પુનઃશ્ચ હરિઓમઃ સેવાગ્રામથી રામલીલા મેદાન

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 11th March 2015 06:46 EDT
 

સમગ્ર ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ અણ્ણા હઝારેનું નામ ખૂબ આદરથી લેવાય છે. મહાત્મા ગાંધીના માર્ગે ચાલનાર આ માણસ એકદમ ઓલિયો છે. ભ્રષ્ટાચાર નાબૂદી અને શરાબબંધીના ટેકામાં માત્ર આંદોલનો જ નહીં, આદર્શો તૈયાર કરનાર કિસન બાબુરાવ હઝારેએ ૭૭ વર્ષની વયે પણ ગાંધીબાપુના સેવાગ્રામ આશ્રમ (વર્ધા પાસે)થી દિલ્હીના રામલીલા મેદાન સુધીની ૧૧૦૦ કિલોમીટરની ત્રણ મહિના ચાલનારી પદયાત્રાની જાહેરાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘અચ્છે દિન’ના જે સ્વપ્ન દેખાડ્યાં હતાં એ અણ્ણાની દૃષ્ટિએ તો માત્ર ઉદ્યોગપતિઓ માટે જ અચ્છે દિન લઈ આવે છે. લોકસભા અને રાજ્યસભાની ચર્ચા જોનાર અને સાંભળનારને ભારતીય ખેડૂતોની જમીનોના અધિગ્રહણ માટે મોદી સરકારે ગત ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ જે વટહુકમ (ઓર્ડિનન્સ) બહાર પાડ્યો એ ખેડૂતવિરોધી હોવાનું ભાજપના મિત્રપક્ષોને પણ લાગી રહ્યું છે એટલે તો મોદી સરકાર વિપક્ષની કેટલીક બાબતો અંગેની સુધારા દરખાસ્તોને સ્વીકારી લઈને પણ રાષ્ટ્રવ્યાપી આંદોલનના શઢમાંથી હવા કાઢી નાંખવા આતુર છે. સામાન્ય રીતે અક્કડ મનાતા નરેન્દ્ર મોદીએ સંસદમાં અનેક મુદ્દાઓ પર વિપક્ષો તરફથી સાગમટે થઈ રહેલા હુમલાઓને ખાળવા માટે વાણિયાભાઈની મૂછ નીચી એ ન્યાયે સંકટ ટાળવા સમાધાનો કરવાની પણ તૈયારી દાખવવા માંડી છે.

ભાજપના મિત્રપક્ષો પણ જમીન અધિગ્રહણ અંગે મોદી સરકારની ભૂમિકાથી નારાજ છે એટલે અણ્ણા હઝારેના આંદોલનથી ભડકો થવાની શક્યતા જોઈ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી ભાજપના સત્તાધીશોએ કરી લીધી છે. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ દરમિયાન આ જ અણ્ણા હઝારેના ખભે ચડીને ભાજપ આણિ મંડળીએ કોંગ્રેસની રહીસહી આબરૂને ધૂળધાણી કરીને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરી હતી. એ વેળા ભાજપના નેતાઓ અને ભાજપ સમર્થક સાધુ-સંતોએ પણ રામલીલા મેદાન પર આંદોલનમાં સહભાગી થવા કે એને ટેકો આપવામાં ખૂબ સક્રિયતા દાખવી હતી. એ આંદોલનની પાર્શ્વભૂમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હોવાનું મંચની પાછળ સંઘને અભિપ્રેત ભારતમાતાનું વિશાળ ચિત્ર પણ ઝગારા મારતું હતું.

કોંગ્રેસની વિશ્વસનીયતા તળિયે બેઠી હતી અને આ આંદોલનના પ્રતાપે એક બાજુ ભાજપે લોકપ્રિયતાનો મોલ લણ્યો અને બીજી બાજુ અણ્ણાના સાથી અરવિંદ કેજરીવાલે રાજકીય પક્ષ ‘આમ આદમી પાર્ટી’ સ્થાપીને દિલ્હીની વિધાનસભાની ૨૦૧૩ની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો. ૪૯ દિવસ દિલ્હીના મુખ્ય પ્રધાન રહ્યા પછી કેજરીવાલે રાજીનામું આપીને લોકો સાથે દગોફટકો કર્યો અને દેશ મોદીના ઝંઝાવાતી ટેકા ભણી આગળ વધ્યો.

‘આપ’ પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ધોવાઈ ગઈ, પણ ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તો એણે ભાજપને પણ પાઠ ભણાવીને ચમત્કાર સર્જ્યો. ફરી કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા. અણ્ણા આંદોલનનાં બીજાં અગ્રણી અને ભારતનાં સર્વપ્રથમ મહિલા આઈપીએસ અધિકારી રહેલાં કિરણ બેદીને અરવિંદે આગ્રહ કર્યો ત્યારે રાજકારણમાં કૂદી પડવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો, પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીના ટેકે મુખ્ય પ્રધાન પદનાં ઉમેદવાર બનવા એમણે ભાજપનો ભગવો કબૂલ કર્યો. અણ્ણાના આંદોલનનાં બે અગ્રણી સામસામે લડ્યાં. કિરણ બેદી માટે તો હવેલી લેવા જતાં ગુજરાત ખોવાનો વારો આવ્યો અને મોદીનું નાક કપાય એવી નાલેશીભરી હાર દિલ્હીમાં મળી. કમનસીબે ‘આપ’ પક્ષવાળા પર દિલ્હીની પ્રજા વારી ગયા છતાં એમની આંતરિક યાદવાસ્થળી એટલી હદે વણસી છે કે અણ્ણાએ તો હવે પોતાની પદયાત્રા કે મંચથી રાજનેતાઓને દૂર રાખવાનો જ નિર્ણય કર્યો છે.

અણ્ણા મૂળ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પારનેર તાલુકાના રાળેગણ સિદ્ધિ ગામનાં. લશ્કરમાંથી ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં લડીને સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારીને પોતાને ગામ આવનાર અણ્ણાએ ગામમાં દારૂની ભઠ્ઠીઓ અને બીજી બદીઓ જોઈ એટલે દિલ દ્રવી ગયું. લોકોના જનજાગરણથી અણ્ણાએ પોતાના ગામને નશામુક્ત કર્યું. આદર્શ સ્થાપ્યો. સમગ્ર મહારાષ્ટ્રમાં એમણે વધુને વધુ આદર્શ ગામ તૈયાર કરવાનો સંકલ્પ કર્યો. રાજ્ય સરકારે પણ આ ગાંધીવાદી અગ્રણી કાર્યકરના માર્ગદર્શનમાં આદર્શ ગામ તૈયાર કરવાની યોજના એમને સોંપી. જોકે એ યોજનામાં ભલે ઝાઝી સફળતા મળી ના હોય, પણ ભ્રષ્ટાચાર નાબૂદી અને દારૂ જેવી બદીઓથી જનસમુદાયને દૂર રાખવા પ્રેરતાં આંદોલનો એમણે પૂરી નિષ્ઠાથી હાથ ધર્યાં. એમની સમાજસેવાની કદર તરીકે ભારત સરકારે એમને પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા ઈલકાબથી નવાજ્યા પણ ખરા.

ભ્રષ્ટાચારનાં અનેક પ્રકરણો બહાર લાવનાર અણ્ણાના પ્રતાપે અનેક પ્રધાનો અને અધિકારીઓની નોકરી ગઈ અને જેલવાસનો વારો આવ્યો. એટલે જ અણ્ણાને દેશમાંથી અને વિદેશમાંથી પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતી રહી. જોકે રાઈટ ટુ ઈન્ફર્મેશન (માહિતી અધિકાર)ના ચળવળકાર તરીકે અણ્ણાની કીર્તિ દેશ અને વિદેશમાં સુવાસ પ્રસરાવતી રહી.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) અને શિવ સેનાના પ્રધાનો - અગ્રણીઓએ અણ્ણાના પ્રતાપે પ્રધાનપદાં છોડવાં પડ્યાં કે પછી જેલવાસ વહોરવા પડ્યા. અણ્ણાને સમજાવી લેવા કે ધમકાવવાના પ્રયાસો થયા તો ઘણા, પણ આ ઓલિયો માણસ કોઈની સાથે સમાધાનો કે બાંધછોડની વાત કરવા તૈયાર જ નહોતો. અણ્ણાનો બીજાઓએ લાભ ખાટ્યો હશે, પણ અણ્ણાએ કોઈ અંગત લાભ ખાટવાને બદલે પોતાના સાદગીભર્યા જીવનની આહુતિ દેવાની તૈયારી સાથે જનસેવાને સમર્પિત રહેવાનું જ સ્વીકાર્યું.

વર્ષ ૨૦૧૨ના જુલાઈ-ઓગષ્ટમાં અણ્ણાના આમરણ ઉપવાસ અને જનલોકપાલ માટેના આંદોલને તો સમગ્ર દેશને ઘેલો કરી મૂક્યો. પલાંઠી વાળીને બેસવાનું નામ નહીં લેનાર આ ઓલિયો માણસ કોઈથી ડર્યા-ગભરાયા વિના ભલભલા ચમરબંધીઓની પણ સાડાબારી રાખ્યા વિના જ દેશની ચિંતા કરતાં ભ્રષ્ટાચારનાબૂદી અને પ્રજાની સુખાકારી માટે સદૈવ કૃતસંકલ્પ રહ્યો. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨નાં અણ્ણાનાં આંદોલનને પોતાના હિતમાં હાઈજેક કરી જનારા રાજકીય નેતાઓને હવે આ મહિનાના અંતમાં આદરવામાં આવનાર પદયાત્રાથી રાજનેતાઓને તો દૂર રાખવાનું એલાન કર્યું છે. ‘આપ’ પાર્ટીના અગ્રણી યોગેન્દ્ર યાદવને અણ્ણા મળ્યા ખરા, પણ પદયાત્રા કે મંચ પર એમને સ્થાન નહીં અપાય એવું તેમણે જાહેર કર્યું.

પાછલા આંદોલનમાં ‘ટીમ અણ્ણા’માં સંઘ-જનસંઘ-ભાજપની પાર્શ્વભૂ ધરાવનારાઓ સામેલ હતા. આ વખતે અણ્ણાએ રાજનેતાઓને દૂર રાખવાનો પ્રયાસ કરવાનું જાહેર કર્યાં છતાં ખેડૂતોના જનજાગરણના ટેકામાં અને મોદી સરકારની વિરુદ્ધમાં હાથ ધરાનારા આંદોલનમાં સંઘ-ભાજપના મોદીથી કથિત નારાજ ગણાતા બે અગ્રણીઓ તો પાછા અણ્ણાની સોડમાં ઘુસ્યા છે.

કે. એન. ગોવિંદાચાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક છે. ભાજપના અખિલ ભારતીય મહામંત્રી (સંગઠન) રહ્યા છે. ક્યારેક સાધ્વી ઉમા ભારતી સાથે લગ્ન કરવાના હતા, પણ એ શક્ય ના બન્યું અને અત્યારે બેઉ અપરિણીત છે. સાધ્વી ઉમા ભારતી ભારત સરકારમાં પ્રધાન છે એટલે કે મોદીનાં ગુણગાન ગાવામાં કોઈ મણા રાખતાં નથી. અગાઉ મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન પણ રહ્યાં છે. ગોવિંદાચાર્ય અણ્ણાની નવી ટીમમાં સામેલ છે, પણ નાગપુર (સંઘના મુખ્યાલય)નો રિમોટ એમના પર ચાલી જરૂર શકે. એવું જ કાંઈક ભાજપના સંસ્થાપકોમાંના એક એવા વયોવૃદ્ધ નેતા રામ જેઠમલાણીનું છે. એ ભાજપ સાથે જોડાય અને એનાથી વિમુખ થાય એની કોઈ નવાઈ નથી.

જેઠમલાણી મૂળ જનસંઘ ગોત્રના છે. એમનો દીકરો મહેશ જેઠમલાણી પણ ભાજપનો અગ્રણી રહ્યો છે. બંને જાણીતા ફોજદારી વકીલ છે. સ્વિસ બેંકોમાંથી ભ્રષ્ટાચારીઓનાં નાણાં પાછાં લાવવાનાં વચન આપીને વડા પ્રધાન મોદીએ ફેરવી તોળ્યાની વાતે જેઠમલાણી વંકાયેલા લાગે છે, પણ ગોવિંદાચાર્યની જેમ જ અણ્ણાની છાવણીમાં એ પણ નાગપુરના રિમોટ હેઠળ કામ કરે અને અંતે તો મોદીની વહેણમાં બેસે એ વાતની આશંકા રહે છે જરૂર. અણ્ણાનો સંઘ કાશીએ એટલે કે ખેડૂતોના હિતમાં મોદી સરકાર કને ધાર્યું કરાવી શકશે કે કેમ એ શંકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter