ભારત-પાક. મંત્રણાનાં દ્વાર ખોલતો કરતારપુર કોરિડોર

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 02nd July 2019 05:33 EDT
 
 

અંતે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક (૧૪૬૯-૧૫૩૯)ની ૫૫૦મી જન્મજયંતી (પ્રકાશપર્વ)ની ઉજવણી ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં અબોલાં તોડીને કરતારપુર કોરિડોર નિમિત્તે ૧૧-૧૪ જુલાઈ દરમિયાન બંને દેશોને મંત્રણાના મેજ પર આણશે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તેમને પુનઃ સત્તારૂઢ થવા બદલ પાઠવેલા અભિનંદન પત્રના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૨ જૂને વાળેલા ઉત્તરમાં ‘સમગ્ર વર્ષ દરમિયાન કરતારપુર કોરિડોર શ્રદ્ધાળુઓ માટે ચાલુ રહે એ માટે ઝડપી નિવેડો લાવવા’ આ મંત્રણાઓને લીલી ઝંડી આપ્યા પછી નવી દિલ્હીએ ઇસ્લામાબાદને મંત્રણાની તારીખો સૂચવ્યાનું વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે.

અત્યારે પાકિસ્તાનના પંજાબમાં આવેલા નાનકાનામાં જન્મેલા ગુરુ નાનકે જીવનનાં અંતિમ ૧૮ વર્ષ પાકિસ્તાનસ્થિત કરતારપુરમાં જ ગાળ્યાં હતાં. બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થકી પાકિસ્તાનની રચના વખતે પંજાબના પણ ભાગલા પાડવામાં આવ્યા હતા અને એ વેળા રેડક્લિફ ચુકાદા મુજબ, નાનકાના સાહિબ અને કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં ગયા છતાં દુનિયાભરના શીખ શ્રદ્ધાળુઓ માટે એ બંને આસ્થાનાં સ્થાન બની રહ્યાં છે. જોકે ભારતમાં ઈતિહાસ પુનર્લેખનનો જે વાયરો ફૂંકાઈ રહ્યો છે તેમાં કરતારપુર પાકિસ્તાનમાં ગયાના દોષનો ટોપલો પણ એ વેળાના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શિરે મઢવાની ઊછળકૂદ વધુ છે.

ભારતીય શ્રદ્ધાળુઓએ કરતારપુર તીર્થના દર્શને જવા માટે અત્યાર લગી વાયા લાહોર લાંબા માર્ગે જવું પડતું હતું, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના શપથવિધિમાં ભારતીય પંજાબના કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ ગયા ત્યારે પાક. લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવા કનેથી, ભારતીય પંજાબના ગુરુદાસપુર જિલ્લાના દેરા બાબા નાનકથી બંને દેશોની સીમા તરીકે વહેતી રાવી નદી પર પુલ બાંધીને માત્ર ૪ કિલોમીટર દૂર આવેલા કરતારપુર લગીના કોરિડોર માટે, અનુકૂળ સંદેશ લઈને આવ્યા હતા. શ્રદ્ધાળુ વગર વીસાએ આ યાત્રા કરી શકે એવી અનુકૂળતા પણ દર્શાવાઈ હતી. આમ છેક ૧૯૮૮માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીથી લઈને ૧૯૯૯માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ કોરિડોરનું નિહાળેલું સ્વપ્ન હવે સાકાર થશે.

કોરિડોરનો શિલાન્યાસ

જોકે પાકિસ્તાની લશ્કરના પંજાબી જાટ એવા જનરલ બાજવાને એ સમારંભમાં ગળે મળેલા વિશ્વ પંજાબી જાટ મહાસભાના અધ્યક્ષ ઉપરાંત ભૂતપૂર્વ ભાજપી સાંસદ અને હવેના કોંગ્રેસી નેતા સિદ્ધુ પર ખૂબ માછલાં ધોવાયાં હતાં. કરતારપુર કોરિડોર મુદ્દે યશ ખાટવાની રીતસરની હોડ મચી હતી. ખાન અને સિદ્ધુ વચ્ચે ક્રિકેટર રહ્યા ત્યારથી દોસ્તી હોવાથી શપથવિધિમાં નવજોતને ખાસ નિમંત્રવામાં આવ્યા હતા. એ પછી મોદી કેબિનેટે ૨૨ નવેમ્બર ૨૦૧૮ના રોજ એ અંગે સાનુકૂળ નિર્ણય કર્યો. સરહદની બંને બાજુ એનો શિલાન્યાસ પણ થયો હતો. ૨૬ નવેમ્બરે ગુરુદાસપુર જિલ્લામાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને હસ્તે મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહની ઉપસ્થિતિમાં કોરિડોરનો શિલાન્યાસ થયો હતો. ૨૮ નવેમ્બરના રોજ લાહોરથી ૧૨૫ કિ.મી. દૂર આવેલા નરોવાલમાં વડા પ્રધાન ઇમરાન ખાનને હસ્તે અને જનરલ બાજવાની ઉપસ્થિતિમાં કોરિડોરનો શિલાન્યાસ થયો. એ વેળા ભારત સરકારનાં બે પ્રધાન હરસિમરત કૌર અને હરદીપ સિંહ પુરી ઉપરાંત પંજાબના પ્રધાન સિદ્ધુ પણ હાજર હતા.

આ પછી યાત્રાળુઓની અવરજવર અંગેની મંત્રણાઓ ચાલતી રહી. પ્રારંભિક તબક્કામાં પાકિસ્તાન તરફથી ખાલિસ્તાનવાદી શીખ અગ્રણીને સમિતિમાં મૂકવામાં આવ્યા સામે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. જોકે ૧ જુલાઈ ૨૦૧૯ના રોજ વડા પ્રધાન મોદીને અકાલી દળના અધ્યક્ષ અને લોકસભા સભ્ય સુખબીર સિંહ બાદલના નેતૃત્વમાં શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી), બોર્ડ તખ્ત પટના સાહિબ અને દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (ડીએસજીએમસી)ના હોદ્દેદારોના મળેલા પ્રતિનિધિમંડળ પછી સ્પષ્ટ થયું હતું કે આગામી નવેમ્બરમાં ગુરુ નાનક દેવની ૫૫૦મી જન્મજયંતી ઉજવણી યોજાય ત્યાં લગી ભારત તરફથી કોરિડોરના બાકી રહેલા અડધા કામને પૂર્ણ કરી દેવામાં આવશે. ૧૨ નવેમ્બરે પંજાબના સુલતાનપુર લોધીમાં યોજાયેલા ઉજવણી સમારંભમાં હાજરી આપવા વડા પ્રધાને સંમતિ આપી છે. પાકિસ્તાન સહિત દુનિયાભરમાં પણ ગુરુ નાનકનું પ્રકાશપર્વ ઉજવાશે.

બંને દેશોનો સંયુક્ત ઈતિહાસ

પોતાના ૫,૦૦૦ વર્ષના ઈતિહાસને તાજો કરીને પાકિસ્તાને ભારત અને પાકિસ્તાનના સંયુક્ત ઇતિહાસનાં પ્રાચીન પાત્રો અને મહાપુરુષોની ઉજવણી કરવાની પહેલ કરવા માંડી છે. ભગવાન શ્રી રામના પુત્ર લવના નામે સ્થપાયેલા અત્યારના લાહોર મહાનગરની મહાપાલિકાની સત્તાવાર વેબસાઈટમાં ભગવાન શ્રી રામના પુત્ર લવથી લઈને શીખ સામ્રાજ્યના મહારાજા રણજીતસિંહ લગીનાનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરાયો છે. સરદાર ભગતસિંહના દેશકાજે બલિદાન વિશે લાહોર આજે પણ ગૌરવ અનુભવે છે. ભગતસિંહને શહીદ લેખાવતાં એમના નામે ચોકનું નામકરણ અને ઉજવણી થાય છે.

અગાઉ પાકિસ્તાનસ્થિત પ્રાચીન કટાસરાજ (શિવ) મંદિરના જીર્ણોદ્ધાર માટે પાકિસ્તાને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને અત્યારના પાકિસ્તાનમાં જન્મેલા લાલ કૃષ્ણ આડવાણીને નિમંત્રીને તેમને હસ્તે એનો શિલાન્યાસ કરાવ્યો હતો. એ પછી પવિત્ર કટાસરાજ સરોવરનું જળ પણ આડવાણીને પાઠવાયું હતું.

જોકે વચ્ચે બંને દેશોના સંબંધોમાં ખટાશ આવે છે, પણ બંનેના સહિયારા ઈતિહાસને કોઈ નકારી શકે તેમ નથી. હમણાં લાહોરમાં મહારાજા રણજીતસિંહની અશ્વ પર આરૂઢ પૂર્ણ કદની પ્રતિમાનું લાહોરમાં ઉદઘાટન થયું. લાહોર આ શીખ મહારાજાની રાજધાની રહ્યું છે. છેક ૧૯૪૭ના કમનસીબ ભાગલા લગી લાહોર ભારતમાં ગૌરવવંતુ સ્થાન ધરાવતું મહાનગર હતું, એટલું જ નહીં અનેક મહાન ભારતીય વિભૂતિઓનું જન્મસ્થળ તથા કેળવણી પ્રદાન કરનારું વિદ્યાધામ રહ્યું છે.

દુનિયાભરના હિંદુઓ માટે આસ્થાના પ્રતીક એવા વેદ ગ્રંથોની રચના જે સિંધુ નદીને કાંઠે થઇ હતી એ પવિત્ર નદી અને બાવન શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવનાર હિંગળાજ માતાનું મંદિર પણ પાકિસ્તાનમાં છે. પ્રાચીન શિક્ષણધામ તક્ષશિલા વિદ્યાપીઠ પણ ઇસ્લામાબાદ નજીક છે. યુનેસ્કો એને હેરિટેજ સ્થાનકમાં વર્ગીકૃત કરીને તેના જતન માટે કરોડો રૂપિયાનું અનુદાન આપે છે. કાશ્મીરી પંડિતો જ નહીં, સમગ્રપણે હિંદુઓ માટેનું આસ્થાસ્થાન ગણાતી શારદા પીઠનાં ભગ્ન મંદિરોનું સ્થાનક પણ અત્યારે પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીર (પીઓજેકે અથવા પીઓકે)માં છે. એને ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવાની માંગણીને પણ પાકિસ્તાન સાનુકૂળ પ્રતિસાદ આપવામાં છે.

જોકે બંને દેશો વચ્ચેના સંબંધોમાં જયારે જયારે વસંત મ્હોરવાની થાય છે ત્યારે કોણ જાણે કેમ એવાં છમકલાં થઇ જાય છે કે સંબંધો સામાન્ય કરવાના બંને બાજુથી હાથ ધરાતા સઘળા પ્રયત્નો પર પાણી ફરી જાય છે. આવા તબક્કે અપેક્ષા કરીએ કે કરતારપુર કોરિડોર ખુલતાં કોઈ અજુકતી ઘટના ના બને અને બંને દેશો પુનઃ મહાત્મા ગાંધી અને સરદાર પટેલને અભિપ્રેત સહિયારા વિકાસપંથ ભણી આગળ વધે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter