ભાજપ શાસનથી ખુશ માતૃ સંસ્થાનો ભાવિ એજન્ડા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 05th September 2017 08:01 EDT
 
 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના રાજકીય ફરજંદ ભારતીય જનતા પાર્ટીથી પ્રસન્ન છે. આપણે ત્યાં કહેવત છે કે ‘વરને વરની મા વખાણે’. કેન્દ્ર અને રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકારો કાર્યરત છે ત્યારે એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રત્યેક સરકારની કામગીરીની સમીક્ષા સમયાંતરે કરે છે. હમણાં મથુરાના વૃંદાવનમાં માધવ કુંજ ખાતે દેશભરમાંથી સંઘ પરિવારનાં સંગઠનોના પ્રતિનિધિઓની સમન્વય બેઠક ત્રણ દિવસ ચાલી. સંઘની કામગીરી માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નથી, પ્રત્યેક ક્ષેત્રમાં કાર્યરત સંગઠનોના પ્રતિનિધિ થકી અહેવાલ આપવામાં આવ્યા, અપેક્ષાપૂર્તિ કેટલી થઈ એની ચર્ચા થઈ અને હવે પછીના કાર્યક્રમો પર ભાર મૂકાયો.

સંઘની સમન્વય બેઠકમાં કેન્દ્રની ભાજપ સરકારની ડોકલામ વિવાદ મુદ્દે ચીનને પાઠ ભણાવવા બદલ સરાહના કરવામાં આવી. સાથે જ એકંદરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની કામગીરીથી સંઘના હોદ્દેદારો પ્રસન્ન હોવાનું અનુભવાયું. જોકે, જ્યાં જે નેતાઓને ટપારવાની જરૂર હતી તેમને ખાનગીખૂણે સાફ શબ્દોમાં સુણાવવાનું કામ પણ સંઘના ‘અધિકારી’ થકી થયું છે. કાશ્મીરનો મામલો ત્રણ-ત્રણ વર્ષથી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં થાળે નહીં પડતો હોવા બાબત સંઘની નેતાગીરી ચિંતિત હોવાનું જણાયું. જમ્મુ-કાશ્મીરના યુવકોને માટે રોજગારીની તકો નિર્માણ કરીને એમને મુખ્ય ધારામાં લાવવાની અનિવાર્યતા પ્રતિપાદિત કરાઈ. ત્રિદિવસીય સમન્વય બેઠકને અંતે સરસંઘચાલક ડો. મોહનરાવ ભાગવતના વડપણ હેઠળ સંઘના સંગઠનોને જવાબદારી સોંપાઈ તેમાં મુખ્યત્વે ઈશાન ભારત, કેરળ અને કાશ્મીર કેન્દ્રસ્થાને રહ્યા છે.

સ્વદેશી માત્ર વસ્તુ નહીં, જીવનવ્યવહાર

સંઘની બેઠકમાંથી અખિલ ભારતીય પ્રચારપ્રમુખ ડો. મનમોહન વૈદ્ય મારફત સમાચાર માધ્યમો જોગ પ્રસારિત કરાતી બાબતોમાં સકારાત્મક બાબતો વધુ હોવા છતાં સમન્વય બેઠકની ચર્ચામાં સંઘના સંગઠનોની કાર્યવાહીની સમીક્ષા કરતી વેળા કડવી-મીઠી બધી બાબતોને આવરી લેવામાં આવી. સંઘ ભાજપની માતૃસંસ્થા હોવાથી અહીં માથું ટેકવવા આવનારાઓમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને વિવિધ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, ભાજપના અન્ય હોદ્દેદારોનો સમાવેશ હોવાથી મીડિયામાં એના રાજકીય ચિત્રને ઉપસાવવાના પ્રયાસ થતા હોવા છતાં ત્રિદિવસીય બેઠકમાં સ્વદેશીના વિચારના આચરણની બાબતમાં સારી એવી ટીકાત્મક ચર્ચા પણ થઈ.

‘અમારું લક્ષ્ય ઈન્ટિગ્રલ હોલિસ્ટિક લાઈફ’ છે એટલે કે ભારતીય વ્યવસ્થા માત્ર ભૌતિકવાદી નથી, એમાં એક પ્રકારની પવિત્રતા પણ હોવાની બાબત પર ભાર મૂકાય છે.’ સંઘની સ્વદેશી જાગરણ મંચ સંસ્થા તથા ભારતીય મજદૂર સંઘ એકંદરે કેન્દ્ર અને રાજ્યોની ભાજપી સરકારોની નીતિરીતિથી સંતુષ્ટ નહીં હોવાની બાબત પણ બેઠકમાં ઝળકવી સ્વાભાવિક છે. રોજગારીની તકો તથા કામદાર સુરક્ષાની બાબતો જોખમમાં મૂકાઈ રહ્યાની વાસ્તવિક્તા ભણી આ બંને સંગઠનો ઉહાપોહ મચાવતાં રહ્યાં છે. વાતો સ્વદેશી તથા મેઈક ઈન ઈન્ડિયાની થાય છે, પણ વિદેશી મૂડીરોકાણ પરનું અવલંબન વધી રહ્યાની હકીકત ભણી આંખ મિચાંમણાં કરવાનું શક્ય નહીં હોવાની બાબત પણ મંથનમાં સ્પષ્ટ થતી હતી.

કેરળમાં આંદોલનને તીવ્ર બનાવાશે

દેશભરમાં સૌથી વધુ શાખાઓ ચલાવાતી હોવા છતાં કેરળમાં ભાજપનો રાજકીય પ્રભાવ નહીંવત્ રહ્યો છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં વડા પ્રધાન મોદીએ ખૂબ જોર માર્યું છતાં ૧૪૦ બેઠકોની વિધાનસભામાંથી માત્ર એક જ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. હવે સંઘ-ભાજપ સાથે મળીને પ્રભાવ-વિસ્તરણ માટે આક્રમક આંદોલન જગાવવાનું આયોજન સમન્વય બેઠકમાં કરવામાં આવ્યું. છેલ્લા કેટલાય દાયકાઓથી કેરળમાં સંઘ અને માર્ક્સવાદીઓ વચ્ચે પારસ્પારિક હત્યાઓ અને વેરની વસૂલાતના દોર ચાલે છે. કેરળની માર્કસવાદી મોરચાની સરકાર સામે દેશભરમાં સંઘ પરિવાર તરફથી જનમત કેળવવાની કોશિશ થઈ રહી છે અને આવતા દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આડશે કેરળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા તરફના સંજોગો આકાર લે એવું લાગે છે. કેરળમાં ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદને આંદોલનમાં વધુ સક્રિય બનાવાય એવું લાગે છે.

સીમા જાગરણ મંચની રચના

મથુરાના વૃંદાવનની સમન્વય બેઠકનું મહાત્મય સીમા જાગરણ મંચ નામક નવા સંગઠનની રચનાના નિર્ણય સાથે સવિશેષ વધશે. ડોકલામ વિવાદે સંઘ પરિવારને સીમા સુરક્ષા બાબત જાગૃતિના પ્રયાસ વધુ મજબૂત કરવા માટે પગલાં લેવા પ્રેરવાને લીધે આ સંગઠન દેશના સીમાડાઓ પર વધી રહેલી આતંકવાદી ઘટનાઓને રોકવામાં સરકારી પ્રયાસોમાં સહયોગ કરતું રહેશે.

ડોકલામ વિવાદ બે મહિનાથી વધુ લાંબો ચાલ્યો અને એ પછી બ્રિક્સ શિખર પરિષદ પૂર્વે જ ભારત અને ચીન બંનેએ પોતાના દળો પાછાં ખેંચી લેવાનું નક્કી કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિયામેન ખાતે બ્રિક્સ દેશોની શિખર પરિષદમાં હાજરી આપવા ગયા અને સંઘ થકી એ મુદ્દે ભારતનો હાથ ચીન સામે ઉપર રહ્યો હોવાનું જણાવાયું છે. ભારતના સીમાડાઓ સુરક્ષિત રહે એ રાષ્ટ્રના હિતમાં અનિવાર્ય છે.

આંતરિક સુરક્ષા મજબૂત કરાય

ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં ભરે એવો ઉત્તર પ્રદેશમાં મળેલી આ સમન્વય બેઠકનો સંદેશ હતો. બેઠકમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમના બે નાયબ મુખ્ય પ્રધાન ડો. દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા. આંતરિક સુરક્ષાની સાથે જ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર પણ જરૂરી પગલાં ભરે, એવો આગ્રહ સંઘ તરફથી કરવામાં આવ્યો છે. બાંગલાદેશી ઘૂસણખોરો તથા મ્યાનમારના રોહિંગ્યાસની સમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી.

રામમંદિર નિર્માણ અને નોટબંધી

અયોધ્યામાં રામમંદિર નિર્માણનો મુદ્દો સંઘ પરિવારના એજન્ડામાં કેન્દ્રસ્થાને હોવા છતાં એ સુપ્રીમ કોર્ટમાં હજુ વિચારાધીન હોવાને કારણે સમન્વય બેઠકમાં એ વિશે હાથ ધરાયેલા ચિંતન વિશે ઝાઝી ચર્ચા મીડિયા સાથે કરવામાં આવી નહોતી. છતાં સંઘ અને ભાજપ તેમજ વિશ્વ હિંદુ પરિષદ એ વિશે સત્વરે મંદિર નિર્માણની કાર્યવાહી હાથ ધરાય એ બાબતે વિશ્વાસ ધરાવે છે. વિહિંપના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયા પણ આ બેઠકમાં હાજર હતા અને રામમંદિર તેમજ કેરળ સહિતના મુદ્દે વિહિંપ કાર્યક્રમો આપશે એવું અનુમાન છે. ભારત સરકારની નોટબંધી યોજના વિશે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. એકંદરે આ ત્રિદિવસીય ચિંતન રાજકીય પાંખ ભાજપની સરાહના અને સહયોગની દિશામાં હતું.

ભારતની મહાશક્તિ ભૂમિકા

ભારત હવે સુપરપાવર-મહાશક્તિની ભૂમિકામાં આગળ વધે એવું સમન્વય બેઠકમાં અપેક્ષિત મનાયું છે. ચીન સાથેના તાજા ટકરાવમાં ભારતની ભૂમિકા મજબૂત રહ્યા પછી હવે સામાજિક અને આર્થિક ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રણીની ભૂમિકા નિભાવે એવા સંકેત મળી રહ્યા છે. સંઘે જોકે, ભારતના શાસકોને ચેતવ્યા પણ છે કે વિશ્વમાં મહાશક્તિની ભૂમિકા અદા કરવા જતાં ભારતીયતાની મૂળ ભાવના અને ઓળખને અભેરાઈએ ચડાવી ના દેવાય એ જરૂરી છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર મૂકીને સ્વરોજગાર નિર્માણ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. પ્રત્યેક ક્ષેત્રમાં માત્ર સ્વદેશીના નામનું રટણ કરવાને બદલે વસ્તુ વપરાશમાં તથા ભાષા, વેશભૂષા અને સંસ્કૃતિમાં પણ સ્વદેશીના જતન પર ભાર મૂકવાનો આગ્રહ બેઠકમાં સેવવામાં આવ્યો હતો.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter