મહારાષ્ટ્રમાં મરાઠા જુવાળને સર્વપક્ષી સમર્થન

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 28th September 2016 08:54 EDT
 
 

વિશ્વ આખું વિરોધાભાસોથી ભરેલું છે, પણ ગુજરાત અને મહારાષ્ટ્ર તો એક જ મુંબઈ રાજ્યમાંથી અલગ થયેલાં ભગિની-રાજ્ય હોવા છતાં એના ઉજળિયાત ગણાતા વર્ગોએ શિક્ષણ અને નોકરીઓમાં અનામત મળવાના ટેકામાં લાખોની સંખ્યામાં મોરચા અને રેલીઓ કાઢવાનું નક્કી કર્યું ત્યારે એક જ પક્ષ ભારતીય જનતા પક્ષની જ સરકારોના મુખિયાઓની ભૂમિકા એકદમ વિરોધાભાસી રહી છે.

ગુજરાતના પાટીદાર અનામત આંદોલનમાં અક્કડ ભાજપી પટેલ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગાદી હોમાઈ ગઈ. મહારાષ્ટ્રમાં પટેલ સમકક્ષ ગણાતા રાજ્યની વસ્તીના ૩૨ ટકાવાળા મરાઠા સમાજના અનામત આંદોલન સાથે ભાજપના જ બ્રાહ્મણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એકદમ સહાનુભૂતિ ધરાવે છે. પ્રગટ પણ કરે છે. ગુજરાતમાં પટેલ સમાજના રાજકીય પ્રભાવ અને પ્રધાનમંડળમાં આઠથી નવ પટેલ પ્રધાન હોવા છતાં આનંદીબહેનથી લઈને આજના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ બંધારણીય સુધારો કરીને પટેલો સહિતના સવર્ણ ગણાતા વર્ગના આર્થિક પછાતોને અનામતનો લાભ આપવાની વાત કરતા નથી.

આનાથી ઊલ્ટું, મહારાષ્ટ્રમાં એની રચનાના ૬૬ વર્ષના સમયગાળામાં મહદઅંશે મરાઠા મુખ્ય પ્રધાન રહ્યા, બિન-મરાઠા મુખ્ય પ્રધાન આવ્યા ત્યારે એમને ઉથલાવવાની રીતસર ઝુંબેશો હાથ ધરાઈ તેમ છતાં આજે ‘એક મરાઠા લાખ મરાઠા’ સૂત્ર સાથે રાજ્યભરમાં નીકળી રહેલા શાંત અને મૂક મોરચામાં લાખોની જનમેદની ઊમટે છે. એટલું જ નહીં, એમની માગણી સાથે સત્તાધારી અને વિપક્ષના તમામ પક્ષો જ નહીં, દલિત બહુજન સમાજ પણ ટેકો આપી રહ્યો છે.

મોદી સરકારમાં મહારાષ્ટ્ર દલિત આગેવાન રામદાસ આઠવલે રિપબ્લિકન પાર્ટીના નેતા તરીકે પ્રધાન છે. આઠવલે તો ૪૯.૫ ટકા જેટલી દલિત, આદિવાસી અને ઓબીસી અનામતની સુપ્રીમ કોર્ટે ઠરાવેલી ટોચમર્યાદા ઉપરાંત વધારાની ૨૫ ટકા અનામત સવર્ણ ગણાતા સમાજોના આર્થિક રીતે પછાત એવા પરિવારને આપવા માટે બંધારણીય સુધારો કરવાનો પ્રગટપણે આગ્રહ કરી રહ્યા છે. બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર એડવોકેટ પ્રકાશરાવ આંબેડકર પણ મરાઠા સમાજની અનામતની માગણીના ટેકામાં છે.

નવાઈ એ વાતની છે કે સમગ્ર મહારાષ્ટ્રમાં લાખો મરાઠાઓના મૂકમોરચા તબક્કાવાર યોજાઈ રહ્યા છે અને વિવિધ પક્ષના આગેવાનો એમને ટેકો આપી રહ્યા છે. છતાં આ મોરચાઓનું નેતૃત્વ કોઈ રાજનેતાના હાથમાં નથી. સમગ્રપણે સમાજ જ એનું નેતૃત્વ કરી રહ્યો છે. કોઈ રાજનેતા, સાંસદ-ધારાસભ્ય કે પ્રધાન આવા મોરચાઓમાં સહભાગી થઈ શકે છે, પણ એની વતી બોલવાનો અધિકાર તેમને નથી. મહારાષ્ટ્રની આ ચળવળ એક અનોખા ચમત્કાર તરીકે જ ચલાવાઈ રહી છે.

મરાઠાઓની માગણીઓ શું છે?

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામની મરાઠા સમાજની એક ૧૪ વર્ષીય કન્યા પર દલિત વર્ગના ત્રણ જણાએ અમાનુષી બળાત્કાર ગુર્જાયાની ઘટનાએ સમગ્ર મરાઠા સમાજને ઉશ્કેરી મૂક્યો. આમ પણ મહારાષ્ટ્ર દલિત-દલિતેતર ટકરાવ માટે જાણીતું રાજ્ય હોવા છતાં છત્રપતિ શાહૂ મહારાજ સહિતના સમાજસુધારક અભિગમ ધરાવતા અગ્રણીઓની પરંપરાવાળા આ રાજ્યમાં ફરીને કોપર્ડી પ્રકરણ રમખાણો સર્જે નહીં એની પૂરતી તકેદારી સમાજના તમામ વર્ગો લઈ રહ્યા છે.

જોકે મરાઠા ક્રાંતિ મોરચા કાઢનારાઓની મુખ્ય ચાર-પાંચ માગણી છેઃ

(૧) કોપર્ડી બળાત્કાર પ્રકરણના આરોપીઓને ફાંસીની સજા થાય (૨) મરાઠા સમાજને અનામતનો લાભ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ તથા સરકારી નોકરીઓમાં ભરતી કરતાં આપવામાં આવે (૩) મોંઘાદાટ થઈ રહેલાં સ્વનિર્ભર શિક્ષણ માટે મરાઠા પરિવારનાં ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક રાહત અપાય. (૪) કેન્દ્રનો દલિત - આદિવાસી પરના અત્યાચારને રોકવા માટેના કાયદા એટ્રોસિટીઝ એક્ટનો દુરુપયોગ થતો હોવાથી એને રદ કરવામાં આવે. (૫) ખેતપેદાશોના વાજભી ભાવ અપાય. દલિત - આદિવાસી અને ઓબીસી અનામતના અન્ય જે સમાજોને લાભ મળે છે તે જોતાં એ લાભથી વંચિત રહેલા મરાઠા સમાજને અનામતનો લાભ લેવાનો આગ્રહ જાગે એ સ્વાભાવિક છે.

જોકે, વિધાનસભાની અને લોકસભાની છેલ્લી ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રની કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકારે મરાઠા સમાજને ૧૫ ટકા ઓબીસી અનામતનો લાભ આપવા ઉપરાંત મુસ્લિમ સમાજને પણ પાંચ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મુંબઈની વડી અદાલત અને પછીથી દેશની સર્વોચ્ચ અદાલતે એ નિર્ણયને બંધારણવિરુદ્ધ ગણાવીને રદબાતલ કર્યો હતો.

ચૂંટણી પછી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર આવ્યા પછી એણે સત્તાવાર રીતે મરાઠા માટે અનામતની તરફેણ કરી હતી, પરંતુ મુસ્લિમોને ધર્મઆધારિત અનામતની બંધારણમાં જોગવાઈ નહીં હોવાથી તેમને અનામત ના આપવી એવી ભૂમિકા લીધી હતી. રાજ્યની ફડણવીસ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી મરાઠા અનામત માટેની અરજીને પણ ફગાવી દેવામાં આવ્યા પછી પણ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષની ભૂમિકા પણ મરાઠા સમાજને અનામતનો લાભ આપવાની છે. જોકે એ માટે બંધારણમાં સુધારો અનિવાર્ય બની જાય છે.

તમિળનાડુનો દાખલો લઈ અનામત

ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની માગણીના ટેકામાં જે આંદોલન ચાલ્યું એમાં ભાજપની આનંદીબહેન સરકારે અક્કડ વલણ જાળવ્યું એટલે જિલ્લા પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ. કોંગ્રેસનો વિજય એ ભાજપ સરકાર સામેના રોષનું પરિણામ ગણાવી શકાય. આનંદીબહેને છેવટે સવર્ણો ગણાતા સમાજોના આર્થિક રીતે પછાતો માટે પેકેજ જાહેર કર્યાં અને આર્થિક રીતે પછાતો માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી એને પણ વડી અદાલત અને સુપ્રીમ કોર્ટે બહાલિ આપી નહીં એટલે માત્ર પટેલ સમાજ જ નહીં, સમગ્રપણે ઉજળિયાત વર્ગ છેતરાયાની અનુભૂતિ કરે છે. એમાં ઉનાકાંડે દલિત આંદોલન ભડકાવ્યું અને પટેલોને અનામત જો ઓબીસીમાં ભાગ પડાવીને અપાય તો તે સામે વિરોધ માટે ઓબીસી મંચની ચળવળ ચાલી એટલે એકંદરે ગુજરાતમાં ભાજપ સરકાર ગોથાં ખાતી રહી.

દેશભરમાં ૭૫ ટકા અનામત

હરિયાણા અને રાજસ્થાનની ભાજપ સરકારો પછી મહારાષ્ટ્રની ભાજપ સરકાર પણ બંધારણ સુધારીને પણ અનામત ઝંખતા સમાજોને તમિળનાડુ પેટર્ન પર અનામતનો લાભ આપવા તત્પર છે. કેન્દ્રમાં મોદી સરકારના જ સમાજ કલ્યાણ રાજ્યપ્રધાન આઠવલેએ તો ખુલ્લેઆમ સવર્ણો માટે ૨૫ ટકા અનામતની તરફેણ કરીને બંધારણીય સુધારા થકી અનામતની ટકાવારી ૭૫ ટકાની કરવાની તૈયારી દર્શાવી છે. તમિળનાડુમાં આજે પણ બંધારણીય જોગવાઈ મુજબ ૬૮ ટકા અનામત અમલમાં છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ એની મર્યાદા ૫૦ ટકાથી વધે નહીં તેની તકેદારી રાખવા નિર્દેશ આપ્યા છે. મહારાષ્ટ્રમાં તમામ રાજકીય પક્ષો અને સમાજના આગેવાનો દલિત - દલિતેતર વચ્ચે ટકરાવ થાય નહીં એ માટે સમજાવટભરી ભૂમિકા લઈ રહ્યા છે. મંત્રણાઓથી અને બંધારણ સુધારાથી મરાઠા અજંપાને શાંત પાડી શકાશે. અન્યથા ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ નેતૃત્વ પરિવર્તન અનિવાર્ય બનશે કારણ મહારાષ્ટ્ર બિન-મરાઠા મુખ્ય પ્રધાનને સહેતું નથી અને એમાંય અત્યારના બ્રાહ્મણ મુખ્ય પ્રધાન પાછા વિદર્ભના છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને

અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter