પશ્ચિમ બંગાળ કબજે કરવા સુભાષ-શ્યામાબાબુ ભાજપના નાયક

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 23rd December 2015 08:01 EST
 
 

પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ ૨૦૧૬માં વિધાનસભાની ચૂંટણીમાં સત્તા કબજે કરવાના સંકલ્પ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેદાને પડ્યા છે. જંગ પ્રતિષ્ઠાનો છે. જોકે, ભારતીય જનતા પક્ષના આસ્થાપુરુષ ડો. શ્યામાપ્રસાદ મુકરજી અને કોંગ્રેસના અધ્યક્ષ તેમજ ફોરવર્ડ બ્લોક જેવા ડાબેરી પક્ષના સંસ્થાપક રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે વૈતરણી તરવાની ભાજપની મહેચ્છાની પૂર્તિ માટે દેશના લોકલાડીલા કોંગ્રેસી વડા પ્રધાન રહેલા લાલ બહાદુર શાસ્ત્રીના દોહિત્ર અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહને પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવાય છે.

૧૯૨૫માં કોંગ્રેસી નેતા ડો. કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના કરી હતી. ડો. હેડગેવારનો કોલકતા અને એના ક્રાંતિકારીઓ સાથે સારો એવો ઘરોબો રહ્યો. સ્વયં ડો. હેડગેવારનું શિક્ષણ પણ કોલકતામાં થયું. ૧૯૨૦માં મહાત્મા ગાંધી કોંગ્રેસના સર્વેસર્વા તરીકે આરૂઢ થાય નહીં એટલા માટે ડો. હેડગેવાર સહિતના ટિળકવાદી કોંગ્રેસીઓ મહર્ષિ અરવિંદ (પ્રા. અરવિંદ ઘોષ)ને કોંગ્રેસના અધ્યક્ષ થવા માટે સમજાવવા પુડુચેરી (એ વેળાના પાંડિચેરી) ગયા હોવાનું ડોક્ટરજીની જીવનકથામાં નોંધાયેલું છે. અરવિંદ માન્યા નહીં અને ડોક્ટરજી સહિતના મહાનુભાવો નિરાશ થઈને પરત નાગપુર આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં પગદંડો જમાવવા માટે સમગ્ર સંઘ પરિવારનો ય સક્રિય સહયોગ મળે એટલા માટે સંઘના માનીતા દિલીપ ઘોષને હમણાં પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમના પદના આકાંક્ષી રાહુલ સિંહાને ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે.

પશ્ચિમ બંગાળના નવનિયુક્ત અધ્યક્ષ ઘોષ સાથે સોમવાર, ૨૧ ડિસેમ્બરે અમે વાત કરી ત્યારે એ સપ્તાહભર ચાલેલા રાજ્યવ્યાપી જેલભરો આંદોલનના અંતિમ પડાવમાં હતા. એમનો આશાવાદ પશ્ચિમ બંગાળમાં ભાજપને નંબર ટુ પાર્ટી ગણાવવામાં ઝળકતો હતો. મોદીના ટેકે ભાજપની નૈયા સત્તા સુધી એટલે કે રાઈટર્સ બિલ્ડિંગ સુધી પહોંચી શકવાની એમને શ્રદ્ધા છે.

જોકે અત્યારે રાજ્યમાં ભાજપની સ્થિતિ ઝાઝી હરખાવા જેવી નથી. એક નામનિયુક્ત સહિત કુલ ૨૯૫ સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસનાં આક્રમક અધ્યક્ષા અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીના પક્ષની ભારે બહુમતી છે. છેક ૧૯૭૭થી ૨૦૧૧ લગી પશ્ચિમ બંગાળ પર શાસન કરનાર ડાબેરી મોરચાને ધૂળ ચટાડીને મે ૨૦૧૧ની ચૂંટણીમાં મમતાના પક્ષે ૧૯૧ બેઠકો કબજે કરી હતી. ડાબેરી મોરચો ૬૦ બેઠકોમાં સીમિત થયો હતો. કોંગ્રેસને માત્ર ૩૫ બેઠકો અને ભાજપને રોકડી એક બેઠક મળેલી છે. લોકસભાની મે ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં માત્ર બે બેઠકો સાથે ભાજપ ચોથા ક્રમે હતી. તૃણમૂલને ૩૪, કોંગ્રેસને ૪ અને માર્કસવાદીઓને માત્ર ૨ બેઠકો મળી હતી. કોલકતા મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓમાં પણ મમતાનો જાદુ હજુ અકબંધ છે એવું છેલ્લી ચૂંટણીઓમાં અનુભવાયું. ૧૪૪ સભ્યોની મહાપાલિકામાં મમતાની તૃણમૂલ કોંગ્રેસે એપ્રિલ ૨૦૧૫માં ૯૫ બેઠકો જીતી ત્યારે ભાજપને માંડ સાત બેઠકો મળી હતી. નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ દિલીપ ઘોષ તો અમને કહે છેઃ ‘એ સાતમાંથી તૃણમૂલમાંથી આવેલા બે જણા તો સ્વગૃહે પાછા ફર્યા એટલે મહાપાલિકામાં અમારા પાંચ સભ્યો છે.’

પશ્ચિમ બંગાળમાં અત્યારના આંકડાઓનો અભ્યાસ કરીએ તો ભાજપને વિધાનસભામાં બહુમતી મળવાની કોઈ અપેક્ષા રાખવી વ્યર્થ હોવા છતાં ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીએ જે ચમત્કાર સર્જ્યો એવો ચમત્કાર નરેન્દ્ર મોદી - અમિત શાહ સર્જી શકે એવું દિલીપબાબુને અભિપ્રેત છે. જોકે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી ભાજપની જે સ્થિતિ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં થઈ છે, એ જોતાં પક્ષનું મોવડીમંડળ ચિંતિત જરૂર છે.

આવતા વર્ષ ૨૦૧૬ દરમિયાન તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, પુડુચેરી અને આસામની વિધાનસભાની ચૂંટણીઓ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી શક્ય છે. એ પછી વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૭માં ગોવા, મણિપુર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો વડા પ્રધાન મોદીની નેતાગીરી માટે નિર્ણાયક ઠરશે. પ્રત્યેક રાજ્યને યેનકેન પ્રકારેણ ભાજપની ઝોળીમાં લાવવા માટે જમ્મુ-કાશ્મીર જેવા કજોડાં કે અરુણાચલ પ્રદેશ જેવી તોડફોડ કરવામાં ભાજપની નેતાગીરીએ રમમાણ રહેવું પડશે.

પશ્ચિમ બંગાળમાં જીતવા કે સ્થિતિ સુધારવાનું ભાજપ માટે અનિવાર્ય છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પોતાના પડખામાં લેવાની વડા પ્રધાન મોદીની લાખ કોશિશો છતાં બંગાળની આ વાઘણ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની છાવણીમાં આવવા તૈયાર થઈ નથી. ઊલ્ટાનું બિહારના નીતીશકુમાર-લાલુ પ્રસાદ જોડાણ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મધુર સંબંધો કેળવીને નવા ત્રીજા મોરચાની રચનાની વેતરણમાં છે. મૂળ કોંગ્રેસી ગોત્રનાં હોવા છતાં મમતા યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) અને એનડીએ સાથે રહીને પ્રધાનપદે રહ્યાં હોવા છતાં એમને સાચવવવાનું કોઈના માટે શક્ય નથી. એનડીએની વાજપેયી સરકારમાં પ્રધાન રહ્યા પછી યુપીએની કોંગ્રેસના વડપણવાળી સરકારમાં પણ એ પ્રધાન રહ્યાં છે. મમતા મિત્રપક્ષોને ગમે ત્યારે દઝાડી મૂકે એવી પ્રકૃતિ ધરાવતાં હોવા છતાં એમના બંગાળની પ્રજા સાથેના ગાઢ અનુબંધ અને સાદગીભર્યા જીવને નેતા તરીકે કાયમ સ્વીકૃતિ અપાવી છે. હજુ ઉંમર એમના પક્ષે છે. માંડ ૬૦ વર્ષના મમતા સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવાનાં પક્ષધર છે. પશ્ચિમ બંગાળમાં માતૃસંસ્થા કોંગ્રેસ તો ડાબેરી મોરચા સાથે મધુર સંબંધ ધરાવે છે એવી એમની ભૂમિકા આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા પ્રેરશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.

કોંગ્રેસ અને માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેતૃત્વવાળો ડાબેરી મોરચો સાથે મળીને ચૂંટણી લડશે તો ફાયદો ઊઠાવવાની કોશિશ ભાજપ જરૂર કરશે. જંગ ત્રિકોણીયો થશે કે ચતુષ્કોણીયો એ કહેવું અત્યારના તબક્કે મુશ્કેલ હોવાનું ભાજપના પ્રદેશાધ્યક્ષ ઘોષ કહે છે. ભાજપ માટે તૃણમૂલ અને ડાબેરી મોરચાથી સલામત અંતર રાખીને જ વિધાનસભામાં પોતાની સ્થિતિ સુધારી શકાય. આમ પણ માત્ર એક જ વિધાનસભ્ય અને ૩ સાંસદ (એક નામનિયુક્ત એંગ્લો-ઈન્ડિયન સભ્ય સહિત) ધરાવતી ભાજપ માટે બંગાળમાં તો વકરો એ નફો જ છે.

વડા પ્રધાનપદ અને રાજ્યપાલપદ ભાજપ કને હોવાને કારણે વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં લગી પશ્ચિમ બંગાળમાં તો આયારામ-ગયારામની કવાયત જોવા મળશે. પક્ષની અને વડા પ્રધાનની પોતીકી પ્રતિષ્ઠાને દાવ પર લગાડીને સત્તા મેળવવા કે પછી મુખ્ય વિપક્ષનું સ્થાન પ્રાપ્ત કરવા તમામ પ્રકારના ઉધામા ભાજપની નેતાગીરી માટે એ સ્વાભાવિક છે. વડા પ્રધાન મોદી આગામી ૨૩ જાન્યુઆરીએ એટલે કે નેતાજીના જન્મદિને ભારત સરકાર પાસેની સુભાષચંદ્ર બોઝની તમામ ગુપ્ત ફાઈલો ખુલ્લી મૂકવા સંકલ્પબદ્ધ છે. પશ્ચિમ બંગાળ ભાજપની કોશિશ એ છે કે એ દિવસે વડા પ્રધાન મોદી કોલકતા આવીને નેતાજી સાથે પોતાના પક્ષને જોડીને રાજકીય લાભ ખાટી શકાય એવો માહોલ સર્જે. નેતાજીના બોઝ પરિવારના વંશજોમાં ભાગલા પડાવીને વડા પ્રધાન યુરોપમાં કે દિલ્હીમાં એમને મળતા રહ્યા છે.

મોદી એક કાંકરે બે પક્ષી પાડવા માંગે છે. નેતાજીની ફાઈલોમાંથી પંડિત જવાહરલાલ નેહરુ અને સોવિયેત રશિયાની સામ્યવાદી નેતાગીરી વિરુદ્ધ દસ્તાવેજોનો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભરસક ઉપયોગ કરવો. વળી શ્યામાપ્રસાદ મુકરજીનું નામ તો પશ્ચિમ બંગાળની હિંદુ વોટબેંક અંકે કરવા ભાજપ-સંઘની નેતાગીરીને હાથવગું છે. જોકે મમતા અને ડાબેરી મોરચાને બંગાળની મુસ્લિમ વોટબેંક પોતીકી લાગતી હોય ત્યારે ડો. મુકરજી ૧૯૪૨માં ફઝલુલ હકની સરકારમાં નાણાં પ્રધાન હતા અને હિંદુ-મુસ્લિમ એકતા જાળવીને અલગ બંગાળ દેશના પક્ષધર હતા એ વાતને આગળ કરવાના વ્યૂહ રચાય. આવા તબક્કે શ્યામાબાબુ હિંદુ મહાસભાના અધ્યક્ષ હતા અને ૧૯૪૦માં લાહોરમાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર ફઝલુલ હકની ૧૯૪૨ની સરકારમાં નાણાં પ્રધાન હતા અને તત્કાલીન કોંગ્રેસની ‘હિંદ છોડો’ ચળવળને નિષ્ફળ બનાવવા બ્રિટિશ ગવર્નરને પત્ર લખતા હતા એ વાતને પડદા પાછળ જ રાખવાના વ્યૂહ પણ ઘડવામાં આવે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter