પંજાબમાં ચૂંટણી પૂર્વે જ ધૂણતું ખાલિસ્તાનનું ભૂત

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 25th November 2015 09:53 EST
 
 

ફરી એક વાર ભારતમાંથી શીખ પ્રદેશને અલગ કરીને વર્ષ ૨૦૨૦ સુધીમાં ખાલિસ્તાન દેશ મેળવી લેવાની ઝુંબેશ તળ પંજાબમાં ધાર્મિક મેળાવડા ‘સરબત ખાલસા’ના આયોજન થકી નવા જોમ સાથે આરંભાઇ છે. છેલ્લાં નવ વર્ષથી અકાલી દળ અને ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકારના શાસનવાળા પંજાબ રાજ્યમાં વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એ પૂર્વે નવાં રાજકીય સમીકરણ અને રાષ્ટ્રવાદી-રાષ્ટ્રવિરોધી ઉહાપોહની ગાજવીજ આરંભાઇ ચુકી છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ છેક રાષ્ટ્રપતિભવન સુધી રાવ નાંખીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને તાજેતરમાં પવિત્ર ગુરુ ગ્રંથસાહેબને અપમાનિત કરવાની ઘટનાઓની આડશે પંજાબ પોલીસે કરેલા ગોળીબારમાં બે વ્યક્તિનાં મોત થવાની ઘટનાની અદાલતી તપાસ યોજવાની માગણી કરી એટલે સત્તારૂઢ અકાલી-ભાજપ સરકારના નાયબ મુખ્ય પ્રધાન અને શિરોમણિ અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે તો રાષ્ટ્રપતિ સમક્ષ પંજાબમાં કોંગ્રેસના શાહજાદા રાહુલ ગાંધીના વડપણ હેઠળ અશાંતિ સર્જવાનો પ્રયાસ કોંગ્રેસ થકી થઇ રહ્યાની અને રાષ્ટ્રવિરોધી કોંગ્રેસની પક્ષ તરીકેની માન્યતા જ રદ કરવાની માગણી કરી.

ઘરઆંગણે પંજાબમાં કોંગ્રેસનાં બે જૂથ એકમેકને પછાડવાની વેતરણમાં ચરમસીમાએ હતાં ત્યારે બહારના આક્રમણે એમને સંગઠિત થવાની અથવા તો દેખાવ પૂરતું સંગઠિત થઇને અકાલી દળના વરિષ્ઠ નેતા અને પંજાબના ૯૦ વર્ષીય મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલના વડપણવાળી અકાલી-ભાજપ સરકારનાં કરતૂતોને ઉઘાડાં પાડવાની તક ઝડપી લીધી છે. જોકે આ ઘટનાક્રમમાં અકાલી વિરુદ્ધ કોંગ્રેસ જોવા મળે છે, પણ રહસ્યમય રીતે ભારતીય જનતા પક્ષ મૂકપ્રેક્ષક બની રહ્યાનું જોવા મળે છે.

હજુ થોડા જ દિવસ પહેલાં પંજાબના પતિયાળાના પૂર્વ રાજવી પરિવારના કેપ્ટન અમરીન્દર સિંહ કોંગ્રેસમાં ભાગલા પડાવીને ભાજપ સાથે જોડાણ કરવાની રાજરમતમાં રમમાણ હોવાના ખુલ્લા આક્ષેપ કરીને પંજાબ કોંગ્રેસના વડા પ્રતાપ સિંહ બાજવાએ પક્ષના મોવડીમંડળને ‘મોડું થઇ જાય એ પહેલાં’ કેન્દ્રના વર્તમાન પ્રધાન અરુણ જેટલીને હરાવીને અમૃતસરના સાંસદ બનેલા પૂર્વ મુખ્ય પ્રધાન અમરીન્દરને કોંગ્રેસમાંથી તગેડી મૂકવાની વિનવણી કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન બાદલના દિલ્હી જઇને આદરવામાં આવેલા અટકચાળાએ બાજવા અને અમરીન્દર બેઉને કોંગ્રેસ તથા રાહુલ ગાંધીના બચાવવામાં મેદાને પડવાની તક પૂરી પાડી છે.

અન્ય રાજ્યોની જેમ જ પંજાબમાં પણ પરંપરાગત રીતે કોંગ્રેસમાં નોખી છાવણીઓ રહી છે. એટલું જ નહીં, પંજાબમાં તો છેક ૧૯૨૦માં સ્થપાયેલા માસ્ટર તારા સિંહના અકાલી દળે અલગ શીખીસ્તાન મેળવવા માટેની કોશિશ ભૂતકાળમાં કરી જોઇ હતી, પરંતુ સરદાર વલ્લભભાઇ પટેલ જેવા સમર્થ નેતા બ્રિટિશ ઇન્ડિયાના ત્રણ નહીં, માત્ર બે જ ભાગ માટે સંમત થયા એટલે અલગ શીખીસ્તાનની માગણી સમયાંતરે દેશ-વિદેશમાં વસતા શીખ સમુદાયની લાગણીને ભડકાવતી રહી છે. પાકિસ્તાનમાં પંજાબનો પશ્ચિમ હિસ્સો ગયો અને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવની જન્મભૂમિ પણ અત્યારે પાકિસ્તાનમાં નાનકાના સાહિબ ખાતે હોવાથી આતંકવાદની ઓથે અલગ ખાલિસ્તાન ચળવળને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાકિસ્તાનનું સમર્થન મળતું રહ્યું છે.

ત્રણેક દાયકા પહેલાં અલગ ખાલિસ્તાન દેશની માગણીના ટેકાથી પંજાબ ગ્રસ્ત હતું ત્યારે જરનેલ સિંહ ભિંડરાંવાલે જેવાને કોંગ્રેસે અકાલી દળ સામે હાથ પર લીધો, પરંતુ પવિત્ર સુવર્ણમંદિરના હરમંદિર સાહિબ પર કબજો જમાવી બેઠેલા આતંકનો પર્યાય બનેલા ભિંડરાંવાલે અને ટેકેદારોને ખદેડવા તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ લશ્કર પાઠવીને ૧ જૂન, ૧૯૮૪થી દસ દિવસ માટે ‘ઓપરેશન બ્લ્યૂસ્ટાર’ હાથ ધરવું પડ્યું હતું. ભિંડરાંવાલે એમાં માર્યો ગયો, પણ શીખ સમુદાયની લાગણી એવી ઘવાઇ કે પવિત્ર સુવર્ણમંદિરમાં લશ્કર પાઠવવાનું ‘અપવિત્ર કામ’ કરનારા વડા પ્રધાન ઇંદિરા ગાંધી અને એ વેળાના ભારતીય લશ્કરના વડા જનરલ અરુણ વૈદ્યને મોતને ઘાટ ઉતારાયા હતા. ઇંદિરા ગાંધીની હત્યા થયા પછી ૧૯૮૪માં ૩૦૦૦ જેટલા શીખોની હત્યા કોંગ્રેસના નેતાઓ થકી કરાવવામાં આવ્યાના નામે હજુ આજે પણ રાજકીય હૂંસાતૂંસી ચાલતી રહી છે.

છેલ્લાં ૨૦ વર્ષથી પંજાબમાં શાંતિ જળવાઇ છે. જોકે એ ગમે ત્યારે ભંગ થાય એવા સંજોગ રાજનેતાઓ અને તેમનાં ચૂંટણીનાં ગણિત સર્જતાં રહ્યાં છે. છેલ્લાં નવ વર્ષથી પંજાબની અકાલી-ભાજપની સરકાર થકી ભિંડરાંવાલેને શહીદનો દરજ્જો આપવાના મુદ્દે ખેંચતાણ ચાલતી રહી છે. આવા સંજોગોમાં આતંકવાદ જ્યારે પંજાબમાં ચરમસીમાએ હતો ત્યારે એના પોલીસવડા નિયુક્ત થયેલા જુલિયો રિબેરોના શબ્દોનું સ્મરણ થયા વિના રહેતું નથીઃ ‘આતંકવાદ ક્યારેય મરતો નથી. એ સુષુપ્તાવસ્થામાં રહે છે અને ગમેત્યારે ભડકી ઊઠે છે.’ પંજાબમાં પણ આવું જ છે.

સરદાર જગજિત સિંહ ચૌહાણ લંડનમાં રહીને શીખરાષ્ટ્ર ખાલિસ્તાનના સ્વઘોષિત રાષ્ટ્રપતિ તરીકે ખાલિસ્તાની પાસપોર્ટ કે ખાલિસ્તાની ચલણી નોટો - ડોલર પ્રસારિત કરવાની સાથે અલગ શીખ દેશની ચળવળને હૂંફ બક્ષતો હતો, પણ એ સ્વદેશ પાછો ફર્યા પછી ગુમનામીમાં જ મૃત્યુને ભેટ્યો અને આખી ચળવળને આતંકી કે ઉગ્રવાદી જૂથોએ રીતસર હાઇજેક કરી લીધી હતી. જે ભિંડરાંવાલેને કોંગ્રેસના ઝૈલ સિંહે (પાછળથી રાષ્ટ્રપતિ થયેલા) મોવડીમંડળની વોટબેંક અંકે કરવાની નીતિરીતિને કારણે મોટો કર્યો, એ જ ભિંડરાંવાલે ભસ્માસૂર સાબિત થયો.

પત્રકારશિરોમણિ કુલદીપ નાયરે આત્મકથા ‘બિયોન્ડ ધ લાઇન્સ’માં નોંધ્યું છે કે પોતે ભિંડરાંવાલેનો ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા ત્યારે તેમને મળવા આવેલા કેન્દ્રના એ વેળાના કોંગ્રેસી પ્રધાન સ્વર્ણ સિંહ ખુરશીને બદલે ભોંય પર બેસવાનું પસંદ કરતા હતા, કારણ સંતની સામે જમીન પર જ બેસાય. આતંકવાદનો પર્યાય બનેલો ભિંડરાંવાલે ઓપરેશન બ્લ્યૂસ્ટારમાં મરાયા પછી શહીદ લેખાયો. એટલું જ નહીં, પંજાબમાં અકાલી-ભાજપની સરકાર થકી એને શહીદ ગણાવીને તેનાં સ્મારક ઊભાં કરવાના સરકારી નિર્ણયને ભાજપની નેતાગીરીએ કમને સ્વીકારવો પડ્યો, પણ સત્તામાંની ભાગીદારીને છોડવાની એનામાં હિંમત નહોતી. ભાજપ સત્તા છોડે તો પણ એકલા હાથે સરકાર ચલાવવા જેટલી બહુમતી અકાલી દળ પાસે હતી.

ગત ૧૦ નવેમ્બરે પંજાબમાં ‘સરબત ખાલસા’ના નામે ધાર્મિક મેળાવડો યોજાયો, તેમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં શીખોનો અલગ દેશ ખાલિસ્તાન મેળવવા અંગેનો ઠરાવ પણ થયો. પંજાબમાં મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલના કાર્યક્રમોમાં પણ સરદાર સિમરનજિત સિંહ માનના નેતૃત્વવાળા શિરોમણિ અકાલી દળ (અમૃતસર)ના કાર્યકરો ખુલ્લેઆમ ખાલિસ્તાનવાદી નારા લગાવે છે. માન ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના અધિકારી રહ્યા છે અને તેમણે ઓપરેશન બ્લ્યૂસ્ટારનો વિરોધ કર્યો હતો. જેલમાંથી અને જેલ બહારથી લોકસભા ચૂંટણી લડેલા માન બબ્બે વાર લોકસભામાં ચૂંટાયા હતા. ‘સરબત ખાલસા’માં ખાલિસ્તાન માટેના સમર્થનમાં ઠરાવ થયો અને તેમાં કોંગ્રેસ તથા આપ (કેજરીવાલનો પક્ષ)ના નેતા હાજર રહ્યાની વાત પણ માને જાહેર કરી હતી.

આ જ મુદ્દે સુખવીર બાદલે કોંગ્રેસ પર તીર તાક્યું છે. કોંગ્રેસની માન્યતા રદ કરાવવાની માંગણી કરી છે. જોકે કેપ્ટન અમરીન્દર સિંહે તો બાદલનો ઉઘડો લેતાં તેમના પિતા અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે ભારતીય બંધારણને ફાડવા અને બાળવા ઉપરાંત અલગ ખાલિસ્તાનની માગણીને ટેકો આપ્યો હોવાનું પણ સ્મરણ કરાવ્યું છે. અમરીન્દર અત્યારે લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા છે. એમનું કહેવું છે કે સરબત ખાલસા તો અકાલી-ભાજપની સરકારથી ત્રસ્ત લોકોની લાગણીનો પડઘો પાડે છે. એમાં હાજર રહેલા બે કોંગ્રેસી ધારાસભ્યો વ્યક્તિગત રીતે શીખ તરીકે હાજર રહ્યા હતા. માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને આપ પાર્ટીના આગેવાનોએ પણ તેમાં હાજરી આપી હતી. કોંગ્રેસ પક્ષ સરબત ખાલસાના ઠરાવો સાથે સંમત નથી. હકીકતમાં આજે જો ચૂંટણી થાય તો અકાલી દળને એક પણ બેઠક મળે નહીં એટલે પોતાની નિષ્ફળતાઓના દોષનો ટોપલો સુખબીર કોંગ્રેસ પર નાંખવા માંગે છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવાએ તો અકાલી નેતાગીરીને અકળાવે તેવા પાંચ સવાલ સુખબીરને કર્યા છે.

૧) પ્રકાશસિંહ બાદલે ભારતીય બંધારણની કલમ ૨૫(અ)ને માત્ર ફાડી જ નહોતી, બંધારણને બાળ્યું પણ હતું. ક્યા વો કૌમપરસ્ત(રાષ્ટ્રવાદી) હૈ?

૨) ૧૯૯૨માં સ્વતંત્ર શીખ દેશની પ્રકાશ સિંહ બાદલે માગણી કરી હતી. એમને રાષ્ટ્રવાદી ગણાય કે?

૩) ૧૯૮૪માં અમૃતસરના સુવર્ણમંદિરની સુરક્ષા માટે પ્રકાશ બાદલે ૧ લાખ શીખોની સેના ઊભી કરવાની વાત કરી હતી, એ રાષ્ટ્રવાદી કહેવાય?

૪) આતંકવાદી ગુરજંટ સિંહના ભોગમાં જઇ તેને શહીદનો દરજ્જો આપવાની વાત કરનાર પ્રકાશ સિંહ બાદલ રાષ્ટ્રવાદી હતા?

૫) કોંગ્રેસના બે ધારાસભ્યો શીખ તરીકે સરબત ખાલસામાં ગયા હતા અને ઠરાવ થાય એ પહેલાં મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. કોંગ્રેસ એ ઠરાવો સાથે અસમંત છે છતાં રાષ્ટ્રવિરોધી કઇ રીતે?

જોકે પંજાબના રાજકારણમાં પક્ષપલટા અને આયારામ-ગયારામના ખેલા લાંબા સમયથી ચાલતા આવ્યા છે. મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલના પરિવારનો શિરોમણિ અકાલી દળ પર રીતસર કબજો છે. ક્યારેક અમરીન્દર સિંહ પણ અકાલી દળના નેતા હતા. બાદલના જમાઇ અને પંજાબના પ્રથમ મુખ્ય પ્રધાન પ્રતાપસિંહ કૈરાંના પૌત્ર આદેશ પ્રતાપ પણ પહેલાં કોંગ્રેસમાં હતા, હવે અકાલી દળમાં છે. ખાલિસ્તાનની ખુલ્લેઆમ માગણીને ભારતીય બંધારણ વિરોધી નહીં ગણનારા આઇપીએસમાંથી રાજનેતા બનેલા માન અને અમરીન્દર સિંહ સગ્ગા સાઢુભાઇ છે.

પંજાબમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પદયાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યાથી અકાલી દળના નેતાઓ વ્યથિત હોવાનું જણાવતા અમરીન્દર સિંહ પર પંજાબ કોંગ્રેસના પ્રમુખ બાજવાનો ખુલ્લેઆમ આક્ષેપ છે કે તેઓ ભાજપની રમત રમી રહ્યા છે અને આવતી બૈશાખીએ (૧૩ એપ્રિલે) કોંગ્રેસમાં ભાગલા પાડીને અલગ પક્ષ રચી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરશે. જ્યારે આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે પંજાબમાં ૬૦ હજાર હિંદુઓની હત્યા થયાની વાત અમરીન્દર ભારપૂર્વક કહી હવે ભાજપાને રાજી કરવાની કોશિશમાં હોય એવું લાગે છે.

પંજાબ કોંગ્રેસના જ પ્રમુખ કહે છે, અમરીન્દરની પત્ની (પૂર્વ કેન્દ્રીય પ્રધાન) સામેની આવકવેરા તપાસોમાં મોદી સરકાર તેમને દબાવે છે. લલિત મોદી પ્રકરણ અને મધ્ય પ્રદેશના વ્યાપમ્ કૌભાંડ અંગે લોકસભામાં બોલવું ના પડે એટલે તેઓ સંસદમાં ગેરહાજર રહ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૫માં બાજવાએ અમરીન્દર પર આવા આક્ષેપ કરવાની સાથે જ તેઓ બિહારની ચૂંટણીનાં પરિણામોની પ્રતીક્ષા કરી રહ્યાનું પણ કહ્યું હતું. અમરીન્દરને બિહારમાં ભાજપ વિજયી થવાનો અંદેશો હતો. જોકે બિહારમાં ભાજપના કરુણ રકાસ પછી સમગ્ર ભારતમાં નવો રાજકીય માહોલ સર્જાશે એટલે પંજાબમાં ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તો ઘણા બધા પલટા જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter