બિહારમાં પછાતોનો પછાતો સામે જંગ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 07th October 2015 10:26 EDT
 
 

ક્યારેક ઉજળિયાતો જ જયાં શાસન કરતા હતા એ બિહારમાં આજે પછાત વર્ગો શાસક બનાવવાનો અધિકાર પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. વિધાનસભાની ઓક્ટોબર-નવેમ્બર ર૦૧પની ચૂંટણીમાં જ્ઞાતિવાદી - જાતિવાદી - ધર્મવાદી સમીકરણોની બોલબાલા નકારવામાં આવતી હોવા છતાં તમામ રાજકીય પક્ષોએ ઉમેદવાર નક્કી કરવામાં જ્ઞાતિવાદી સમીકરણોને કેન્દ્રસ્થાને રાખીને જ નિર્ણય કર્યો છે. ૮ નવેમ્બરે ઈવીએમ મશીનના આંકડા જાહેર થાય અને બિહારની ર૪૩ બેઠકોના પરિણામ આવતાં પાંચ વર્ષના પાટલિપુત્રના સત્તાધીશોનો નિર્ણય જાહેર કરી દેશે. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમાર વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો સંઘર્ષ બિહારમાં ભગવો ફરકાવશે કે ભગવી બ્રિગેડને બ્રેક મારશે એ નિર્ણાયક બની રહેશે. અંગ્રેજ શાસને રાજધાની કોલકતાથી નવી દિલ્હી ખસેડી એના બીજા જ વર્ષે એટલે કે ૧૯૧રમાં બિહાર અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. એ એક દૃષ્ટિએ બંગાળીઓના આધિપત્યથી મુક્ત થવા સમાન હતું. શરૂઆતનાં વર્ષોમાં બિહારના વહીવટી તંત્ર અને શાસનમાં કાયસ્થોનું વર્ચસ હતું, ભલે એમની વસ્તી ઓછી હોવા છતાં.

અત્યારે બિહારની વસ્તી ૧૦ કરોડ ૪૦ લાખના આંકડાને વટાવી ગઈ છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી) અને અતિ પછાત વર્ગો (એક્સટ્રીમલી બેકવર્ડ ક્લાસ - ઈસીબી) કે પછી મોસ્ટ બેકવર્ડ ક્લાસ(એમબીસી)ની વસ્તી આજના બિહારનું ભવિષ્ય નક્કી કરે છે. દલિત - મહાદલિત, ઉજળિયાત ઉપરાંત મુસ્લિમો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે, પણ અહીં આદિવાસીની માંડ ૧.૩ ટકા વસ્તી હોવાથી નગણ્ય છે. પ૧ ટકા ઓબીસી કે ઈસીબીની વસ્તીમાં ૧૪ ટકા યાદવ, ૪ ટકા કુર્મી (પટેલ સમકક્ષઃ નીતિશ કુમાર), ૪ ટકા કુશવાહા (સમ્રાટ અશોકના વંશજ), ૮ ટકા કોયરી, ૩.૧ ટકા તેલી (નરેન્દ્ર મોદીના સમાજના) આવે છે. ૧૬ ટકા દલિતોમાં મહાદલિત (જીતનરામ માંઝી) અને થોડા અગ્રેસર રામ વિલાસ પાસવાન આવે છે. મુસ્લિમો ૧૬.૯ ટકા અને ઉજળિયાતોમાં ૩ ટકા ભૂમિહાર, પ ટકા બ્રાહ્મણ, ૬ ટકા રાજપૂત અને ૧ ટકા કાયસ્થ છે.

બિહાર ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જેવા અહિંસા અને શાંતિના મહાદૂતોનું પ્રભાવક્ષેત્ર હોવા છતાં ચૂંટણીમાં હિંસક અથડામણો અને બાહુબલિઓનો પ્રભાવ અહીં ઘણો રહે છે. ૧ર ઓક્ટોબરથી પ નવેમ્બર દરમિયાન પાંચ તબક્કામાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ થશે. સર્વેક્ષણ-પંડિતો અત્યારના તબક્કે નેક-ટુ-નેકની લડાઈ હોવાનું કહીને સુરક્ષિત ધારણા મૂકે છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવને વિજયી બનાવનારા સર્વેનાં તારણો ભલે હાસ્યાસ્પદ ઠર્યાં હોય, સર્વે કરનાર સંઘનિષ્ઠ વ્યક્તિના વડપણ હેઠળની કંપનીનાં તરભાણાં જરૂર ભરાયાં હતાં. રાષ્ટ્રીયકક્ષાએ પરિવર્તન લાવનાર બિહારનાં ચૂંટણી પરિણામ આ વખતે પણ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના મુખિયા નરેન્દ્ર મોદી અને સાથી પક્ષોનાં પાણી માપી લેનારાં નીવડશે. સામે પક્ષે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ તથા કોંગ્રેસના મહાગઠબંધને મોદી-પડકારની ઝીંક ઝીલવાની છે. ક્યારેક લોકનાયક જયપ્રકાશ નારાયણ (જે.પી.) પ્રેરિત સમૂળી ક્રાંતિ કે નવનિર્માણ આંદોલનના સાથીદારો આ વખતની ચૂંટણીમાં આમનેસામને છે.

સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જે.પી. પ્રેરિત નવનિર્માણ આંદોલનમાં, તેમનાં સંસ્મરણો મુજબ, ભૂગર્ભ ચળવળનો હિસ્સો હતા. ઈંદિરા ગાંધીની ઈમર્જન્સીમાં ડો. સુબ્રમણિયન્ સ્વામી જેવા રાષ્ટ્રીય નેતાઓને એસ્કોર્ટ કરવા કે તેડવા-મૂકવા જવાની જવાબદારી મોદી નિભાવતા હતા. આજે ડો. સ્વામી વડા પ્રધાન મોદીની મીઠી નજર માટે તડપે છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, તેમના પક્ષ જનતા દળ(યુનાઈટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ ઉપરાંત ભાવિ મુખ્ય પ્રધાન તરીકે જેમનો પ્રભાવી દાવો ગણાય એ પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી (ઓબીસી-જૈન), ચારા કૌભાંડને કારણે ચૂંટણી લડવા ગેરલાયક ઠરેલા છતાં રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહિતના બિહારી નેતા ક્યારેક લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ઈંદિરા ગાંધીની તાનાશાહી વૃત્તિ-પ્રવૃત્તિ સામે લડતના સહયાત્રી હતા. રામ વિલાસ પાસવાન ક્યારેક દલિતોના બિહારી નેતા જગજીવન રામના અનુગામી તરીકે વિક્રમી જીત મેળવવા માટે ગિનેસ બુકમાં નામ નોંધાવતા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાઓની સરકારોમાં તકવાદી રાજકારણ ખેલીને એ પ્રધાનપદું કાયમ ટકાવતા રહ્યા છે. બિહારના ૩૮ જિલ્લાઓમાં પ્રભાવ પાથરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મોદીના ‘હનુમાન’ અમિત શાહ વિજયપતાકા લહેરાવવા કોઈ પણ હદે જવાની તૈયારી સાથે બિહારમાં કેમ્પ કરી રહ્યા છે.

બિહારમાં પક્ષપલટાની પરંપરા એવી છે કે ભાજપના જે ધારાસભ્યો ટિકિટથી વંચિત રહે એ સીધા જ નીતિશ કુમાર ભણી દોટ મૂકે છે. નીતિશથી અસંતુષ્ટ એવા ધારાસભ્યોને ભગવી બ્રિગેડ પોતાના ભણી ખેંચી લે છે. આવા સંજોગોમાં ટિકિટોની ફાળવણી નાણાં સાટે કરાતી હોવા સહિતના આક્ષેપો કરવામાં ભાજપના આરાના સાંસદ અને દેશના ગૃહસચિવ રહેલા આર. કે. સિંહ અગ્રક્રમે રહે છે. અસંતુષ્ટ ભાજપી સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિંહા પણ સિંહની વાતમાં સૂર પુરાવે છે. દેશના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે એ વિશે સ્પષ્ટતા કરવી પડે એ સ્થિતિ કેટલી હદે નાજુક છે એ દર્શાવે છે. વડા પ્રધાન મોદી બાજુએ સારેલા કે તડકે મુકાયેલા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને બિહારની ચૂંટણીમાં કામે જોતરવામાં વ્યૂહાત્મક સોગઠી મારે છે. જોકે ભાજપની બિહાર જીતનો મદાર વડા પ્રધાનની ર૦ જેટલી રેલીઓ પર છે.

કોઈ એક પક્ષ બિહારમાં બહુમતી મેળવીને એકલે હાથે સરકાર રચવાની સ્થિતિમાં નહીં હોવાની વાસ્તવિકતાના પૂર્વાભાસથી વિવિધ મોરચા રચાયા છે. ભાજપ કેન્દ્રમાં સત્તાસ્થાને છે, બિહારમાં ઢગલાબંધ પ્રધાનોને પોતાના પ્રધાનમંડળમાં સ્થાન આપીને નરેન્દ્ર મોદીએ તો બિહાર કબજે કરવાની આગોતરી તૈયારી કરી રાખી છે. છેલ્લી બે ચૂંટણીમાં નીતિશ કુમારની જેડી (યુ) અને ભાજપ સાથે મળીને લાલુ પ્રસાદના ‘જંગલરાજ’ અને કોંગ્રેસના ‘ભ્રષ્ટ રાજ’ સામે જંગે ચડ્યા હતા. હવે નીતિશ અને ભાજપ આમનેસામને છે.

નીતિશ સાથે લાલુ પ્રસાદ અને કોંગ્રેસ મહાગઠબંધનમાં છે, તો ભાજપ સાથે રામ વિલાસ પાસવાન અને જીતનરામ માંઝીના દલિત મતમાં પ્રભાવ ધરાવનાર પક્ષ ઉપરાંત પૂંછડિયા ખેલાડી પણ છે. નીતિશ-લાલુ-સોનિયા ગાંધી સાથે મહાગઠબંધનના મંચ પર આવેલા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના ભાઈ શિવપાલ યાદવે લખનઊ પાછા ફરીને વેવાઈ લાલુ પ્રસાદ સાથેના ચૂંટણી જોડાણનો વિચ્છેદ કરાવ્યો. તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ સહિતનાઓ સાથેનો મોરચો રચીને બિહારની તમામ બેઠકો લડવાનું ઠરાવ્યું છે. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં શિવ સેના ભાજપની સરકારમાં પ્રધાનપદાં ધરાવે છે, છતાં બિહારમાં એણેય ઉમેદવાર ઉતારીને ભાજપની બાજી બગાડવી છે. એ જ રીતે એમઆઈએમના સાંસદ અસદુદ્‌દીન ઓવૈસી પોતાના પક્ષના ઉમેદવારોને ઉતારીને બિહારમાં મુસલમાનોના હમદર્દ ગણાવવાની કોશિશમાં છે. લાલુ-નીતિશ-સોનિયાના મોરચાને મળનારા મુસ્લિમ વોટમાં ઓવૈસી ભાગ પડાવીને ભાજપના વડપણવાળા મોરચાને લાભ પહોંચાડવા આતુર છે. સદ્‌ગત રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના ભત્રીજા એ. પી. જે. શેખ સલીમના ભાજપમાં જોડાવાની ઘોષણા બિહાર ચૂંટણી ટાણે જ થવાના સંકેત સ્પષ્ટ છે.

બિહારમાં જાતિવાદી-જ્ઞાતિવાદી સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારો નક્કી થતા હોવાથી તમામ રાજકીય પક્ષોએ રાજપૂત, ભૂમિહાર, બ્રાહ્મણ, કાયસ્થ, કુર્મી, કુશવાહા, યાદવ, ઈબીસી-વૈશ્ય, ઈબીસી, પાસવાન, મહાદલિત-આદિવાસી અને મુસ્લિમોને તેમની વોટ બેંક પ્રમાણે ટિકિટો ફાળવી છે. પ્રગટપણે તમામ પક્ષના નેતાઓ આ ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણોને કોરણે મૂકીને જાગૃત મતદાર મતદાન કરશે એવું કહે તો છે, પરંતુ દરેક તબક્કે જ્ઞાતિવાદી સમીકરણોનો વિચાર કરીને જ ઉમેદવાર નક્કી કરાય છે. વળી, આ વખતે તો ભાજપના મોરચા સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતના અનામત વિશે સ્ફોટક નિવેદનનો લાભ લેવાની ભરપૂર કોશિશ યાદવ નેતાઓ કરવાના જ. ભાજપ માટે બિહાર પછી પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશનો વારો છે. જે પાણીએ મગ ચડે એનો ઉપયોગ કરીને પણ લક્ષ્યપૂર્તિમાં કામિયાબ થવામાં માનનાર મોદી-શાહની જોડી બિહાર જીતે તો બાકીના કોઠા પાર કરવાનું સરળ માની રહી છે.

મોદીએ દિલ્હીમાં સત્તાનાં સુકાન સંભાળ્યા પછી હતાશ કોંગ્રેસ અને વેરવિખેર બાકીના વિપક્ષોને વડા પ્રધાન રીતસર નર્તન કરાવવાની સ્થિતિમાં છે. એટલું જ નહીં, વિકાસનાં લાખો કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત કરવાની પણ ક્ષમતા ધરાવે છે. સોમનાથથી અયોધ્યાની અડવાણીની રથયાત્રાને બિહારમાં, એ વેળાના ટોચના ભાજપી નેતાની ધરપકડ કરીને, રોકવાનો યશ લાલુ પ્રસાદ છો લેતા, એમની સેનાના ઘણાબધા આજે મોદી છાવણીમાં છે. લાલુના ખાસંખાસ રહેલા રામ કૃપાલ યાદવ કેન્દ્ર સરકારમાં પ્રધાન રહીને લાલુના પરિવારવાદને પડકારે છે ત્યારે પાસવાનના પરિવારવાદ ભણી આંખ મિંચામણા કરે એ સ્વાભાવિક છે. લાલુએ અડવાણીની ધરપકડ કરવા જે અધિકારીને પાઠવ્યા હતા એ આર. કે. સિંહ આજે ભાજપના સાંસદ છે. ૮ નવેમ્બર, ર૦૧પનાં પરિણામ કોની દિવાળી સુધારશે એ સમગ્ર દેશની આવતીકાલના લેખ લખશે. વિધાત્રીએ બિહારની ચૂંટણીના લેખ તો લખી રાખ્યા હશે, પણ એ ખુલશે દિવાળીના ત્રણ દિવસ પહેલાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter