પાંચ વર્ષે એક સાથે લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 09th May 2017 07:17 EDT
 
 

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળા નીતિ આયોગે (અગાઉનું આયોજન પંચે) આગામી ૨૦૨૪થી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની સમયબદ્ધ યોજના (બ્લ્યુ પ્રિંટ) તૈયાર કરી છે. નીતિ આયોગ (ધ નેશનલ ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા કમિશન)ના સભ્ય બિબેક દેબરોય અને ખાસ ફરજ પરના અધિકારી કિશોર દેસાઈએ તૈયાર કરેલા ૩૬ પાનાંના આ અહેવાલમાં દરખાસ્તના સારા-નરસાં તમામ પાસાં અને વિરોધીઓ થકી ઊઠાવવામાં આવનારા મુદ્દાઓના સંદર્ભમાં છણાવટ કરીને વર્ષ ૨૦૨૪માં એકસાથે ચૂંટણીઓ યોજવાનું સમયપત્રક પણ પ્રસ્તાવિત કર્યું છે.

વર્ષ ૧૯૬૭ સુધી ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે થતી હતી, પરંતુ છેલ્લા ત્રણ દાયકા દરમિયાનની રાજકીય ઊથલપાથલોએ સ્થિતિ એવી સર્જી છે કે આખું વર્ષ કોઈને કોઈ ચૂંટણી ચાલતી રહે છે. રાજકીય શાસકો દેશના વહીવટ અને વિકાસનાં કામો ભણી ધ્યાન આપવાને બદલે ચૂંટણી જીતીને સત્તા પ્રાપ્તિ માટેની હૂંસાતૂંસીમાં જ વ્યસ્ત રહે છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈની આ પહેલને આવકારવા જેવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ એકસાથે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓની તરફેણ કરી ચૂક્યા છે.

અગાઉ ભારત સરકારના કાયદા પંચે ૧૯૯૯માં એના અધ્યક્ષ જસ્ટિસ બી. પી. જીવન રેડ્ડી હતા ત્યારે પંચના ૧૭૦મા અહેવાલમાં લોકસભા અને ધારાસભાઓની ચૂંટણીઓ એકસાથે કરવાની ભલામણ કરી ચૂક્યું છે. ભારતીય સંસદની સ્થાયી સમિતિ પણ એકસાથે ચૂંટણીઓ યોજવાની તરફેણ કરતો અહેવાલ આપી ચૂકી છે.

વિરોધ કોણ કોણ કરે છે?

લોકસભા અને રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓ એકસાથે કરવાનો સંકલ્પ ચૂંટણી પંચ કરે અને તમામ રાજકીય પક્ષો એ દિશામાં સંમત થાય તો ચૂંટણીના આયોજનનું નિશ્ચિત સમયપત્રક તૈયાર કરીને, નિશ્ચિત સમયગાળામાં જ ચૂંટણીઓ થાય અને જીતેલો પક્ષ કે મોરચો સરકાર રચીને વિકાસ-વહીવટમાં કામ કરવાની મોકળાશ અનુભવે. પરાજિત પક્ષ કે મોરચો લોકશાહી ઢબે સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવવા મેદાને પડી જાય એટલે લોકસભા અને ધારાસભાઓની પાંચ વર્ષની (જમ્મુ-કાશ્મીરની છ વર્ષની) મુદ્દતમાંથી બાકીનો સમય સત્તાપક્ષ કામે વળીને પોતાનો એજન્ડા અમલી બનાવે. વિપક્ષ એના પર વોચડોગની ભૂમિકા ભજવે.

જોકે, આ વ્યવસ્થા આદર્શ ગણી શકાય, પરંતુ એની સામે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. સત્તારૂઢ ભાજપ, અન્નાદ્રમુક, અહોમ ગણપરિષદ (એજીપી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ડીએમડીકે, શિરોમણિ અકાલી દળ થકી એકસાથે ચૂંટણીઓ યોજવાનું સમર્થન કરાયું છે. ભારતીય સામ્યવાદી પક્ષને દરખાસ્ત આદર્શ લાગે છે પરંતુ અમલીકરણમાં મુશ્કેલી અનુભવાય છે. એવું જ ઓવૈસી બંધુઓની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એમઆઈએમ)ને પણ લાગે છે.

લોકશાહીમાં કોઈ ફેરફારને ઠોકી બેસાડવા કરતાં સંવાદથી એ દિશાનું વાતાવરણ તૈયાર કરવાનું યોગ્ય છે. આ વિચાર વહેતો મૂકાયો છે. એની ચર્ચા થઈ શકે અને એની સામેની મુશ્કેલીઓ દૂર કરીને સંપૂર્ણ સ્વીકાર્ય અને દેશહિતની વ્યવસ્થા થઈ શકે. સમર્થકોએ વિરોધીઓને એ માટે સંવાદ-ચર્ચા થકી તૈયાર કરવા પડે. ભારતીય બંધારણ સર્વોચ્ચ મનાય છે અને સંસદે બનાવેલા કાયદાઓ કે સરકારી નિર્ણયોને ‘જ્યુડિશિયલ રિવ્યુ’માં લેવાય છે. બ્રિટનની સંસદે બનાવેલા કાયદાને ભારત કે અમેરિકાની જેમ જ્યુડિશિયલ રિવ્યૂમાં લઈ શકાતા નથી. કારણ બ્રિટનમાં સંસદને સર્વોચ્ચ ગણવામાં આવે છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી આઈઆઈએમ-અમદાવાદના પ્રાધ્યાપક રહેલા જગદીપ ચોકર તથા દિલ્હીની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહેલા રાજિન્દર સાચાર સહિતના કેટલાકે પણ આવી દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો છે. જોકે, તેમના મુદ્દાઓની કાળજી લઈ શકાય. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલ માટે સંસદ અને રાજ્યોની ધારાસભાઓમાં જે રીતે બંધારણીય સુધારો કરવામાં તમામ રાજકીય પક્ષોને સંમત કરાયા, એવું એકસાથે ચૂંટણીઓ યોજવા માટે પણ કરી શકાય. પાંચ વર્ષને અંતે જ ચૂંટણી થાય એવી વ્યવસ્થા કરવા જતાં લોકશાહીમાં આસ્થાને દૃઢ કરી શકાય. સાથે જ દેશના વાતાવરણને સૌહાર્દપૂર્ણ રાખી શકાશે અને ચૂંટણી ખર્ચ પણ સંયમિત રહેશે.

ધારાસભાઓની મુદ્દત વધારવી-ઘટાડવી પડે

ભારત સરકારના નીતિ આયોગે વર્ષ ૨૦૨૪માં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરવા જતાં કઈ રીતે ચૂંટણી થઈ શકે તે માટેના તબક્કાઓ પણ સૂચવ્યા છે. કેટલાંક રાજ્યોમાં મુદ્દત વધારી કે ઘટાડીને એકસાથે ધારાસભાની ચૂંટણી કરવાની જોગવાઈ કરી શકાય. ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીઓમાં આવા વધારા-ઘટાડા થયેલા છે. દા.ત. પહેલી, બીજી અને ત્રીજી લોકસભાની ચૂંટણી પાંચ વર્ષ પૂરાં કરીને જ યોજાઈ હતી. ધારાસભાઓની ચૂંટણી પણ એ જ રીતે યોજાઈ હતી. ૧૯૭૫-૭૭ની ‘ઈમર્જન્સી’ દરમિયાન તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ગાંધીએ લોકસભાની મુદ્દત એક વર્ષ વધારાવી હતી. ઉપરાંત ચોથી, છઠ્ઠી, નવમી, અગિયારમી અને બારમી લોકસભા તો એકથી ચાર વર્ષની મુદ્દતની રહી હતી.

૧૯૬૭માં એ વેળાનાં વડાં પ્રધાન ઈંદિરા ગાંધીના વડપણવાળી કોંગ્રેસ સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધ તથા તેમના પક્ષમાંથી છૂટા થઈને સંયુક્ત વિધાયક દળ (સંવિદ) સરકારો અમુક પ્રાંતોમાં રચાતાં પાંચ વર્ષે જ લોકસભા-ધારાસભાની ચૂંટણી યોજવાનો સંકલ્પ ખંડિત થયો. તેમ છતાં સાતમી લોકસભા (જાન્યુઆરી ૧૯૮૦ - ડિસેમ્બર ૧૯૮૪) અને આઠમી લોકસભા (ડિસેમ્બર ’૮૪થી નવેમ્બર ’૮૯) પોતાની પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી શકી હતી. દસમી લોકસભા (જૂન’૯૧થી મે’ ૯૬), ૧૪મી લોકસભા (મે ૨૦૦૪ - મે ૨૦૦૯) અને ૧૫મી લોકસભા (મે ૨૦૦૯ - મે ૨૦૧૪) પણ પાંચ-પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી શકી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન વિવિધ ધારાસભાઓની ચૂંટણીઓ ગમે ત્યારે યોજાતી રહી હતી એટલે શાસકો વહીવટમાં ધ્યાન આપવાને બદલે ચૂંટણી મોડમાં જ રહ્યા કર્યાં છે.

વિચારનાં મૂળ મે ૨૦૧૪ પછીની ચૂંટણીમાં

ભારતમાં દર વર્ષે ૫-૭ વિધાનસભાની ચૂંટણીઓ થતી રહે છે. ૧૬મી લોકસભાની ચૂંટણી માર્ચ ૨૦૧૪થી મે ૨૦૧૪ દરમિયાન યોજાઈ. એ સાથે ચાર-પાંચ વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ. આંધ્ર પ્રદેશમાંથી બે રાજ્યો થતાં આંધ્ર અને તેલંગણ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશાની ચૂંટણીઓ યોજાઈ. એ પછી મહારાષ્ટ્ર અને હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર, નવી દિલ્હી ધારાસભા, બિહાર, આસામ, કેરળ, પુડુચેરી, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુરની ચૂંટણીઓ ૨૦૧૪થી ૨૦૧૭ની શરૂઆતમાં યોજાઈ. ૨૦૧૭માં હજુ ગુજરાત અને હિમાચલની ચૂંટણી યોજાશે. આખું વર્ષ ચૂંટણીમય રહે એના કરતાં એકસાથે પાંચ વર્ષે ચૂંટણી થાય એ આવકાર્ય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
 અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter