પરિપક્વ રાજનેતાનું અપરિપક્વ પગલું

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 02nd August 2016 07:22 EDT
 
 

ભારતીય જનતા પક્ષના નેતાઓ ચોફેર આનંદીબહેન પટેલના મુખ્ય પ્રધાન પદના સમયગાળા દરમિયાન એમણે કરેલા મનાતા બેનમૂન કામકાજનાં ભરપેટે વખાણ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય છે કે પ્રજા અને સમજદારોને એ સાવ જ ‘ભોળા’ માનવાનું હજુ ચાલુ છે. કાઠિયાવાડમાં ભોળાનો અર્થ મૂરખ અને બેવકૂફ થાય છે. આનંદીબહેનનું શાસન સુવર્ણયુગ સમાન હતું તો એમને ૭૫ પૂરાં કરે એ પહેલાં મહિનાઓથી વિદાયનાં કોરસગાન કેમ ગવાતાં હતાં? સત્તારૂઢ ભારતીય જનતા પક્ષમાં કાયમ યાદવાસ્થળી જ એને ડૂબાડે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હીગમન પહેલાં આનંદીબહેન પટેલની તાજપોશી કરવામાં આવી હતી. એનાથી નારાજ નેતા ઘણા હતા, પણ દિલ્હીશ્વર સામે મોઢું ખોલવાની હિંમત કોઈની નહોતી. આજે પણ નથી. મોદી સંઘના પ્રચારક તરીકે બેઠક લેવા આવતાંની સાથે જ બે-ચાર જણાને ધધડાવી નાંખવાની આદત ધરાવતા હતા એટલે બાકીના કોઈ વિરોધી અવાજ રજૂ કરવામાં પતી જવાનાં એંધાણ મેળવી લે. આનંદીબહેન ગયાં. ફેસબુક પર મોવડીમંડળને વિનવણી કરીને હોદ્દેથી મુક્ત કરવાનો સંદેશ આપીને અમારા જેવાને રીતસર આંચકો આપતાં ગયાંઃ સામાન્ય રીતે પરિપક્વ રાજનેતા લેખાતાં આનંદીબહેન પટેલ ફેસબુકિયાં થઈને જે પ્રકારની અપરિપક્વતા દર્શાવતાં રહ્યાં એનાથી એમને કોઈ રાજભવનમાં ગોઠવવાની બાબતમાં પણ વડા પ્રધાન મોદી માટે મૂંઝવણ મૂકતાં ગયાં.

કડક પ્રધાન અને મોદીનો ગુજરાતવટો

કડક હેડ માસ્તર રહેલાં આનંદીબહેન પાછાં મહેસાણાના પટેલ પરિવારનાં રહ્યાં એટલે તડને ફડ કરવાની એમની પ્રકૃતિ. રાજકીય લોકપ્રિયતાને બદલે કાયમ કડછા સ્વભાવ માટે ઓળખ ઊભી કરતાં રહ્યાં. જોકે કામની બાબતમાં ત્વરિત અને કડવા નિર્ણયો લેવા માટે જાણીતાં આનંદીબહેનને છેલ્લા ઘણા દાયકાથી મોદીનું સુરક્ષાચક્ર ઉપલબ્ધ હતું. મોદીના ગુજરાતવટા દરમિયાન પણ કેશુભાઈ સરકારમાં એ એકમેવ મોદીનિષ્ઠ પ્રધાન હતાં. પ્રાધ્યાપક પતિ ડો. મફતલાલ પટેલ સાથેનું લગ્નજીવન સુખી નહોતું, છતાં છુટ્ટા મોંઢાના મફતલાલની તુલનામાં એ ખૂબ જ પરિપક્વ અને ધીરગંભીર લાગ્યાં છે. ‘મારા ઘરમાં શાક કયું બને એ પણ નરેન્દ્ર મોદીની ઈચ્છા પર અવલંબે છે.’ એવું અખબારી ઈન્ટરવ્યૂમાં કહેનારા મફતલાલે વિદેશયાત્રાઓ માટે વિસા મેળવવા માટે દીકરી અનાર મારફત રાજ્યનાં મિનિસ્ટર આનંદીબહેન કનેથી પ્રમાણપત્ર મેળવવું પડતું હોવાના અમે સાક્ષી ખરા. અમારા ગાંધીનગરના સરકારી બંગલે ડો. કાન્તિ રામી સાથે આવીને મિત્ર ડો. મફતલાલ અમને ક્યારેક કહે પણ ખરા કે આનંદીબહેનને કહેજો કે હવે મને ખીચડી બનાવતાં આવડી ગયું છે. અમે એમને ટોકીએ પણ ખરા, પણ મફતલાલ તો મફતલાલ. પ્રધાન તરીકે આનંદીબહેનનો વહીવટી તંત્ર પરનો અંકુશ ખુબ હતો, પણ મુખ્ય પ્રધાન બન્યા પછી સત્તાનાં અનેક કેન્દ્રો થતાં અને બિગ બ્રધર ઈઝ વોચિંગના વાતાવરણે એમને કાયમ માટે જાણે કે એકલાં પાડી દીધાં.

મુખ્ય પ્રધાનની વિવશતા અને નિવૃત્તિ

હમણાં એમણે પોતે જ ફેસબુક પર સંદેશ મૂકીને મુખ્ય પ્રધાન પદેથી ફારેગ થવાનું જાહેર કર્યું એ એમની અપરિપક્વતા જ લેખાય. જોકે એ ખૂબ જ ત્રસ્ત હશે. કશી બાજી એમના હાથમાં નહોતી એનો અનુભવ કરતાં હશે. મહત્ત્વના નિર્ણયો કરવા માટે પણ મોદી, અમિત શાહ અને વિજય રૂપાણીએ એમને વિવશ બનાવી મૂક્યાં હતાં. નીતિન પટેલ નંબર ટુ હોવા છતાં વિશ્વાસ મૂકી શક્યાં નહોતાં. ઓછામાં પૂરું, પાટીદાર અનામત આંદોલને એમણે કરેલા બેફામ વાણીવિલાસે પક્ષ અને પ્રધાનમંડળના સાથીઓથી એમને અલગ પાડી દીધાં. દિલ્હી જઈને અખબારોને મુલાકાતો આપી નિવૃત્ત થવાની અને અનારને રાજકારણમાં રસ નહીં હોવાની ઘોષણાઓ કરતા ઈન્ટરવ્યુ આપીને પાછા આ ઈન્ટરવ્યુ માહિતી ખાતાના માધ્યમથી સર્વત્ર પહોંચતા કરાવ્યા. દિલ્હી સામે ગુસ્સો ઠાલવવાની આ પદ્ધતિ આત્મઘાતી હતી. પક્ષ ભીંસમાં હતો એટલે દિલ્હીએ બહેનને થોડાં રાજી કરી લેવા સાચવવાનો પ્રયાસ કર્યો અને બહેન પાછાં દોડતાં થઈ ગયાં. ભાષણો આપતાં થયાં. મોદીની જેમ જ એમના ભાષણોમાં ટીમ ગુજરાતને બદલે હું કેન્દ્રસ્થાને આવતું થયું.

મુખ્ય પ્રધાન પદના સ્પર્ધકોને પતાવવાના ખેલ અગાઉ મોદીયુગમાં થયા હતા, એવા જ ખેલ ફરી આરંભાયા. સંઘ પરિવારના જ માણસોના માધ્યમથી જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા કેબિનેટ પ્રધાનને વિવાદમાં સંડોવવાના કારસા રચાયા. પક્ષની યાદવાસ્થળી સાથે જ અનાર કાંડ, ઓબીસી મંચના અલ્પેશ ઠાકોરનાં આંદોલન, ઉના દલિતકાંડ ખૂબ ગાજ્યાં. મોદીએ ઓઝલ રાખેલાં ગુજરાત મોડેલનાં પ્રતિકૂળ પાસાં આનંદીબહેનના મુખ્ય પ્રધાન પદના સમયગાળામાં બેનકાબ થવા માંડ્યા. સૌથી વધુ સંવેદનશીલ બાબત તો ગુજરાત વિકાસ મોડેલ નિષ્ફળ હોવાની રાષ્ટ્રીયસ્તરે ગાજવા માંડી અને વિપક્ષોએ એનો લાભ લીધો એટલે વડા પ્રધાન મોદી માટે પણ ભારે મૂંઝવણ સર્જાઈ.

તોગડિયા થકી ગુજરાત મોડેલનું ચીરહરણ

મોદીના પેંગડામાં પગ ઘાલવાની હેસિયત આનંદીબહેન પોતે જ વિદાયવેળા ‘આકાશના તારા ગણવા સમાન’ લેખવા માંડ્યાં હતાં. વિરોધ પક્ષ ગુજરાતમાં કાં તો ભાજપની બી-ટીમ તરીકે મિત્ર-લડત લડી રહ્યો હતો અથવા તો એની હતાશા-નિરાશા અને યાદવાસ્થળીય બેપાંદડે હતી. આવા સંજોગોમાં ગુજરાત વિકાસ મોડેલનાં ભોપાળાંનો ફુગ્ગો ફોડી નાંખવાનું સૌપ્રથમ કામ વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમ ડો. પ્રવીણ તોગડિયાએ ગુજરાત શાખાના સુવર્ણ મહોત્સવના ‘બૌદ્ધિક’માં કર્યું. એમણે રીતસર ગુજરાત મોડેલનું ચીરહરણ કર્યું.

વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને પણ કોંગ્રેસને જીવતદાન અપાવવા માટે આશા બંધાઈ. વર્ષ ૨૦૦૪માં કેન્દ્રના પ્રધાન તરીકે વાઘેલાએ મુખ્ય પ્રધાન મોદીને જેલવાસી કરવાની કરેલી દરખાસ્ત ‘૧૦, જનપથ’ સમક્ષ પહોંચાડવાની ઘણી મથામણ કરી હતી, પણ ત્યાં એમને મોદી-અહેમદ પટેલની મૈત્રી કે જુગલબંધી કાળોતરો બનીને આડી ઉતરી હતી. ડો. તોગડિયાની પોતે મુખ્ય પ્રધાન તરીકે ધરપકડ કરી હતી એ અનુભવને આગળ કર્યો છતાં વાઘેલાની વાતને કોંગ્રેસના મોવડીમંડળે કાને ના ધરી. એમાં જ સ્તો કોંગ્રેસ પતી ગઈ અને મોદી વડા પ્રધાન બન્યા.

પતાસાની પ્રતીક્ષામાં કોંગ્રેસ

જોકે જિલ્લા પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપને જે લપડાક પડી એણે કોંગ્રેસને આશા બંધાવી કે મહેનત કરે તો ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકાય. કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઘણા છે. કોણ ક્યારે ઠેકડો મારીને ભાજપમાં જશે એ કહેવાય નહીં, ‘આપ’ પક્ષ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી કોના વોટ કાપે એ કહેવું મુશ્કેલ છે.

જોકે આ બધાની વચ્ચે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે વિજય રૂપાણી ઘોષણા કરતા રહ્યાઃ ‘૨૦૧૭ની ચૂંટણી આનંદીબહેનના નેતૃત્વમાં લડાશે.’ ભાજપને વિજયની ભારે આશા હોવાનું નિવેદનોમાં ઝળકતું હતું, પણ અંદર કેટલું બોદું છે એ સૌ કોઈ જાણતું હતું. એટલે જ આનંદીબહેન પટેલનો આઘાત આવી પડ્યો. હવે ગુજરાત ભાજપની નૈયાને ડૂબતી બચાવવા માટે દિલ્હીશ્વર અને અમિત શાહ કઈ ઈલમની લાકડી ફેરવશે એ કહેવું મુશ્કેલ છે. જોકે મોઢું ખોલીને કોંગ્રેસ પતાસું પડવાની પ્રતીક્ષામાં છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter