ભાજપ અને શિવ સેનાનો સરકારી કલહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 04th November 2015 07:36 EST
 
 

છેક ૧૯૮૪થી હિંદુત્વના મુદ્દે સહકારથી સત્તાપ્રાપ્તિ માટે ભેગા થયેલા બે રાજકીય પક્ષો મહારાષ્ટ્રમાં સરકારમાં બેઠા હોવા છતાં છાસવારે ઘરકંકાસ અનુભવી રહ્યા છે. મોટા ભાઈ અને નાના ભાઈની ખેંચતાણ હવે તો બાપ સુધી આવી ગઈ છે. શિવ સેનાના દશેરા મેળાવામાં પક્ષપ્રમુખ ઉદ્ધવ બાળ ઠાકરેએ શિવાજી પાર્ક પરથી મિત્રપક્ષ ભારતીય જનતા પક્ષને જોરદાર ચાબખા માર્યા. ‘મંદિર વહીં બનાયેંગે, લેકિન તારીખ નહીં બતાયેંગે’ કહીને ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદની અયોધ્યાના રામમંદિર મુદ્દે ટીકા પણ કરી. જોકે છેલ્લે ઉદ્ધવે કહ્યું કે આમ છતાં અમે સરકારમાંથી છૂટા થવાનો નિર્ણય કર્યો નથી.

મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીમાં પણ ભાજપ અને શિવ સેના વચ્ચે ખાસ્સું વાક્‌યુદ્ધ ચાલી રહ્યું છે. ઠાકરે એસર્ટ કરવાની કોશિશ કરે છે, પણ ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પ્રતિકાર કરતાં કહ્યું કે અમે કાંઈ બંગડીઓ પહેરેલી નથી. આવી ટિપ્પણે વળી નવો વિવાદ સર્જ્યો છે. ફડનવીસે મહિલાઓનું અપમાન કર્યાનો હોબાળો મચ્યો છે. બંને પક્ષોને સત્તા છોડવાનું ગમે નહીં એ સ્વાભાવિક છે. સાથે જ શિવ સેના અગાઉ બિગ બ્રધરની ભૂમિકામાં હતી, પણ હવે વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદી જેવી આક્રમક વ્યક્તિ બેઠી હોય ત્યારે શિવ સેનાની દાદાગીરી સહન કરી લેવાની પક્ષની તૈયારી ના હોય એ સ્વાભાવિક છે.

અગાઉ ૧૯૯પના માર્ચમાં શિવ સેના અને ભાજપની સંયુક્ત સરકાર મહારાષ્ટ્રમાં બની હતી. એ વેળા સૌથી વધુ ધારાસભ્યો શિવ સેનાના હતા. આ વખતે ચિત્ર ઉલટું છે. હવે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધુ છે અને શિવ સેનાની સ્થિતિ ભાજપ પર અવલંબિત છે. શિવ સેનાના ધારાસભ્યો ઓછા છે એટલું જ નહીં, તેણે કેન્દ્રમાં જોડાવા અંગે પણ જે નખરાં કર્યાં એમાં નુકસાન એણે જ વહોરવું પડ્યું. શિવ સેનામાંથી મોદીએ શિકાર કરીને સુરેશ પ્રભુને ભાજપમાં ભેળવીને કેન્દ્રમાં પ્રધાન બનાવી દીધા.

શિવ સેના માટે સ્થિતિ નાજુક છે. મહારાષ્ટ્રમાં માંડ સત્તા મળી છે. કેન્દ્રમાં પણ સત્તામાં સહભાગ છે, છતાં અટલ બિહારી વાજપેયી જેવી વ્યક્તિ વડા પ્રધાનપદે હોય ત્યારે શિવ સેનાને વધુ ભાવ મળતો હતો એટલો ભાવ તો મોદી આપે નહીં. ઓછામાં પૂરું, શિવ સેના પ્રમુખ બાળ ઠાકરે અને ભાજપ નેતા પ્રમોદ મહાજન બેમાંથી કોઇ અત્યારે હયાત નથી. આવા સંજોગોમાં ઠાકરે-મહાજન વચ્ચે સમજણના જે સેતુ હતા એવા અત્યારે રહ્યા નથી. શિવ સેના પોતાની અવગણના થઈ રહ્યાનું અનુભવે છે એ વાત સ્વયં ઉદ્ધવ ઠાકરેએ પણ દશેરામેળાવામાં સ્પષ્ટ કરી. મુખ્ય પ્રધાન સમક્ષ જાણે કાકલૂદી કરતા હોય તેમ એમણે કહ્યું કે અમારા પ્રધાનોની ક્ષમતાનો ઉપયોગ તો કરો.

ભાજપ સામે વિકલ્પ તૈયાર છે. છાસવારે સરકારમાંથી છૂટા થવાની ધમકી આપનારી શિવ સેના ફારગતી લે તો શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) રાજ્યમાં ભાજપની સરકારને ટેકો આપવા તૈયાર છે. પવાર અને એમના ભત્રીજા અજિતદાદા પવારની ચોટલી ભાજપની નેતાગીરીના હાથમાં છે. મહાકૌભાંડોમાંથી એમને બચાવવાનું ભાજપની સત્તાસ્થાને બેઠેલી નેતાગીરીથી જ શક્ય બની શકે. આથી શિવ સેના સરકારમાંથી બહાર જાય તો અંદર આવવા કે બહારથી ટેકો આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ તૈયાર જ છે. રાજ્યપાલપદે ભાજપી નેતા વિદ્યાસાગર રાવ બિરાજમાન હોય ત્યારે સરકારને માથે ઓછું જોખમ રહેવું સ્વાભાવિક છે.

કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી હમણાં પવાર ખાનદાનની મુલાકાતે જઈ આવ્યા એ પણ શિવ સેનાની નેતાગીરી માટે સંકેત ગણવો પડે. અગાઉ વડા પ્રધાન મોદી પણ પવારના બારામતીની મુલાકાતે ગયા હતા. પવારને ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી કે પછી સોનિયા ગાંધીની કોંગ્રેસ સાથે અણબનાવ થયો છે ત્યારે ભાજપ કે તેના પૂર્વઅવતાર જનસંઘ સાથે રહીને પવારે સરકાર પણ રચી છે. જૂના સંબંધો નવેસરથી તાજા કરી શકાય અને મોદીમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત બેઉની યુતિ છે એટલે રાજ્યોના અને રાષ્ટ્રીય રાજકારણ પર એમનો દબદબો છવાયેલો છે.

શિવ સેના માટે બિહારની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આશાનું કિરણ લઈને આવે એવી અપેક્ષાથી જ એની નેતાગીરીએ ભાજપ સામે શિગડાં વીંઝવાનું ચાલુ કર્યું છે તેવું લાગ્યા વિના રહેતું નથી. બિહારની ચૂંટણીમાં મોદીને અપેક્ષિત પરિણામ ના મળે તો ભાજપે મિત્રપક્ષોને સાચવવા પડે. પણ મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને શિવ સેના માટે પાડવાનું શક્ય જણાતું નથી.

મહારાષ્ટ્રમાં ભાજપની નેતાગીરીને ભીંસમાં લેવા શિવ સેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને મોરચો રચવો પડે. એ સંજોગોમાં જ ભાજપની સરકારને ગબડાવી શકાય. જોકે દેડકાંની પાંચશેરી કરવા જેવા સંજોગાને કારણે શિવ સેના એક ચાલ રમવા જાય ત્યાં એના પાસાં ઉલટા પડવાની શક્યતા વધુ રહે. આવા સંજોગોમાં ભાજપની નેતાગીરી સામે પોતાનો કકળાટ ચાલુ રાખીને સત્તામાં લાભ ખાટવાની સતત કોશિશ કરતા રહેવાની ગરજ શિવ સેના અનુભવશે. જ્યાં લગી વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદી બિરાજમાન છે ત્યાં લગી શિવ સેનાની નેતાગીરીની જ નહીં, બીજા રાજ્યોના મુખ્ય પ્રધાનો અને પક્ષનેતાઓની ચોટલી પણ એમના હાથમાં જ રહેવાની.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter