બિહારમાં ઓક્ટોબરની ચૂંટણીલક્ષી ઉહાપોહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 25th February 2015 10:42 EST
 

ભારતીય રાજકારણમાં ગુજરાત અને બિહાર કાયમ કેન્દ્રસ્થાને રહ્યા છે. અત્યારે ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે બિહાર એક નવો પડકાર બનીને ઉપસ્યું છે. દલિત-મહાદલિતના ભેદ સંઘની શાખામાં નહીં હોવાનું ગાઈવગાડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોંગ્રેસી સંસ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડો. કેશવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કહેતા હોવાનું સંઘસાહિત્યમાં વર્ણન આવે છે, પણ સંઘની રાજકીય પાંખ એવા ભારતીય જનતા પક્ષને બિહારમાં એકાએક મહાદલિત જીતનરામ માંઝીને વિધાનસભે ટેકો આપીને દલિત-મહાદલિત કાર્ડ ખેલવાનું મન થયુંઃ પાસા ઉલટા પડ્યા.

જીતનરામ માંઝી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ અસ્સલ ચૌધરી ચરણ સિંહની જેમ જ વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવા પહેલાં જ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી બેઠાં. માંઝીના રાજીનામાથી ફરીને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતિશ કુમાર માટે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પોતાના ૨૨ પ્રધાનો સાથે મુખ્ય પ્રધાન પદના શપથ લેવાનો માર્ગ મોકળો કરી દીધો.

મહાદલિત એવા જીતનરામ માંઝી લટકી ગયા. ભાજપની ચાલમાં આવ્યા અને ના ઘરના રહ્યા, ના ઘાટના. એમણે હવે ઓક્ટોબર ૨૦૧૫માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેસરિયા વાઘા પહેરવા કે પછી કોઈ બટુક પાર્ટી રચીને ભાજપના મિત્રપક્ષ બની નીતિશ કુમારને નુકસાન પહોંચાડવું એની દ્વિધા આજે છે.

નીતીશ કુમાર કુર્મી એટલે કે પટેલ જ્ઞાતિના ઉજળિયાત છે. બિહાર અને કેન્દ્રની સરકારોમાં એ પ્રધાન કે મુખ્ય પ્રધાન રહ્યા હોવા છતાં તેમના શિરે કૌભાંડોના કાળા ડાઘ લાગ્યા નથી, પણ અત્યારે તેઓ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અબજો રૂપિયાના ચારા કૌભાંડમાં ચૂંટણી લડવા માટે અપાત્ર ઠરેલા અને બિહારમાં જંગલરાજનો પર્યાય લેખાતા લાલુ પ્રસાદ યાદવની કંપનીમાં છે. કોંગ્રેસ પણ બિહારમાં લગભગ પતી ગયા છતાં નીતીશ કુમારના પ્રતિનિધિ એવા માંઝીએ બગાવત કરી ત્યાં લગી તેમની સરકારના ટેકામાં હતી.

મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફરીને ચંપારણ (બિહાર)માં કરેલા સત્યાગ્રહે એમને ભારતીય રાજકારણ અને આઝાદીની લડતમાં પ્રસ્થાપિત કર્યા હતા. એમ તો ગુજરાતમાં ૧૯૭૩માં નવનિર્માણ આંદોલનનો પ્રાણ ગણાયેલા લોકનાયક જયપ્રકાશ નારાયણે પછીથી પોતાના વતન-રાજ્ય બિહારમાં ઈંદિરા ગાંધીવિરોધી આંદોલન આરંભીને કેન્દ્રમાં જનતા પાર્ટીની મોરારજી દેસાઈ સરકાર સ્થાપિત કરવા સુધીનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. જે.પી.ના જ ચેલકાઓ આજે બિહાર અને રાષ્ટ્રીય રાજકારણમાં સામસામે છે, જે રીતે અણ્ણા હઝારેના ચેલકા અરવિંદ કેજરીવાલ (દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના સંયોજક) તથા કિરણ બેદી (દિલ્હીમાં ભાજપની નૈયા ડૂબાડનાર દેશનાં સર્વપ્રથમ મહિલા આઈપીએસ અધિકારી) આમનેસામને જણાય છે.

જે.પી. આંદોલનમાં પોલીસની લાઠીઓ ઝીલવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક રહેલા સ્વ. નાનાજી દેશમુખ હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સ્વદેશી જાગરણ મંચ (બેઉ સ્વ. દત્તોપંત ઠેંગડી જેવા મોટા ગજાના સંઘપ્રચારક અને સાંસદ દ્વારા સંસ્થાપિત) સાથે સંકળાયેલા કે. એન. ગોવિંદાચાર્ય પણ એ વેળા જે.પી. આંદોલનમાં બિહારમાં અગ્રેસર હતા. ગોવિંદાચાર્ય સંઘના વરિષ્ઠ પ્રચારક રહ્યા અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને ‘મુખવટો’ ગણાવવાની સજા પામીને ભાજપના સંગઠન મહામંત્રીના હોદ્દેથી રૂખસદ પામ્યા પછી અત્યારે વડા પ્રધાન મોદીના વિરોધમાં અણ્ણા હઝારેના નવઆંદોલનના આયોજકોમાં છે.

લાલુ પ્રસાદ યાદવ, શરદ યાદવ, નીતીશ કુમાર અને સુશીલ કુમાર મોદી જેવાં બિહારના રાજકારણમાં આજનાં મોટાં નામ ક્યારેક સાથે મળીને જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિય રહીને રાજકીય પાઠ શીખનારા નવનિશાળિયા હતા. આજે એમના રસ્તા ફંટાઈ ગયા છે. લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર તો જૂના સાથી અને છેક જનતા દળ સુધી સાથે રહ્યા, પણ પછી પ્રત્યેકની મહત્વાકાંક્ષા એમને એકમેકની દુશ્મની સુધી લઈ ગઈ અને હવે બેઉ પાછા અલગ અલગ રાજકીય પક્ષમાં ભલે હોય, સાથે મળીને બિહારની સરકાર ચલાવવા અને આવતી ચૂંટણીમાં ભાજપની ઝીંક ઝીલવાની તૈયારીમાં છે.

એમ તો બિહારમાં લાલુ પ્રસાદના જંગલરાજ સામે નીતીશ - શરદ યાદવના જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપએ સંયુક્ત લડત આપીને લાલુના દોઢ દાયકાના શાસનના ભુક્કા બોલાવીને મિશ્ર સરકાર રચી. જનતા દળ (યુ)-ભાજપની નીતીશ કુમારના વડપણવાળી સરકારમાં ભાજપના સુશીલ કુમાર મોદી (જૈન, ઓબીસી) નાયબ મુખ્ય પ્રધાન હતા. ભાજપના નેતૃત્ત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) થકી વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ નક્કી કર્યું એટલે વડા પ્રધાન પદના આકાંક્ષી નીતીશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને એકલો જાને રેનો આલાપ આરંભ્યો.

મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં ભાજપનો જયજયકાર થયો અને જનતા દળ (યુ), આરજેડી અને કોંગ્રેસના પ્રભાવનું ધોવાણ થતાં નીતીશ કુમારે મુખ્ય પ્રધાન પદ છોડીને પક્ષના બહુમતી ધારાસભ્યોના વિરોધ છતાં મહાદલિત એવા જીતનરામ માંઝીને પોતાના કહ્યાગરા સમજીને મુખ્ય પ્રધાન બનાવ્યા. જીતનરામે છેલ્લા થોડા વખતથી નીતીશના કહ્યાગરાનો ખેલ ખેલવાનું બંધ કરીને ભાજપની નેતાગીરી સાથેનું સંવનન વધાર્યું એટલે એમની પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ.

ભાજપને જનતા દળ (યુ) થકી મહાદલિતને અન્યાય થયાનું કાર્ડ રમવા મળ્યું. માંઝીને વિધાનસભામાં ટેકો આપવાની ભાજપની જાહેરાત છતાં વિધાનસભામાં ૨૦ ફેબ્રુઆરીએ શક્તિ પરીક્ષણ થાય એ પહેલાં જ માંઝીએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. ૨૨ ફેબ્રુઆરીએ નીતીશ કુમારના શપથવિધિમાં પણ જીતનરામ માંઝી સામેલ થયા.

બિહારમાં અસ્થિરતા સર્જવાનો દોષ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ કેન્દ્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઢોળ્યો. જોકે ભાજપ તરફથી ‘અમારે તો નીતીશ કુમાર અને જનતા દળ (યુ) થકી મહાદલિતને અન્યાય થયાની વાતને સાબિત કરવી હતી અને અમે મહાદલિતના પક્ષે રહ્યા’ એ પ્રકારનો ખુલાસો કરાયો. માયાવતી ભાજપ સાથે ઘર-ઘર રમીને સત્તા સુધી પહોંચેલાં અને ગબડેલાં છે. અત્યારે બિહારના રાજ્યપાલ તરીકે કાર્યરત કેસરીનાથ ત્રિપાઠીના અગાઉના ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ તરીકેના કાર્યકાળના અનુભવો છતાં બિહારમાં ભાજપ થકી માંઝીની નૈયાને ડૂબતી બચાવી શકાઈ નહીં.

સ્વયં માંઝીએ જ રાજીનામું આપ્યું એટલે રાજ્યપાલે નીતીશ કુમારને ચોથી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લેવા નિમંત્રણ આપ્યા વિના છૂટકો નહોતો. એ પહેલાં વિધાનસભામાં જનતા દળ (યુ) અને સાથીપક્ષો આરજેડી, કોંગ્રેસ અને સીપીઆઈ તથા અપક્ષ મળીને ૧૩૦ જેટલા ધારાસભ્યોનો ટેકો પોતાને હોવાનું નીતીશ કુમાર બિહારના રાજ્યપાલ જ નહીં, દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સમક્ષ ધારાસભ્યોની પરેડ કરાવીને દર્શાવી શક્યા છે. જોકે બોમાઈ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, બહુમતી વિધાનસભા કે લોકસભામાં જ પૂરવાર કરવી પડે. એ ન્યાયે ૨૦ ફેબ્રુઆરીએ જીતનરામ માંઝી ‘મારી સાથે ૧૪૦ ધારાસભ્યોની બહુમતી છે’ની ડિંગ હાંકતા રહ્યા, પણ વિધાનસભામાં શક્તિ પરીક્ષણ પહેલાં જ ફસકી ગયા.

અગાઉ વડા પ્રધાન બનવાની ચૌધરી ચરણ સિંહની લાલસા તેમને કટ્ટર વિરોધી એવા ઈંદિરા ગાંધી અને એમના પુત્ર સંજય ગાંધીના દરબારમાં કુરનિશ બજાવવા સુધી ખેંચી ગઈ હતી. તેમણે મોરારજી દેસાઈની સરકાર કોંગ્રેસના ટેકે ઉથલાવી તો ખરી, પણ લોકસભામાં બહુમતી સાબિત કરતાં પહેલાં જ હોદ્દેથી રાજીનામું આપી બેઠા હતા. બિહારમાં પણ એવું જ થયું. જનતા દળ (યુ)માંથી તગેડાયા પછી માંઝી સાથે પક્ષના ૧૦-૧૫ ધારાસભ્યો રહ્યા અને ભાજપના ટેકા છતાં બહુમતીના આંકને પહોંચી નહીં વળાય એટલે તેમણે મુખ્ય પ્રધાન પદ છોડ્યું.

મુખ્ય પ્રધાન પદ છોડતાં માંઝીએ કરેલાં નિવેદનો પણ હાસ્યાસ્પદ રહ્યાંઃ ‘મને અને મારા પ્રધાનોને મોતની ધમકીઓ અપાઈ અને નીતીશવાદી વિધાનસભાના અધ્યક્ષે ગુપ્ત મતદાનની અમારી માગણી સ્વીકારી નહીં, અન્યથા અને બહુમતી સાબિત કરી શક્યા હોત.’ બિહારની પોલીસ જીતનરામની કહ્યાગરી હોય, કેન્દ્રમાં મોસાળમાં મા પીરસનાર હોય તેમ વડા પ્રધાન મોદીને એમને ટેકો કરતા હોય, કેન્દ્રનું ગૃહ ખાતું અને બીજી એજન્સીઓ એમના ટેકામાં હોય ત્યારે બચવા માટે ‘મને ટેકો આપો અને પ્રધાનપદાં લઈ લ્યો’ની ખુલ્લી ઓફર કરવા છતાં એમની નૈયા ડૂબી ગઈ. હવે નીતીશકુમાર શું કાઠું કાઢે છે તે જોવાનું કારણ એમની અગ્નિપરીક્ષા ઓક્ટોબર ૨૦૧૫માં જ છે.

જીતનરામ માંઝી માટે પક્ષપલટા એ કાંઈ નવી નવાઈની વાત નથી. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ૧૯૮૦માં પહેલી વાર ચૂંટાતાંની સાથે જ પ્રધાનપદું મેળવવામાં સફળ થયેલા માંઝી દસ વર્ષ કોંગ્રેસમાં રહ્યા, એ પછીના દસ વર્ષ જેડી (યુ)માં રહ્યા. હવે પછીનાં દસ વર્ષ એ કયા પક્ષ સાથે ઘર માંડશે એ જોવું રહ્યું કારણ લાલુ કે રાબડીની સરકારમાં પણ પ્રધાનપદે રહેલાં જીતનરામ ગમે ત્યારે ગમે તેની સાથે જઈ શકે છે.

બિહારમાંના જૂના જનસંઘી-આરએસએસના નેતા પણ જ્યારે નીતીશ કુમારના જનતા દળ (યુ)માં જોડાતા હોય ત્યારે લાલુના આરજેડી અને નીતીશના જનતા દળ (યુ)માં ધાડ પાડીને અસંતુષ્ટ કે પ્રભાવી નેતાને ભાજપવાળા પોતાના ભણી વાળશે એવું હવે રહ્યું નથી. પ્રવાહ પલટાયો છે. બંને બાજુ આયારામ-ગયારામ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter