ભારતીય લશ્કરી દળોને વિશેષાધિકારનો વિવાદ વણસ્યો

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 04th September 2018 07:05 EDT
 
 

ભારત સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કરતાં હોય તેમ લશ્કરના સેવારત કર્નલ કક્ષાના અધિકારીથી લઈને જવાનો સુધીના ૩૬૫ જણાનો લશ્કરી વડા જનરલ બિપીન રાવતની મંજૂરી વિના જ પોતાના અધિકારોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો સ્ફોટક મામલો વિવાદનો વિષય બન્યો છે. આવતા સપ્તાહે એટલે કે ૧૧ સપ્ટેમ્બરે સુનાવણી માટે આવશે. લશ્કરી વડાએ ત્રણેક સપ્તાહ બાદ આ અરજી કરનારાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારને અનુકૂળ એવા અને હજુ ૨૦૧૭ સુધી ભારતના એટર્ની જનરલ રહેલા સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી મુકુલ રોહતગી સંબંધિત અધિકારીઓની અરજી તૈયાર કરવામાં સામેલ હોવાથી મામલો રહસ્યમય બન્યો છે. મહદ્ અંશે પૂર્વ કમાનના ૭૫ અધિકારીઓ સહિતના સેવારત લશ્કરી અધિકારી-જવાનોએ ‘પોતાની મેળે’ ગઈ ૧૪ ઓગસ્ટે ૯૦ પાનાંની અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં જઈને સશસ્ત્ર સેના વિશેષાધિકાર કાનૂન (આફપ્સા) હેઠળ પોતાને રક્ષણ મળે અને આ કાનૂનનો અમલ ચાલુ રાખવામાં આવે, એવી દાદ માંગી છે.

આ સમગ્ર પ્રકરણ પબ્લિક ડોમેઈનમાં છે એટલે ભારતીય લશ્કરની વ્યથા અને વેદનાનો લાભ રાષ્ટ્રદ્રોહી તત્વો અને વિદેશી શક્તિઓ પણ લઇ શકે છે. સમગ્ર પ્રકરણ પોલીસ અને સીબીઆઇ થકી સંખ્યાબંધ અધિકારીઓ-જવાનો સામે ફોજદારી ખટલા ચલાવવામાં આવી રહ્યા હોવા વિશે લશ્કરી દળોમાં પ્રવર્તમાન અજંપાભરી સ્થિતિને કારણે બગાવતનું સ્વરૂપ લઇ રહ્યાની ચર્ચા સોશિયલ મીડિયામાં લશ્કરના નિવૃત્ત અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોના કરી રહ્યા છે.

સંબંધિત કાનૂન વર્ષ ૧૯૫૮માં સંસદમાં મંજૂરી પછી અમલમાં આવ્યો હતો. દેશના જે વિસ્તારો અશાંત જાહેર કરવામાં આવ્યા હોય ત્યાં લશ્કરી દળોને ફરજ પર મૂકીને તેમને વિશેષાધિકાર આપવામાં આવે તેવી જોગવાઈ ધરાવે છે. આવા અધિકારો લશ્કરી દળોને જ અપાય છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ) સહિતનાં અર્ધ લશ્કરી દળોને આવા વિશેષ અધિકાર પ્રાપ્ત થતા નથી.

વિશેષાધિકાર અને ઈરોમ શર્મિલા

વોરંટ વિના લશ્કરી અધિકારીઓ કોઈની પણ પૂછપરછ કરી શકે, કોઈના પણ ઘરમાં ઘૂસી શકે, કોઈની હત્યા થાય તો પણ તેની સામે હત્યાનો કેસ ના થાય, કોઈના ઘર કે મકાનને ધ્વસ્ત કરી શકે અથવા તો કોઈની પણ ધરપકડ કરીને પોલીસને સુપરત કરી શકે; એવા વિશેષાધિકાર તેમને ઉપલબ્ધ રહે છે. સામાન્ય રીતે ઇશાન ભારતનાં આસામ સહિતનાં સાતેય રાજ્યોમાં તેમજ જમ્મૂ-કાશ્મીરમાં આ કાનૂનનો અમલ વિભાજનકારી તત્વો અને આતંકવાદી પ્રવૃત્તિને નાથવા માટે અનિવાર્ય બન્યો હતો. જે તે રાજ્યની સરકાર જયારે સ્થિતિ સામાન્ય થયાનું માને ત્યારે તેનો અમલ દૂર કરવામાં આવે તેવી તેમાં જોગવાઈ છે.

જોકે દુનિયાભરમાં આ કાનૂન વિવાદાસ્પદ બન્યો હતો કારણ કે એના કારણે માનવાધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનો તર્ક આગળ કરાય છે. મણિપુરમાં નિર્દોષ માણસોને આવા વિશેષાધિકાર કાનૂન હેઠળ મોતને ઘાટ ઉતારાતા હોવાને મુદ્દે વિરોધ કરવા માટે ઈરોમ શર્મિલાએ ૧૬ વર્ષ સુધી ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. પ્રજા પરના આવા કથિત અત્યાચારો દૂર કરવા માટે એણે ચૂંટણી લડીને રાજ્યનાં મુખ્ય પ્રધાન બનવું હતું. એ માટે એણે વિધાનસભાની ચૂંટણી લડી તો ખરી, પણ એની ડિપોઝિટ પણ બચી નહીં એટલે છેવટે એણે પોતાના બ્રિટિશપ્રેમી સાથે લગ્ન કરીને વિદેશ ચાલ્યા જવાનું પસંદ કર્યું હતું.

કેન્દ્ર સરકાર અને કમાન્ડની ભૂમિકા

હમણાં મેઘાલયમાંથી ૬૦ વર્ષ જૂના સશસ્ત્ર સેના વિશેષાધિકાર કાનૂન (આફપ્સા)ને હટાવી લેવાયો. નાગાલેન્ડ અને જમ્મૂ-કાશ્મીરમાં એનો અમલ યથાવત્ છે. અરુણાચલ પ્રદેશમાં એના અમલના પ્રદેશને ૧૬ પોલીસ થાણાને બદલે આઠમાં સીમિત કરાયો છે. આસામમાં પણ એના અમલને સીમિત કરવાનો વિચાર ચાલી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાં એનો અમલ વધુ પ્રભાવી કરવામાં આવ્યો છે. જોકે લશ્કરી દળો આવા વિશેષાધિકારોનો દુરુપયોગ કરીને બળાત્કાર કે હત્યાઓ કરતાં હોવાની ઘણી ફરિયાદો કરવામાં આવતાં સંબંધિત લશ્કરી અધિકારીઓ અને જવાનો સામે આવા ગુના નોંધાવવાનું બનતાં દળોમાં એક પ્રકારનો અસંતોષ વધતો ચાલ્યો.

હકીકતમાં આવા પ્રશ્નોમાં કેન્દ્ર સરકાર અને કમાન્ડે તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો ઘટે, પરંતુ સંબંધિત જે ખટલો ૧૪ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો એમાં કેન્દ્ર કે લશ્કરી વડાની મંજૂરી લેવામાં આવી નથી. મામલો સુપ્રીમમાં જવો જોઈતો નહોતો. કારણ કે આ કાયદાના અમલની બાબતમાં કેન્દ્ર અને કમાન્ડ નિર્ણય લેવા સક્ષમ હતાં. આમ છતાં કેન્દ્ર કે કમાન્ડની મંજૂરી વિના આટલા મોટા પ્રમાણમાં સેવારત અધિકારીઓ-સુબેદાર-જવાનો સુપ્રીમમાં જાય એ મામલો જ ‘રહસ્યમય’ બની જાય છે.

લશ્કરી વડાની નારાજગીમાં વિલંબ

લશ્કરી વડા જનરલ બિપીન રાવતને પોતાના કમાન્ડ હેઠળના આટલા બધા અધિકારી-જવાનો અદાલતે જાય એ સામે નારાજગી વ્યક્ત કરવામાં ત્રણ-ત્રણ અઠવાડિયાં લાગે એ વાત હજમ થાય તેવી નથી. કાં તો આ એમની મિલીભગતથી કરવામાં આવેલો ખટલો છે અથવા તો લશ્કરમાં શિસ્તનું છડેચોક ઉલ્લંઘન થાય એવી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. જોકે ભારતીય લશ્કરના રાજકીયકરણનો આ ગંભીર મામલો જોવા મળે છે.

અત્યાર લગી ભારતીય લશ્કરી દળો એટલે કે ત્રણેય પાંખો બિન-રાજકીય રહી છે. સેવારત ૩૫૬ અધિકારીઓ સંબંધિત કાનૂનમાં કોઈ પણ જાતના સુધારા વિના આ કાનૂનના અમલની યાચના સાથે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકરની ખંડપીઠ સમક્ષ અરજદારોના ધારાશાસ્ત્રી ઐશ્વર્યા ભાટીએ કેસ પ્રસ્તુત કર્યો હતો. અદાલતે ૨૦ ઓગસ્ટે એની સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યા પછી હવે ૧૧ સપ્ટેમ્બરે એની સુનાવણી થશે.

મણિપુરમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૧૨ વચ્ચે ૧૫૮૨ જેટલા ગેરકાનૂની હત્યાના ખટલાને લગતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં આવી હતી અને સીબીઆઇની ખાસ તપાસ ટુકડી (એસઆઈટી) રચવાનો જુલાઈ ૨૦૧૭માં નિર્દેશ અપાયો હતો. અધિકારીઓનું કહેવું છે કે તેમણે આટલી મોટી સંખ્યામાં હત્યા જેવા કેસનો સામનો કરવો પડે તો એમનું મનોબળ તૂટવું સ્વાભાવિક છે. આવા ખટલાઓ મણિપુરથી લઈને કાશ્મીર સુધી દાખલ થયેલા છે.

હકીકતમાં આ સમગ્ર પ્રકરણમાં કેન્દ્ર સરકાર અને દળોના વડાઓએ પૂરતી વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવાના હોય, પરંતુ પ્રત્યેક બાબતની રાજકીય અસરો જોતાં મામલા કોર્ટ ભણી ધકેલવાની વૃત્તિ-પ્રવૃત્તિ વધી છે. જમ્મૂ-કાશ્મીરમાં પથ્થરબાજ તોફાનીઓ સામેના કેસ પણ સામેલ છે. કેટલાક કેસમાં લશ્કરે પોતાના અધિકારનો ઉપયોગ કરીને ગોળી ચલાવી હોય અને મૃત્યુ થયાં હોય તો એ અંગે પણ હત્યાના ખટલા દાખલ થયા છે.

જનરલ રાવતને સતાવતી ચિંતા

શનિવાર, ૧ સપ્ટેમ્બરે નવી દિલ્હીના માણેકશા સેન્ટરમાં કર્નલ કક્ષાના અધિકારીઓને સંબોધતાં સુપ્રીમ કોર્ટમાં ગયેલા અધિકારીઓનો આંકડો ૭૦૦ જેટલો હોવાનો સંકેત આપ્યો. હકીકતમાં તેમને જે ચિંતા સાતવે છે એ આવી છે: ‘આર્મી આ ખટલો લડે જ છે અને છતાં ૭૦૦ જેટલા અધિકારીઓ અદાલતે ગયા છે. જો સુપ્રીમ કોર્ટમાં આ અધિકારીઓ પોતાનો કેસ હારી જશે તો શું થશે?’

જોકે સંબંધિત અધિકારીઓને માથે કોર્ટ માર્શલ કે પોલીસ કાર્યવાહીની તલવાર લટકતી હોવાથી તેમણે સુરક્ષાકવચ મેળવવા માટે સુપ્રીમમાં જવાનું પસંદ કર્યું છે. આ સઘળો ઘટનાક્રમ ભેદી છે. સામાન્ય રીતે ભારતીય લશ્કરી દળો રાજકીય પ્રવૃત્તિથી દૂર રહેવા માટે જાણીતાં હોવા છતાં આ સઘળા પ્રકરણમાં રાજકારણની બૂ જરૂર આવે છે. રાજકીય શાસકોએ ટૂંકા ગાળાના લાભ ખાટવા માટે લશ્કરી દળોના રાજકીયકરણને ખાળવા માટે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા નિર્ણયો તાકીદે કરવાની જાગૃતિ કેળવવી પડશે, અન્યથા સ્થિતિ અંકુશ બહાર જતાં આ બાબતો ભારતીય લોકશાહી માટે ખતરનાક સાબિત થશે.

રાષ્ટ્રીય સુરક્ષા માટે લશ્કરી દળોને આ વિશેષાધિકાર કાનૂન હેઠળ સુરક્ષાકવચ ઉપલબ્ધ કરાવવું જરૂરી હોય છે. એનો દુરુપયોગ થાય નહીં એટલા માટે સેફટી વાલ્વ અને મોનિટરિંગ તંત્ર અનિવાર્ય છે. માનવાધિકારોને નામે દેશવિરોધી પ્રવૃત્તિને સાંખી લઇ શકાય નહીં.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter