પાકિસ્તાની હિંદુઓને દિવાળીના સર્વપક્ષી શુકન

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 18th November 2015 06:43 EST
 

ઘરઆંગણે હિંદુવાદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિશે ભલે ગમે તે ઉહાપોહ ચાલતો હોય, પાડોશી મુસ્લિમ દેશો અને અન્ય વિદેશોમાં તો હિંદુ વસ્તી સાથેનો જે તે દેશના બિન-હિંદુ શાસકોનો વ્યવહાર સાવ જ બદલાઇ ગયો છે. એમના વ્યવહારમાં આવેલા પરિવર્તન માટે મોદી સરકારના ટીકાકારો ભલે ભાજપ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નેતાગીરીને યશ ના આપે, પણ વિદેશોમાં આવેલા પરિવર્તનને આવકારવા જેટલી દરિયાદિલી તો એમણે સ્વીકારવી જ પડે.

વાત એટલી જ છે કે યુપીએની સરકારમાં વિદેશ પ્રધાન રહેલા સલમાન ખુરશીદને કે પછી સુપરસ્ટાર શાહરુખ ખાનને કોઇ એકાદ નિવેદન માટે દેશદ્રોહી અને પાકિસ્તાનતરફી ગણી નાખવા સુધી નાહક ઉત્તેજિત થઇએ છીએ. આપણે સ્વસ્થચિત્તે અને શાંતચિત્તે તર્કબદ્ધ વાતને સાંભળવાની જરૂર હોવાનું તો લોકશાહી રાષ્ટ્ર તરીકે સ્વીકારવું પડશે.

ઘરઆંગણે પાકિસ્તાનવિરોધી માહોલ સર્જવામાં આવી રહ્યો છે. મુંબઇમાં તો સત્તારૂઢ ભાજપ થકી પાકિસ્તાની ગઝલગાયક ગુલામ અલીના જલસાને સુરક્ષા બક્ષવામાં આવે અને એને તોડવાની કોશિશ ભાજપની સાથે જ સરકારમાં સામેલ શિવ સેના કરતી હોય, ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતની રાજધાની કરાંચીમાંના ઘટનાક્રમ ભણી નજર કરવાની જરૂર ખરી.

પાકિસ્તાનમાં હિંદુઓ સાથે દુર્વ્યવહારની કાગારોળ આપણે ત્યાં રોજિંદી બની ગઇ છે, પણ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ દીપાવલી ઉત્સવનું આયોજન કરે ત્યારે એમાં પાકિસ્તાની વડા પ્રધાન મિયાં નવાઝ શરીફ સહિતના રાષ્ટ્રીય નેતા સામેલ થાય એ કાંઇ નાનુંસૂનું પરિવર્તન નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવે એના કરતાં ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનના વડા પ્રધાન શરીફ કરાંચીમાં આવીને દીપોત્સવી ટાણે પોતાના બાળપણની સ્મૃતિઓ તાજી કરીને હિંદુઓને કહે છેઃ ‘તમે તકલીફમાં હો ત્યારે હું તમારી પડખે રહીશ. જો કોઇ મુસ્લિમ તમને અન્યાય કરશે તો હું જેમની સાથે અન્યાય થયો હશે એમની સાથે ઊભો રહીશ.’

વડા પ્રધાન નવાઝ શરીફે હિંદુ, મુસ્લિમ કે પારસીઓને સમાન અધિકારની વાત કરીને હૂંફ બક્ષી. પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના સંરક્ષક (પેટ્રન) અને રાષ્ટ્રીય ધારાસભાના સભ્ય ડો. રમેશકુમાર વાંકવાણીના નેતૃત્વમાં સઘળું આયોજન થયું. પાકિસ્તાનમાં મોટા ભાગના હિંદુ સિંધમાં વસે છે. સિંધમાં આવીને પાકિસ્તાનના પંજાબી વડા પ્રધાન હિંદુઓ સહિતની લઘુમતીઓને હૈયાધારણ આપતા હોય એ નિશ્ચિત પરિવર્તનનાં દર્શન કરાવે છે.

પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના અધ્યક્ષ ચેલારામ કેવલાણીને કરાંચી ફોન જોડીને અમે વધુ વિગતો મેળવી, ત્યારે અમારો હરખ બેવડાયો. એમણે કહ્યું: ‘દીપાવલીની અમારી ઉજવણીમાં અમારા વડા પ્રધાન આવ્યા. સિંધના મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવો પણ આવ્યા. એના બીજા દિવસે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાન પણ હિંદુ કાઉન્સિલના દિવાળી ઉત્સવમાં આવ્યા અને સૌને શુભેચ્છા પાઠવીને ગયા.’ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો થાય એવી શુભકામનાસહ અમોએ પાડોશી દેશમાં વસતાં હિંદુઓને દીપાવલી અને નવવર્ષની શુભેચ્છા વ્યક્ત કરી.

દર વર્ષે પાકિસ્તાનથી સરેરાશ ૫૦૦૦ હિંદુ ભારત ભાગી આવતા હોવાનો આંકડો મિયાં નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના સાંસદ ડો. રમેશકુમાર રાષ્ટ્રીય ધારાસભામાં જ જણાવે છે. અસલામતીની ભાવના પાકિસ્તાનના હિંદુઓમાં વિભાજન સમયથી જ રહી છે એટલે અત્યારે માંડ ૩૦થી ૪૦ લાખ જેટલા હિંદુ પાકિસ્તાનમાં વસતા હોવાનો અંદાજ છે. હિંદુ મહિલાઓનાં અપહરણ અને તેમની સાથે નિકાહ પઢવા કરાતા જુલમો રોજિંદા બન્યા છે. જોકે આવા વાતાવરણમાં પણ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના નેજા હેઠળ હિંદુ તહેવારોની ઉજવણી થતી રહે છે. સવર્ણ હિંદુ અને દલિત હિંદુ એમ પાકિસ્તાન વસ્તી ગણતરીમાં બંનેને અલગ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં પાકિસ્તાનની વસ્તી ૧૯.૧૭ કરોડ જેટલી ગણાય છે. એમાં હિંદુ વસ્તી માંડ બે ટકા જેટલી અંદાજી શકાય છે.

ક્યારેક જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માટેનું નિમિત્ત બનેલા એના દીવાન શાહનવાઝ ભુટ્ટોના પુત્ર ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પાકિસ્તાનમાં શાસનકાળ દરમિયાન તેમના સિંધ કનેકશનને કારણે હિંદુ અને પારસીઓ સાથે તેમના પક્ષના નિકટના સંબંધ રહ્યા હતા. ભુટ્ટો-પુત્રી બેનઝીર ભુટ્ટો વડા પ્રધાન રહ્યા અને બાદમાં તેમની હત્યા થઇ હતી. બેનઝીર અને આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ હજુ માંડ ૨૭ વર્ષના છે. ઓક્સફર્ડમાં ભણીને વતન પાછા ફર્યા પછી નાના અને માતાના રાજકીય વારસાને સંભાળવા મેદાને પડ્યા છે. એમના વાલિદ આસિફ અલી પણ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ રહ્યા, પણ પ્રભાવ તો ભુટ્ટો પરિવારનો જ રહ્યો.

જાણીતા ક્રિકેટર ઇમરાન ખાન પણ પોતાના પક્ષ મારફત સત્તામાં આવવા ઉધામા મારી રહ્યા છે, પરંતુ અત્યારે તો મિયાં નવાઝ શરીફના રાજકારણની બોલબાલા છે. ઉદ્યોગપતિ રહેલા મિયાં સાહેબ વડા પ્રધાન છે. એમના ભાઇ મિયાં મુહમ્મદ શાહબાદ શરીફ પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન છે. પાકિસ્તાનમાં ત્રણ ‘એ’નું ચલણ સવિશેષ છેઃ અલ્લાહ, અમેરિકા અને આર્મી. જ્યાં લગી લશ્કરી નેતાગીરી સાથે અણબનાવ થાય નહીં, ત્યાં લગી મિયાં નવાઝ શરીફના શાસનને વાંધો નથી. અગાઉ જનરલ પરવેઝ મુશર્રફે તેમને વડા પ્રધાનપદેથી ઉથલાવીને દેશવટે મોકલી આપ્યા પછી સત્તામાં પાછા ફરવામાં એમને લાગેલાં વર્ષોએ નવાઝ મિયાંમાં ઘણીબધી પરિપકવતા આણી છે. આમ પણ પાકિસ્તાનમાં લોકશાહી મજબૂત થતી જાય છે, છતાં તાલિબાનીઓ અને કટ્ટરવાદીઓની કનડગત ઘણી છે. આતંકવાદી પરિબળોને પોષવાનાં દુષ્પરિણામ પાકિસ્તાને સહન કરવાં પડે છે.

વર્ષ ૨૦૧૩ની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રીય ધારાસભામાં મિયાં નવાઝ શરીફના પક્ષનો ભારે બહુમતીથી વિજય થયો હતો. ૩૪૨ સભ્યોની રાષ્ટ્રીય ધારાસભામાં તેમના પક્ષની ૧૮૮ બેઠકો ઉપરાંત મિત્રપક્ષ જમિયત ઉલેમા-એ-ઇસ્લામ(એફ)ની ૧૫ બેઠકો છે. વિપક્ષમાં ભુટ્ટોની પીપીપીને માત્ર ૪૫, ઇમરાન ખાનની પાર્ટીને માત્ર ૩૫ અને મોહાજિરોના પક્ષ એમક્યૂએમની ૨૪ બેઠકો છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભામાં મહિલાઓ માટે ૬૦ બેઠકો અને લઘુમતીઓ માટે ૧૦ બેઠકો અનામત છે.

લઘુમતીઓમાં હિંદુ, ખ્રિસ્તી, શીખ, એહમદિયા સહિતની બિન-મુસ્લિમ કોમો માટે રાષ્ટ્રીય ધારાસભાની અનામત ૧૦ બેઠકોમાંથી ૬ બેઠકો પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ધરાવે છે. તેમાં ડો. રમેશકુમાર વાંકવાણી, ડો. દર્શન, ભગવાન દાસ, આઇ. એમ. ભંડારા, તારીક ક્રિસ્ટોફર કૈસર અને ખલીલ જ્યોર્જનો સમાવેશ છે. પીપીપીના રમેશ લાલ, તેહરિકના લાલચંદ માલ્ટી, એમક્યૂએમના સંજય પેરવાણી અને જમિયતનાં આશિયા નાસિરનો સમાવેશ છે.

અત્યાર સુધી પાકિસ્તાનનાં પાઠ્યપુસ્તકોમાં મહમંદ ગઝની અને ઔરંગઝેબને રાષ્ટ્રીય નાયક તરીકે રજૂ કરતો વિકૃત ઇતિહાસ ભણાવતો રહ્યો હોવાથી વિશ્વપ્રસિદ્ધ પાકિસ્તાની ઇતિહાસકાર અયેશા જલાલના સહકારથી ઇતિહાસ પુનર્લેખનનું કામ આરંભાયું છે. તથ્ય પર આધારિત ઇતિહાસ પાકિસ્તાનમાં ભણાવાય એવો આગ્રહ સેવાઇ રહ્યો છે. ભારતમાં પણ ઇતિહાસ પુનર્લેખનની ઝુંબેશ ચલાવાઇ રહી છે. બ્રિટિશ ઇતિહાસકારો તથા ડાબેરી ઇતિહાસકારોએ લખેલા વિકૃત ઇતિહાસને બદલે તથ્યાધારિત ઇતિહાસ ભણાવાય એનો આગ્રહ સેવાઇ રહ્યો છે.

સંયોગ તો જુઓ, પાકિસ્તાનની વિદેશ સેવાના અધિકારીનાં પુત્રી એવાં અયેશા જલાલ અમેરિકાની યુનિવર્સિટીમાં ઇતિહાસનાં પ્રાધ્યાપક છે અને તેમના ‘પાર્ટનર’ (અને ભારતીય લોકસભાની વેબસાઇટ પર પોતાને અપરિણીત ગણાવતા) સુગત બોઝ પણ અમેરિકી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપકની સાથે જ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે. સુગત બોઝ પોતે નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટા ભાઇ સરતચંદ્ર બોઝના પૌત્ર છે. અયેશા અને સુગત બંને ઇતિહાસકારો પોત-પોતાના દેશના ઇતિહાસનું પુનર્લેખન કરવાનાં પક્ષધર છે.

પોતાના દેશની રચના અને વિકાસમાં હિંદુઓના યોગદાનને બિરદાવવાની સાથે જ સંબંધિત સત્તાવાળાઓને પાઠ્યપુસ્તકોમાં લઘુમતી કોમોના અગ્રણીઓના આદર્શ પુરુષોના યોગદાનને સમાવવાની વાત વહેતી મૂકવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે કરાંચીના દીપોત્સવી પ્રસંગને જ પસંદ કર્યો. ક્યારેક ભારતની આઝાદીની ચળવળના કોંગ્રેસી અગ્રણી રહેલા અને અલગ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બનેલા મોહમ્મદ અલી ઝીણાએ સ્થાપેલા કરાંચીના અંગ્રેજી દૈનિક ‘ડોન’માં તો વડા પ્રધાન શરીફના દિવાળી સંદેશ પર આવકાર્ય તંત્રીલેખ પ્રકાશિત કરીને એનું સમાપન આ કથનથી કરવામાં આવ્યું છેઃ ‘પાકિસ્તાનના નાયકો (હીરોઝ) જરૂરી નથી કે બહુમતીમાં જ હોય.’ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ માટેની આવી ખુલ્લી સ્વીકૃતિ સંભવતઃ પહેલી વાર જોવા મળે છે.

સંયોગ પણ જુઓ કે હજુ ગયા ફેબ્રુઆરી ૨૦૧૫માં મૃત્યુ પામેલા જસ્ટિસ રાણા ભગવાનદાસ વર્ષ ૨૦૦૭માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના સર્વપ્રથમ અને એકમાત્ર હિંદુ મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને બાંગલાદેશમાં સુપ્રીમ કોર્ટના સર્વપ્રથમ હિંદુ મુખ્ય ન્યાયમૂર્તિ એસ. કે. સિંહાની ત્રણ વર્ષની મુદત માટે નિયુક્તિ પણ જાન્યુઆરી ૨૦૧૫માં થઇ હતી. બ્રિટિશ ઇન્ડિયામાંથી અલગ થયેલા બે મુસ્લિમ-બહુલ દેશોમાં આવેલા પરિવર્તનમાં હિંદુ લઘુમતી સાથે ન્યાય તોળાશે કે કેમ એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter