ભારતીય રાષ્ટ્રપતિ અને પ્રજાસત્તાક દિનની ઊજવણીનું મહાત્મ્ય

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 24th January 2018 11:07 EST
 
 

ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયું, પણ એ પ્રજાસત્તાક બન્યું ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ. લગભગ ત્રણેક વર્ષની ભારે જહેમત બાદ બંધારણ નિર્માતાઓએ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતીય બંધારણ સ્વીકાર્યું. વેસ્ટમિન્સ્ટર સંસદીય પ્રણાલીનો સ્વીકાર કરાયાથી ભારતમાં સત્તાનાં સૂત્રો વડા પ્રધાન પાસે રહેતાં હોવા છતાં રાષ્ટ્રના વડા તરીકે રાષ્ટ્રપતિના નામે જ તમામ વહીવટ ચાલતો રહે છે. ક્યારેક રાષ્ટ્રપતિને શોભાના ગાંઠિયા કે મત્તું મારનાર ગણી કાઢવામાં આવે છે, પરંતુ સંસદીય લોકશાહીમાં સાવ જ એવું નથી એ રાજકીય કટોકટીના સંજોગોમાં તથા રાષ્ટ્રપતિ પોતાના બંધારણીય અધિકારો અંગે જાગૃત હોય તો અનુભવ કરી અને કરાવી શકે છે.

ભારતના વડા પ્રધાન ૧૫ ઓગસ્ટના રોજ એટલે કે સ્વાતંત્ર્ય દિને (ઈન્ડિપેન્ડેન્સ ડે) લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરી શકે છે. એવી જ રીતે ૨૬ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કે સવારે રાષ્ટ્રપતિ પણ સરકારી ટીવી દૂરદર્શન તથા આકાશવાણી સહિતના મંચ પરથી દેશવાસીઓને સંબોધન કરી શકે છે. પ્રજાસત્તાક દિન (રિપબ્લિક ડે)ના સંબોધનને સરકાર તરફથી લખીને આપવામાં આવતું નથી એટલે જે પણ કોઈ રાષ્ટ્રપતિ હોય એ પોતાની રીતે આ ભાષણને સ્વતંત્ર રીતે લખીને, રજૂ કરી શકે છે. રાષ્ટ્રપતિ એ સિવાય જે ભાષણો સંસદના ગૃહોની સંયુક્ત બેઠકમાં કરે જેને સંસદીય સત્રના પ્રારંભે અભિભાષણ ગણાવાય, એ તેમણે જે તે સત્તારૂઢ સરકાર તરફથી લખીને અપાયેલા ભાષણને જ અનુસરવું પડે છે. ક્યારેક એવી પણ સ્થિતિ સર્જાય છે કે એક જ વ્યક્તિએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી પહેલાં અને પછીની જુદા જુદા પક્ષ કે સત્તારૂઢ મોરચાની ભિન્ન ભિન્ન નીતિઓ રજૂ કરતું ભાષણ થોડાક સમયના અંતરે કરવાનું આવે છે. બંને વખતે ‘મારી સરકાર’ શબ્દપ્રયોગ કરીને એની જુદી જુદી અને ક્યારેક તો વિરોધાભાષી નીતિઓ રજૂ કરીને એનું ગૌરવ લેવાનું એક જ વ્યક્તિને ફાળે આવે છે!

રાષ્ટ્રપતિ નારાયણન અને રામનાથ કોવિંદ

વર્ષ ૧૯૯૭થી ૨૦૦૦ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના હોદ્દે કે. આર. નારાયણન હતા. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ની મુદ્દત માટેના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. બંને વચ્ચેનું સામ્ય એ છે કે બંને દલિત પરિવારમાં જન્મીને દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દે પહોંચ્યા. ૨૬ જાન્યુઆરીએ એટલે કે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છાનુસાર કેવું ભાષણ કરી શકે, એ વિશે રાષ્ટ્રપતિ નારાયણનના સચિવ રહેલા ગોપાલકૃષ્ણ ગાંધીએ સુપેરે જણાવ્યું છે. નારાયણન કેન્દ્ર સરકાર પાસેથી જે વિગતો મંગાવવી હોય તે મંગાવીને પોતાને ઠીક લાગે તેવું પ્રજાજોગું પ્રવચન તૈયાર કરતાં. વચ્ચે વચ્ચે પોતાને ઠીક લાગે એવાં ઉમેરણ પણ કર્યાં હતાં. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ આવી રીતે સ્વતંત્રપણે પોતાનું પ્રવચન તૈયાર કરવાની મહેનત કરવાને બદલે તૈયાર પ્રવચન જ વાંચવાનું પસંદ કરતાં હોય છે, પણ વિવિધ દેશોમાં રાજદૂત રહેલા નારાયણન જરા નોખી માટીના માનવી હતા.

૨૬ જાન્યુઆરી ૧૯૩૦નો પૂર્ણ સ્વરાજ દિન

રાષ્ટ્રપતિ નારાયણનની આગવી પ્રતિભાનું પ્રતિબિંબ પાડતું એમનું પ્રથમ પ્રજાસત્તાક દિવસ નિમિત્તનું ભાષણ પ્રજાસત્તાક દિવસના ઐતિહાસિક મૂળ સુધી ગયું હતુંઃ ૨૬ જાન્યુઆરી ૧૯૩૦. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુના અધ્યક્ષસ્થાને ડિસેમ્બર ૧૯૨૯માં ‘પૂર્ણ સ્વરાજ’નો ઠરાવ કરાયો હતો. સમગ્ર દેશમાં ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરાયું હતું. સંયોગ તો જુઓ કે એ વેળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રત્યેક શાખામાં આ દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવાનો આદેશ સંઘના સંસ્થાપક અને કોંગ્રેસી નેતા ડો. કેશવ બલિરામ હેડગેવારે પણ આપ્યો હતો.

૧૯૯૮માં રાષ્ટ્રપતિ નારાયણને ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના ઈતિહાસનું સ્મરણ કરાવીને લાહોરના કોંગ્રેસ અધિવેશનના એ પૂર્ણ સ્વરાજ ઠરાવને ટાંક્યો પણ હતો. તેમણે ‘અનિયંત્રિત રીતે ફૂલીફાલી રહેલા કોમવાદ અને જાતિવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.’ ‘ભ્રષ્ટાચાર, હિંસાચાર અને ગુનાખોરીના રાજકારણ અને સમાજના પ્રતાપે વિકાસના લાભનાં ફળ બધાંને સમાન રીતે નથી મળતાં’ એવું પણ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રપતિ નારાયણન પહેલાં રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ૧૯૬૭ના પ્રજાસત્તાક દિવસના એમના સંબોધનમાં રાષ્ટ્રપતિ હોદ્દાના શપથ લે ત્યારે બંધારણનું જતન કરવાની ખાતરી આપતા હોવાની વાતને તાજી કરીને ‘રાષ્ટ્રીય દૃષ્ટિકોણ, સમાનતાના સ્વપ્નની’ વાત કરીને ભારપૂર્વક કહ્યું હતુંઃ ‘ચોફેર જોવા મળતી બિનકાર્યક્ષમતા અને રાષ્ટ્રીય સંસાધનોના બેફામપણે ચાલતા ગેરવહીવટને ચલાવી લેવાય નહીં.’ આ વખતે વડા પ્રધાનના હોદ્દે શ્રીમતી ઈંદિરા ગાંધી હતાં એ યાદ રહે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના પ્રથમ પ્રજાસત્તાક પ્રવચનની મૌલિકતા ભણી બધા મીટ માંડીને બેઠા હોય ત્યારે ભૂતકાળના આ બે મૌલિક પ્રજાસત્તાક સંબોધનો ઘણાં બોલકાં હોવાનું જરૂર અનુભવાય છે.

ઈશાન ભારતનાં રાજ્યોમાં ચૂંટણી

ઈશાન ભારતમાંના આઠ રાજ્યોમાં સત્તા મેળવવા માટે દિલ્હીના શાસક વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્રપણે સંઘપરિવાર ભારે મથામણ અનુભવે છે. આમ પણ ઈશાનનાં રાજ્યો સત્તા સાથે સંધાણ સાધવાની ભૂમિકાનાં પક્ષધર રહેતાં હોવા છતાં નેતાઓ સીધેસીધા ભાજપમાં સામેલ થઈને સત્તામોરચામાં આવવાને બદલે પોતાના અલગ અલગ પૂંછડિયા પક્ષ સ્થાપીને દિલ્હી સાથે સંધાણ સાધવાનું વધુ પસંદ કરે છે.

આગામી ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ત્રણ રાજ્યો - મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મેઘાલય છેલ્લી બે મુદ્દતથી કોંગ્રેસશાસિત છે અને કોંગ્રેસના મુકુલ સંગમા આ વખતે ત્રીજી વાર મુખ્ય પ્રધાન બનવા મેદાને પડી રહ્યા છે. ત્રિપુરામાં દાયકાઓથી માર્ક્સવાદીઓના ડાબેરી મોરચાનું શાસન છે. પાંચમી વાર મુખ્ય પ્રધાન બનવા માટે માણિક સરકાર આ વખતે મચી પડવાના છે. નાગાલેન્ડમાં નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટના ટી. આર. ઝેલિઆંગ મુખ્ય પ્રધાન તરીકે ભાજપના વડપણવાળા એનડીએમાં હતા, પણ હવે બેઉ નોખા પડીને કોણ કેટલું ગજું કાઢશે એ માટે એકમેકનાં શક્તિપરીક્ષણ થવાનાં છે. ત્રણેય રાજ્યોમાં ૬૦ સભ્યોવાળી વિધાનસભા માટે ચૂંટણી થવાની છે. દિલ્હીના ઈશારે અને સંઘ પરિવારના સંગઠનોના સાથસહકારથી ઈશાન ભારતનાં આ રાજ્યોમાં આયા રામ – ગયા રામના ખેલ ચાલી રહ્યા છે. કોણ ક્યારે કોની સાથે હશે એ કહેવું મુશ્કેલ છે. સત્તાપ્રાપ્તિ માટે સાધનશુદ્ધિ હવે અનિવાર્ય લેખાતી નથી.

લોકસભાની ચૂંટણી પહેલાંની કવાયત

ઈશાન ભારતના જે આઠ રાજ્યો છે તેમાં આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકારો છે. મોટા ભાગની સરકારો આયાતી ઉમેદવારો થકી રચાઈ છે. આસામની ભાજપની સરકારમાં મૂળ સંઘ – જન સંઘ – ભાજપના માત્ર એક સિવાયના તમામ પ્રધાનો અને મુખ્ય પ્રધાન પણ કોંગ્રેસ અને અહોમ ગણ પરિષદમાંથી આયાત કરેલા છે. અરુણાચલ પ્રદેશ અને મણિપુર પણ પક્ષાંતરના પગલે હાંસલ કરેલી ભાજપી સરકારો હેઠળ છે. સિક્કિમ અને નાગાલેન્ડ એનડીએ હેઠળ ભાજપના મિત્રપક્ષોથી ચાલતી સરકારો રહી છે. મિઝોરમમાં કોંગ્રેસી સરકાર છે.

જોકે, આ વખતની ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપના પ્રભાવને ઈશાનના રાજ્યોમાં વધારશે એ નિશ્ચિત છે. એ પછીના તબક્કામાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ માટે એ તબક્કો નિર્ણાયક બની રહેવાનો છે.

કર્ણાટક કોંગ્રેસ પાસેથી છીનવવા જતાં ભાજપશાસિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢને ટકાવવાનાં છે. મિઝોરમ ખ્રિસ્તીબહુલ રાજ્ય છે એટલે એ મેળવવા માટે પણ ભાજપે ભારે ઉધામા કરવા પડશે. વર્ષ ૨૦૧૮ ભાજપ માટે લોકસભાની ચૂંટણી પૂર્વે જય-પરાજ્ય માટે નિર્ણાયક બની રહેશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter