દારૂબંધીનો ઘુમટો તાણવામાં શાસકોની દ્વિધા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 15th June 2016 08:24 EDT
 
 

મહાત્મા ગાંધીથી સોનિયા ગાંધી સુધીનાની કોંગ્રેસમાં ભારતીય બંધારણના માર્ગદર્શક નિર્દેશ મુજબ નશાબંધીને લાગુ કરવાના આદર્શને આદર અપાયેલો હોવા છતાં આદિવાસી પટ્ટામાં ‘કોંગ્રેસમુક્ત ગુજરાત’ના આગ્રહી રહેલા તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વર્તમાન આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન કાન્તિ ગામીત સ્વજનોને ‘ઓછો નશો’ કરવાની સલાહ આપવા માટે આજે વિવાદમાં છે. ઉચ્છલ-નીઝરના વિધાનસભ્ય એવા ગામીત છોટાઉદેપુર જિલ્લાના અંતોલીમાં શાળા પ્રવેશોત્સવમાં બાળકો સમક્ષ દારૂ પીવાની વાતે વળી ગયા. ગુજરાતની મે ૧૯૬૦માં સ્થાપના થઇ ત્યારથી દારૂબંધી અમલમાં હોવા છતાં રાજ્યમાં દારૂની રેલમછેલની નવાઇ નથી, પણ ખુદ પ્રધાન ઊઠીને દારૂ ‘સાવ જ બંધ કરો એવું નથી કહેતો, પણ માપમાં પીઓ’ જેવી સલાહ આપે, ત્યારે આદિજાતિ વિકાસ પ્રધાન મંગુભાઇ પટેલ જ નહીં, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ કાન્તિભાઇનો ઊઘડો લે એ સ્વાભાવિક છે.

જન્મથી લઇને મૃત્યુ લગીના તમામ પ્રસંગોમાં દારૂ સાથે સંબંધ

ગુજરાતની ૬ કરોડની કુલ વસ્તીમાંથી ૯૦ લાખ જેટલા લોકો આદિવાસી હોવાને કારણે રાજકીય દૃષ્ટિએ, માથે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે, આદિવાસી આગેવાનોને સાચવી લેવાનું ગાંધીનગરના શાસકો માટે અનિવાર્ય બની જાય છે. રાજ્યની ૧૪.૭૫ ટકા વસ્તીને રાજીની રેડ કરવા માટે મુખ્ય પ્રધાન તરીકે મોદીએ વનબંધુ વિકાસ યોજનાનાં મોટા પાયે ઢોલ પીટ્યાં હતાં. આદિવાસી આસ્થાસ્થાન બિરસા મુંડાથી લઇને ગોવિંદ ગુરુને કેસરિયા રંગે રંગવાની ભરસક કોશિશ કરી હતી. હમણાં ગોધરામાં રાજ્ય સરકારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો શુભારંભ પણ કરાવ્યો છે.

આટઆટલા ઉધામા ઉપરાંત પ્રભાવી આદિવાસી નેતાઓને આંતરીને ભગવા ખેસ પહેરાવાની કવાયતો છતાં ગુજરાતની આદિવાસી માટેની અનામત બેઠકોમાં હજુ બહુમતી બેઠકો કોંગ્રેસ હસ્તક જ છે. કુલ ૨૭ અનામત બેઠકોમાંથી ૧૫ (પંદર) પર કોંગ્રેસી ધારાસભ્યો છે એટલે કાન્તિભાઇને ઝાઝા ઘઘલાવવામાં એ સ્વગૃહે પાછા ફરી જવાનાં જોખમ પણ ખરાં. રાજ્યપ્રધાન ગામીત આદિવાસી વિસ્તારમાંથી એ જ સમાજમાંથી આવે છે. એમના કેબિનેટ પ્રધાન મંગુભાઇ પટેલ પણ આદિવાસી સમાજમાંથી આવે છે. આદિવાસી સમાજની પરંપરામાં જન્મથી લઇને મૃત્યુ લગીના તમામ પ્રસંગોમાં દારૂ સાથે સંબંધ આવે છે. એટલે કાન્તિભાઇએ ‘માપમાં પીવાની’ સલાહ આપી એમાં કશું ખોટું નથી. હા, તેમણે શાળા પ્રવેશોત્સવમાં આવી વાત છેડવાની જરૂર નહોતી.

શંકરસિંહથી વિપરીત દારૂબંધી હળવી કરવાની મોદીનીતિ

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના કાન્તિ ગામીતે જે વિવાદ સર્જ્યો, એના કારણે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર નશાબંધી અમલીકરણની નીતિ અને એના પરિપત્રો વાંચવાનું શરૂ કર્યું તો વધુ આઘાતજનક અનુભૂતિ થઇ. રાજ્યના પ્રધાન ગામીત દારૂ પીવાની પરંપરા ધરાવતા સમાજને નશાનું પ્રમાણ ઓછું કરવાનું કહી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે આવ્યા ત્યારથી લગાતાર દારૂબંધી હળવી કરવાના અને છૂટથી વિદેશી દારૂની પરમિટો દેશી લોકોને ‘આરોગ્યના કારણોસર’ આપવા ઉપરાંત વિદેશી મહેમાનોને દારૂની પરમિટ અને કોન્ફરન્સો માટેની ગ્રુપ-પરમિટ તેમજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(એસઇઝેડ)વાળાઓને લિકર-કાર્ડ આપવાની ઉદારનીતિ અપનાવી હોવાનું અમારા ધ્યાને આવ્યું. ઓછામાં પૂરું તમને વિદેશી દારૂ ક્યાંથી મળે એના રાજ્યભરના ‘લોકોપયોગી પરવાનેદારોની યાદી’ અને સરનામાં પણ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર મૂકાયેલી ૯ જૂન, ૨૦૧૬ના રોજ વાંચવા મળી હતી.

બિચારા કાન્તિ ગામીતે કાંઇક કહ્યું, વાસ્તવમાં ઓછો નશો કરવાની વાત કરી, તો એમના પર આળ આવ્યું કે એમણે મહાત્મા ગાંધીના ગુજરાતને લજવ્યું, પણ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ દારૂબંધીની નીતિના કડક અમલની કરેલી જોગવાઇને બદલીને મોદીયુગમાં ઉદ્યોગપતિઓને આકર્ષવા કે પર્યટકોને આકર્ષવા કે પછી ગુજરાતના એવા બીમાર નાગરિકો કે જેમની તબિયત દારૂ પીવાથી જ સારી જળવાય, એમના માટે સ્વયં ગુજરાતની ભાજપ સરકાર પોતાના સત્તાવાર પરિપત્રોથી દારૂબંધી હળવી કરતી હોય ત્યારે ગાંધીનું કે ગુજરાતનું નામ લજવાતું નથી.

મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી (જે ગૃહપ્રધાન પણ હતા) ૨૫ જુલાઇ ૨૦૦૬ના રોજ સરકારી પરિપત્ર બહાર પાડીને નશાબંધીના અમલીકરણની કામગીરી નશાબંધી અને આબકારી ખાતા પાસેથી લઇને પરત પોલીસ ખાતાને એ સુપરત કરે છે. એ પરિપત્રમાં જણાવ્યું હતું: ‘ગુજરાત રાજ્યના અસ્તિત્વથી તા. ૩૦-૪-૧૯૯૭ સુધી નશાબંધી અમલીકરણની કામગીરી ગૃહ વિભાગ નીચેના પોલીસ ખાતા દ્વારા કરવામાં આવતી હતી. તા. ૩૦-૪-૧૯૯૭થી આ કામગીરી માટે નશાબંધી અને આબકારી ખાતું અલગથી ઊભું કરવામાં આવેલ. આ કામગીરી નશાબંધી અને આબકારી ખાતા પાસેથી પરત લઇને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તક મૂકવાની બાબત કેટલાક સમયથી સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.’ તાત્કાલિક અસરથી દારૂબંધીને લગતા ગુન્હા શોધવા અને તેના પર તપાસ કરવી, દરોડા પાડવા, ધરપકડ કરવી, મુદ્દામાલ જપ્ત કરવો અને કોર્ટમાં કેસો મૂકવા વગેરેની કામગીરી પોલીસ ખાતા હેઠળના મહેકમ દ્વારા કરવાના આદેશ થયા હતા.

પરિપત્રમાં ૩૦ એપ્રિલ, ૧૯૯૭થી નશાબંધી અને આબકારી ખાતું અલગથી ઊભું કરવામાં આવ્યાના શબ્દો હતા એટલે એ વેળાના મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાને પૂછવા પ્રેરે એ સ્વાભાવિક હતું. વાઘેલા કહેઃ ‘નશાબંધી અને આબકારી ખાતું પહેલાં હતું જ. પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓને ચલાવવામાં અને હપ્તાબાજીના ભ્રષ્ટાચાર માટે નામચીન હોવાથી મેં નશાબંધી અને આબકારી ખાતાને નશાબંધી અમલીકરણની જવાબદારી સોંપીને કુલદીપ શર્મા જેવા કડક કાર્યવાહી કરવા માટે જાણીતા એવા પોલીસ અધિકારીને એ માટેની જવાબદારી આપી નિયુક્ત કર્યા હતા. ભાજપ સરકારે નીતિમાં ફેરફાર કેમ કર્યો એ સમજી શકાય છે.”

ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળના નશાબંધી અને આબકારી ખાતાના નિયામક તરીકે ન્યૂ મેન્ટલ હોસ્પિટલ બિલ્ડિંગ, અસારવા ખાતે બેસતા આઇએસએસ અધિકારી બી.કે. કુમાર અને તેમના નાયબ નિયામકો તેમજ રાજ્યભરના અધિકારીઓના કાફલાની વિગતો સરકારી વેબસાઇટ દર્શાવે છે. સાથે જ નોંધવામાં આવ્યું છેઃ ‘જસ્ટિસ મિયાંભાઇ કમિશનની ભલામણના આધારે સરકારશ્રી દ્વારા તા.૩૦-૪-૧૯૯૭ના ઠરાવથી નશાબંધી ધારાના અમલીકરણની વધારાની કામગીરી આ કચેરીને સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે પોલીસ અધિક્ષક કક્ષાના આઇપીએસ અધિકારીઓને નાયબ કમિશનર તરીકે પ્રતિનિયુક્તિ ઉપર આ કચેરીમાં મૂકવામાં આવેલ. તેમજ નશાબંધી ધારાના અમલીકરણની કામગીરી કરવા માટે સમગ્ર રાજ્યના ભૌગોલિક વિસ્તારને આવરી લે તે મુજબ ૬૯ નશાબંધી સ્ટેશનો ઊભાં કરવામાં આવેલ. આવાં નશાબંધી સ્ટેશનો દ્વારા તા. ૨૬-૭-૨૦૦૭ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવેલ, જેનાં ઘણાં અસરકારક પરિણામો મળેલ. બાદ સરકારશ્રીએ ઉક્ત તારીખથી અમલી બને તે પ્રમાણે નશાબંધી અમલીકરણની કામગીરી એકહથ્થુ ઢબે કરવા સારુ પોલીસ ખાતાને પરત સોંપેલ છે, જેથી હાલ આ કચેરી દ્વારા અગાઉની માફક વિવિધ પ્રતિબંધિત પદાર્થોના પરવાના, પરમિટ, પાસ વિગેરે આપી આવા પદાર્થોના નિયમનની કામગીરી કરવામાં આવે છે.’

‘મહાત્મા ગાંધી નશાબંધીના પ્રખર હિમાયતી હતા. તેમના મતે, ભારતની ગુલામી અને ગરીબી નશાખોરીના કારણે હતી અને તેથી જ તેઓ કહેતા કે મને જો એક દિવસ માટે પણ ભારતનો સરમુખત્યાર બનાવવામાં આવે તો હું સૌથી પહેલું કામ દારૂની તમામ દુકાનો વળતર ચુકવ્યા સિવાય બંધ કરાવું.’

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter