ભારતીય બ્યૂરોક્રસીઃ સરદાર પટેલ વિરુદ્ધ નરેન્દ્ર મોદી

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 29th April 2015 06:57 EDT
 

વડા પ્રધાનપદે ઈંદિરા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી, સત્તાધીશોને સદૈવ કહ્યાગરા અને લળીલળીને આદેશોનું પાલન કરનારા જ સરકારી અધિકારીઓનો ખપ હોય છે. સત્તાધીશોને કહ્યાગરા અધિકારીઓ મળે એટલે બાકીનું સઘળું તંત્ર કહ્યાગરું થવું સ્વાભાવિક છે. આદેશોનું પાલન કરવામાં નિયમ બતાવનારાઓને ‘શન્ટઆઉટ’ કરવાની પરંપરા છે એ હજુ હમણાં જ હરિયાણાની આઈએએસ કેડરના નિષ્ઠાવંત અધિકારી અશોક ખેમકાની બદલીના ભાજપી શાસનમાં બહુચર્ચિત કાંડમાં જોવા મળ્યું. ખેમકા નિષ્ઠાવંત અધિકારી તરીકે ૪૫ કરતાં વધુ બદલીઓની પરંપરાનો ભોગ બન્યા છે. કોંગ્રેસના શાહજાદા રાહુલ ગાંધી અને એમના બનેવી રોબર્ટ વાડરા સાથેનાં પ્રકરણોમાં ખેમકા અવરોધ સર્જતા હતા એટલે હરિયાણાની કોંગ્રેસી સરકાર એમની બદલીઓ કરતી હતી એવી ઉહાપોહ ચૂંટણીના દિવસોમાં ભાજપી નેતાઓએ ખૂબ મચાવી. હવે હરિયાણામાં ભાજપની સરકાર છે. ખેમકા એને ય અનુકૂળ નથી અને બદલીઓનું ચક્ર ચાલુ છે.

સત્તાધીશોને એમનો પડ્યો બોલ ઝીલનારા સરકારી અધિકારીઓ ખપે છે. ઘણા અધિકારી રાજનેતાઓના કહ્યાગરા બની રહેવામાં સ્વનું કલ્યાણ નિહાળતા હોય છે. રાજકીય સત્તાધીશો બદલાય એટલે આવા સરકારી અધિકારીઓ નવા સત્તાધીશની ગુડબુકમાં આવવા માટે ગમે તે કામ કરી દેવાની તાલાવેલી ધરાવે છે. રાજકીય શાસકો અને પ્રશાસકો એકમતી ધરાવે તો ચૂંટણીમાં આપેલાં વચનોનું સુપેરે અમલીકરણ થઈ શકે એવું પ્રગટપણે કહેવાય છે. નિયમો આડા આવતા હોય, કાયદા અવરોધ સર્જતા હોય તો બહુમતી ધરાવનાર સત્તાધીશ કાયદામાં સુધારો કરાવી લે છે, વટહુકમ બહાર પાડી દે છે, લોકસભા કે વિધાનસભામાં પોતાને અનુકૂળ સુધારા સાથેની કાનૂની જોગવાઈ મંજૂર કરાવી દે છે. સરમુખત્યાર શાસનમાં આવું ચાલે એ સમજી શકાય છે, ચીન જેવા કમ્યુનિસ્ટ શાસનમાં આવા ખેલ ખેલાય એ પણ સમજી શકાય છે, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં બહુમતીના જોરે, અધિકારીઓના ટેકે, રાજકીય અપેક્ષાની પૂર્તિના નામે આવા ખેલ ખેલાય ત્યારે એ કવાયત રાષ્ટ્રના અને પ્રજાના હિતમાં છે કે કેમ એની ચર્ચાને પણ ભાગ્યે જ સ્થાન અપાયે ત્યારે તો હદ થાય છે.

ભારત બ્રિટિશ શાસન હેઠળથી ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ સ્વતંત્ર થયું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી પ્રજાસત્તાક બન્યું. એનું બંધારણ ઘડતી વેળા દીર્ઘ ચર્ચાઓ થઈ. રાજકીય શાસકો તો આવે અને જાય, પણ કાયમી નોકરશાહી (પરમેનેન્ટ બ્યુરોક્રસી)નો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો કારણ કે નોકરશાહોને દેશનાં હિતના સાચા કસ્ટોડિયન તરીકે સ્વીકારવામાં આવ્યા.

વીતેલા કોંગ્રેસી શાસનના દાયકાઓમાં રાજકીય નેતાગીરી અને કહ્યાગરા નોકરશાહોએ મળીને દેશને અસીમ નુકસાન પહોંચાડ્યું. હવે નવી આશા - આકાંક્ષાઓ લઈને નરેન્દ્ર દામોદરદાસ મોદી જેવા ડાયનેમિક અને લોકપ્રિય વડા પ્રધાન સત્તારૂઢ થયા હોય ત્યારે કોંગ્રેસયુગનાં કાળાં કરતૂત દૂર કરશે અને પ્રજાલક્ષી લોકશાહી પ્રેરિત નવાં સ્વપ્નાંનું વાવેતર કરશે એવી અપેક્ષા જાગવી સાહજિક હતી. ઓછામાં પૂરું, અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈને, એમને થયેલા અન્યાયની કહાણી ચૂંટણી ટાણે દેશવાસીઓને વારંવાર સુણાવીને કોંગ્રેસ અને નેહરુને ભાંડી (એ જ કોંગ્રેસના સર્વસત્તાધીશ અગ્રણી અને નેહરુના એકદમ નિકટના સાથી સ્વયં સરદાર પટેલ હતા એ વાતનું સ્મરણ રહે!) સાઉથ બ્લોક પર ભગવી બ્રિગેડના (આરએસએસના સંસ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવાર પણ છેક ૧૯૩૭ સુધી કોંગ્રેસી રહ્યા!) પ્રતિનિધિ તરીકે નરેન્દ્ર મોદીનું આગમન થતાં સરદારનાં સમણાં સાકાર થવાની અપેક્ષા રહેવી સ્વાભાવિક છે.

સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ભારતના પ્રથમ ગૃહ પ્રધાન. આ દેશમાંથી અંગ્રેજ શાસન વિદાય થઈ રહ્યું હતું ત્યારે બ્રિટિશ હકૂમતના ઈન્ડિયન સિવિલ સર્વિસ (આઈએએસ) અને ઈન્ડિયન પોલીસ (આઈપી)ના તંત્રનો વિકલ્પ ઊભો કરવાનું શ્રેય સરદાર પટેલને ફાળે જાય છે. એમના પ્રતાપે જ આજની આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિટવ સર્વિસ) અને આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ)નું તંત્ર ઊભું થયું.

બંધારણ સભામાં સરદાર પટેલે સનદી સેવાના અધિકારીઓ વિશે જે મત વ્યક્ત કર્યો હતો એનું પઠન વર્તમાન સનદી અધિકારીઓ કરી જાય તો તેઓ ક્યારેય રાજકીય શાસકોની જીહજૂરી કરીને કે કહ્યાગરા બનીને અંગત સ્વાર્થ ખાતર કાર્યરત રહેવાને બદલે રાષ્ટ્રના હિતનો જ વિચાર કરીને સ્વતંત્રપણે કાર્ય કરે એવું અમોને લાગ્યા વિના રહેતું નથી. બંધારણ સભામાં ૧૦ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ સરદાર પટેલે કહેલા શબ્દોને અમે ‘બ્યુરોક્રસીના મેગ્નાકાર્ટા’ તરીકે ઓળખવાનું પસંદ કરીએ છીએ. એના અંશ કંઈક આવા હતાંઃ

‘તમારે જો કાર્યક્ષમ અખિલ ભારતીય સેવાનો ખપ હશે તો મારી તમને સલાહ છે કે તમારે સેવારત અધિકારીઓને મુક્તપણે મોંઢું ખોલવાની મોકળાશ બક્ષવી પડશે. તમે વડા પ્રધાન (મુખ્ય મંત્રી) હો તો તમારી ફરજ બને છે કે તમારા સચિવ કે મુખ્ય સચિવ કે તમારા હાથ નીચેના બીજા સેવારત અધિકારીઓને કોઈ પણ જાતના ભય કે પ્રીત વિના (ડર કે તરફદારી વિના) તેમને મત વ્યક્ત કરવાની મોકળાશ બક્ષો. જોકે હું આજે કેટલાક પ્રાંતોમાં એવું વલણ જોઉં છું જ્યાં સેવા અધિકારીઓને કહી દેવાય છેઃ ‘નહીં, નહીં તમે તો નોકરિયાત છો, અમે જે આદેશ આપીએ તેનું તમારે પાલન કરવાનું છે.’ આવા (વર્તનથી) તો ભારતીય સંઘ ખાડે જશે - સંયુક્ત ભારત નહીં રહે. તમારી અખિલ ભારતીય સેવાને સ્વતંત્રપણે પોતાનો મત વ્યક્ત કરવામાં સલામતી નહીં અનુભવાય અને સંસદમાં તમે એમનાં હિત અને અધિકારોનું રક્ષણ નહીં કરો તો સંયુક્ત ભારત રહેશે ક્યાંથી? તમારે આવું કરવું ના હોય તો આ બંધારણ ઘડવાની જરૂર ક્યાં છે. એને બદલે ગમે તે મૂકો. કોંગ્રેસનું બંધારણ કે પછી બીજું કોઈ કે આરએસએસનું બંધારણ - તમને ગમે તે બંધારણ અમલમાં લાવો, પણ આ તો નહીં.’

સરદાર પટેલને કહ્યાગરા સચિવો ખપતા નહોતા એને પોતાના ખાતાના સચિવોને ‘તમે મારાથી જુદો મત ધરાવતા હો, તમને એ રાષ્ટ્રના હિતમાં લાગતો હોય, તો એ પ્રકારની જ નોંધ મૂકજો.’ એવી સલાહ એ આપતા હતા.

સરદાર પટેલથી વિપરીત વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસ ડેના તાજેતરના કાર્યક્રમમાં ‘લોકશાહીમાં રાજકીય દખલગીરીને (હસ્તક્ષેપ)ને વાજબી’ લેખાવતાં નોખા સંકેત આપ્યા હતા. તણાવમુક્ત બ્યૂરોક્રસીનો એમણે આગ્રહ સેવ્યો એ આવકાર્ય બાબત છે, પરંતુ રાજકીય સત્તાધીશોથી નોખો મત ધરાવવો એટલે તણાવ વહોરવો એ વાત સ્વયં સ્પષ્ટ છે.

સંભવતઃ એટલે જ ગુજરાતના પ્રતિષ્ઠિત અને સમાજમાં માન ધરાવતાં ૧૦૧ વર્ષના નિવૃત્ત આઈએએસ અધિકારી વસંતભાઈ મહેતાએ વેદનાના સૂરમાં કહેવું પડ્યુંઃ ‘આજના અધિકારીઓ શાસકોના યસ-મેન બન્યા છે.’ સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્ય પ્રધાન ઉછરંગરાય ઢેબર સાથે સ્વમાનભેર કાર્યરત રહેનાર વી. એમ. મહેતાનું યોગદાન પણ ઘણું મોટું છે. ૧૯૫૨થી ’૭૨ લગી એમણે સનદી સેવા (આઈએએસ)માં કામ કર્યા પછી આયુર્વેદ યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવાઓ આપી છે.

૧૦૧ વર્ષના મહેતા સુપેરે જાણે છે કે રાજકીય નેતાગીરીને અનુકૂળ રહીને કામ નહીં કરનાર સનદી અધિકારીઓના હાલ કેવા થાય છે. એલ. આર. દલાલ જેવા અધિકારી સાથેના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલ સહિતના શાસકોના વ્યવહાર છતાં ગુજરાતના વિકાસમાં યોગદાન આપનારાઓમાં દલાલ જેવા આઈસીએસ અધિકારીનો ઉલ્લેખ કરવાનું એ ચુકતા નથી. ‘સનદી સેવાના સંભારણાં’ નામના આત્મકથાનક લખનાર દલાલ અનેક અધિકારીઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા. સદી વટાવી ચૂકેલા મહેતા કહે છેઃ ‘એક સમય હતો કે કોઈ પણ સમસ્યા હોય, તે કલેક્ટરથી આગળ જતી જ નહીં. (એ કલેક્ટરના સ્તરે જ ઉકેલાઈ જતી.) આજે વાત વાતમાં રાજકારણીઓ અને પ્રધાનો આવે છે. સનદી અધિકારીઓ રાજકારણીઓના કહ્યાગરા બની રહ્યા છે.’

સનદી અધિકારીઓએ સ્વહિત કરતાં રાષ્ટ્રના હિતને અગ્રિમ ગણવાના શપથ લીધા હોય છે, પરંતુ ક્યારેક લાલુ પ્રસાદના રાજમાં તેમની સિગરેટ સળગાવનારા કે બૂટની દોરી બાંધી આપનારા અધિકારીઓ અંગે વિરોધ દર્શાવી હિંદુસ્તાની આંદોલનના નેજા હેઠળ આંદોલન જગાડનારા જનરલ એસ. કે. સિંહા આજના યુગમાં પણ આવી પરંપરાને અખંડ જોઈને કેટલા વ્યથિત થતા હશે એ કલ્પવું મુશ્કેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter