ભારતની આઝાદીનું અમૃત પર્વ ઊજવવાનો ભાજપી સંકલ્પ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 18th April 2017 10:36 EDT
 
 

ભારતમાં મોદીયુગની બોલબાલાને દેશની આઝાદીના સુવર્ણપર્વની આગામી ૨૦૨૨માં ઊજવણી લગી લંબાવવી છે. એ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી અજેય રહેલાં રાજ્યોમાં વિજયપતાકા લહેરાવવા આગેકૂચ કરવાના શપથ ભુવનેશ્વર ખાતે મળેલી પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં લીધા. નિત નવતર સૂત્રો ગજવીને પ્રજાને સુવર્ણ સ્વપ્નથી આંજી નાખતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ન્યૂ ઈન્ડિયાના નિર્માણની આહલેક્ જગાવી છે. એમના ‘હનુમાન’ એવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમનો પડ્યો બોલ ઝીલીને સત્તાપ્રાપ્તિના અશ્વમેધને આગળ ધપાવી રહ્યા છે. હવે વારો ગુજરાતનો છે.

ઉત્તર પ્રદેશ કબજે કર્યા પછી સંઘ પરિવારની સઘળી શક્તિને ગુજરાત તરફ વાળીને ફરી સત્તા કબજે કરવા માટે વડા પ્રધાને અત્યારથી રોડશો કરવા માંડ્યા છે. સૌરાષ્ટ્રની જળ યોજના ‘સૌની’ના દરેક તબક્કે લોકાર્પણ માટે મોદીને તેડાવીને પક્ષના અને સરકારના મોવડીઓ કોઈ વાતની કચાશ ના રહી જાય એ પાક્કું કરી લેવા માંગે છે. વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ચા પીવા જવાની અમિત શાહની સોગઠી બરાબર કામ કરી ગઈ છે. એક તો બાપુની પ્રતિષ્ઠા ખંડિત કરીને પક્ષમાં જ એમના ભણી શંકા-કુશંકા જગવવા માટેનો એ માસ્ટર સ્ટ્રોક સાબિત થયો. બીજી બાજુ, બાપુની સ્થિતિ એટલી કફોડી કરી કે એ નહીં તો એમની સેનાએ એટલે કે મહેન્દ્રસિંહ સહિતનાએ ભાજપની કૃપાદૃષ્ટિ રીતસર ભીખવી પડે. અગાઉ મોદી-શાહની જોડીએ કેશુભાઈ પટેલની જે અવસ્થા કરી હતી, એવું જ કાંઈક વાઘેલા બાપુનું કર્યું છે.

લપડાક મારનારાઓને ઠેકાણે પાડવા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ મોદી-શાહને જોરદાર તમાચો માર્યો છે. એવું જ કાંઈક બીજુ જનતા દળ (બીજેડી)ના મુખ્ય પ્રધાન નવીન પટનાઈક અને કેરળના કોમરેડો તેમજ તમિળનાડુના અન્નાદ્રમુકે કર્યું છે. ત્રિપુરા પણ હજુ માર્ક્સવાદી માણિક સરકારની સરકારને હવાલે છે. કર્ણાટકમાં કોંગ્રેસને સત્તામાંથી વિપક્ષ ભેગી કરવા માટે મોદી-શાહે સુરંગો ગોઠવવા માંડી છે. આજીવન કોંગ્રેસી એસ. એમ. કૃષ્ણાનું વ્રત તોડાવી એમના ગળામાં ભગવો ખેસ પહેરાવી દીધો છે.

કેન્દ્રમાં ૩૦ વર્ષમાં પહેલી વાર નરેન્દ્ર મોદીના મે ૨૦૧૪ના જુવાળમાં ભાજપને એકલે હાથે રાજ કરવા જેટલી બહુમતી આપી છે. જોકે, આવા જુવાળમાં પણ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા (હવે ઓડિશા), તમિળનાડુ અને કેરળમાં મોદીનો જાદૂ ચાલ્યો નહીં. આ મહેણું અસહ્ય છે. બિહાર વિધાનસભામાં ભાજપની કરુણ હાર કરતાં તળ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ‘આપ’નો ભવ્ય વિજય મોદીબ્રાન્ડ રાજકારણને અસહ્ય થઈ પડ્યો હોવાથી કેજરીવાલની પાર્ટી અને નેતૃત્વ વિરુદ્ધ ખુલ્લો જંગ છેડાયો છે. પંજાબ ગુમાવવાનો ગમ ભાજપની નેતાગીરીને એટલો નથી, જેટલો મમતા બેનરજી અને નવીન પટનાઈક સાણસામાં નહીં આવ્યાનો છે. કોંગ્રેસ તો બિચારી ગપોલીમાં ઘુસી ગયાની અવસ્થામાં છે. અથવા તો એના પ્રભાવી નેતાઓને ભગવા ખેસ પહેરાવીને પોતીકા કરવાનો પારસમણિ મોદી-શાહને સુલભ છે.

કલિંગ વિજય કેન્દ્રસ્થાને કેમ?

ભુવનેશ્વરમાં પક્ષની કારોબારી યોજાય એ પહેલાં ભાજપ થકી ક્યારેક પોતાના સાથી પક્ષ રહેલા બીજુ જનતા દળને પંચાયતની ચૂંટણીઓમાં મહાત આપ્યાની ગાજવાજ ખૂબ કરાઈ. હકીકતમાં પ્રચારતંત્ર એટલું બળુકૂ છે કે લોકો માની લેવા પ્રેરાય. વાસ્તવમાં ઓડિશામાં જિલ્લા પંચાયતોની ફેબ્રુઆરી ૨૦૧૭ના અંતમાં યોજાયેલી ચૂંટણીની કુલ ૮૫૪ બેઠકોમાંથી બીજુ જનતા દળને ૪૭૩, ભાજપને ૨૯૭, કોંગ્રેસને ૬૦ અને બાકીની ડાબેરી પક્ષો અને અપક્ષોને મળી છે. એનો અર્થ એ થયો કે મુખ્ય પ્રધાન પટનાઈકના પક્ષને જ મોટાભાગની બેઠકો મળી છે. કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડાં પાડ્યાં છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ૮૫૩ બેઠકોમાંથી બીજુ જનતા દળને ૬૫૪ અને કોંગ્રેસને ૧૨૮ બેઠકો મળી હતી. એટલું નિશ્ચિત છે કે પટનાઈકને ગાફેલ રહેવું પરવડે તેમ નથી કારણ ભાજપ બીજા ક્રમે છે

મોદી જુવાળ સોળે કળાએ ઝગારા મારતો હતો ત્યારે જ ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થઈ. લોકસભાની ૨૧ બેઠકોમાંથી બીજુ જનતા દળને ૨૦ અને ભાજપને રોકડી એક બેઠક મળી હતી. વિધાનસભામાં બીજુ જનતા દળને ૧૧૭, કોંગ્રેસને ૧૬, ભાજપને ૧૦ અને માર્કસવાદી પક્ષને ૧ બેઠક મળી હતી. ૨૦૦૨માં બીજુ જનતા દળ અને ભાજપ સાથે સાથે સરકાર ચલાવતા હતા, પણ બેઉ વચ્ચેની ફારગતી પછી ૨૦૦૯ની ચૂંટણીમાં પણ પટનાઈક મેદાન મારી ગયા હતા. એમની સેનાને તોડવાની ભાજપી કોશિશો ઝાઝી સફળ નથી થઈ, પણ ૨૦૧૯માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સુધી ચિત્ર ઘણું બદલાયું હશે. ક્યારેક સમ્રાટ અશોકે અજેય એવા અહીંના કલિંગને જીતવા બે લાખ લોકોની લાશો ઢાળીને પશ્ચાતાપ કર્યો હતો. વર્તમાન રાજકારણને આવા પશ્ચાતાપનો વખત નથી. વિજયપ્રાપ્તિ જ સંકલ્પ છે.

ભુવનેશ્વરમાં ૨૦૧૯ના વિજયનો ટંકાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી લોકસભાની ચૂંટણી પછી વર્તમાન વડા પ્રધાન મોદી વધુ પાંચ વર્ષ માટે ન્યૂ ઈન્ડિયાના સંકલ્પ સાથે કાર્યરત રહેશે એવો ટંકાર કર્યો. સમગ્રપણે સંઘ પરિવાર અને ૧૧ કરોડની સભ્યસંખ્યા ધરાવનાર ભાજપના પ્રત્યેક કાર્યકરને કામે જોતરેલા રાખવાની જવાબદારી શાહની છે. પાંચ રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતના મુખ્ય પ્રધાનના ખીલે બંધાઈ જવાની મહેચ્છાની પૂર્તિ કરવા અમિત શાહ ગાંધીનગર ભેગા થશે કે પછી દિલ્હીશ્વરના સાંનિધ્યમાં રહીને ચાણક્યનીતિને અમલી બનાવશે, એ હજુ સ્પષ્ટ થતું નથી. ખોળિયું ભલે દેશભરમાં પ્રવાસ કરે, પણ શાહનો જીવ તો ગાંધીનગરની ખુરશીમાં જ છે.

ભાજપી રાજ્યોમાં સત્તા ટકાવવાની છે

આવતા દિવસોમાં ભાજપ સામે જે રાજ્યોમાં પક્ષની સરકારો છે એ ટકાવવા અને નવાં રાજ્યો કબજે કરવાનો પડકાર છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જરૂર પડે તો નેતૃત્વ પરિવર્તન કરીને, રાજ્યના સૂબાઓને દિલ્હી દરબારમાં ગોઠવીને, નવા સૂબા નિયુક્ત કરીને અસ્સલ ઈંદિરા ગાંધી બ્રાન્ડ વ્યૂહને અનુસરવાનું નરેન્દ્રભાઈ કબૂલીને પણ જે તે રાજ્યમાં સત્તાપ્રાપ્તિને અંકે કરી લેવા માગે છે. કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસના ગઢમાં બાકોરાં પાડવા ઉપરાંત સંઘ પરિવારના હિન્દુત્વ એજન્ડાને ચમકાવતા રહેવાનો લાભ ભાજપને મળી શકે. હિમાચલ પ્રદેશ તો કોંગ્રેસ પાસેથી સેરવી લેવામાં ઝાઝી મુશ્કેલી નહીં નડે. આમ પણ સામ, દામ, દંડ અને ભેદની સઘળી અજમાઈશ કરીને પણ સત્તાપ્રાપ્તિને પામવાનું લક્ષ્ય નક્કી જ છે.

ગુજરાતમાં કોઠા ભેદવાનું મુશ્કેલ નથી

ગુજરાતમાં મુખ્ય પ્રધાનપદેથી આનંદીબહેન પટેલની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવાતાં કમસે કમ દોડતા મુખ્ય પ્રધાન, નિર્ણયો લેતા મુખ્ય પ્રધાન અને સૌની સાથે હળીમળીને કામ કરતા મુખ્ય પ્રધાન વિધાનસભાની ચૂંટણી કાલે આવવાની હોય એ રીતે કામે વળ્યા છે. પક્ષનું સંગઠન અને સંઘ પરિવાર સક્રિય છે. સંઘના વડા મોહનરાવ ભાગવતની મુલાકાતો પક્ષ-સંગઠન-સંઘ પરિવારના અસંતોષને ઠારવાનું કામ કરી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ શાહનું મુખ્યાલય પણ અહીં ખસેડાયેલું લાગે છે. વડા પ્રધાનના કાર્યક્રમો વધ્યા છે. સવાલ નાકનો છે. ગુજરાત બચ્યું તો નાક બચ્યું.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
 અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter