખ્ય પ્રધાન કરુણાનિધિના વડપણવાળી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હતો. આગામી ચૂંટણીમાં એ મુખ્ય પ્રધાન પદનો ઉમેદવાર ખરો, કારણ ૯૨ વર્ષના કરુણાનિધિ નિવૃત્ત થશે. કરુણાનિધિનાં ત્રીજાં અને છેલ્લાં પત્ની રાજથીઅમ્મલની દીકરી કળિમોળી રાજ્યસભાની સભ્ય છે.

જયલલિતાની જેમ જ કરુણાનિધિ પરિવાર સામે પણ ટુ-જી સ્પેક્ટ્રમ સહિતનાં કૌભાંડોના ખટલાઓ ચાલી રહ્યા છે. તમિળનાડુમાં ભ્રષ્ટાચાર એ મુદ્દો રહ્યો લાગતો નથી. જોકે બંને મુખ્ય દ્રમુક પક્ષોની ચોટલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં હોવા છતાં તમિળ મતદાતાઓ કોના પલ્લામાં બેસે એ કહેવું મુશ્કેલ છે.

છેલ્લી લોકસભાની મે ૨૦૧૪ની ચૂંટણીમાં દેશભરમાં ભલે નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા, તમિળનાડુમાં તો જયાઅમ્માનું જ ચલણ હતું. ૧૪૦ જેટલી ફિલ્મોમાં અભિનય આપનાર જયલલિતા તમિળ બ્રાહ્મણ હોવા છતાં દ્રવિડ ચળવળના અન્ના દ્રમુક પક્ષનાં સુપ્રીમો છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં તમિળનાડુની કુલ ૩૯ બેઠકોમાંથી અન્ના દ્રમુકને ૩૭ બેઠકો મળી હતી. કોંગ્રેસને એક અને ભાજપને પણ એક બેઠક મળી હતી. એ પહેલાંની લોકસભાની ૨૦૦૪ની ચૂંટણીમાં તમામ બેઠકો દ્રમુકના વડપણવાળા મોરચાને અને ૨૦૦૯માં ૩૯માંથી ૨૭ બેઠકો દ્રમુકને મળી હતી. અયોધ્યામાં રામમંદિરના નિર્માણનાં સમર્થક રહેલાં જયાઅમ્મા મોદી-ભાજપ-સંઘ અને હિંદુ મુન્નાની સાથે મીઠાં સંબંધ ધરાવતા રહ્યાં છે.

ક્યારેક અલગ દ્રવિડિસ્તાનની માગણી બુલંદ કરનાર દ્રવિડ પ્રજા આગામી વિધાનસભાની ચૂંટણીમાં અન્ના દ્રમુકને ફરી સત્તા સોંપશે કે દ્રમુકને ગાદી આપશે એ કહેવું મુશ્કેલ છે. જોકે ભાજપના વડપણ હેઠળનો ત્રીજો મોરચો રચાય તો દિલ્હીમાં સત્તાના જોરે તમિળનાડુમાં સત્તામાં સહભાગ શક્ય બનશે કે કેમ એ કહેવું આજના તબક્કે મુશ્કેલ છે. જોકે તમિળનાડુમાં કોઇ પણ પક્ષને કોઇ પણ જોડાણમાં સામેલ થવામાં જરાય છોછ નથી. માત્ર અન્ના દ્રમુક અને દ્રમુક સામસામે રહેવાનાં એ નક્કી!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે પાણીએ મગ ચડે એનો ઉપયોગ કરવામાં જરાય સંકોચ ન કરવાના પક્ષધર છે. તમિળનાડુમાં નાડર સમાજની વોટબેંકમાં હજુ પણ કે. કામરાજનું નામ ખૂબ આદરથી લેવાય છે. આ કામરાજ ત્રણ-ત્રણ વાર મુખ્ય પ્રધાન રહ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને ઈંદિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવા માટે એમણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. નાગરકોઈલ (કન્યાકુમારી)ના ભાજપી સાંસદ પોન રાધાકૃષ્ણન્ અને પ્રદેશ ભાજપનાં બીજી મુદ્દત માટેના અધ્યક્ષ તમિલસાઈ સૌંદરાજન્ નાડર સમાજમાંથી આવે છે. એકાદ કરોડની નાડર વસ્તીને રાજી કરવા ભાજપ થકી કામરાજની ૧૧૩મી જન્મજયંતી પણ ઊજવાઈ હતી.

લોકસભા ચૂંટણી વખતે ભાજપના વડપણવાળા એનડીએમાં સામેલ અભિનેતા વિજયકાંતના પક્ષે શ્રીલંકાના તમિળોના મુદ્દે ચૂંટણી પછી તુર્ત જ ભાજપનો સાથ છોડ્યો હતો. ભાજપની નેતાગીરી હવે એક બાજુ અન્ના દ્રમુકનાં સુપ્રીમો જયલલિતા અને બીજી બાજુ વિધાનસભામાં વિપક્ષના નેતા વિજયકાંતને સાથે લેવા પ્રયત્નશીલ છે. સુપરસ્ટાર રજનીકાંતને તો ભાજપ છેલ્લા એક દાયકાથી મનાવવા પ્રયત્નશીલ છે. હજુ રજનીકાંત ભાજપનો સાથ દેવા તૈયાર નથી, પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter