ભારતીય ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે કમનસીબ ટકરાવ અને વિવાદ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 01st May 2018 08:22 EDT
 
 

ભારતીય પ્રજાની અંતિમ આશા લેખાતી સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) છેલ્લા કેટલાક વખતથી વિશ્વસનીયતાની કટોકટીના ત્રિભેટે આવીને ઊભી છે. ન્યાયતંત્રને રાજકીય વિવાદમાં ખેંચવાના પ્રયાસો થઇ રહ્યા છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીની શાસનવેળા કહ્યાગરા ન્યાયતંત્ર (કમિટેડ જ્યુડિશિયરી) જેવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો હતો. નરેન્દ્ર મોદીના શાસનમાં હવે એવા જ આક્ષેપ ન્યાયતંત્રના મુખિયા વિશે થવા માંડ્યા છે.

સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક અંગે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના વડપણવાળા કોલેજિયમની ભલામણોને વર્તમાન સરકાર અનુકૂળતા મુજબ સ્વીકારે કે ફગાવે છે, એ વાત પણ વિવાદનો વિષય બની છે. ઉત્તરાખંડની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે. એમ. જોસેફને સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત કરવા માટે કોલેજિયમે સરકારને ભલામણ કરી, પણ એમની ફાઈલ પરત કરવામાં આવી. સામાન્ય રીતે વર્તમાન કેન્દ્ર સરકારને અનુકૂળ ગણાતા સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ આર. એમ. લોઢાએ પણ જોસેફની નિમણૂક નહીં કરાયાને ન્યાયતંત્રમાં સરકારી દાખલ ગણાવી છે. અગાઉ જસ્ટિસ જોસેફે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના મોદી સરકારના નિર્ણયને રદબાતલ ઠરાવ્યો હતો. જોકે જસ્ટિસ જોસેફની નિમણૂક અંગે પુનર્વિચાર કરવાના સરકારના નિર્ણયને એ વાત સાથે સંબંધ નહીં હોવાની ચોખવટ કેન્દ્ર તરફથી કરાઈ છે. કોલેજિયમ થકી એ વિશે પુનર્વિચાર કરવા ફરીને મળવાનો નિર્ણય થયો છે.

ગઈ ૨૦મી એપ્રિલે રાજ્યસભાના કુલ ૨૫૦માંથી ન્યૂનતમ જરૂરી ૫૦ને બદલે ૭૧ સભ્યોની સહીથી ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને હોદ્દેથી દૂર કરવા માટે મહાભિયોગ માટેનું આરોપનામું રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુને સુપરત કર્યું. ત્રણ જ દિવસમાં કાનૂન અને બંધારણ વિષયક નિષ્ણાતોનો મત જાણીને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ મહાભિયોગ માટેની દરખાસ્તને ફગાવી દીધી. એમના આ પગલાથી સમગ્ર ભારતમાં માત્ર રાજકીય જ નહિ, ન્યાયતંત્રને લગતા વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે.

સંયોગ એવો છે કે લગભગ અઢી દાયકા પછી ભારતની સર્વોચ્ચ અદાલતના કોઈ ન્યાયમૂર્તિને હોદ્દેથી દૂર કરવા માટે મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ)ની દરખાસ્ત સંસદ સમક્ષ રજૂ થઈ. એને સભાપતિએ ફગાવી દેતાં મામલો સર્વોચ્ચ અદાલતમાં લઈ જવાની કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ઘોષણા કરી છે.

અઢી દાયકા પછી મહાભિયોગ દરખાસ્ત આવી

અગાઉ ૨૯મી ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ રાષ્ટ્રીય મોરચા (નેશનલ ફ્રન્ટ), ડાબેરી મોરચા અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ૧૦૮ સભ્યોએ લોકસભાના અધ્યક્ષ (સ્પીકર) રવિ રે સમક્ષ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વી. રામાસ્વામીને હોદ્દેથી દૂર કરવા માટે મહાભિયોગની દરખાસ્ત કરી હતી. એ પછી એપ્રિલ ૨૦૧૮માં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત રાજ્યસભાના ૬૪ વત્તા ૭ સભ્યોએ રજૂ કરી છે. સંયોગ એવો છે કે જસ્ટિસ રામાસ્વામી વિરુદ્ધની મહાભિયોગની દરખાસ્ત વિરુદ્ધ એ વેળા લોકસભામાં એક ધારાશાસ્ત્રી તરીકે છ કલાક સુધી રજૂઆત કરનાર કોંગ્રેસ સાથે સંકળાયેલા સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ કપિલ સિબ્બલ આ વખતે જસ્ટિસ દીપક મિશ્રાને હોદ્દેથી દૂર કરવા માટેની મહાભિયોગની દરખાસ્તના પ્રણેતા છે. એટલું જ નહિ, એમણે જસ્ટિસ મિશ્રાની અદાલતમાં કોઈ કેસમાં હાજર નહિ થવાનું એલાન પણ કર્યું છે.

વર્તમાન મુખ્ય ન્યાયાધીશ મિશ્રાના કાકા અને અગાઉ ભારતના મુખ્ય ન્યાયાધીશ રહેલા રંગનાથ મિશ્રા સદગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે નિકટના સંબંધ ધરાવતા હતા, એટલું જ નહિ, તેમની નિવૃત્તિ પછી વર્ષ ૧૯૯૮થી ૨૦૦૪ દરમિયાન રાજ્યસભામાં મોકલવાનું પણ કોંગ્રેસે પસંદ કર્યું હતું. જસ્ટિસ રંગનાથ મિશ્રાના વડપણ હેઠળ મુસ્લિમોની સ્થિતિના અભ્યાસ અને ભલામણ માટે નિયુક્ત કરાયેલા પંચે પોતાના અહેવાલમાં મુસ્લિમો માટે ૧૦ ટકા અનામતની ભલામણ પણ કરી હતી.

રાજ્યસભાના નિવૃત્ત થયેલા સભ્યોના હસ્તાક્ષર

ભારતીય બંધારણની કલમ ૧૨૪(૪)માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદમાં તેમની સામે મહાભિયોગની દરખાસ્ત લાવવાની અને એ જો મંજૂર થાય તો સંબંધિત ન્યાયાધીશને હોદ્દેથી દૂર કરવાની જોગવાઈ છે. ન્યાયતંત્રની તટસ્થતા, સ્વતંત્રતા અને નિર્ભીકતા માટે બંધારણીય સુરક્ષાકવચની જોગવાઈ રાખવામાં આવી છે. કોંગ્રેસના વડપણ હેઠળના વિપક્ષ પાસે રાજ્યસભામાં બહુમતી હોવાથી એણે વિપક્ષોના સાથમાં મુખ્ય ન્યાયાધીશ મિશ્રા વિરુદ્ધ તેમની કથિત ગેરરીતિઓ અને અયોગ્ય વ્યવહારને લઈને મહાભિયોગની દરખાસ્ત પર ૭૧ સંસદસભ્યોના હસ્તાક્ષર સાથે એ રાજ્યસભાના સભાપતિને સુપરત કરાઈ હતી.

સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશો જે. ચેલમેશ્વર, રંજન ગોગોઈ, કુરિયન જોસેફ અને મદન લોકુરે પત્રકાર પરિષદ લઈને મુખ્ય ન્યાયાધીશના વલણ અંગે ‘ઓલ ઇઝ નોટ વેલ’ના સંકેત આપ્યા હતા. મુંબઈની સીબીઆઇ કોર્ટના ન્યાયાધીશ બી. એચ. લોયાના મોત અંગેના વિવાદે પણ ન્યાયતંત્રના મતભેદોને બહાર આણ્યા છે. મહાભિયોગની હિલચાલ તો આ બધા ઘટનાક્રમ દરમિયાન ચાલતી હતી. એટલે જે ૭૧ જણે હસ્તાક્ષર કર્યા હતા અને એ દરખાસ્ત ૨૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ સભાપતિને સુપરત કરાઈ ત્યાં લગી હસ્તાક્ષર કરનારા રાજ્યસભાના સાત સભ્યો નિવૃત્ત થઈ ચૂક્યા હતા.

વિપક્ષી એકતામાં શરૂઆતથી જ વિભાજનનાં દર્શન

રાજ્યસભાના સભ્યો દર છ વર્ષે વારાફરતી નિવૃત્ત થાય છે. જોકે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી ગુલામ નબી આઝાદે સ્પષ્ટતા કરવી પડી હતી કે અમારે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરવા માટે માત્ર ૫૦ સભ્યોના ટેકાની જ જરૂર પડે, સાત જણને બાકાત ગણાય તો પણ જરૂર કરતાં વધુ સભ્યોનો એને ટેકો છે. કોંગ્રેસ ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી), સીપીઆઇ-એમ, સીપીઆઇ, સમાજવાદી પાર્ટી અને મુસ્લિમ લીગના સભ્યોએ મહાભિયોગ દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતા. સલમાન ખુરશીદ જેવા કોંગ્રેસના નેતાએ પોતે આ દરખાસ્ત સાથે સંમત નહિ હોવાનું જણાવીને વિરોધ કર્યો હતો. આવા સંજાગોમાં જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધના મહાભિયોગની દરખાસ્તનો સૌથી પહેલો વિરોધ એમના વતન-રાજ્ય ઓડિશાના મુખ્ય પ્રધાન અને બિજુ જનતા દળના વડા નવીન પટનાઇકે કર્યો હતો. એ પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનરજીએ પણ એનો વિરોધ કર્યો છે.

મુખ્ય ન્યાયાધીશની ઓક્ટોબરમાં નિવૃત્તિ

ભારતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ૬૫ વર્ષની વયે નિવૃત્ત થાય છે. ત્રીજી ઓક્ટોબર ૧૯૫૩ના રોજ કટક (ઓડિશા)માં જન્મેલા જસ્ટિસ દીપક મિશ્રા બીજી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ નિવૃત્ત થવાના છે. એટલે એમની નિવૃત્તિ આડે છ મહિના પણ નથી ત્યાં જ એમના વિશેના વિવિધ વિવાદો તથા સાથી ન્યાયાધીશો સાથેના ટકરાવને પગલે મહાભિયોગની દરખાસ્ત આવી છે. જોકે વિપક્ષની રાજ્યસભામાં બહુમતી હોવા છતાં બિજુ જનતા દળ અને તૃણમૂલ કોંગ્રેસ ઉપરાંત અન્ય કેટલાક વિપક્ષી સભ્યો પણ મહાભિયોગની દરખાસ્ત મતદાન માટે ગૃહમાં રજૂ થાય તો એને ટેકો આપે નહિ એવી શક્યતાથી જસ્ટિસ મિશ્રાને હોદ્દા પરથી દૂર કરવાની સ્થિતિ નથી. આમ છતાં સત્તારૂઢ ભાજપ થકી કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓને તોડવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ થાય છે. સામા પક્ષે કોંગ્રેસ અને સાથી પક્ષો ભાજપ અને મિત્ર પક્ષો બંધારણ સાથે ચેડાં કરી રહ્યા હોવાની ફરિયાદ કરીને બંધારણ બચાવોના કાર્યક્રમો આદરે છે.

સાથે જ ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા પારદર્શી બને એ માટે ઝુંબેશ ચલાવી રહેલી સંસ્થા ‘નેશનલ લોયર્સ કેમ્પેન ફોર જ્યુડિશિયલ ટ્રાન્સપેરેન્સી એન્ડ રિફોર્મ્સ’ થકી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં નર્યો સગાવાદ ચાલી રહ્યાની વિગતો પ્રકાશિત કરવામાં આવે છે. ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના પ્રધાનો રામ વિલાસ પાસવાન સહિતનાએ ન્યાયતંત્રમાં પણ અનામત પ્રથા દાખલ કરવાની ખુલ્લેઆમ માગણી કરીને કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર પર ભીંસ વધારી છે. અત્યારે દલિત-આદિવાસી સમાજના એક પણ ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતમાં નહિ હોવાની ફરિયાદ સ્વયં મોદી સરકારના પ્રધાનો જ કરી રહ્યા છે. આવા સંજાગોમાં ભારતીય ન્યાયતંત્રમાં રાજકીય દખલગીરીની ફરિયાદો પણ વધી છે.

બારડોલી સત્યાગ્રહ અંગે ‘એશિયન વોઈસ’માં શ્રેણી

નેવું વર્ષ પહેલાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં નવો વળાંક લાવનાર બારડોલી સત્યાગ્રહ વિશે સાથી અખબાર ‘Asian Voice’માં આ લેખકની નિયમિત કટાર ‘Back to Roots’માં ૨૮ એપ્રિલ ૨૦૧૮થી ચાર હપ્તાની ખાસ શ્રેણી શરૂ કરાઈ છે. આ શ્રેણીમાં બેરિસ્ટર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નેતૃત્વમાં બ્રિટિશ હકૂમતને ગૌરવવંતા ગુજરાતીઓની શક્તિ અને લડતનો અનોખો પરિચય રજૂ થયો છે. બારડોલી સત્યાગ્રહથી જ વલ્લભભાઈ રાષ્ટ્રીય કક્ષાએ ‘સરદાર’ તરીકે ઉપસ્યા હતા. પોતાના ગુરુ મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય લડતને પણ બારડોલી સત્યાગ્રહની સફળતા થકી નવું બળ પૂરું પાડનાર સરદાર પટેલ વિશે ગાંધીજીએ કહેવું પડેલું કે ‘મને સરદાર ના મળ્યા હોત તો હું જે કંઇ કરી શક્યો તે કરવાનું મારા માટે અશક્ય હતું.’ બારડોલી સત્યાગ્રહની અંતરિયાળ વાતો સાથે જ સરદારની મડદાંને પણ બેઠાં કરવાની બેનમૂન ક્ષમતાનો પરિચય બ્રિટિશ હકૂમતને કઈ રીતે થયો, એ સઘળા ઘટનાક્રમને તાજો કરવા માટે રખે ચૂકતા ડો. હરિ દેસાઈની કલમે બારડોલી સત્યાગ્રહની એ શ્રેણી, ‘એશિયન વોઈસ’ને પાને, ચાર હપ્તામાં.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter