પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરનો ઉકળતો ચરુ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 08th June 2016 07:07 EDT
 
 

હમણાં જૂન ર૦૧૬ના પ્રારંભમાં જ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સહાયે અખબારનવીસો સાથેની વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાને ગપચાવેલા જમ્મુ-કાશ્મીરના પ્રદેશ(પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર-પીઓકે)ને એણે ખાલી કરી દેવો જોઈએ. હજુ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ યુકેના સાંસદ રોબર્ટ જ્હોન બ્લેકમેને જણાવ્યું કે ભારતીય સંસદનાં બંને ગૃહોએ સર્વાનુમતે પસાર કરેલા ઠરાવનો અમલ કરીને પાકિસ્તાને ગપચાવેલા જમ્મુ-કાશ્મીરના હિસ્સાને ખાલી કરાવવો જોઇએ. તેમણે આ વાત જમ્મુ આવીને કરી. તેમણે ઉમેર્યું કે ૨૨ વર્ષ પહેલાં સંસદે પસાર કરેલા ઠરાવ છતાં કોઇ પ્રગતિ સધાઇ નથી એટલે હવેની મોદી સરકાર એ વિશે કાંઇક પગલાં ભરશે એવી અપેક્ષા જરૂર કરી શકાય. બેઉ દેશના સંબંધો અંગે આવાં નિવેદન થકી નવી ઉત્તેજના વ્યાપેલી જોવા મળે છે.

વડા પ્રધાનપદે પી. વી. નરસિંહ રાવ હતા ત્યારે રર ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ ભારતીય સંસદનાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજય અંગ હોવા ઉપરાંત પાકિસ્તાને ગપચાવેલા કાશ્મીરના ભાગને ખાલી કરવાની માગણી કરતો ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. સર્વાનુમતે પસાર થયેલા આ ઠરાવમાં ભારતની ભૂમિ પરના કબજાને સમાપ્ત કરાવવા માટે ઘટતાં તમામ પગલાં ભરવાનો એટલે કે જરૂર પડે તો આક્રમણ પણ કરવાની જોગવાઇ એમાં હોવાથી ભારત સરકાર એ પગલાં પણ ભરી શકે તે માટેની મોકળાશ છે. જમ્મુ-કાશ્મીરને સંયુક્ત રાષ્ટ્રના વિવાદિત પ્રદેશોની યાદીમાંથી નવેમ્બર-ર૦૧૦માં કાઢી નાંખવામાં આવ્યા છતાં અવળચંડું ઈસ્લામાબાદ એને આંતરરાષ્ટ્રીય ફલક પર સળગતા પ્રશ્ન તરીકે જીવંત રાખવા માટે ઉંબાડિયાં કરતું રહે છે.

પાકિસ્તાને ગપચાવ્યો એ ભાગ ખાલી કર્યો નથી

ભારત સાથેના જમ્મુ-કાશ્મીરના જોડાણ (વિલય)ને મહારાજા હરિસિંહે પ્રસ્તાવિત કર્યું અને ર૭ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ તત્કાલીન બ્રિટિશ વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટને એનો સ્વીકાર કરીને હસ્તાક્ષર કર્યા ત્યારથી એ ભારતીય સંઘનું અવિભાજ્ય અંગ બની ગયું. મહારાજા સામે દ્વિધાભરી સ્થિતિ હતી. સ્વતંત્ર રહીને સ્વિટ્‌ઝર્લેન્ડ જેવું અલાયદું જમ્મુ-કાશ્મીર જાળવવાની એમની મહેચ્છા હતી, પરંતુ રર ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ પાકિસ્તાની સરહદેથી પાંચ હજાર જેટલા તાયફાવાળા (રેઇડર્સ), પાકિસ્તાની લશ્કરના રીતસરના અફસરોની સરદારી હેઠળ ઘૂસી આવ્યા અને મહારાજાના મુસ્લિમ લશ્કરી અને પોલીસ અધિકારી-કર્મચારી આક્રમણખોરો સાથે ભળી ગયા હતા.

તાયફાવાળા તબાહી મચાવતાં છેક બારામુલ્લા સુધી આવી પહોંચ્યા ત્યારે મહારાજા હરિસિંહને ભારતની લશ્કરી મદદ લેવા અને જાન બચાવવા માટે ભારત સાથે જોડાઈ જવાનું સૂઝ્‌યું. આમ છતાં જમ્મુ-કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાને ગપચાવ્યો હતો એ આજ દિવસ સુધી ખાલી કર્યો નથી. ઊલટાનું એણે ગેરકાયદે ગપચાવેલા ભાગમાંથી અમુક પ્રદેશ ચીનને હવાલે કરીને બીજિંગ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે એટલે ભારત વિરુદ્ધની ધરી મજબૂત બનતી ચાલી છે.

મોદીએ સુવર્ણ તક ખોઈ

સત્તામાં આવ્યા પહેલાં પાકિસ્તાન સાથે કડકાઈથી કામ લેવાના આગ્રહી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ગિલગીટ-બાલિસ્તાન સહિતના કાશ્મીર પર અનધિકૃત રીતે કબજો જમાવી બેઠેલા પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં સણસણતો ઉત્તર આપવામાં નિષ્ફળ રહ્યાની વાત જમ્મુ-કાશ્મીરની પેન્થર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રા. ભીમસિંહે કરી હતી. એમનું કહેવું હતું કે ગયા વરસે નવાઝ મિયાંના ભાષણ પછી વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજનું ભાષણ હતું, એમને સુવર્ણ તક મળી હતી; પણ એ ખોઈ બેઠાં. સુષ્માના ભાષણ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપ અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અભિષેક સિંહે સ્પષ્ટતા કરવી પડી.

વિકાસ સ્વરૂપે એ વેળા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પાકિસ્તાને ઉચાળા ભરવા જોઇએ એ વાત કહી. એ પછી હમણાં પણ એમણે એ જ વાતને દોહરાવી છે. કમનસીબે વડા પ્રધાન મોદી કે વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ કે પછી ભારતના લશ્કરી વડા તરીકે નિવૃત્ત થયેલા વર્તમાન વિદેશ રાજ્યપ્રધાન જનરલ ડો. વી. કે. સિંહને મુખે પાકિસ્તાને ગપચાવેલા કાશ્મીરને ખાલી કરવાની કોઈ વાત ઝાઝી સાંભળવા મળતી નથી.

પેન્થર પાર્ટીના નેતા પ્રા. ભીમસિંહ કહે છે કે ૧૯૪૮માં સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ છતાં ૧૩ ઓગસ્ટ, ૧૯૪૭થી ૩ર,૦૦૦ ચોરસ માઇલનો જે ભારતીય પ્રદેશ પાકિસ્તાને ગપાવેલો છે તે ખાલી કર્યો નથી. સંયુક્ત રાષ્ટ્રમાં આ ઉપરાંત ૧૯૬રના યુદ્ધ પછી ચીને ગપચાવેલી ભારતની ર૦,૦૦૦ ચોરસ માઇલ જેટલી ભૂમિનો મુદ્દો ઊઠાવવામાં પણ શ્રીમતી સ્વરાજ નિષ્ફળ ગયાં હતાં. પાકિસ્તાને તો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની વિરુદ્ધ પાકિસ્તાન કબજા હેઠળનો પ૦૦૦ ચોરસ માઇલ કરતાં વધુ વિસ્તાર ચીનને લીઝ પર આપ્યાની બાબતમાં પણ ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી એને પરત મેળવવા પ્રયત્ન કરવા ઘટે.

ઈતિહાસની કડવીવખ ઘટનાઓ

જમ્મુ-કાશ્મીર પ્રકરણમાં નેહરુની ભૂમિકાને કાયમ દોષપૂર્ણ લેખાવવાની ઝુંબેશ ચલાવાતી રહ્યા છતાં હકીકતો એનાથી નોખી વાત રજૂ કરે છે. હકીકત એ છે કે સરદાર પટેલ જીવ્યા ત્યાં લગી વડા પ્રધાન નેહરુ અને તેમની વચ્ચે જમ્મુ-કાશ્મીર પ્રકરણમાં પત્રાચાર થયો, ચર્ચા થઈ અને નેહરુએ હંમેશા સરદારની વાતને કાને ધરી હતી. ઈતિહાસની કેટલીક ઘટનાઓ કડવીવખ લાગે પણ સચ્ચાઈને રજૂ કરનારી હોય છે: અત્યારે સત્તારૂઢ ભાજપ બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાની વાત કરે છે અને એવી માગણી તેના પૂર્વ અવતાર જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુકરજીને નામે આગળ ધરે છે.

આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એવા પત્રકારશિરોમણિ એમ. જે. અકબરે પોતાના પુસ્તક ‘કશ્મીર બિહાઇન્ડ ધ વેલ’માં નોંધ્યું છે કે સરદાર પટેલ અને ડો. શ્યામાપ્રસાદ મુકરજી સંયુક્ત રાષ્ટ્રની નિગરાનીમાં કાશ્મીરમાં જનમત લેવા અને ૩૭૦મી કલમને બંધારણમાં દાખલ કરવાના સમર્થક હતા. જોકે બલરાજ પુરીએ ‘કશ્મીરઃ ઇન્સર્જન્સી એન્ડ આફ્ટર’માં અકબરની વાત નોંધીને કહ્યું છે કે સરદારને નેહરુની કાશ્મીરના મુસ્લિમોની વાતમાં ભરોસો નહોતો એટલે તેઓ જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના જોડાણના આગ્રહી નહોતા. નેહરુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યા પછી પણ મુકરજીનો ૩૭૦ સામે વિરોધ નહોતો, આ કલમના જમ્મુ અને લડાખમાં અમલ સામે જ તેમનો વિરોધ હતો.’

મુફ્તી મોહમ્મદ સઇદ રાષ્ટ્રહિતમાં નહીં

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહેલા લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હાએ જે મુફ્તી મોહમ્મદ સઇદને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવા એ ‘રાષ્ટ્રહિતમાં નહીં’ (મિશન કશ્મીર) હોવાનો લેખિત મત કેન્દ્ર સરકારને ૨૦૦૫માં જણાવ્યો હતો, એ જ મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ભાજપી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનું જોડાણ કરીને જમ્મુ-કાશ્મીરમાં મુફ્તીના વડપણ હેઠળની મિશ્ર સરકાર બનાવે છે! અત્યારે મુફ્તીનાં શાહજાદી મેહબૂબા મુફ્તીના વડપણ હેઠળની સરકારમાં ભાજપ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરના દૈનિક ‘રાઇઝિંગ કશ્મીર’ના કટારલેખક ગોહર ગીલાણીના શબ્દોમાં કહીએ તો, ‘નવઅવતારમાં મેહબૂબા ખંધાં રાજકારણી હોવાથી ‘સોફ્ટ-સેપરેટિસ્ટ’માંથી ‘સોફ્ટ-નેશનાલિસ્ટ’ની પોતાની છબિ ઉપસાવવામાં તેમને વધુ વખત લાગ્યો નહીં, પણ હવે તેઓ કશ્મીરી નેશનાલિઝમને ભોગે ભારતના વિચાર માટે એ ખેલ પાડી રહ્યાં છે.’ (‘રાઇઝિંગ કશ્મીર’, ૨ જૂન, ૨૦૧૬). જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોના નેતાઓ સત્તામાં હોય ત્યારે જે વાત કરે છે એનાથી જુદી જ વાત એ સત્તાથી વિમુખ થાય ત્યારે કરતા હોય છે એટલે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter